એકરાર એક પ્યારનો… – આખરે કોલેજના ત્રણ વર્ષ પુરા થયા અને તેનાથી જુદા થવાનો સમય આવી ગયો, લાગણીસભર વાર્તા..

પાંચને પચાસ મિનિટ બેલ પડ્યો. પેપર છૂટવાને હવે માત્ર દસ મિનિટની વાર છે… છેલ્લા વરસનું છેલ્લુ પેપર! કુમારે સપ્લીમેન્ટરીને દોરી બાંધતા વિચાર્યુ, આંખની પલકો ઢળે ન ઢળે, એમ એક પછી એક ત્રણેય વરસ આંખની સામે જ પસાર થઇ ગયા…

હવે એ દિવસો ફરીને નહી આવે. હવે તો માત્ર એ વીતેલા દિવસોને યાદ કરીને જીતવાનું રહ્યું. કુમારની નજર આગળ ગઇ. આગળની બેન્ચ પર નીલુ પેપરને પુરૂં કરી રહી હતી.. કાલે પેપર છૂટયુ ત્યારે ફરિયાદ કરતી હતી કે વીસ માર્કનો આખો પ્રશ્ન છોડવો પડ્યો છે. ટકાવારીમાં એની ઉણપ દેખાશે. આજે ભલે જવાબ થોડા શોર્ટમાં તો ‘શોર્ટમાં, પણ પાંચેપાંચ પ્રશ્ન પૂરા કરી દેવા છે. આખુ વરસ સખત મહેનત કરીએ ને છેલ્લી ઘડીએ સમય હાથથી છટકીને પસાર થઇ જાય છે.

કુમારે એવું કદિ ગંભીરતાથી વિચાર્યુ નથી. છેલ્લી પંદરે’ક દિવસની મહેનત હોય છે. પણ એ મહેનત હ્રદયથી હોય છે. અને સારા ટકા આવે છે. દરેક પેપર પોણા ત્રણ કલાકમા% આરામથી પૂરૂ6 થઇ જાય છે. આજે પણ છેલ્લી દસ મિનિટ, એ પેપરમાં લખેલા ઉતરને ફાઇનલ-ટચ માટે રાખી છે. પણ આજે મૂડ નથી. મન પંખી ઉદાસ થઇ ગયું છે. એ પાંખો ફફડાવે છે. ત્યારે નીલુ સાથે વીતેલા ત્રણ-ત્રણ વરસની દોસ્તીની યાદી જ ખર્યા કરે છે…

કીલે નીલુ છુટ્ટી પડી જશે. કદાચ કોલેજ પૂરી કરી લ્યે, પછી તે પરણી પણ જાય. સગાઇ થઇ કે નહી એ વિષે પૂછી શકાયું નથી. કદાચ લગ્ન ન કરે તો એમ.એ કરશે., તો પણ એની સાથે તો નહીં જ રહી શકાય ને?. મને તો ઘણું કહે છે કે એને એકવાર ખુલીને પૂછી જો ને! કે, હવે પછી તું ક્યાં આગળ ભણવા જવાની છો તો હું પણ તારી સાથે જ આવું….પણ ના, એ કહી શકતો નથી કારણકે એકવાર વાતવાતમાં તે મનાલીને કહેતી હતી કે એમ.એ કરવા ગુજરાત યુનિવર્સિટીમાં જવું છે. કુમારને થયું, પોતે કદાચ પૂછી લે અને તેનો ઉત્તર તે ‘હા’ માં આપી દે તો પોતાના બંધ હૈયામાં રહ્યા સહ્યા સ્વપ્ન પણ હૈયા માંથી ફરર… કરતાં ઊડી જાય! એના કરતા.

પણ હવે રહ્યુ જતું નથી. મનનાં ઊંડાણમાં ‘કહુ’ થતી વાત બંધ હોઠના દરવાજા સુધી આવીને વળી જાય છે પણ કહી શકાતુ નથી…! કોલેજનું પગથિયું ચડ્યો ને એ ભેળી જ પોતાની અને નીલુની ચાર આંખો ટકરાઇ ગઇ હતી અને એ માંથી ખર્યુ હતુ પ્રીતનું કંકુ…એ કકુંના રંગ વડે હ્રદયનાં એક સોફટ કોર્નર ઉપર મહોબ્બતની રંગોળી પૂરાઇ ગઇ હતી. એના માલીપા ચિતરાઇ ગયો હતો શબ્દોનો સાથિયો! નીલુના કશ્મકશ કામણમાં કેદ થયેલુ કુમારનું મન પારેવડું શબ્દોનાં તણખલા ભેગા કરવા માંડ્યુ અને એમાંથી બંધાયો હતો કવિતાનો માળો!

કોલેજના ટેલેન્ટ મોર્નિગનાં પ્રોગ્રામ વખતે એ શબ્દોને રજુ કરવા સ્ટેજ મળ્યું. કવિતાની અંદર રહેલી પ્રણય પ્રગલ્ભતા અને નાજુક સંવેદના તરંગ છેક નીલુ સુધી પહોંચ્યા હતા. નીલુ પ્રેમાળ પ્રોત્સાહનથી કુમારની કવિતાને અનેરો રંગ ચડ્યો હતો. અને પછી તો એ ઝરણું ધોધ બની બેઠો. ત્રીજા વર્ષની શરૂઆતમાં જ તેણે પોતાના સર્જનનું નવલુ નજરાણું સંગ્રહીત કર્યુ : ‘બંધ આંખના સ્વપ્ના…’ કવિતા સંગ્રહ સ્વરૂપે! કોલેજના પ્રોફેસરોનો સાથ મળ્યોને સાથ મળ્યો નામી-અનામી સામાયિકોના તંત્રીઓનો! કુમારની કવિતાનો અવાજ વિવેચકો સુધી પહોંચ્યો. અને તેને નામ અપાયું : અનોખા ફૂલની સુગંધ! પણ કુમારને થયું, જેના લાવણ્ય, રૂપ અને જેના તરફનાં પ્રેમથી આકર્ષાઇ બંધાઇને આ કવિતા રચાઇ છે તેના સુધી ક્યારે મારો અવાજ પહોંચશે! બંધ આંખનાં સ્વપ્ના તેણે નીલુને સપ્રેમ અર્પણ કરતા.

ઉપરથી લખ્યું : ‘તમારાથી તમારા સુધી…’ નીલુ આ વાકય પામી હશે કે નહી.? કુમારે ઘણીવાર વિચાર્યુ હતું. એકવાર કેન્ટિનમાં સાથે સાથે કોફી પીતા પીતા તેણે હળવેકથી પૂછી લીધુ હતુ : ‘મારો કાવ્ય સંગ્રહ કેવો લાગ્યો?’ નીલુ હસી : ‘વાંચ્યો નથી, પણ શ્રધ્ધા છે કે ખૂબ સુદર હશે.’ ‘એવું શા ઉપરથી કહે છે?’ ‘તમારી શબ્દશકિત ઉપર વિશ્વાસ છે.’

‘એ વિશ્વાસ ખોટો તો નહીં ઠરે ને?’ ‘તે દિવસે પ્રેમ નામનું તત્વ તૂટી પડશે… ખૂટી પણ જશે..’ ‘મને પણ વિશ્વાસ છે એક વાતમા…’ ‘કઇ..?’ ‘કહુ…’ આગળ બોલતો કુમાર થંભી ગયો ને કૈંક વિચારે સ્હેજ હસીને કહ્યું : સમય આવશે તો કહી દઇશ…’ -આજે સમય છે ! છેલ્લો મોકો છે!

હવે પછી કદાચ આ ક્ષણો જીંદગીમાં ન મળે! તેણે નીલુ તરફ જોયુ. નીલુના શરીર તરફ પણ જોવાઇ ગયું. અષાઠના ઘનઘોર ગોરંભા જેવો ધન કેશકલાપ પીઠ પર પથરાઇ ગયો હતો. આગળ ચેહરા ઉપર એક-બે અલ્લડ લટ ઉડતી હતી તેને તે સવારતી હતી ત્યારે રાણી કલરનાં નેઇલપોલીશ્ડ લાંબા લાંબા નખ અને ચોળાફળી જેવી પાતળી, કાન ઉપર ઢંકાઇ જતા હતા. કૂણું માખણ કાંડુ અને એમાં પહેરેલો રાજસ્થાની કંગન પણ નજરદર્શિત થતો હતો. કાનમાં રહેલા ઝુમ્મર, એની પાતળી ગ્રીવા અને ડોકમાં પહેરેલ સોનાની ચેન ઘડીએ ઘડીએ તેના ડાબા હાથની આંગણીઓનું સ્પર્શસુખ માણતા હતા. એના ડાર્કગ્રીન ડ્રેસની ચુસ્તી શરીરને અનોખો રંગ આપતી હતી. તેનું માંસલ શરીર અને ગોરા વાન, એ તેની જવાનીની જમા બાજુ હતી!

અચાનક બેલ વાગ્યો કુમારની વિચાર ધારા થંભી ગઇ…સુપરવાઇઝરોએ ઝડપભેર એક પછી એક પેપર ખેંચીને લઇ લેતા હતા. કુમારનો નંબર છેલ્લો રહેતો એ પ્રણાલી જળવાઇ હતી, નીલુનો નંબર આગળ આવતો બીલકૂલ એની પાછળ જ કુમાર આવતો. સુપરવાઇઝરે પેપર લઇ લીધુ અને તે બેઠો રહ્યો. નીલુએ પ્રશ્ન પેપરની ચારગડી વાળી પર્સમાં મૂક્યુ. બોલપેનનું ઢાંકણ બંધ કર્યુ ને એ પણ પર્સની અંદર જ મૂકી. ને પલભર બેઠી. આજુબાજુમાં બઠેલી સોનલ, વૈશાલી, અલ્પા, નીલા વગેરે નીલુની આસપાસ ઘેરીવળી અને પૂછી બેઠી: ફસ્ટ કલાસને ?’

‘પાસ થાઉં તોય ઘણું છે… કહેતી નીલુ હસી અને કુમાર તરફ ચહેરો ઘૂમાવતા બોલી ઉઠી: ફસ્ટ કલાસ તો કુમારને એકને જ આવશે. ‘પેપર કેવા અઘરા નીકળ્યા હતા. કેમ કુમાર?’ ‘હા…’ કુમારે ચેહરાને ફિક્કા સ્મિતથી મઢ્યો અને બોલ્યો : ‘કદાચ…’ ‘કેમ મૂડલેસ થઇ ગયો ટાઇમ ઘટ્યો કે પેપર નબળું ગયું?’

‘ના…’ ‘મને એવું લાગ્યું એટલે પૂછ્યુ…’ કહીને કુમારને તાકી રહી. એની બહેનપણીઓ’ તું આવે છે ને બહાર?’ કહી વીખાવા લાગી. કુમાર બેઠો રહ્યો. બીજા બધા છોકરાઓ હવે બહાર નીકળી ગયા હતા. એક-બે રડ્યા ખડ્યા છેલ્લી પાટલીનાં પરિક્ષાર્થીઓ પેપરની ચર્ચા કરતા કરતા દરવાજા બહાર નીકળી રહ્યા હતા. કે નીલુ ઊભી થઇ. અને બોલી: ‘ચાલ, નીકળવું નથી?’ ‘હા, પણ હું તારી સાથે થોડીક વાત કરવા માગુ છું નીલુ…’

‘કહેને?’ ‘કાલથી તો તું નહી મળે ને?’ નીલુ હસી પડી: ‘કેમ એવું પૂછ્યુ?’ ‘બસ એમ જ…’ કુમાર થોથવાયો ; ‘એટલે હવે કાલથી તો આપણે છુટ્ટા…’ ‘તું કહે તો છુટ્ટા નહીં તો…’ ‘નહી તો…’ ‘તું જેમ સમજ. કદાચ એમ.એ. કરીશ તો ભવન્સમાં મળીશુ..’ ‘ભવન્સમાં મળીશ પણ એ પહેલા?’ ‘રીજલ્ટ લેવા આવીશ ત્યારે’ ‘હા. પણ તને મળવું હોય તો ક્યાં મળુ?’ ‘મારા ગામ આવજે ને?’ પણ ઘરનાને કોઇને ખોટું નહીં લાગે ને? આઇ મીન, મમ્મી-પપ્પા?’

‘ડોન્ટવરી…’‘અચ્છા, મારો કાવ્ય સંગ્રહ વાંચ્યો?’ ‘ના…પણ વાંચીશ. કોઇ કૃતિનું વિવેચન પણ કરીશ. અને છપાય તો તને મોકલીશ….’ ‘પણ એ પહેલા મળીશ તો ગમશે..’ ‘મળીશને. પણ હા. મને યાદ આવ્યું. એની કિંમત કેટલી છે મારે તને એના પૈસા…’ કહી નીલુએ પર્સ માંથી એકસો રૂપિયાની નોટ કાઢીને કુમાર તરફ લંબાવી : ‘લે, એના પૈસા લઇ લે, તારે છપાવવાનો ખર્ચ થયો હશે….’ કુમારના ચહેરા ઉપરથી રહ્યુ સહ્યુ નૂર હતુ તે ઊડી ગયું. અને વિષાદ છવાયો આંખોમાં વેદના અને હોઠો પર તૂટતા શબ્દોની ધ્રુજારી : ‘તે આપણાં સંબંધોને કોઇ મૂલ્યમાં આંકી દીધો?’

‘એટલે?’‘ત્રણ ત્રણ વરસનાં સંબંધને તે એકસો રૂપિયાની નોટમાં બાંધીને તે મને પરત કરી દીધો નીલુ…’ ‘ના… એવું નથી. કુમાર…’ ‘એવું જ છે નીલુ અરે, તેં પહેલુ પાનુ ખોલીને વાંચ્યુ હોત તો પણ…’ ‘હા. વાંચ્યુ છે પણ આ શુકન સાચવું છું. તારી મારા પ્રત્યેની લાગણીને નીચી પાડવાનો કોઇ પ્રયત્ન નથી.’ ‘ના! તારે ખરેખર શુકન જ સાચવવા છે ને !’ તો સાંભળ ! મારાં કાવ્ય સંગ્રહનું મૂલ્ય ‘પ્રેમ’ છે.

‘તું આપી શકીશ!’ -નીલુ કુમાર સામે જોઇ રહી કે કુમારે કહી દીધું. ‘એ મારી કવિતા માત્ર નથી પણ મારી તારા પ્રત્યેની ચાહત પણ છે. મારી આરઝુને મેં મારી ગઝલમાં ભરીને તારી આગળ પેશ કરી છે. મારા બંધ હૈયાના સ્વપ્નને આજે તારી સમક્ષ ખુલ્લુ મૂકુ છું. મારી ચાહત આખરે મારા તરફ જ વળી મારી વેદના ન બની જાય તેનું ધ્યાન રાખજે નીલુ! નહિંતર હું ભાંગી પડીશ…’

હું એટલે કહું છું કે એ શુકન જ સાચવવા હોય તો મને કહી દે કે મને તારી વાત મંજુર છે! અત્યાર સુધી હૈયામાં ગોપિત રાખેલી વાત છેડી છે. કદાચ કાલે મળીએ ન મળીએ, ભેગાં થઇએ ન થઇએ પણ એટલુ કહી દઉ છું કે મેં તને ચાહી છે…ચાહતો રહીશ…બોલ તું આપી શકીશ એનું મૂલ્ય?’કુમાર વિચારી રહ્યો એ આંસુ દુ:ખનાં હશે કે સુખના? ‘ઉર્મિનાં હશે કે તૂટેલા સ્વપ્નનાં?’

તે હજી કશું પણ નક્કી કરે તે પહેલાં નીલુ બોલી ઉઠી: તારી લાગણી મારા સુધી પહોંચી ગઇ છે. કુમાર! મને ખબર હતી કે તું આ પ્રશ્ન કયારેક તો પૂછીશ. મેં એટલે તો તારા પ્રશ્નનો જવાબ મારી આંખોમાં લખીને રાખ્યો હતો પણ એ જવાબ વાંચવાની તેં કદિ કોશિષ કરી છે?’

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ