ગલ્લો અને તેના ગલુડિયા – જાણે એનું પોતાનું કોઈ પ્રિયજન એનાથી દુર થઇ ગયું હોય એટલું દુઃખ એના ચહેરા પર દેખાતું હતું…

બસ! થોડાં વર્ષો પહેલાંનીજ આ વાત છે. એક સુંદર, રળિયામણું રજવાડું, પોતાની કુદરતી ધરોહર સાચવીને શહેર બનવાની દોટમાં નવું નવું જોડાયેલું, એ રજવાડાંના એક નવા વિસ્તરી રહેલા ખૂણામાં, એક નાનકડું ઘર, એ ઘરમાં નાનકડો સામાન્ય સુખી પરિવાર: દાદીમા, દાદાજી, માતા-પિતા, મોટી બહેન અને નાનકડો ગલ્લો.ગલ્લો ઘરમાં સૌથી નાનો અને સૌનો લાડકવાયો હતો. ગોળમટોળ ગલ્લો તેના વાંકડિયા વાળ, ગોરા રંગ અને ગાલમાં પડતાં ઊંડા ખંજનોને કારણે અડોશ પડોશમાં પણ સૌનો પ્રિય હતો. તેની મોટી મોટી કથ્થાઈ આંખોમાં હંમેશા એક વિસ્મય અંજાયેલું રહેતું. તેના માટે આખી દુનિયા કૌતુક ભરેલી હતી, વિશેષ કરીને અબોલ જીવો. પશુ, પક્ષી, નાનકડાં જીવ જંતુઓ ઉપર તેને સવિશેષ પ્રેમ. ચોમાસું આવે એટલે દેડકાં સાથે કૂદતો અને વસંતમાં પતંગિયાં સાથે ફૂલેફૂલે ફરતો. નદી તળાવે નાહવા જાય તો માછલીઓ સાથે તરવાની હોડ બકતો. વહેલી સવારે કોયલ સાથે ગાતો અને વરસાદમાં મોર સાથે નાચતો. શાળાની રિસેસમાં પોતાનો ડબ્બો વંદરાઓને ધરી દેતો, આંગણે આવતી ગાયને બધી રોટલીઓ નીરી દેતો. બિલાડીના બચ્ચાને ઉપાડી લાવી, તેને તપેલી ભરીને દૂધ પીવડાવી દેતો. મા ઘણી વાર થાકી જાતી, તેને રડવું પણ આવી જતું, કેમકે નોકરિયાત માણસનું, મહેમાનવાળું ઘર હતું. કેટલાક મહીનેતો ઘરના બે છેડા ભેગા કરતાં આંખે પાણી આવી જતાં, એમાં ગલ્લાનાં આવા કારનામા!

ગલ્લાની આ ગમતી કવિતા, તે આખો દિવસ ગાતો:

ચકલી બોલે ચીંચીં, ટીપું પાણી પીપી
કાગડો બોલે કાંકાં, મોટે સાદે ગાગા

કોયલ બોલે કૂકૂ, હોલો બોલે ઘૂઘૂ
કુકડા કુકડા કૂકડે કૂક, ગાડી ચાલે છૂક છૂક છૂક

બકરી બોલે બેંબેં, આલો પાલો લેલે
મીની મીની મ્યાઉં મ્યાઉં, ઓરી આવ દૂધ પાઉં

ઉંદર મામા છૂ છૂ, સામે ઊભો હું છું.

સાથે સાથે જાત જાતના પ્રાણીઓની નકલ કરી નાચતો. દાદીમા તો ઓવારણાં લઈને હર ખાતાં. માતા-પિતા ક્યારેક ગુસ્સો કરતાં પણ પૌત્ર ઘેલા દાદીમા અને દાદાજી તેને છાવરતા. મિત્ર સમાન મોટી બહેન દોષનો ટોપલો પોતાના માથે ઓઢી લેતી. પ્રકૃતિ પ્રેમી ગલ્લાને કુદરતના સાંનિધ્યમાં અને પશુઓના સંગાથમાં અનેરો આનંદ મળતો અને તે બાકી દુનિયાને સંપૂર્ણ રીતે વિસરી જતો. ગલ્લો જ્યારે ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે ભાદરવા મહીનાના એક દિવસે ઘરની બાજુમાંજ અવાવરું પડી રહેતાં એક ખૂણામાં, એક કૂતરીએ પાંચ ગલૂડિયાને જન્મ આપ્યો. ગલ્લાની તો દુનિયાજ બદલાઈ ગઈ, હવે તેનું જીવન પોતાના ઘરની બાજુમાંજ સીમિત થઈ ગયું. મા શીરો બનાવી દેતી અને ગલ્લો ત્યાં જઈ કૂતરીને શીરો ખવડાવી આવતો, જ્યાં સુધી કૂતરી ખાઈ ન લેતી ત્યાં સુધી તેના માથે હાથ ફેરવતો રહેતો અને કવિતા ગાતો રહેતો,“કાળુડી કૂતરીને આવ્યા ગલૂડિયા,
ત્રણ છે રાતા અને બે છે કાબરા.
હાલો ગલૂડાં રમાડવા જી રે !
માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે,
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં રે!
હાલો ગલૂડાં રમાડવા જી રે !
માતાને માથડે ચડતાં ને ચાટતાં,
જોગણનાં જાણે લટૂરિયાં રે!
હાલો ગલૂડાં રમાડવા જી રે !”

ગલ્લો શાળાએ તો જતો પણ પાછા આવીને, કપડાં બદલ્યા વગર, ખાધા પીધાં વગર કૂતરી અને તેના ગલૂડિયા પાસે પહોંચી જતો. કુમળાં નાના બચ્ચાઓને જોઈ ગલ્લો હરખાતો, તેને જલ્દી બચ્ચાઓ સાથે રમવું હતું પણ બચ્ચા આંખો ખોલે તોને! હજુ તો માત્ર ત્રણ દિવસ જ થયાં હતાં અને એક રાત્રે ધોધમાર વરસાદ ટૂટી પડ્યો, બચ્ચાઓને પલળતાં બચાવવાં તેમને ઢાંકીને બેઠેલી કૂતરી પોતે ઠૂંઠવાઈને મરી ગઈ. સવારે શાળાએ જતા પહેલા ગલ્લાએ જોયું તો નાનકડા ગલૂડિયા ભૂખથી ટળવળી રહ્યાં હતાં, મૃત માના સ્તનમાંથી પોતાનો ખોરાક મેળવવાની નાકામ કોશિશ કરતાં હતાં. તેમનામાં રડવાની પણ તાકાત નહોતી. ગલ્લાએતો દફતર પડતું મૂક્યું અને પાંચેય ગલૂડિયાને એક-એક કરી પોતાના ઘરમાં લઇ આવ્યો. ટોટી વાળી બોટલથી દૂધ પાયું અને ગોદડીની સરસ પથારી કરી તેમાં સુવડાવી દીધાં. હવે ગલ્લો બીજું બધું ભૂલી ગયો હતો. ન ભણવાજવું, ન રમવાજવું, ન શાળા, ન ભાઈબંધ. જે કહોતે બધું ફક્ત ગલૂડિયા. બાળક મટી ગલુડિયાની “મા” બની ગયો હતો ગલ્લો! સવાર-બપોર-સાંજ ગલૂડિયાને દૂધ પીવડાવવું, થોડું ખવડાવવાની કોશિશ કરવી, આંખો ખોલાવવાનો પ્રયત્ન કરવો, તેમની ગોદડી સવળી-અવળી કરવી અને બચ્ચાઓને સલામત રાખી, જલ્દી મોટા કરવાની મહેનતજ ગલ્લાનો ધ્યેય બની ગયા હતા.ચાર દિવસ થયા, શાળામાં મોટી બહેનને ગલ્લાની ગેરહાજરીનું કારણ પૂછવામાં આવ્યું. ભાઈબંધોએ આવી પિતાને કહ્યું, “ કાકા! સાહેબે કહ્યું છે , હવે જો ગલ્લો શાળાએ નહીં આવે તો પાસ નહીં થાય.” બહેને પણ એજ કહ્યું અને ગલ્લાને સમજાવ્યોકે તારે ભણવામાંતો ધ્યાન આપવુંજ પડશે, શાળાએતો આવવુંજ પડશે. ગલ્લાએ મન મનાવ્યું. મા પાસેથી ગલુડિયાનું ધ્યાન રાખવાનું વચન લીધું અને કાલથી શાળાએ જઈશ એવું કહ્યું….. પણ ત્યાં તો તે સવારે ગલૂડિયાઓએ આંખ ખોલી. ગલુડિયાની આંખો પોતાની “મા” ગલ્લાને શોધતી હતી. એક “મા” પોતાના બાળકોને કેમ છોડી શકે! બસ, નક્કી થઈ ગયું ‘હું મારા ગલુડિયાને છોડીને ક્યાંય નહીં જાઉં.’ ઘરમાં બધાએ તેને સમજાવ્યો, પિતાએ તો એકાદબે ધોલ પણ ઠોકી દીધી. એક બાજુ ગલ્લો રડે અને બીજી બાજુ ગલૂડિયા!

બીજા દિવસે વહેલી સવારે, ગલ્લો ઉઠે તે પહેલાં, ગલ્લાના પિતા ગલુડિયાઓને ટોપલામાં ભરીને, સ્કૂટર ઉપર જઇ દૂર ગામની સીમમાં મૂકી આવ્યા. પછી માએ ગલ્લાને ઉઠાડ્યો અને શાળાએ જવાનું કહ્યું પરંતુ ગલ્લોતો પોતાના ગલૂડિયા પાસે ભાગ્યો પણ ત્યાંતો કોઈજ નહોતું. બહેને કહ્યું “ એતો મોટા થઈ ગયા એટલે ભાગી ગયા હશે. તું શાળાએ ચાલ.” ગલ્લો તૈયાર થયો, શાળાએ ગયો પરંતુ તેનું મન ઘડીએ ઘડીએ ગલૂડિયાની ચિંતામાં અટવાઈ જતું. રીસેસ પડી અને ગલ્લોતો શાળામાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો, જ્યાં સુધી નાના-નાના પગ દોડી શકે ત્યાં સુધી દોડ્યો, થાક્યો ત્યાં બેઘડી બેઠો, પાછો ઉભો થઈ ગલૂડિયાની શોધમાં ચાલવા માંડ્યો. ઘરનો રસ્તો ભુલાઈ ગયો હતો, ગલૂડિયા મળતાં નહોતા, મોટી મોટી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતાં, શર્ટના બટન ખુલવા મંડ્યા હતાં, ભૂખ પણ લાગી હતી અને તરસથી પણ ગળું સુકાતું હતું છતાંય બસ એકજ રટણ ‘મારા ગલૂડિયા’!

આ તરફ શાળાનો સમય પૂરો થતાં મોટી બહેનને ખબર પડી, કે ગલ્લો તો રિસેસમાંજ નીકળી ગયો હતો. બહેન ફટાફટ ઘરે આવી પણ તે ઘરે પહોંચ્યો નહોતો. માને વાત કરી, મા ચિંતામાં ઘાંઘી થઈ ગઈ, પાડોશીને ત્યાંથી ગલ્લાના પિતાને ફોન કરી ઘરે બોલાવ્યા. દાદીમા અને દાદાજી “મારો ગલ્લો, મારો દીકરો” ના વલોપાતે ચડ્યા. બધાને અંદાજ આવી ગયો હતો કે ગલ્લો નક્કી ગલૂડિયાની શોધમાં ગયો, પિતાને ખૂબ પસ્તાવો થયો, માએ, દાદીમાએ અને દાદાજીએ કુળદેવીની માનતા માની અને મનોમન વિચાર્યું, કે જો દીકરો પાછો મળી જશે તો તેના ગલુડિયા ગોતી ઘરે સાથેજ રાખીશું. એને કોઈ દિવસ પશુ-પક્ષી રાખવાથી રોકીશું નહીં.

પિતા ઓફિસથી સીધાં સ્કૂટર લઇ ગલુડિયાને જે જગ્યાએ મૂકી આવ્યા હતાં તે જગ્યાએ ગયા, ત્યાં પહોંચીને જોયું તો એમની આંખો ભરાઈ આવી….
આંસુ અને ધૂળથી ખરડાયેલો ગલ્લો સંતોષના સ્મિત સાથે તેના ગલૂડિયાઓને વળગી સુઈ ગયો હતો અને ગલૂડિયા તેની માની આજુબાજુ ઉપર નીચે ગેલકરતાં હતાં.

લેખક : એકતા દોશી

દરરોજ આવી નાની નાની અને સુંદર વાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી