એક વહુને મળી પોતાના સાસુના રૂમમાંથી એક વસ્તુ અને બદલાઈ ગયું બધાનું જીવન…

જાજરમાન સાડી, ઠસ્સાદાર વ્યક્તિત્વ, ઢીલો અંબોડો, કપાળમાં વચ્ચોવચ લાલ ચાંદલો, ગળામાં સોનાની દસ તોલાની ચેઈન અને હાથમાં વીસ તોલાના પાટલા. એ જૂની તસ્વીરમાં સાસુમા જાણે કોઈ અપ્સરા સમાં લાગતા હતા. સસરાજીની સાથે બેઠેલા સાસુમા કુટુંબની આદર્શ વહુની વ્યાખ્યામાં સંપૂર્ણપણે બંધબેસતા હતાં. પરંતુ ત્રીસ વર્ષ પહેલા લેવાયેલી એ તસ્વીરમાં પણ સાસુમાના ચહેરા પરનો અસંતોષ વર્તાઈ આવતો હતો. જેવો આજે ક્યારેક નિવૃતિનીને દેખાઈ જતો. કંઇક અફસોસ, ઘોર નિરાશા અને કેટલાય નિસાસા એ તસ્વીરમાના ચહેરા પર નિવૃતિનીને વંચાઈ રહ્યા હતા..

આજે ઘણા સમય બાદ નિવૃતિની આખા ઘરની સફાઈ કરવા બેઠી હતી. સાસુના ઓરડામાંથી જ તેને તેમના લગ્નનો આલ્બમ મળ્યો.. ને એ જોવામાં પરોવાઈ ગઈ.. પણ એ બધી તસ્વીરમાં એક વાત આંખે ઉડીને વળગે તેવી હતી.. અને તે હતી સાસુના ચહેરા પરની એક મુક નિરાશા. ધ્યાનથી તસ્વીર જોનારને પણ કદાચ તે ન જ સમજાય.. પરંતુ નિવૃતિનીને એ સમજાઈ ગયું કારણકે તેણે આ જ નિરાશા ઘણી વાર સાસુના ચહેરા પર જોઈ હતી.

પદ્મજા જોશી.. નામમાં પણ એટલું વજન હતું કે સાંભળનારને અહોભાવ થઇ આવે.. અઠાવન વર્ષની ઉમરે તેઓ માંડ ચાલીસના લાગતા. નિખાલસતા અને નિર્દોષતા જાણે તેમના સ્વભાવમાં સુરજની જેમ ઝળહળતી રહેતી.. બે વર્ષ પહેલા નિવૃતિનીના લગ્ન નક્ષજ સાથે થયા ત્યારે તેને તો પદ્મજાને જોઇને એવી જ ધારણા બાંધી લીધેલી કે તેઓ અત્યંત ગુસ્સેલ સ્વભાવના હશે. પરંતુ લગ્ન બાદના બે જ દિવસમાં તેને સમજાઈ ગયું કે તેની ધારણા સદંતર ખોટી જ હતી. પદ્મજા એકદમ ભોળા અને મિલનસાર હતા.. વાતવાતમાં તેઓ ઘણી વખત બોલી જતા, “વહુ, તમારી દરેક આશા પૂરી થાય એ જ મારી મહેચ્છા છે. હું તમને ક્યારેય કોઈ વાતની ના નહિ કહું..” ને આ સાંભળતા જ નિવૃતિનીને સાસુ પર વહાલ ઉભરાઈ આવતું.. બે વર્ષ તો જાણે રમતા રમતા વીતી ગયેલા.

એકવીસ વર્ષની નિવૃતિનીના લગ્ન થયા ત્યારે તેને ચા સિવાય કંઈ બનાવતા નહોતું આવડતું.. ને આજે તેની રસોઈ આખા કુટુંબમાં વખણાતી. આ બધું પદ્મજાના પ્રતાપે..!! તેઓએ પોતાની વહુને સમય આપ્યો હતો. તે કદીક કંઇક બનાવવામાં વસ્તુનો બગાડ કરતી તો પણ પદ્મજા તેને કંઈ જ ના કહે. ઉલટાનું વધુ સરસ બનાવી શકે તે માટે તેને પ્રોત્સાહન આપે. નિવૃતિનીને તેના સાસુની આ વાત અતિશય ગમતી.. ચાર જણાનો સુખી પરિવાર હતો. નક્ષજ બેંકમાં ઓફિસર હતો અને તેના સસરા નરોતમભાઈ બજારમાં આવેલી તેમની ગોળ-માવા-ઘીની દુકાન પર બેસતા. હોલ્સેલનું કામકાજ હતું તેમનું. ખાતેપીતે ઘણો સમૃદ્ધ અને સુખી પરિવાર. બે વર્ષમાં નિવૃતિનીને બધું જ મળ્યું હતું. તે માંગતી તે પહેલા તેની પાસે નક્ષજ સઘળું હાજર કરી દેતો. બસ તેને એક વાત હંમેશા ખટકતી.. પદ્મજા આમ તો ખુશમિજાજ જ રહે. પણ જેવા નરોતમભાઈ આવે કે તેમના મોં પર ભાર છવાઈ જાય.. તેમને ગમે તેવું અને એટલું જ બોલે. ક્યારેય સાસુ-સસરાને તેણે વહાલથી એકબીજા સાથે સમય ગાળતા નહોતા જોયા.

નરોતમભાઈ પદ્મજાને ઘણી વાર તો પત્ની નહિ નોકરાણી, કામવાળી ને તેમની જરૂરીયાત પૂરી કરનારી સ્ત્રીની જેમ જોતા.. તેઓ આવે ત્યારે તેમના ઝભ્ભો-લેંઘો અને ટુવાલ કાઢીને તૈયાર રાખવાના. હુંફાળા પાણીની ડોલ ભરી રાખવાની નહાવા માટે. નાહી લે એટલે તેમની થાળી કરી આપવાની. પછી તેઓ થોડી વાર પાઠ કરે એટલે બેસવા માટે આસનીયું પણ પાથરીને રાખવાનું. આવી તો કેટલીય નાની-મોટી બધી જ જરૂરીયાત નરોતમભાઈની તેમની પત્ની પદ્મજા પૂરી કરતા. એક પત્નીનો એ ધર્મ હતો ને એમાં કંઈ ખોટું પણ નહોતું પરંતુ બંનેને ક્યારેય પતિ-પત્નીની જેમ પ્રેમ કરતા કે બોલતા નિવૃતિનીએ નહોતા જોયા ને તેથી જ નિવૃતિનીને એ સંબંધમાં રહેલી ખારાશ બહુ ખૂંચતી.. નિવૃતિનીએ અનેક વાર તેમને આનું કારણ પૂછ્યું હતું પરંતુ પદ્મજા હસીને વાત ટાળી દેતા.. કે ‘એવું કંઈ જ નથી’ એમ કહીને વાત છોડી દેતા.. અને તે વાતનો જવાબ નાં આપતા.

આજે પદ્મજા વ્યવહારિક કામસર બહાર ગયા હતા. નિવૃતિનીને તેમના વગર ગમતું નહોતું એટલે તેમના ઓરડાની સફાઈ કરવાનું વિચારીને તે અહી આવી હતી. આ આલ્બમમાં અને જૂની તસવીરોમાં પણ સાસુના ચહેરા પરની એ જ હતાશા દેખાતા તે વિચારે ચઢી ગયેલી.

અચાનક તેની નજર આલ્બમ જે બોક્સમાંથી કાઢ્યું તે બોક્સમાં પડેલા એક ફોટોગ્રાફ પર પડી.. ને તે સહેજ ચોંકી ગઈ.. સાસુમા વિશેની આ વાતની તો તેને ક્યારેય ખબર જ ના હતી.. તેના મગજના ઘોડા પુરઝડપે દોડવા લાગ્યા. તેને થયું કે કદાચ સાસુમાની ખુશી છીનવાઈ ગઈ તે આના કારણે તો નહિ હોય!!! એ જ વિચારને મમળાવતા તેને થોડું તારણ પણ મળ્યું.. પણ એ હજુ અધૂરું હતું.. રાત્રે નક્ષજ આવે એટલે તેની સાથે વાત કરવાનું વિચારી લઇ બધું વ્યવસ્થિત ગોઠવીને એ ફોટો તેણે બોક્સમાંથી કાઢી લીધો.. ને પોતાના રોજીંદા કામમાં પરોવાઈ ગઈ.

પદ્મજા સાંજે આવ્યા ત્યારે અચાનક વહાલથી તેમને ગળે વળગી પડી.. “કેમ રે મારી વહાલી વહુ? સાસુ પર બહુ પ્રેમ ઉભરાઈ ગયો છે આજ તો.. શું વાત છે?” “કઈ નહિ મમી.. બસ એમ જ.. મને હંમેશા વિચાર આવે હો કે હું તમારા જેવી ઉત્તમ વહુ બની શકીશ કે નહિ..” “અરે મારી મીઠડી, તું તો મારા કરતા પણ શ્રેષ્ઠ છે.. એકદમ ડાહી વહુ છે તું મારી..” ને બંને સાસુ-વહુ એકબીજાના વખાણ કરતા કરતા રાતની રસોઈમાં લાગી ગયા..
પછીના દિવસો સામાન્ય વીત્યા.. હા એક નાનકડો ફેરફાર થયો.. રોજ સવારમાં જુના ક્લાસિકલ ગીતો ટીવીમાં શરુ કરીને નિવૃતિની તેની ધુન પર ડોલતા ડોલતા પોતાનું કામ કરે..

બે મહિના પસાર થઇ ગયા એ આલ્બમની વાતને.. એ દિવસે રાત્રે નરોત્તમભાઈને આવવામાં મોડું થયું.. એ આવ્યા ને સાથે જ નક્ષજ પણ આવ્યો.. એટલે બંને બાપ દીકરો સાથે જ જમવા બેઠા.. પહેલી વખત નરોત્તમભાઈએ પ્રેમથી પદ્મજાને કહ્યું, “અરે, તમે પણ બેસી જાવ ને આજે અમારી સાથે.. બધા જોડે જ જમીએ.. વહુ ને તું બંને આવી જાવ ચાલો..” પદ્મજાને અત્યંત નવાઈ લાગી. પહેલા તો તેણે ના જ કહી પણ આખરે નિવૃતિની અને નક્ષજે કહ્યું એટલે બેસી ગયા. જમતા જમતા નરોત્તમભાઈ બોલ્યા,

“હવેથી રોજ બધા સાથે જ જમીશું.. નક્ષજ આવે એટલે ચારેય સાથે જમીશું..” પદ્મજાને તે દિવસે આશ્ચર્ય થઇ રહ્યું હતું. અચાનક નરોતમભાઈમાં આવેલા આ બધા ફેરફારો તેને નવાઈ પમાડતા હતા.. “અરે હા મમી.. હું તમને કહેતા ભૂલી ગયો.. કાલે આપણા પેલા મધુ કાકી છે ને એમના દીકરાની દીકરીનો કંઇક પ્રોગ્રામ છે. ખાસ આગ્રહ કરીને બોલાવ્યા છે.. આપણે જવાનું છે હોં..” નક્ષજે કહ્યું.. “શું પ્રોગ્રામ છે દીકરા?”

“એ તો ખબર નહિ.. હવે જઈએ એટલે ખબર.. હેમુ ગઢવી હોલમાં રાખ્યું છે કંઇક..! સાંજે છ વાગ્યે જવાનું છે. હું વહેલો આવી જઈશ.. પપ્પા તમે પણ આવી જજો..” “હા દીકરા..” નરોત્તમભાઈ જેવા બોલ્યા કે ફરી પદ્મજા ચોંકી ગઈ.. સગાઓના પ્રસંગમાં ક્યારેય ના આવતા આ નરોત્તમભાઈએ આજે હા કઈ રીતે કહી દીધી..!!!

તે આખી રાત પદ્મજા આ બદલાયેલા, ગમતીલા ફેરફારોના વશમાં રહીને ખુશ થતા રહ્યા.. “અરે વહુ, અહી તો ઘણા બધા લોકો આવ્યા છે.. અને આ શું? આ તો આરંગેત્રમ?????” બીજા દિવસે સાંજે છ વાગ્યે જેવા ચારેય હેમુ ગઢવી પહોચ્યા કે બહાર લાગેલા પોસ્ટર્સ જોઇને જ પદ્મજા હલી ગયા.. “હા મમી, છેલ્લું વર્ષ હતું ભરતનાટ્યમમાં નર્તિકાનું.. તેનું આજે આરંગેત્રમ છે..” નિવૃતિનીએ જોયું કે તેના સાસુના મોં પર એ જ ઉદાસી છવાઈ ગઈ હતી.. પણ આજે તેને એ ઉદાસી પણ ગમતી હતી..

નર્તિકાએ ખુબ સુંદર તાલ-લય સાથે પોતાની રચના, આરંગેત્રમ રજુ કર્યું.. ને સૌએ એને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી.. મધુકાકી એ પૂરું થયા બાદ સ્ટેજ પર આવ્યા.. માઈક પાસે આવીને બોલ્યા, “આજે ફક્ત એક નહિ બે વિદ્યાર્થીઓ પોતાનું ભરતનાટ્યમ સમાપ્ત કરશે. તો આવો સૌ વધાવીને ઉત્તમ નૃત્યાંગના “પદ્મજા જોશી” ને..!!” આ સાંભળતા જ પદ્મજા રડી પડ્યા.. બાજુમાં બેઠેલી વહુ અને એક તરફ બેઠેલા પતિ સામે જોયું.. પતિની આંખમાં જાણે અફસોસ દેખાતો હતો અને એ જ આંખમાં માફી પણ હતી.. નક્ષજ તો ઉભો થઈને તાળીઓ વગાડવા માંડેલો.. નિવૃતિનીએ સાસુની સામે જોયું અને વહાલથી કહ્યું,

“મમી.. એ સમય ભૂલી જાવ.. એ વર્ષ ભૂલી જાવ.. એ યાદોને ભુંસીને નવી યાદો બનાવવાની છે આજે તમારે.. પપ્પાને એમની ભૂલનો એહસાસ થઇ ગયો છે.. માત્ર એક મહિના મોડા લગ્ન થયા હોત તો તમે તમારું આરંગેત્રમ કરી શકત એ વાત પપ્પાને હવે સમજાઈ છે.. મારા વડસાસુના રોફ્ને લીધે તેઓ લગ્ન પછી તમને ભરતનાટ્યમ કરવાની છૂટ નાં આપી શક્યા એનો તેમને પારાવાર પસ્તાવો છે મમી..

પણ બસ હવે એ બધું ભૂલી જાવ.. આજે ફરી એક વખત અઢાર વર્ષની એ કન્યા બની જાવ.. જેના માટે એનું નૃત્ય, એના નટરાજ એનું ભરતનાટ્યમ જ સર્વસ્વ હતું.. તમે ભરતનાટ્યમ પૂરું ના કરી શકયા એનો અફસોસ છોડી દો.. આજે ફરી તક આવી છે.. આરંગેત્રમ કરીને તમારા આરાધ્યને નમીને સર્વશ્રેષ્ઠ નૃત્યાંગના બની જાવ..

ચાલો મમી.. અહી પાછળ જ તમારો પરંપરાગત પોશાક પણ છે.. એ પહેરીને તમારે આજે આ હોલ આખો ગજાવવાનો છે…ને હા આ લો..”
અચાનક જ પોતાના પર્સમાંથી એક બટવો કાઢીને પદ્મજાના હાથમાં આપીને નિવૃતિની બોલી, “આમાં તમારા ઘૂંઘરું છે મમી.. આવો હું તમને પહેરાવી દઉં..”

ને પદ્મજાની આંખ ભીની થઇ ગઈ.. તેઓએ પોતાની વહુને છાતીસરસી ચાંપી દીધી.. વહાલથી તેને ચુંબન કરીને તેનો હાથ પકડીને તેઓ સ્ટેજ તરફ ગયા.. પહેલા અંદર જઈને તેમણે પોશાક પહેર્યો અને પછી આહ્લાદક આરંગેત્રમ કરી સહુને ચોંકાવી દીધા. આ ઉમરે, આટલા વર્ષો પછી પણ તેમને એક એક તોડા ને તાલ યાદ હતા..

સહુએ તાળીઓથી તેમને વધાવી લીધા.. ને પદ્મજાની આંખો ફક્ત ને ફક્ત તેમની વહુ તરફ હતી.. એ નજરમાં ભારોભાર વાત્સલ્ય છલકતું હતું…!! એ રાત્રે તેઓ અગિયાર વાગ્યે ઘરે પહોચ્યા.. બધા સાથે તે સમયે પહેલી વખત બેઠા.. એ માહોલ ખુબ જ સુંદર હતો.. લાગણીઓ અને પ્રેમથી તરબોળ !! પદ્મજાએ નિવૃતનીની સામે જોયું.. અને કહ્યું, “તારા જેવી વહુને મેળવીને હું તો ધન્ય થઇ ગઈ દીકરી.. થેંક્યું સો મચ.. મારા જીવનની યાદગાર ક્ષણ આપવા બદલ.. પરંતુ આ બધું કઈ રીતે?” તેમનો પ્રશ્ન સાંભળીને નિવૃતિની હસતા હસતા બોલી,

“મમી તમારા આલ્બમના બોક્સમાંથી તમારો ભરતનાટ્યમ કરતો ફોટો મળ્યો.. ૫૦% તાગ ત્યારે જ બેસી ગયેલો.. એ પછી પપ્પાજી સાથે વાત કરી.. એમણે કહ્યું કે તમારા સાસુની ઈચ્છા નહોતી કે તમે આવા નાચવાના કામ કરો એટલે ફક્ત આરંગેત્રમ બાકી હોવા છતાય તમે તે પૂરું ના કરી શક્યા.. ને ના ચાહવા છતાં પણ પપ્પાજી પોતાની માએ કહેલી વાતમાં ખેંચાઈ ગયા.. એ પછી તો બધું આપોઆપ જ બનતું રહ્યું.. ધીમે ધીમે પપ્પાજી પોતે જ કઠોર સ્વભાવના થઇ ગયા.. પરંતુ અંદરથી તેઓ એવા જરા પણ નહોતા..

મેં એમને જયારે કહ્યું કે હવે આપણે મમીનું આરંગેત્રમ કરાવીએ ત્યારે તેમની આંખમાં રહેલી ખુશી છાની નહોતી રહી મારાથી…” ને આ સાંભળતા જ અહોભાવથી પદ્મજાએ પોતાના પતિની સામે જોયું.. નરોત્તમભાઈએ પણ પ્રેમથી એ નજરને તેમની આંખમાં સમાવી લીધી. નક્ષજ પણ નિવૃતિની જેવી પત્ની મેળવીને ગર્વ અનુભવી રહ્યો હતો.. ને એ રાત્રે બે દામ્પત્યજીવન ફરી મહેકી ઉઠ્યા…!!

લેખક : આયુષી સેલાણી

વાહ ઈશ્વર દરેક ઘરમાં આવી વહુ આપે અને તેને સમજે અને સારી રીતે રાખી શકે એવી સાસુ આપે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ