એક સામાન્ય લાગતી વાત પાછળ હોય છે અનેક કારણ, લાગણીસભર ટચૂકડી વાર્તાઓ…

પ્રિય વાચકો, જલ્સા કરોને જેંતીલાલ લાવ્યું છે ટચુકડી વાર્તાઓનું વાંચન ભંડોળ ! અહીં માઈક્રો સ્ટોરી શણગાર પરિવારના સર્જકો દ્વારા ટાસ્ક ઉપર લખાયેલી માઈક્રોફિક્શન રચનાઓ આપવામાં આવી છે. માઈક્રો સ્ટોરી શણગાર એ નવોદિત માઈક્રોસર્જનકારોને મોટું પ્લેટફોર્મ પુરું પાડે છે. વૉટ્સએપની મદદથી ઘડીકભરમાં વંચાઈ જાય એવી રચનાઓ લખવી, વાંચવી જેવી પ્રવૃતિ કરનાર ‘માઈક્રો સ્ટોરી શણગાર પરિવાર’ માઈક્રો યાત્રામાં કલમ કસી રહ્યું છે.


માઈક્રોફિક્શન એ આજનાં સમયમાં વાચકોનો મૂળ વાંચનનો વિષય રહ્યો છે.અંગ્રેજી ( પાશ્ચાત્ય ) સાહિત્ય માંથી આવેલો આ પ્રકાર ગુજરાતી સાહિત્યમાં પણ સુપેરે વણાઈ ગયો છે.

૧) ‘હાડપિંજર’

પરદેશ સ્થાયી થયેલો હરેશ વરસો પછી ગામડે આવ્યો.મા-બાપના મૃત્ય સમયે એ સંજોગોવસાત્ આવી શક્યો ન હતો.મા-બાપની સ્મૃતિમાં જ્ઞાતિની વાડીમાં પુરા એક લાખ રૂપિયા લખાવીને એ ધન્ય ધન્ય થઈ ગયો. છાતી ફૂલાવતો ફૂલાવતો પૈતૃક ઘરે પહોંચ્યો, એણે ઘરનો દરવાજો ખોલી જોયુંને સાવ નિ:શબ્દ થઈ ગયો. નીચે પડીને તૂટી ગયેલા મા-બાપના ફોટા પર પડેલું, ઘરના પાળેલા કૂતરાનું સૂકાઈ ગયેલું હાડપિંજર જાણે એની સામે જ જોઈ રહ્યું.


– ડૉ.કિશોર એન.ઠક્કર (ગાંધીધામ, કચ્છ)

૨) આઘાત

શહેરના નામાંકિત ડો. યજુવેન્દ્ર પટેલ આજે તેમના લાડકા દીકરા આરવ ઉપર ખૂબ ગુસ્સે હતા. કારણકે તેની પ્રિલીમ પરીક્ષાનું આજે પરિણામ ધાર્યા કરતાં નબળું આવ્યું હતું યજુવેન્દ્રનુ એક જ સ્વપ્ન હતું કે તેનો દીકરો તેની જેમ જ શહેરનો નામાંકિત ડોક્ટર બને. પરંતુ રીઝલ્ટ નબળું આવતા ડો.જુવેન્દ્રે આજે આરવને ન કહેવાના શબ્દો કહ્યા અને ગુસ્સામાં પોતાની હોસ્પિટલ જતા રહ્યા.

પત્ની શ્વેતાના અવસાન પછી આરવ જ તેની દુનિયા હતો પણ આજે અપેક્ષા પ્રેમ પર હાવી થઈ ગઈ. સાંજ પડતા ઘરે તરફ જતા ડો.યજુવેન્દ્ર વિચારે છે “આજે આરવ પાર આટલું ગુસ્સે નહોતું થવું” ઘરે પહોંચી ઘરનો દરવાજો ખોલીને જોયું તો ડો.યજુવેન્દ્ર સાવ નિઃશબ્દ થઈ ગયા.

– સંજીવ પંડ્યા (દમણ)

૩) વ્યસનમુક્તિ


ચમનકાકાનું દારૂબંધી વિશેનું ભાષણ સાંભળીને એ દિવસથી ચિંતન એ ‘બોટલને’ કોઈ દિવસ હાથ નહિ લગાડે એ પ્રણ લીધું. પ્રિયાને એ ખુબ ચાહતો હતો, તેના લગ્ન બીજે થયા એટલે ગમ ભૂલવા દારૂને પહેલી વાર હાથ લગાડ્યો હતો અને પછી એણે હાથ પકડી લીધો હતો. એ ચમનકાકાનો આભાર માનવા જતો હતો. કાકાના ઘરે અંધારું જોયું અને આશ્ચર્ય થયું! તેણે દરવાજો ખોલીને જોયું તો નિઃશબ્દ થઇ ગયો. ચમનકાકાના હાથમાં એ જ બોટલ હતી….જે બોટલ…!

– શ્રેયસ ત્રિવેદી

૪) રાતનું પીણું

રાહુલ રોજ રાત્રે રીમાને ફોસલાવી નશીલું પીણું પીવડાવી સુવડાવી દેતો, પછી ચુપચાપ ગાડી લઈને નિકળી જતો. સવારે રીમાની આંખ ખૂલે તે પહેલાં આવી જતો. આ નિત્યક્રમ આજે તૂટી ગયો. રીમા વહેલી સૂઈ ગઈ. મનોમન ખુશ થતો રાહુલ ફ્રેશ થઈ નિકળી ગયો, ને ગાડીનો દરવાજો ખોલી જોયું ને સાવ નિ:શબ્દ થઈ ગયો.

– અલ્પા વસા

૫) ભવિષ્ય

”પૂર્વી પ્લીઝ સૂઈ જા ,મારે કામ છે.આઈ હેવ ટૂ કમ્પલીટ માય ફાઈલ” એમ મોટા અવાજે કહી સુબોધે બેડરુમનો દરવાજો પછાડી,આગળના ખંડમાં પ્રવેશ કર્યો.

રૂમની નિરવતા,કિ-પેડ પર શાંતીથી રમતી સુબોધની આંગળીઓ વચ્ચે અચાનક મોબાઈલ પર smsની ટ્યૂન વાગી.અને મોબાઈલની સ્ક્રીન પર અંકિત થયેલ પૂર્વીના અક્ષર સુબોધને આંખે વળગ્યા.’વિ વીલ મીટ ઈન ફ્યુચર’


તરત હાથમાં મોબાઈલ લઈ દોડતા જઈ એણે બેડરુમનો દરવાજો ખોલી જોયું તો એ સાવ નિ:સ્તબ્ધ થઈ ગયો.હાથ માંથી મોબાઈલ નીચે પડ્યો. SMSના શબ્દો વિખરાઈ ગયા.

– ધાર્મિક પરમાર ‘ધર્મદ’

૬) સ્વાગત

‘હાશ કોઈએ જોયો નથી મને ….. એક મહીનો તો આટલા ઘઉં હાલશે.’ આમ બબડતો બબડતો કાનજી પોતાનાં ઘરે આવ્યો. એણે દરવાજો ખોલી જોયું ને સાવ નિઃશબ્દ થઈ ગયો. કારણ કે સામે મનજીબાપા પોલીસપટેલને લઈને કાનજીનું સ્વાગત કરવાં ઊભાં હતાં..કરાડી નજરે કાનજીએ પુત્રવધૂ સામે જોયું.

– હસમુખભાઈ રામદેપુત્રા

૭) સુંદરતા

સામાન્ય હોદ્દા પર કામ કરતી સુંદરતાની મુરતી એવી રમિલા! ભલભલાને તેની મુઠ્ઠીમાં રાખેને બધા પર હુકમો કરે !.આજે કંઈ કામસર સૂરજ મેનેજર સાહેબના ઘરે ગયો. અંદરથી કાંઈક અવાજ આવી રહ્યો હતો. દરવાજો ખોલી જોયુ તો નિઃશબ્દ થઈ ગયો. બીજે દિવસે સવારે ઓફિસમાં સાહેબે સૂરજના પ્રમોશનનું એનાઉન્સમેન્ટ કર્યું…સૂરજે મનોમન રમિલાનો આભાર માન્યો…!

– સંજયભટ્ટ

૮) આશા


પગરવનો અવાજ આજ આગળ જવાને બદલે રોકાઈ ગયો. મેં કાન સહેજ ઝીણા કર્યા… તો કિચુડ… કિચુડ… અવાજ સાથે જેવો એણે દરવાજો ખોલ્યો, કે રોજની નિશાચર આંખો આજ દી’ના ઉજાશને સહન ન કરી શકી. થયું કે મારા અને નિશા વચ્ચે સૂરજ કેમ આવ્યો… અને હળવેકથી એણે કહ્યું, ” હિમેશ, સાડા ચાર વરહ બાદ આજ તારી જમાનત થઈ.” આ સાંભળતા જ આંખોને ઘેરાયેલ ઉજાશના વાળામાંથી ખેંચીને એની સામે નિઃશબ્દ જોતા જ વિચાર આવ્યો કે જઈને ભેટી પડું. પણ. પણ અશક્ત મડદાને તાકાત આપવા હજુ બે હાથ જોઈએ.

– રાવળ હિમેશ

૯) “સોચ બદલ રહી હે !”

ચૂંટણી ઉમેદવારે દરવાજો ખોલીને જોયું ને સાવ નિઃશબ્દ બની ગયો, સામે જ તેના માણસો બધો સામાન પરત લઈને આવ્યા હતા અને એમણે કહ્યું કે, “સાહેબ , ગામનો કોઈ મતદાર કશું લેવા તૈયાર નથી. તેઓ કહે છે કે, દર વખતની જેમ, દારૂની કોથળી કે રૂપિયાની નોટોથી અમને ખરીદી નહિ શકો. જે નેતા અને જે પાર્ટી દેશ માટે કામ કરશે એને અમે મત આપશું. આ આજનો મતદાતા છે એ હવે બિકાઉ નથી રહ્યો. “

સોચ બદલ રહી હે ! મેરા દેશ બદલ રહા હે !

– દક્ષા રમેશ “લાગણી”

૧૦) સાવિત્રી

પોતાના લગ્નના ત્રીજા જ દિવસે સોળે શણગાર સજેલી નવોઢા સાવિત્રી ચાંદ સાથે પતિ સત્યનો ચહેરો જોઈ, કરવા ચોથનું પહેલું વ્રત તોડવા ઉતાવળી થઇ હતી. ઘરના બધાં ધાબે જવા લાગ્યા એટલે એ પણ સત્યને બોલાવવા દોડી. એણે જેવો દરવાજો ખોલ્યો,એ નિ:શબ્દ થઈ ગઈ. સત્ય પણ સાવિત્રીની જેમ જ તૈયાર હતો!

– જિગીષા રાજ

૧૧) કર્મનું ફળ


ખાલીખમ ઘરમાં આજે ડેવિલ એકલો ભૂતકાળને વાગોળી રહ્યો હતો. પત્ની લક્ષ્મી સાથે કરેલ માનસિક તથા શારીરિક ત્રાસ બદલ પોતાને કોસી રહ્યો હતો. એક દિવસ ત્રાસથી કંટાળીને છેવટે લક્ષ્મીએ આત્મહત્યા કરી લીધી હતી… પ્રાણથી પણ પ્યારી દીકરી એંજલના લગ્નને એક વર્ષ થયું હતું. ‘ભૂતકાળના પોતાના કર્મો દીકરીને ફળ સ્વરૂપે મળશે તો…?’ આ વિચાર માત્રથી શરીર કંપી જતું. બેલ વાગ્યો ને વિચારોની તંદ્રા તૂટી. એણે દરવાજો ખોલી જોયું ને સાવ નિ:શબ્દ થઇ ગયો….

સામે એંજલ( શરીર પર ઉઝરડા સાથે) હતી અને જોતજોતામાં જમીન પર બેભાન થઇ પડી ગઈ.

– પલ્લવી ગોહિલ ‘પલ’

૧૨) ચકલીનું પિંજરૂ

“તને મોં માંગ્યા રૂપિયા મળી જશે…રઘલા.. બસ, મારો આ ક્લાઈન્ટ ખુશ થઈ જાય એવો પેટીપેક માલ જોઈએ મને” કહેતા ચિમનશેઠે કડક નોટની થોકડી ફેંકી. “મળી જશે શેઠ…” લાળ ટપકાવતો રઘલો બોલ્યો.. “અમારી વસ્તીની દરેક ચકલી મારી નજરમાં છે…આજે એક ને પૂરી દઈશ પાંજરે” અને ખંધુ હસતો એ જતો રહ્યો હાંફળા ફાંફળા શેઠ ઘરે આવ્યા.. દરવાજો ખોલી જોયુંને સાવ નિઃશબ્દ થઈ ગયા..

“સાહેબ, મારી દીકરી, ગરીબોને ભોગવવી પડતી મુશ્કેલી પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહી હતી, એટલે અમારી કામવાળી સાથે એની વસતીમાં ગઈ હતી.. અને….” ચિમનલાલની પત્ની રોકકળ કરી રહી હતી…

– દક્ષા દવે ‘રંજન’

૧૩) સરપ્રાઈઝ

લીફટ ચાલુ કરી આઠમાં માળની સ્વિચ દબાવી, ઉત્સુકતા અને વ્યાકુળતા વચ્ચે ઓન ડ્યુટી ઘરે આવેલો અંકિત પોતાના મનોભાવ પર કંટ્રોલ કરવા મથી રહ્યો. લીફટની બહાર નીકળતાં જ ઝડપથી પોતાના ફ્લેટ તરફ વધ્યો. એણે દરવાજો ખોલી જોયું ને સાવ નિ:શબ્દ થઈ ગયો. અંકિતા પોતાના બોસ સાથે..!!!


અને પોતાના હાથમા રહેલો પ્રમોશન લેટર કોચળાતો રહ્યો..

– વસીમ લાંડા ‘વહાલા’

૧૪) અચંબો

રીમાના મનમાં ચક્રવાત ઘૂમતો હતો. સાસુમા સાથેના રોજિંદા મતભેદને કારણે વારંવાર આવતો ગુસ્સો, ભાભી અને મમ્મી વચ્ચેના ખટરાગને લીધે ચિંતા. રોહન અત્યંત પ્રેમાળ પતિ, પણ જતું કરવા માટે કાયમ રીમાને જ સમજાવે. ઑફિસેથી થાકીને ઘરે આવતી હતાશ રીમાએ રોહન સાથે ફેંસલો કરવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. રીમાએ જઈને ઘરનો દરવાજો ખોલીને જોયું, તો સાવ નિ:શબ્દ થઇ ગઈ. રોહન, સાસુમા અને મમ્મી એકસાથે …અને ટેબલ પર રાખેલ કેક પર લખ્યું હતું ‘ વેલકમ.’

– ચેતના ગણાત્રા ‘ચેતુ’

૧૫) મસળાતો સિધ્ધાંતવાદ

કાનજીભાઈ માસ્તર સિધ્ધાંત વાદી ! બધાને એ પ્રેરણા આપનારા અને ચોરીનાં ખૂબ વિરોધી. પરીક્ષા વખતે શહેરની નામાંકીત શાળામાં ગયાં.તેમના પુત્ર નમનને ચાલુ પરીક્ષામાં વર્ગખંડ ની બહાર જતા જોઈ તે તરત બહાર આવ્યા. નમન બીજા વર્ગખંડમાં પેઠો.પીછો કરનાર કાનજીભાઈએ પેલા વર્ગખંડનો દરવાજો ખોલી જોયું ને સાવ નિ:શબ્દ થઈ ગયા. નમને પિતા સમુ જોયુ ને સિંધાતવાદના કાગળોને કરચલીઓમાં મચોળવા લાગ્યો.

– હિમાબેન

૧૬) આઘાત


માયા જીઆણે પિયર આવેલી. પતિ પ્રેમ સાથે વાત કરતાં “આ તમારી મા ને તો કાયમ નાટક હોય છે બીમારીના ” કહીને ઝગડી પડી. બીજે દિવસે સાસુની ખબર કાઢવા અને એ બહાને પ્રેમને મનાવવા તે તેના ભાઈ સાથે તેના ઘરે આવી. અટકાવેલ દરવાજાને ધક્કો મારીને ખોલતાં જ માયા આઘાત પામી. તેના ભાઈએ દરવાજો ખોલી અંદર જોયુંને સાવ નિ:શબ્દ થઈ ગયો. પ્રેમની નજર સામે નજર મેળવવાની તાકાત ખોઈ બેઠેલી માયા..સાસુમા તરફ આગળ વધી.

– કિરણ પિયુષ શાહ “કાજલ”

૧૭) સરપ્રાઈઝ

મુકેશભાઈ ઓફિસથી વહેલા નિકળી ગયા. પોતાની એકની એક દીકરીને સરપ્રાઈઝ સ્વરૂપે ફરવા લઈ જવાનો નિર્ણય કર્યો. “આજે એને પણ કોલેજમાં રજા છે. તો ખુશ કરી દઉ.અને હાં… ગઈકાલે થોડું વધારે જ ગુસ્સે થઈ જવાયું હતુ ! શું કરું? એકલા હાથે ઉછેર ઘણો અઘરો છે” એમણે મનમાંજ વિચાર્યુ.

કાર સીધ્ધી ઘરના દરવાજે પાર્ક કરી દરવાજાનું લોક ખોલ્યુ તો નિઃશબ્દ થઈ ગયા પંખા પર સ્તબ્ધ લટકતી સરપ્રાઈઝ જોઈ !

– ભાવના ભટ્ટ

સૌજન્ય – માઇક્રોસ્ટોરી શણગાર પરિવાર