એક સંદેશ..પત્નીને! – જયારે કોઈ વ્યક્તિ તમારાથી હંમેશને માટે દુર થઇ જશે ત્યારે જ તેમની કિમત સમજાશે…

આજે મને ખબર પડી કે, “એકલા એટલે શું ??”

રવિન્દ્રનાથ ટાગોર તો ભલે ને વર્ષો પહેલા કહી ગયા હોય..

એકલા ચલો.. એકલા ચલો… કે પછી બેફામ ભલે ને કહે,

એકલ આવ્યા, એકલ જવાના.. સાથી વિના સંગિ વિના…

પણ, મને પૂછો , “એકલતા કોને કહેવાય ??” સુબોધરાય મનોમન એની પત્નીને ઉદ્દેશીને બોલે છે…

” તું જ્યારથી મને પરણીને આવી પછી, હું ક્યારેય એકલો નથી રહ્યો.. હા, મેં ક્યારેય તને કહ્યું નહોતું કે, “તારા વગર હું નહિ રહી શકુ !! પણ, મને ખબર હતી કે મને તારી આદત થઈ ગઈ હતી… એટલે તો તારે પિયર બહુ આવરો જાવરો નહોતો… મેં જ ન રહેવા દીધો !! હું તને ક્યારેય એવું જતાવતો નહોતો કે, પ્રિયે, તારા વગર મને સહેજે ન ગમે.. એટલે હું તને એકલી ક્યાંય નથી મોકલતો..!! જો કે એ વાતની તને ખબર જ હતી અને એનું તને ગૌરવ હતું !!

હા, હું ખૂબ કંજૂસ હતો એ કબૂલ કરવાના બારામાં.. આમ તો આપણા સમાજના એંસી ટકા પુરુષો, પત્ની પાસે સરળ બનવામાં, પ્રેમનો એકરાર કરવામાં અને પ્રશંસા કરવામાં કંજૂસ જ રહ્યા છે,…જ્યોતિ, હું પણ એ જ એંસી ટકા માનો જ હતો ને ??? જ્યારથી તે પગ મૂક્યો સાસરામાં અને લગ્ન પછી પહેલી જ સવારે, તે મને તારા હાથે બનાવેલી ચા આપી … તે દિવસથી અત્યાર સુધી હું એ ચા ને મારો હક સમજી બેઠો !! જ્યોતિ, મને ક્યારેય એ ચાની કિંમત ન સમજાણી..

જ્યોતિ, આજે મને તારા વગર સવારે, કોણ ચા પાય ?? હા, તારા ગયા પછી થોડા દિવસ, દીકરા દીકરી વહુ બધાએ ધ્યાન રાખ્યું.. પછી તો, સગાંવહાલાં અને પડોશીઓએ મને ચા આપી હતી, પણ એય કેટલા દિવસ ?? આજે મને સવારની એ તારા હાથની એક કપ ચા ની કિંમત શુ હતી એ ખબર પડી ગઈ… તે તો મને પહેલેથી જ સમજાવ્યું હતું કે આપણી દીકરી સેતુને સાસરે વળાવી, વહુ લાવ્યા છીએ અને સાગરને શહેરમાં નોકરી મળી છે તો આપણે બન્ને પણ તેમની સાથે જ જતા રહીએ.

તું કેટલી સાચી અને વ્યવહારુ હતી તને ભલે ખબર નહોતી કે, પહેલા તું જઈશ કે હું ?? પરંતુ એ નક્કી જ હતું કે ગમે તે એક પાછળ રહીએ તો દીકરા વહુની સાથે રહેતા હોઈએ તો… આ એકલતાનો અજગર આમ ભરડો ન લઈ જાત !! પણ, હું જ ન માન્યો અને જો, હવે એકલો પડી ગયો.!!. હવે તો હું જઈ પણ નથી શકતો.. હા, દીકરા વહુ અને દીકરી જમાઈએ કહ્યું, કે પપ્પા અમારી સાથે ચાલો… પણ, જ્યોતિ, ઉપરછલ્લુ.!! એમનેય ખબર હતી અને મને પણ, કે મને તારા સિવાય કોઈ સહન ન કરી શકે…!!

જ્યોતિ, જ્યારે જ્યારે મેં તારી વાત નથી માની, ત્યારે ત્યારે, મારે જ પસ્તાવાનો વારો આવ્યો છે. અને તેથી જ અત્યારે હું એકલો રહી ગયો.!!. તું મને ઘણી બધી વાતો માં ધરારથી મનાવી લેતી, હું પણ કેવો પાષાણ હ્રદયી !!! એમ કાંઈ જલ્દીથી તારી વાત માનતો નહિ,… જ્યોતિ, તારા આગ્રહથી જ તો આપણે જલ્દીથી ઘરનું મકાન બનાવી શક્યા હતા, પણ, મેં તને ક્યારેય એનો શ્રેય લેવા જ નહોતો દીધો !!

સ્ત્રીઓ કેટલી સરળતાથી કહી શકે, ” અમારા એમને આમ ન ગમે.. અમારા એમને તો આમ જ જોઈએ .. અને એ વાતનું તમે લોકો ગૌરવ પણ લઈ શકો !!” તારે લીધે તો સમાજમાં આપણા કુટુંબની આબરૂ જળવાયેલી ! બાકી મારો સ્વભાવ તો.. આમને ઓછું બોલવાની ટેવ છે …!! ” તું બધાને એમ કહી મારો ઢાંકપિછોડો કરતી..!!

પણ, કોઈ પુરુષ બીજાની સામે પોતાની પત્નીના ગમાં અણગમા નથી કહેતો.. ઉલટાનું એમ કહી દે.. “બૈરાં ને શુ ખબર પડે ? એમને વળી શુ પૂછવાનું હોય ??” પુરુષ જાત કેટલી સ્વાર્થી છે ?? પત્નીને ખિજાવાની કે ઉતારી પાડવાની એકપણ તક ચૂકે નહિ, પણ પ્રસંશના બે ફૂલડાં તેનાથી ન વેરાય…!! હું એ જ સ્વાર્થી જાતનો સેનાપતિ હતો !!

કાશ, જ્યોતિ, ભગવાન તને ફરીથી મોકલી દે !! હું હવે તારું ખૂબ જતન કરીશ … જ્યોતિ, તારા ગયા પછી મને ખબર પડી કે હું મારો ઈગો, હું ને કેટલો ધારદાર કરીને જ જીવતો હતો !! મેં ક્યારેય તારી સચ્ચાઈ આ સમાજની સામે કબૂલ ન કરી , કે “ભલે , મારી પત્ની મારા કરતાં ઓછું ભણેલી છે પણ, સ્ત્રીને કુદરતે એક અનોખી શક્તિ આપી છે જેનાથી એ ગૃહસ્થીની બાગડોર સહજતાથી સંભાળી શકે છે !!

જ્યોતિ, મને યાદ છે, પહેલી વખત, તારા હાથે કાચના કપરકાબીમાં ચા લઈને આવતા, તારા હાથમાંથી ટ્રે પડી જતાં, કપરકાબી ફૂટી ગયા અને ચા ઢોળાઈ ગઈ હતી… ને આ જોઈ.. મેં તારા પર કેવા બુમબરાડા પાડ્યા હતાં !!, એ જ વખતે કોઈ મહેમાન આવી જતાં, તું ડઘાઈ ગયેલી, હું પણ, છોભીલો પડી ગયો હતો.. આપણે બન્ને સમજી ગયા હતા.. કે મહેમાને મારો અવાજ ચોક્કસ સાંભળ્યો જહશે.. એ વખતે તે સમયસૂચકતા અને કુનેહ વાપરી ને… એમને આવકારતાં કહ્યું હતું, ” અરે, આવો આવો, આ જો ને મારા હાથમાંથી ચાની ટ્રે પડી ગઈ ને કપરકાબી ફૂટી ગયા, અમારા ‘આમને ‘ મારી બહુ ચિંતા !! એટલો ગુસ્સો કરે કે “તને વાગી જાત તો ?? ધ્યાન રાખતી હો !! પણ, ધીમે બોલતા ન આવડે લ્યો !.. “

હાશ…!! .., કેવી સરળતાથી હસતાં મુખે બાજી સાંભળી લીધી હતી … તે !! પણ, આ માટે હું આભાર વ્યક્ત નહોતો કરી શકતો.. પણ, આ બનાવ પછી તો મારું તારા પર રાડો પાડીને બોલવાનું સામાન્ય બની ગયું.કારણ?? સમાજમાં મારુ જરાય નીચું તો તું પડવા નહોતી દેવાની …!!!

આવી નાની નાની કેટલી યાદોનેવાગોળું?? જ્યાં તું મારુ જ સ્થાન ઊંચું રાખવાની કોશિષ કરતી જ રહેતી…જ્યોતિ !! આપણા બન્ને છોકરાઓ, જો કઈ સારું કામ કરે, નમ્બર લાવે, તો તરત જ કહેવાય જતું, શાબાશ !! દીકરો કોનો કે દીકરી કોની ??? પણ, જો કાંઈ આડાઅવળું થયું કે તરત હું બોલતો, ” જો, આ તારા લાડલા ના પરાક્રમ … જો, … આ તારી દીકરી .. જો ધ્યાન રાખ!! નહિતર લોકો શુ કહેશે ??? રસોઈમાં પણ જ્યોતિ, એવું જ ને ?? ટાઢ, તાપ કે વરસાદ,.. બારેમાસ અને ત્રણસો ને પાસઠદિ,.. ત્રણેય ટાઈમ રાંધીને તે ખવડાવ્યું… !!

મૂડમાં હોઈ તો કોકવાર વખાણ કરીએ, બાકી જો કઈ મીઠુંમરચુ ઓછું પડ્યું કે તરત જ ટકોર કરીએ.. કે આટલા વર્ષ થ્યા તોય રાંધતા તો ન આવડ્યું !! કાશ,… કાશ, …મને એક ચાન્સ ઓર મળે !! તું જ મારા જીવનમાં પાછી ફરે !! જ્યોતિ, એવું નહોતું કે મને ખબર નહોતી, કે, તું મારી કેટલા પ્રેમથી કાળજી રાખે છે !!પણ, એની કિંમત મને હવે સમજાય છે .. !! તારા વગર જીવવું ખૂબ અઘરું છે , યાર !! કાશ.. તું પાછી આવી જાય ??

મને ખબર જ છે, આ મારી બાલીશતા જ છે !! કારણ કે તું એવી જગ્યાએ ગઈ છો જ્યાંથી ગયેલું કોઈ પાછું ફરતું નથી… પણ, એક વાત કહું ?? આજે હું આ બધું એમના માટે કબૂલ કરી રહ્યો છું, કે જે મારા જેવા સ્વકેન્દ્રી છે .. !! જેમની પત્ની જીવે છે , તેમની સાથે છે !!… યારો, પતિ હોવ કે કદાચ પત્ની હો તમે ! પણ, જીવનસાથીને ખૂબ ખૂબ પ્યાર કરી લો … એમની કર કરો, .. … જ્યોતિ, તારો પ્રેમ, કાળજી અને હૂંફને બદલે મેં તને શું આપ્યું ?પણ, ઈશ્વર જો એક ચાન્સ આપે તો.. હું ..

પણ, ના.. એ ઈશ્વર છે .. સ્ત્રી નથી .. તે પુરુષને માફ જ કર્યા કરે !! પણ, કાશ.. , છતાં યે એટલું ચોક્કસ કહીશ કે, આવતા જન્મે મને તું જ જીવનસાથી ના રૂપમાં મળે !! પછી ભલે ને, જ્યોતિ, તું પતિ બનજે ને.. હું પત્ની બસ !! પણ, એય નથી ખબર કે હવે આવતે ભવે તો મળશું કે નહીં, મળ્યા તો ઓળખીશું પણ નહીં… આ તો હવે… મારે તો જ્યોતિ , પસ્તાવો જ કરવો રહ્યો ..!!

હવે તો, અફસોસ કર્યા વગર બીજું કાંઈ જ હાથમાં નહિ આવે !!આટલું વિચારતાં તો સુબોધની આંખો મીંચાઈ ગઈ….!” ………..*……. “”જુઓ.!!. જુઓ..!! આંખો ખોલી.!!!”.. સુબોધની આંખો ખુલતા જ.. તેનો વર્ષો જૂનો એ જ લહેકો.. સંભળાયો.. જ્યોતિ !! ના, ના… તેણે ફરીથી ભાર દઈને પોતાની આંખો બંધ કરી દીધી.. ! પણ, તેના કાને એ જ પોતીકા અવાજની સાથે કોઈ અપરિચિત અવાજ સંભળાયો..

“કોંગેચ્યુલેસન્સ..!! મિસ્ટર સુબોધ.., બે દિવસ કોમામાં રહ્યા બાદ હવે… ફરીથી ભાનમાં આવી ગયા છે !!.. he is out of denger ..!! નર્સ,.. એમને..આગ્લુકોઝની બોટલ ચડે છે, તેમાં…”” સુબોધે બેઠા થવા નો પ્રયત્ન કર્યો… એને ના પાડતા ડોક્ટર કહેવા લાગ્યા.. ” .. કેમ છે ?? આપને હવે કેવું લાગે છે ?? તમને બ્રેઈનસ્ટ્રોક આવ્યો હતો અને બે દિવસથી તમે કોમામાં હતાં.. આ તો કોઈનું તપ ફળ્યું કે તમે હેમખેમ , પાછા ભાનમાં આવ્યા છો .. !! “

સુબોધે, જ્યોતિ તરફ જોયું,.. ઓહ ! બે દિવસથી રડી રડી ને આંખો સૂઝી ગઈ હતી પણ, જ્યોતિ ના મુખ પર સુબોધને સલામત જોઈને એક અનોખી ચમક હતી અને હોઠ મલકાઈ રહ્યા…એ બોલી ઉઠી.. સુતા રહો.. સુતા રહો.. તમારે આરામ કરવાનો છે !! અને ત્યાં ઉભેલા અંગત સગાંવહાલાં અને દિકરા દિકરીને કહ્યું, ” તમ તમારે બધા જાઓ.. હું છું ને અહીં, હું આમનું ધ્યાન રાખીશ ને !! ” સુબોધે આંખો જ્યોતિ તરફ ટેકવી.. શુભેચ્છાઓ આપી સગાંવહાલાં બધા જતાં રહયા ..

ઓહ, બે દિવસ જ ?? હું કોમામાં?? મને તો એ બે દિવસ .. બે.. વરસ.. જેવા લાગ્યા.. અને મને એમ હતું કે, જ્યોતિ, મને મૂકી ને સ્વર્ગે સિધાવી ગઈ… ઓહ.. ભગવાન !!, કેવું ભયાનક હતું એ ?? સુબોધે જ્યોતિ ને નજીક બોલાવી .. એનો હાથ, પોતાના હાથમાં લઈ , સુબોધ થી એટલું જ બોલાયું, … “” ધ્યાન તો હવે હું રાખીશ તારું ., જ્યોતિ .!! ”

લેખક : દક્ષા રમેશ

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં આપી શકો છો, દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ