એક જ વાક્ય – પોતાના પ્રેમની વચ્ચે આટલું અંતર એ એક જ વાક્યને લીધે હતું, લગણીસભર વાર્તા…

“એ પળે આંખોએ દરિયાની ગરજ સારી હશે,

જે ક્ષણે મેં વાત તારી કોઇ સંભારી હશે”

“મેં વી કમઇન મેમ ?” સ્ટાફરૂમના બારણેથી ટહુકો થયો. કોલેજ અવર્સ પૂરા થયા પછી પણ સ્ટાફરૂમમાં બેસીને કંઇક વાંચતા વીણા મેડમે ચશ્મામાંથી નજર ઊંચી કરી. બારણામાં કોલેજીયન યુગલ હતું, સાક્ષી અને ઇન્દ્રજીત… વીણા બન્નેને ઓળખતી હતી. વીણા જ શું ? આખી કોલેજ બન્નેને ઓળખતી હતી દરેકને ખબર હતી કે બન્ને ખાસ મિત્રો હતા, મિત્રોથી વિશેષ હતા.

image source

વીણાએ બન્નેને અંદર બોલાવ્યા. ઇન્દ્રજીત માથું નીચું કરીને ઊભો હતો અને સાક્ષીની આંખમાંથી તણખા ઝરતા હતા ઇન્દ્રજીત દર દસ-પંદર સેકન્ડે ત્રાસી નજરે સાક્ષી સામે જોઇ લેતો હતો. અને સાક્ષીની આંખમાંથી ફૂટતા તણખા જોઇને નજર વાળી લેતો હતો. વીણાએ પાંચ મિનિટ બન્નેનું નિરીક્ષણ કર્યું. તેને સમજાય ગયું કે કોલેજ અવર્સ પછી, પોતે એકલી હોય ત્યારે મળવા આવેલા સાક્ષી અને ઇન્દ્રજીત કોઇ અભ્યાસના પ્રશ્ર્ન માટે નથી આવ્યા બસ તે બન્ને કદાચ જીંદગીનો કોઇ પ્રશ્ર્ન ઉકેલવા આવ્યા છે.

આવું ઘણીવાર બનતું. વીણા કોલેજ સ્ટુડન્ટમાં પ્રિય હતી. ઘણીવાર વિદ્યાર્થીઓ તેની પાસે આવતા અને સલાહ લેતા વીણા સાચી સલાહ આપતી. અભ્યાસક્રમ માટે વિષયની પસંદગીથી લઇને લગ્ન માટે મુરતિયાની પસંદગીના સવાલો લઇને પણ છોકરીઓ તેની પાસે આવતી છોકરાઓ પણ ઘણીવાર સલાહ માંગતા. વીણા મિત્રોના ઝઘડા, સહેલીઓની તકરાર અને પ્રેમીઓના અબોલા… બઘામાં સલાહ આપતી.

image source

પાંચ મિનિટ નિરીક્ષણ પછી તેણે બન્નેને બેસવાનું કહ્યું. “મેમ.. અમારે તમારી સલાહ જોઇએ છે.. આ સાક્ષી…” સાક્ષીની આંખમાં તિખારો જોઇને ઇન્દ્રજીતનું વાકય અધૂરૂં રહી ગયું. “શું સાક્ષી..? મેં કંઇ નથી કર્યુ… મેમ.. તમને ખબર છે ને અમે બન્ને ખાસ મિત્રો છીએ.” સાક્ષીએ પોતાનો પક્ષ રજુ કર્યો. “માત્ર મિત્ર જ… કે…” વીણાએ જાણી જોઇને વાકય અધૂરૂં છોડી દીઘું.

સાક્ષી શરમાઇ ગઇ. એક મિનિટ પહેલાના ગુસ્સાના સ્થાને ગાલ પર પ્રેમની સુરખી છવાઇ ગઇ. ઇન્દ્રજીતના ચહેરા પર પણ પ્રેમ છવાઇ ગયો, બોલ્યો… “હા.. મેમ.. મિત્રોથી વિશેષ.. કોલેજ પૂરી થયા પછી લગ્ન કરવાનું વિચારીએ જ છીએ. પણ આ સાક્ષી છે ને… બહુ ગુસ્સો કરે છે.. મારી સાથે વાતવાતમાં ઝઘડી પડે છે…”

image source

સાક્ષી પાછી તપી ગઇ, “એટલે હું ઝઘડાળું છું એમને ?? મેમ…તેને પૂછો કે ઝઘડાનું કારણ શું હોય છે ?મારે શું પહેરવું ? શું ખાવું ? વાળ છુટા રાખવા કે પોની વાળવી ? કોની સાથે બોલું ? તે બઘું જ તે નકકી કરશે ? મને આવું ન ગમે એટલે ઝઘડો થાય” “પણ હું તારો હસબન્ડ થવાનો છું… મારી વાત નહી માને ??” “એ તો થઇશ ત્યારે જોયું જશે ”

બન્ને વચ્ચે તણખા ઝરતા રહ્યાં. વીણા જોઇ રહી. તેને સાક્ષીના સ્થાને પોતે અને ઇન્દ્રજીતના સ્થાને સૂકેતુ નજર આવ્યા બન્ને સાથે ભણતા, પ્રેમ કરતા અને આમ જ ઝઘડતા. તે વિચારમાં ખોવાઇ ગઇ. કાન પર સાક્ષી અને ઇન્દ્રજીતની વાતચીત અથડાતી હતી અને મનમાં પોતાના સંવાદો ઉપસી રહ્યા હતા. અચાનક સાક્ષી બોલી, “મેમ… કયાં ખોવાઇ ગયા ? કેમ કંઇ બોલતા નથી ?” ભૂતકાળમાંથી વર્તમાનમાં આવીને વીણા બોલી, ” તમારો ઝઘડો પતે તો કંઇક બોલું ને ?? આવા ઝઘડાનું સમાધાન કરવા આવ્યા છો ?.”

image source

” ના .. મેમ.. આ તો રોજનું છે… આજે બીજી વાત માટે આવ્યા છીએ. આજનો ઝઘડો જુદો છે… મેમ.. વાત એમ છે કે સાક્ષીના ઘરમાં મને કોઇ પસંદ કરતા નથી તેના પપ્પા અમારી વચ્ચે અડીખમ દિવાલ બનીને ઊભા છે સાક્ષી કહે છે કે તે આ દિવાલ પસાર નહી કરી શકે.. રોજ અમારા વચ્ચે આ વાત થતી હતી અને આજે મારાથી બોલાય ગયું કે, તું દિવાલ પસાર ન કરી શકે તો હું દિવાલ પાડી નાખીશ. બસ મારા આ વાકયથી સાક્ષીને ગુસ્સો આવ્યો અને તેણે મને થપ્પડ મારી દીઘી. મેં કેટલી માફી માંગી પણ તે માફ નથી કરતી, મારી લાખ વિનંતી પછી તમારી પાસે આવવા તૈયાર થઇ છે, મેમ તેને કહો ને કે મને માફ કરી દે..” ઇન્દ્રજીત બોલતો રહ્યો.

પણ વીણા કયાં સાંભળતી હતી ? તેની નજર સામે સૂકેતુ આવી ગયો હતો.. સ્થળ જુદુ હતું, અવાજ જુદો હતો, પણ સમસ્યા સરખી જ હતી. પ્રેમ હતો અને પારાવાર હતો, અને તેમાં જ આ વાકય બોલાય ગયું હતું. સાક્ષી ફરીથી બોલી, “મેમ… જોવો કેવું કહે છે, હવે હું થપ્પડ જ મારૂ ને …?”

image source

વીણા ગંભીર થઇને બોલી, “સાક્ષી… તને હું સમજદાર લાગું છું ને? એટલે મારી સલાહ લેવા આવી છો ને.. પણ આ બઘી ધટના મારા જીવનમાં બની ચૂકી છે. મેં પણ આવા જ શબ્દો સાંભળ્યા હતા અને મારા પ્રેમને થપ્પડ મારીને ચાલી આવી હતી તેણે મને મનાવવાની કોશિશ કરી હતી, પણ હું ન માની.. એક દિવસ.. બે દિવસ.. અઠવાડીયું… મહિના વિતતા ગયા અને પછી તો આખી જીંદગી..

image source

બસ આ એક જ વાકયે અમારી જીંદગી બદલી નાખી, એક નાનકડું વાકય અને અમારી બન્નેની જીંદગી ફંટાઇ ગઇ. હું તેને યાદ કરુ છું તેમ તે પણ મને યાદ કરીને ઝૂરતો જ હશે આજે તને કહું છું કે પ્રેમ કરો, ઝઘડા ન કરો, ઝઘડાના કારણો નિર્દોષ હોય છે પણ તેના પરિણામ ભયંકર હોય છે. ઇન્દ્રજીતનું એક વાકય યાદ ન રાખ.. તે પહેલાં તેણે પ્રેમના હજારો વાકયો કહ્યા હશે તે યાદ રાખ…

પ્રેમીકાને ગુમાવવાના ડરથી તે બોલી ગયો, પણ તું ભૂલી જા.. એકબીજાથી રીસાઇ જાવ ત્યારે બીજાને મનાવવાની તક આપો અને મનાવી પણ લો, રાહ જોવો, સાક્ષી તારા પપ્પા માની જશે… બસ તું ડગી ન જતી” વીણાએ બન્નેને સમજાવ્યા. સ્તબ્ધ બનીને બન્ને સાંભળી રહ્યા. વીણામેમના જીવનની આવડી મોટી વાત બન્નેને અવાચક કરી ગઇ.

image source

“જી .. મેમ.. તમે કહેશો તેમ..” એમ કહીને બન્ને વીણાને પગે લાગ્યા. અને સ્ટાફરૂમની બહાર નીકળી ગયા. વીણાએ આંખમાં આવેલા આંસુ લૂંછી નાખ્યા. સૂકેતુ તિવ્રપણે યાદ આવી ગયો. કાશ.. તેને પણ કોઇએ સમજાવી હોત તો તેની જીંદગીમાં સૂકેતોનો સાથ હોત.. પણ .. કાશ….

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ