જલ્સા કરોને જેંતીલાલ

એક વિનંતી… – ઈશ્વરને વિનંતી કરતો એક બાળકનો પત્ર, તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

પ્રિય મારી વ્હાલી મમ્મી,

મજામાં હોઈશ પણ હું અને પપ્પા અહિયાં બિલકુલ મજા માં નથી. તારી બહુ જ યાદ સતાવે છે. સવાર ના ઉઠતાં જ હું ભૂલી જાઉં છું છું કે તું અહિયાં નથી અને મન ને મન માં વિચારું છું કે હમણાં મમ્મી નો અવાજ આવશે “ બેટા, જલ્દી ઉઠી જા નહીં તો સ્કૂલ એ જવાનું મોડુ થશે.” અને પછી વિચારું કે હું જીદ કરીશ “ ના મમ્મી, બસ 5 મિનિટ મને તારા ખોળા માં નીંદર ની મજા માણવા દે” અને તારા ખોળા માં નિરાંતે સૂઈ જવાના સપના જોવું છું, પરંતુ તારો અવાજ ના આવતાં જાતે ઉઠી ને નહાવા જતો રહું છું.
હું જ્યારે નહાઈ ને યુનિફોર્મ પહેરું છું તો ત્યારે તું પ્રેમ થી મારા યુનિફોર્મ ના બટન બંધ કરતી હોય અને મારા માથા ના વાળ સરસ ઓળી આપતી હોય એવો ભાસ થાય છે, પણ હવે હું જાતે જ બધુ કામ કરી લઉં છું. સ્કૂલબસ ની બારી માંથી અનાયાસે જ મારો હાથ ઘર ની ગૅલૅરી તરફ તને બાય બાય કહેવા લંબાઈ જાય છે અને તું ત્યાં ઊભી ઊભી સ્મિત સાથે મને પ્રેમ થી વિદાય આપતી હોય એવું હજુય લાગે છે અને પછી તને ત્યાં ના જોતાં સહેજ ભીની આંખે આકાશ તરફ બાય બાય કરું છું કદાચ, તું મને ઉપર આકાશ માંથી બાય બાય કરતી હોય.
બપોરે સ્કૂલ થી છૂટતાં જ આવી ને જેવો ઘર માં પ્રેવેશું છું તો તું રસોડા માં રસોઈ બનાવતી હોઈશ એવો આભાસ થાય છે અને આવતાં જ “મમ્મી” એવી બૂમ પાડું છું, પરંતુ આ અવાજ રસોડા ની ખાલી દીવાલો ને અથડાઇ ને મારા કાને પાછો આવે છે અને રસોડા માં તને ના જોતાં છાતી માં કેટલાય દિવસ સુધી ભરાઈ રહેલું હળવું ડૂસકું બહાર આવી જાય છે. પહેલા તું મને પ્રેમ થી તારા હાથે જમાડતી અને હું “ મમ્મી આ નહીં પેલું ખાઈશ” એવી જીદ ના બદલે હવે પપ્પા જે પણ કાંઇ બનાવી ને ગયા હોય જાતે જમી લઉં છું.
પહેલાં હું મમ્મી બહુ જ તોફાન મસ્તી કરતો એનું કારણ એ હતું કે ત્યારે તું મારા પર ગુસ્સે થતી અને પછી પ્રેમ પણ એટલો જ કરતી પણ હવે હું બિલકુલ તોફાન મસ્તી નથી કરતો. મમ્મી તું કહ્યા કરતી હતી ને કે હું મારા રમકડાં અને પુસ્તકો અસ્તવ્યસ્ત મૂકું છું,પણ હવે જો તું મારો રૂમ જોઈશ ને તો તું ખુશ થઈ જઈશ. બધુ જ વ્યવસ્થિત ગોઠવી દીધું છે.

ફરી રાત્રે તારા ખોળા માં માથું મૂકી ને સુવાની તીવ્ર ઈચ્છા થતાં હું મારી સાથે તારો ફોટો છાતી સરસો ચાંપી સૂઈ જાઉં છું તેનાથી રાત્રે હજુ પણ તું પથારી માં છે અને મારા માથા પર હાથ ફેરવી મને વાર્તા કહેતી હોય એવું સતત લાગ્યા કરે છે. બસ મમ્મી એક રાત્રિ જ એવો સમય છે જ્યાં હું મન ભરી ને રડી લઉં છું અને છેવટે છાતી માં ડૂમો લઈ ને સૂઈ જાઉં છું એ આશા સાથે કે તું સવારે પાછી આવી જઇશ. સવારે ઉઠતાં જ મારી આંખો મમ્મી તને રોજ શોધે છે. મમ્મી તું કયારે આવીશ ? બધા એવું કહે છે કે તારી મમ્મી ભગવાન ના ઘરે ગઈ છે એટલે પાછી નહીં આવે, પરંતુ હું રોજ ભગવાન ને પ્રાર્થના કરું છું તને પાછી મારી પાસે મોકલે.
શું ભગવાન ને મારી છાતી માં ભરાયેલો ડૂમો નહીં દેખાતો હોય ? શું મમ્મી ભગવાન નું ઘર એટલું બધુ દૂર છે કે અહી આવતાં તને આટલો સમય લાગે ? પપ્પા ને ય રોજ કહું છું કે તને ભગવાન ના ઘરે થી લઈ આવે, પણ પપ્પા મારી વાત માનતાં જ નથી. ખબર છે મમ્મી ! સ્કૂલ માં મારી સાથે કોઈ છોકરાઓ તોફાન કરે ને તો એમને પણ હું રોજ કહું છું કે મારી મમ્મી આવશે એટલે બધુ જ કહી દઇશ, અને એ છોકરાઓ મારા સામે હસે છે. મમ્મી તું સાચે આવીશ ને ? તું આવીશ ને તો એ બધા ચૂપ થઈ જશે.
બસ મમ્મી એક વાર ભગવાન પાસે મંજૂરી માંગી એક દિવસ માટે મારી પાસે આવી જા જેથી એ એક દિવસ માં તું મને સવારે પ્રેમથી ઉઠાડી સ્કૂલ એ મોકલે, તું ગૅલૅરી માં આવી ને મને બાય બાય કહે અને હું હસતાં હસતાં સ્કૂલ જાઉં, બપોરે આવી ને એક વાર તારા હાથ થી પ્રેમ પૂર્વક જમી લઉં, સાંજે તું અને હું ગાર્ડન માં જઈ ને ધરાઇ ને રમી લઈએ, તારા ખોળા માં બેસી તને વ્હાલ કરી લઉં, છેલ્લે રાત્રે તું મને પ્રેમ થી માથા માં હાથ ફેરવી ને સુવડાવી દે અને જો મમ્મી આમ એક દિવસ માટે આવવું શક્ય ના બને તો થોડા કલાકો માટે આવી જા.
જેમાં તારા ખોળા માં બેસી તને વ્હાલ કરી ધરાઇ ને રડી લઉં અને મારી છાતી માં કેટલાય દિવસ થી ભરાયેલો ડૂમા ને બહાર કાઢી દઉં અને જો મમ્મી આમ થોડા કલાકો માટે પણ શક્ય ના બને તો થોડી મિનિટો માટે આવી જા, હું તારા બંને ગાલ પર એક એક પ્રેમ થી ભરેલી પપ્પી આપું અને તું મને મારા ગાલ પર એક પ્રેમ ભરેલી પપ્પી આપી ને જતી રહેજે. હવે હું રોજ ભગવાન ને પ્રાર્થના કરી ને એક વિનંતી કરું છું કે તને આમ એક દિવસ માટે મારી પાસે આવવાની મંજૂરી આપે.
લિખિતંગઃ લાગણીઓ!

સરનામું

ભગવાન નું ઘર, ચાંદા મામા પાસે,

તારાઓ ની વચ્ચે, આકાશ માં.

લેખક : ડો. નિલેશ ઠાકોર “નીલ”

Exit mobile version