એક માતાની એક પત્નીની ખૂબ દર્દભરી કહાની વાંચો તમારી આંખો પણ ભીની થઇ જશે…

નિરર્થક

બાલ્કની માંથી રાત્રી ના પ્રકાશ ના થાંભલાઓ આછા અજવાસ પાથરતા દેખાઈ રહ્યા હતા. આખોદિવસ દોડાદોડી કરી થાકી ચૂકેલું શહેર ઊંઘ ની ગોદ માં સરી પડ્યું હતું. મુશળધાર વરસતો વરસાદ જાણે લોરી સંભળાવતો હોય એ રીતે એના મધુર અવાજ નીચે દરેક સ્વર મૌન ધારણ કરી બેઠા હતા. બાલ્કની ના અંધકાર માં બે હાથો સળિયા પર ટેકવી ઉભેલી સુવર્ણા સળિયા ની ઉપર બાઝેલા ને એક પછી એક નીતરતા વરસાદ ના ટીપાંઓ ને હાથ માં ઝીલવવા નો પ્રયાસ કરી રહી હતી. બુંદ બુંદ જે રીતે પોતાના જીવન ને એ ઝીલવી રહી હતી , અંતિમ સાત વર્ષો થી !

બાલ્કની ના અંદર તરફ ના શયન ખંડ માં એની સાત વર્ષ ની ઢીંગલી શાંતિ થી પોઢી રહી હતી. આજે તબીબ સાથે નો એનો નિયમિત તપાસ નો દિવસ હતો . સાત વર્ષો થી હવે એક નિયતક્રમ બની ચુક્યો હતો . વાદળો નો ઘડઘડાટ ને ઊંચી ગર્જના થી એની ઊંડી નિંદ્રા ને ખલેલ ન પહોંચે એ રીતે ધીમે થી એણે શયનખંડ નું બારણું વાંસી દીધું . ફરીથી બાલ્કની માં આવી ઉભેલી સુવર્ણા ની નજર આભ તરફ મન્ડાઈ . દરરોજ દેખાતા ચન્દ્ર અને તારા આજે એમના નિયમિત સ્થળે ન હતા. અણધાર્યા તોફાની વરસાદ થી ડરી ન જાણે ક્યાં છુપાઈ બેઠા હતા ? એજ રીતે જે રીતે સુવર્ણા ના જીવન ની ખુશીઓ સાત વર્ષ પહેલા આવી ચઢેલા નિયતિ ના વાવાઝોડા થી કશે રિસાઈ છુપાઈ બેઠી હતી !

આજ થી સાત વર્ષો પહેલા , હા , સાત વર્ષો પહેલા , આજ દિવસે મનન નું અકસ્માત થયું હતું. જતો રહ્યો હતો એ એને છોડી , હમેશ માટે. સુખ દુઃખ વહેંચવાના બધાજ વચનો એક ક્ષણ માં પાછળ છોડી . સાત ફેરાઓ સાથે આપેલા સાત જન્મો ના વાયદાઓ ભૂલી. જીવન ના અનંત માર્ગ ઉપર એને અછડતી છોડી. એ દિવસે હોસ્પિટલ ના પ્રસુતિ ખંડ માં દર્દ થી કરાંજતી એ મનન ની રાહ જોઈ રહી હતી . એમના પ્રેમ ની નિશાની આ સૃષ્ટિ પર ઉતરવાની એ અમૂલ્ય ઘડી ને મનન સાથે વહેંચવા. મનન પણ એ કિંમતી ઘડી ચૂકી ન જવાય એ ડરે મોટરસાયકલ ને શક્ય એટલી ઝડપે શહેર ના રસ્તા ઉપર હાંકી રહ્યો હતો. પોતાના બાળક ને સૌ પ્રથમ પોતાના જ હાથો માં ઉઠાવવા . એની મીઠી શ્વાસો ને પોતાની શ્વાસો માં અનુભવવા . એ નાનકડા નાજુક શરીર ને પોતાના સશક્ત શરીર નો ટેકો આપવા. પરંતુ રસ્તા પર પૂર ઝડપે આગળ ધસી રહેલી એ પ્રંચડ ટ્રક આ લાગણીઓ ના પ્રવાહ થી સંપૂર્ણ અજાણ હતી. મનન ની ઉતાવળ અને અધીરાઈ ના પરિણામ સ્વરૂપ એની મોટરસાયકલ સીધીજ ટ્રક ના અડફેટે આવી ગઈ.

પ્રસુતિગૃહ ના ઓરડા માં સુવર્ણા એ એકલાજ પોતાની ઢીંગલી નું આ વિશ્વ્ માં સ્વાગત કર્યું અને એજ સમયે મનન આ વિશ્વ છોડી બન્ને થી ખુબ ખુબ દૂર જતો રહ્યો . મનન ના દુનિયા છોડી જવા ના કેટલા દિવસો સુધી તો સુવર્ણા માનસિક રીતે મનન ના મૃત્યુ ની હકીકત સ્વીકારવા જાણે તૈયાર જ ન હતી. નિયતિ આટલી કઠોર કઈ રીતે હોય શકે ? પોતે તો અનાથાશ્રમ માં ઉછરેલી યુવતી. પરિવાર નો ટેકો અને માનસિક સાથ ક્યાંથી મેળવે ? મનન સાથે થયેલા પ્રેમ લગ્ન માં મનન ના પરિવાર ની પરવાનગી અને ખુશી જોડાયેલી જ ક્યાં હતી ? મનન ના અવસાન નો સંપૂર્ણ દોષ આખો પરિવાર સુવર્ણા પર લાદી રહ્યો .

” ભરખી ગઈ અમારા દીકરા ને !”


માનવી કોઈ ને શું ભરખવાનો ? એ તો જાતે જ ભાગ્ય ના હાથ ની કઠપૂતળી ! ભરખી તો પ્રારબ્ધ જાય છે , નામ નીજ ક્ષણો માં , માનવી ને , એના અસ્તિત્વ ને ,એના સ્વ્પ્નો ને , એના વર્તમાન – ભવિષ્ય ને , એની ખુશીઓ ને , એના પ્રેમ ને !

મનન ના અવસાન નો શોક હજી સમવાનું નામ લઇ રહ્યો ન હતો ત્યાં અન્ય શોક એના જીવન ને ધ્રુજાવવા આવી પહોંચ્યો . એની નાનકડી ઢીંગલી માનસિક રીતે સ્વસ્થ નથી, એ જાણતાંજ સુવર્ણા ના માથે આભ ફાટ્યું . આર્થિક સંકડામણ ના વચ્ચે પણ એ શહેર ના દરેક જાણીતા તબીબો ની પાસે પહોંચી વળી . મનન ના જવા પછી એજ તો એનો એક માત્ર જીવન આધાર હતી . એનું જીવવા નું કારણ અને એક માત્ર ધ્યેય . તબીબી વિજ્ઞાન ના પહોંચ ની બહાર ની એ માનસિક માંદગી નો સંપૂર્ણ ઈલાજ તો શક્યજ ન હતો .પરંતુ જુદી જુદી મૌખિક અને ક્રિયાત્મક થેરપી દ્વારા એની અસર હળવી કરવી એજ એકમાત્ર વિકલ્પ હતો.


જીવન નિર્વાહ માટે નોકરી ની આવક પર્યાપ્ત હતી પરંતુ થેરપી અને ‘ડે કેર સેન્ટર ‘નો ખર્ચ પહોંચી વળવા એ પોતાની ભરત ગૂંથણ ની કલા નો સદુપયોગ કરી નાનકડો ગૃહ ઉદ્યોગ ચલાવવા લાગી. આખો દિવસ પોતાની ઢીંગલી ને ‘ ડે કેર સેન્ટર ‘ માં સુરક્ષિત હાથો માં સોંપ્યા છતાં નોકરી ઉપર કાર્ય કરતું માતૃ હ્ય્યુ પોતાની ઢીંગલી ની ચિંતા માં ધડક્યાં કરતું . ઘરે આવી રાત્રી નું ભોજન કરાવી , દીકરી ને ઊંઘાડી, પછી મોડી રાત્રી સુધી એ પોતાના ભરત ગૂંથણ ના ગૃહ ઉદ્યોગ ને વિકસાવવા પાછળ મંડી પડતી.

ક્યારેક દીકરી ની અન્ય શારીરિક માંદગીઓ તો ક્યારેક આર્થિક ઉપાજન માટે આખી આખી રાત ના ઉજાગરાઓ ! જીવન ના સાત વર્ષ વિશ્રામ કે જપ વિના સતત જાગતા જાણે વિતાવ્યા હતા. લોકો ની આગળ હાથ ફેલાવવા નો સહેલો વિકલ્પ એના સ્વાભિમાન થી ભરેલ હય્યા ને મંજુર ન હતો . પણ જીવવાનો સાચો રસ્તો સરળ પણ ક્યાં હોય છે ? ક્યારેક વીજળી નું બિલ સમયસર ન ચુકવાતું તો ક્યારેક ફ્લેટ નું ભાડું ચૂકવવા અઠવાડિયા ચઢી જતા……..દર ક્ષણ નવી કસોટી, દર પગલે નવો સંઘર્ષ …આ સંઘર્ષ શારીરિક અને માનસિક તાણ અને થાક સ્વરૂપે એ અંતિમ સાત વર્ષો થી એક પણ દિવસ ની છુટ્ટી વિનાજ સતત એકલી અટુલી વેઠી જઈ રહી હતી……

વીજળી ના ભયંકર ચમકારા અને વાદળ નો હય્યા ને હચમચાવી મુકનાર ધ્વનિ સુવર્ણા પર જાણે કોઈ અસર ઉપજાવી શકવા ને સક્ષમ જ ન હતા . એના જીવન માં ઉપસ્થિત વાવાઝોડા સામે આ વાવાઝોડા ની કોઈ હેસિયત જ ક્યાં હતી ? સુવર્ણા એ એક દ્રષ્ટિ આકાશ તરફ નાખી …આજે એનો થાક ચરમસીમા એ પહોંચી ચૂક્યો હતો ….ભવિષ્ય ની ચિંતાઓ વર્તમાન ને ગરજી ગરજી ને ડરાવી રહી હતી ….મનન ને કેવી શાંતિ ! ન કોઈ ચિંતા , ન તાણ , ન માનસિક ભાર …ન વર્તમાન ,ન કોઈ ભવિષ્ય ….ન આખી રાત ના ઉજાગરાઓ ,ન ઢીંગલી ની ચિંતા માં દર ક્ષણ , દર સ્થળે ધ્રુજતુ , વલોવાયેલું હૃદય …..

ના , આમ એકલા અટૂલા હવે આગળ ન વધાશે ….હવે એક પણ રાત્રી ઊંઘ વિના પસાર ન કરાશે …પોતાની ઢીંગલી ને આજીવન આવી નિસહાય અને કરુણ પરિસ્થિતિ માં ન નિહાળાશે ….આખરે જીવન આગળ વધારવાનો હવે કોઈ અર્થજ ક્યાં બચ્યો હતો ?એક એક દિવસ ઘસડી ને ગમે તેમ આગળ ધપાવવા થી શું મળવાનું હતું ? આને જીવન કહેવાય ? અન્ય સફળ જીવનો ની આગળ એનું આ નિષ્ફ્ળ જીવન કેવું છોભીલું લાગતું હતું ! આવા નિરર્થક અને બિનઉપયોગી જીવન નું વળી મહત્વ કેવું ? બાલ્કની નો સળીયો બન્ને હાથો માં પરોવી સુવર્ણા એ પોતાનું શરીર ઊંચું ઉઠાવ્યું. દસ માં માળ ઉપર થી ઊંચાઈ નું ઊંડાણ આંખો એ સ્પષ્ટ માપી લીધું. હવા માં તરતું શરીર ભોંયતળિયે પછડાવવા થોડીજ સેકન્ડ નો સમય લાગશે .પણ એ થોડાજ સમય ને અન્ય છેડે બધીજ સમસ્યાઓ , મુશ્કેલીઓ , વિડંબણાઓ માંથી હમેશ માટેનો છુટકારો…. સળિયા છોડી હવા માં શરીર છોડવા તૈયાર થયેલા અર્ધજાગ્રત મન ને જાગ્રત મને ઢંઢોળ્યું .

અંદર ના ઓરડા માં થી સંભળાયેલા ધારદાર અવાજ થી સુવર્ણા ચોંકી. દોડતી ભાગતી પોતાની ઢીંગલી ની સુરક્ષા ની ચિંતા સાથે એ શયનખંડ માં પ્રવેશી. દીકરી ના હાથ ના સ્પર્શ થી પલંગ ને અડકી ને ગોઠવેલી ટ્રિપોય પર થી ભોંય પર ફેલાયેલી દરેક વસ્તુઓ એણે સાચવી ને સચકી દીધી. માસુમ ચ્હેરા પર ની સુંદરતા નિહાળી આંખો ની પાંપણ ભેજયુક્ત બની . પોતાની ઊંઘતી ઢીંગલી ને પ્રેમ ભર્યા આલિંગન માં સમાવી એના નજીક લપાઈ ને એણે શાંતિ થી આંખો મીંચી દીધી.

વહેલી સવારે બારણાં પર ની ઘંટડી થી ગાઢ નિંદ્રા તૂટી. ઘડિયાળ પર તકાયેલી અર્ધ ખુલ્લી આંખો વિસ્મય માં પહોળી થઇ. રવિવાર ની વહેલી સવારે આમ કોણ આવી પહોંચ્યું ? બારણું ઉઘાડતાંજ સામે એક અપરિચિત સ્ત્રી ઉભી હતી : ” આપજ સુવર્ણા જી છો ?” અજાણી સ્ત્રી ને વિસ્મયપૂર્વક અને મૂંઝવણ ભર્યા સ્વરે ઉત્તર અપાયો : ” જી હા , હુંજ સુવર્ણા છું ………” હાથોમાં ની આમંત્રણ પત્રિકા સન્માનપૂર્વક સુવર્ણા ના હાથ માં થમાવતી સ્ત્રી ની આંખો માં ચમક આવી :

” આ આમંત્રણ પત્રિકા ટપાલ મારફત મોકલવાની જગ્યા એ આપ જેવી સ્ત્રી શક્તિ ને વ્યક્તિગત મળી હાથોહાથ એનું માન પહોંચાડવું વધુ યોગ્ય લાગ્યું ….” સ્ત્રી ના દરેક શબ્દો સાથે સુવર્ણા પ્રત્યે ની આદર ની લાગણી છલકાઈ રહી હતી . સુવર્ણા હજી પણ કોયડો ઉકેલી શકી ન હતી. ચ્હેરા પર ના ભાવો અંતર ની મૂંઝવણ પ્રતિબિંબિત કરી રહ્યા હતા . ” પણ આ આમંત્રણ ….??? જી માફ કરશો હું કઈ સમજી નહીં …..” સુવર્ણા ના ખભે પ્રેમપૂર્વક હાથ મૂકી સ્ત્રી એ પોતાનો પરિચય આપ્યો :

” જી હું શહેર ની મહિલા કલ્યાણ સંસ્થા ની મુખ્ય સચિવ છું . આ મહિને મહિલા દિન નિમિત્તે શહેર ની સફળ અને આદર્શ મહિલાઓ નો સન્માન સમારંભ યોજાયો છે . જુદા જુદા ક્ષેત્રો માં પોતાનું આગવું પ્રદાન કરેલ સ્ત્રીઓ ને સત્કારવા માટે શહેર ના ખૂણે ખૂણે થી પ્રેરણાદાયી સ્ત્રીઓ ની સાચી જીવન વાર્તાઓ ભેગી કરવા માં આવી હતી . જે અંતર્ગત એક સ્ત્રી એ આપની અને આપની દીકરી ના જીવન ની સાચી હકીકત લખી મોકલાવી હતી.

પોતાના જીવન માં આવી પડેલી અણધારી મુસીબતો થી પોતાનું જીવન ટૂંકાવવા ઇચ્છતી એ સ્ત્રી માટે તમારું દ્રષ્ટાંત બધીજ મુસીબતો સામે બહાદુરી થી સામનો કરવા ની હિમ્મત આપી ગયું. પોતાની ઓળખ છુપી રાખવાની શરત જોડે એણે આપનો આખો જીવન સંઘર્ષ અને આપની ખુમારી શબ્દેશબ્દ નિરૂપી મોકલાવી હતી. પોતાને માટે અને પોતાના જેવા અન્ય સંઘર્ષમય જીવન માટે આપ જેવી નીડર સ્ત્રીઓ પ્રેરણા નો સ્ત્રોત બની જીવવા ની નવી દિશા દેખાડતી હોય છે- એ માટે આપનું નામ એણે સન્માન મેળવનારી સ્ત્રીઓ ની યાદી માં સામેલ કરવા સૂચન કર્યું હતું. ખરેખર આપ જેવી સ્ત્રીઓ જ સાચી નારી શક્તિ નું સ્વરૂપ છે .આપ નું સન્માન કરી આપ ની જેવી હિમ્મતી સ્ત્રીઓથી અન્ય સ્ત્રીઓ પ્રેરણા ગ્રહણ કરે એજ અમારું ધ્યેય છે . આશા રાખું આપ જરૂર થી પધારશો અને હા , આપની દીકરી ને પણ જરૂર થી લાવશો …..”

બારણું વાંસી સુવર્ણા બાલ્કની ઉપર પહોંચી. આમંત્રણ પત્રિકા વાંચી એની નજર આકાશ માં ડોકાઈ. વાવાઝોડું સમી ગયું હતું. સૂર્ય સુંદર ચળકતો પ્રકાશ પાથરી રહ્યો હતો ,સુવર્ણા ના હસતા, ખીલેલા ચ્હેરા ની જેમ જ ! એનું નિરર્થક જીવન નવા ચળકતા પ્રકાશ માં તદ્દન અર્થસભર, સાર્થક અને ઉપયોગી દીસી રહ્યું હતું ! હવે એને જીવવું હતું , સંપૂર્ણ હ્નદય થી….ન જાણે કેટલા જીવન એને જીવતા નિહાળી જીવી રહ્યા હતા….એ બધાને માટે……

” ચાલતો રહે મુસાફર , મંઝિલ મળે કે ન મળે . તને ચાલતો નિહાળી ગાફિલ ; કેટલાયે મંઝિલે પહોંચ્યા છે ….”

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર, તમે લાઇક કર્યું કે નહિ…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ