આજે જાણો એકાક્ષી નાળિયેરની પૂજા કરવાની વિધિ વિશે…

આપણી સનાતન પૂજા પદ્ધતિમાં શ્રીફળ એટલે કે નાળિયેરનું વિશેષ મહત્વ છે. હિંદૂ ધર્મમાં કોઈપણ વિધિ પૂજા વિના નથી થતી. આપણે પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરીએ છીએ અને સાથે જ પ્રસાદ તરીકે પણ નાળિયેર ચઢાવવામાં આવે છે. આમ પૂજા વિધિમાં નાળિયેરનું વિશેષ સ્થાન છે. જો કે સામાન્ય નાળિયેર જેટલું પુણ્ય ફળ આપે છે તેનાથી વિશેષ પુણ્ય એકાક્ષી નાળિયેર આપી શકે છે. આજે જાણો એકાક્ષી નાળિયેરના ઉપયોગ અને તેનાથી મળતાં ચમત્કારી ફળ વિશે.

એકાક્ષી નાળિયેરને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ નાળિયેર દુર્લભ હોય છે. હજારો નાળિયેરમાંથી એક એકાક્ષી નાળિયેર મળતું હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેની પાસે એકાક્ષી નાળિયેર હોય છે તેના પર લક્ષ્મીજીની કૃપા સદા વરસતી રહે છે. જે લોકોની આર્થિક સ્થિતી નબળી હોય તેમણે ઘરમાં એકાક્ષી નાળિયેરની સ્થાપના કરી તેની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આર્થિક તંગીની સમસ્યા દૂર થઈ જશે.


એકાક્ષી નાળિયેર એટલે કે જેમાં એક જ આંખ હોય. સામાન્ય નાળિયેરમાં ત્રણ છીદ્ર જોવા મળે છે જેને આંખ પણ કહેવામાં આવે છે. એકાક્ષી નાળિયેરમાં માત્ર એક જ આંખ હોય છે. એકાક્ષી નાળિયેર જો ઘરમાં હોય તો દિવાળી, ગુરુપુષ્ય નક્ષત્ર, રવિપુષ્ય યોગ જેવા શુભ દિવસો અને મુહૂર્તમાં તેની પૂજા કરવી જોઈએ. આ શ્રીફળની પૂજા કરી તેને તિજોરીમાં મુકવું જોઈએ. તો ચાલો સૌથી પહેલા જાણી લો શ્રીફળની પૂજા કરવાની વિધિ વિશે.

મંદિરમાં એક બાજોઠ મુકવું અને તેના પર એક લાલ વસ્ત્ર પાથરવું. તેના પર એકાક્ષી નાળિયેર રાખવું અને આ નાળિયેર પર ઘી અને સિંદૂરનો લેપ કરવો. ખાસ યાદ રાખજો કે આ લેપ શ્રીફળની આંખ પર ન કરવો. ત્યારપછી નાળિયેર પર નાડાછળી બાંધવી અને તેના પર લાલ રેશમી ચુંદડી રાખી તેની પૂજા કરવી. પૂજા કર્યા પછી નીચે આપેલા મંત્રની 11 માળા કરવી અને નાળિયેરને સિદ્ધ કરવું.


ॐ श्रीं ह्रीं क्लीं ऐं महालक्ष्मी स्वरूपाय एकाक्षी नारिकेलाय नम:

નાળિયેર સિદ્ધ થઈ જાય પછી તેને શુભ મુહૂર્તમાં તિજોરીમાં સ્થાપિત કરી દેવું. માહિતી આપને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ