એક ટીફીન આવું પણ… – શું તમે ઓફિસમાં ઘરેથી આવેલું ટીફીન જમો છો? વાંચો આ રમુજી ટ્રેજડી… બિચારા ભાઈ. ઈશ્વર એમની રક્ષા કરે…

વાત છે ૨૦૧૦ના ઉનાળાના કોઈ એક સોમવારની…

ઓફિસમાં બપોરે જમવાનો સમય થઇ ગયો એટલે સૌ વારાફરતી ઉભા થઇ પેન્ટ્રી સાઈડ ગયા, મને ભૂખ તો બહુ કડકીને લાગેલી પણ તો ય મારે ઉભાથવાની બહુ ઉતાવળ નહોતી કેમ કે હું જાણતો હતો કે મારું ટીફીન રોજ જેમ આજે ય હજુ નહિ આવ્યું હોય. એ સમયે હું અમદાવાદમાં એકલો જ રહેતો અને ઓફિસે બપોરે જમવા માટે મેં એક ટીફીન બંધાવેલું. એ ટીફીનવાળા બહેનને કેટલીય વાર કહ્યું કે ,”તમારે કોઈપણ સંજોગોમાં ટીફીન બપોરે દોઢ વાગ્યે તો પહોચાડી જ દેવું… તમે મોડું કરોને એટલે અહી બધા જમી લે છે અને પછી મારે એકલા જમવું પડે છે…” (અને એકલા જમવામાં સૌથી મોટી ખોટ એ જતી કે મને મારા એ બધા ઓફીસ મેટના ઘરેથી લાવેલા મસ્ત ભાણામાં ભાગ પડાવવા ના મળતો અને મારું બોગસ ટીફીન એકલા પતાવાવું પડતું. એકચ્યુલી, હું ટીફીન એટલા માટે જ મંગાવતો કે એ બહાને મને આ સૌ ઘરેથી ટીફીન લાવેલા લોકો જોડે કોઈપણ જાતની શેહશરમ વગર જમવા બેસવા મળે અને એ રીતે એમનું ‘ઘર કા ખાના’ ઝાપટવા મળે.)

હવે એ ટીફીનવાળા બહેનને વારંવાર કહેવા છતાં ય તેઓ મોટેભાગે પાંચ-દસ મિનીટતો લેટ કરી જ દેતા. (એ બહેનને એ સમયે મારા જેવા સો ઉપર ગ્રાહક હતા એટલે કદાચ…)પણ એ સોમવારે હું બે-ત્રણ મિનીટ મોડો ઉભો થઈને હજુ જ્યાં પેન્ટ્રીનું બારણું ખોલું ત્યાં તો બધા ઓફીસમેટ જમતા હતા એ બધાની વચ્ચે ડાઈનીંગ ટેબલ પર મારું રોજ આવતું હતું એવું મોટું સ્ટીલનું ચાર ખાના વાળું ટીફીન પડેલું જોયું. મારી ખુશીનો પાર ના રહ્યો. બધા કહે “આવ.. આવ… આજે તો તારું ટીફીન વહેલું આવી ગયું છે…”

ટીફીન ખોલ્યું ત્યાં તો એમાં “છોલે-પૂરી, કાંદા-કોબીજનું કચુંબર અને અચાર…” બધા કહે, ”વાહ તારે તો આજે જલસો પડી ગયો…” એટલે મને થયું, “મર્યા…આજે માંડ સારું ટીફીન આવ્યું છે અને આજે આ લોકો મારા ભાણામાં ભાગ પડાવશે…”એટલે મેં જરા ઝપટ રાખી જમવામાં, ઓફીસમેટમાંથી એક-બેએ એકાદ બાઈટ લીધું છોલે-પુરીનું, ખાઈને એક બોલ્યો કે, “થોડીક વાસ આવે છે..”

મેં કહ્યું કે, “અરે યાર, આ ટીફીનવાળા લોકોને વધારે ગ્રાહક હોય એટલે વહેલું બનાવતા હોય પ્લસ તેલવાળું ગરમા ગરમા પેક કરીને આ ઉનાળાની ગરમીમાં કલાક-દોઢ કલાક પડ્યું હોય, એટલે કદાચ… આ જોને કાંદા-કોબીજ પણ કેવા ઢીલા પડી ગયા છે.” એમ કહીને મેં કાંદા-કોબીજ સાઈડમાં મુક્યા અને છોલે-પૂરી પર કોન્સન્ટ્રેશન ચાલુ રાખ્યું…

દસ-પંદર મિનીટ પછી બધું જમવાનું પૂરી કરીને જ્યાં ટીફીન પેક કરતો હતો ત્યાં પેન્ટ્રીનું બારણું ખુલ્યું અને ટીફીનવાળા બહેન દેખાયા , હાથમાં ટીફીન લઈને હાંફળા-ફાંફળા થતા…ટેબલ પર ટીફીન મૂકી ને કહે, ”સોરી…સોરી…ભાઈ…આજે ય જરા મોડું થઇ ગયું…”

હવે આ સાંભળીને હું અને મારા બધા ઓફીસમેટ બધા કન્ફયુઝ…મેં બેનને કહ્યું, “આ તમે ટીફીન મૂકી તો ગયા હતા…હું હજુ એ છોલે-પૂરી જમીને જ ઉભો થયો…” “હેં….છોલે-પૂરી??” ટીફીનવાળાબેનની આંખો ફાટી ગઈ, “પણ છોલે-પૂરી તો ટીફીનમાં શનિવારે બનાવેલા, આજે તો ગુવારનું શાક અને રોટલી છે…”

“એની માને…” હવે મારી આંખો ફાટી ગઈ…અને યાદ આવ્યું કે શનિવારે ઓફીસે આવ્યો પછી એક ફોન આવ્યો હતો ને મારે ઓફિસેથી બારેક વાગે નીકળી જવું પડેલું અને એવું હતું કે દોઢ-બે વાગ્યે પાછો આવી જઈશ એટલે ટીફીનની ય ના પડેલી નહિ અને પણ પછી આખો દિવસ ઓફીસ આવી શકેલો નહિ… અને આજે એ યાદ ના રહ્યું.

મનમાં સાલી ગણતરી થઇ ગઈ કે, “બેનને બહુ ગ્રાહક છે એટલે નવ-દસ વાગ્યે તો ટીફીન બનાવી દેતા હશે, શનિવારે દસેક વાગ્યે બનેલું જમવાનું મેં સોમવારે દોઢ વાગ્યે ખાધું મતલબ પુરા સાડા એકાવન કલાક પછી…એ ય છોલેપુરી જેવું તેલવાળું…વળી એ ય ટીફીનમાં પેક રહેલું…અને એ પણ ઉનાળામાં…”

ઘડીક તો રૂવાંડાઉભા થઇ ગયા,…પણ પછી યાદ આવ્યું કે બેન આજે ટીફીનમાં ગુવારનું શાક લાવ્યા છે, મારું એ સમયે બહુ ફેવરીટ…મેં નવું ટીફીન ખોલ્યું અને ફરી બેટિંગ ચાલુ કરી, એ બેનછોલે-પુરીનું ખાલી થયેલું ટીફીન અને મનમાં મારી ચિંતા ભરીને લઈ ગયા… મારા ઓફિસમેટ આખો દિવસ મારી તબિયતની ચિંતા જતાવતાં એ ચર્ચા કરતા રહ્યા કે,”મારી ઘ્રાણેન્દ્રીય (સુંઘવાની શક્તિ) કેટલી નબળી કહેવાય…!!”

પણ એ લોકોએ જેવી તબિયત બગડવાની આશા રાખેલી એમાંનો એક ટકો મારી તબિયતને તકલીફ ના આપી શક્યો એટલે પછીના બે-ત્રણ દિવસ અને આજે પણ જયારે યાદ કરીએ ત્યારે ચર્ચા થાય કે, “મારી પાચન કે રોગપ્રતિકારક શક્તિ કેટલી જોરદાર કહેવાય…”કુદરત કોઈને એક બાજુ નબળી આપે તો બીજી બાજુ કેટલી સ્ટ્રોંગ આપે. પેલી કહેવત છે ને કે “અક્કલમઠ્ઠા લોંઠકા બહુ હોય….”

(સાવ સત્યઘટના…btw તમે શું કરશો? મારી ઘ્રાણેન્દ્રીયની ટીકા કે મારી રોગ પ્રતિકારક શક્તિના વખાણ?)

લેખક : કાનજી ભાઇ મકવાણા

તમારો પણ આવો કોઈ રમૂજી પ્રસંગ હોય તો કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ