ટુથબ્રશ – એક પિતાએ અમુક ઉમર પછી પોતાના પુત્ર સાથે મિત્ર જેવા સંબંધ કેળવવા જોઈએ…

ટુથબ્રશ

વ્યોમ કોલેજ જવા માટે નીકળી રહ્યો હતો . જીન્સ , ટીશર્ટ , કેપ , સન ગ્લાસ બધુજ એકબીજાની સાથે ઉઠાવ આપી રહ્યું હતું કે નહીં એની ખાતરી કરવા અરીસા પર એની આંખો જડાઈ ચૂકી હતી. ” હેન્ડસમ લાગે છે …હંમેશા ની માફક જ ….” પાછળ થી આવેલા પિતા ના અવાજ થી ધ્યાનભગ્ન થઇ અરીસા માં જડાયેલી આંખો પિતા ની આંખો ને મળી અને ચ્હેરા ઉપર સ્નેહભર્યું હાસ્ય ફેલાઈ રહ્યું. ” થેંક્યુ પપ્પા …આખરે દીકરો કોનો છું ? “


પોતાના દેખાવડા વ્યક્તિત્વ નો યશ પોતાના પિતા ને આપતા એણે પોતાની આંખ મસ્તી માં પલકારી. પપ્પા જોડે આમ મસ્તી વાળી હળવી પળો માળવાની બાળપણ થી જ એને ટેવ હતી.

પિતા એ હમેશા એક મિત્ર બનીજ એને ઉછેર્યો હતો . એને યાદ નથી કે કદી એમણે એના ઉપર હાથ ઉઠાવ્યો હોય કે અવાજ ઊંચો કરી ધમકાવ્યો હોય ! પોતાની દરેક ભૂલ સમયે પિતાજી એ ખુબજ સંયમ અને સહનશક્તિ જોડે એને ભૂલો માંથી જીવન ની શિક્ષા ગ્રહણ કરવા ની કલા શીખવાડી હતી . ભૂલો થી ડરી ને નહીં ભૂલો થી શીખતાં રહેવાથીજ જ્ઞાન મેળવી શકાય અને પોતાના ચરિત્ર નો સાચો વિકાસ સાધી શકાય એ અનન્ય આત્મ -વિશ્વાસ પિતા એજ તો એના વ્યક્તિત્વ માં ઉતાર્યો હતો.

એક પિતા પોતાના બાળક નો મિત્ર બને ત્યારે તે બાળક સૃષ્ટિ નો સૌથી સુરક્ષિત બાળક બની રહે . મન માં ઉદ્દભવતી કોઈ પણ મૂંઝવણ કે જીવન માં વ્યાપેલી કોઈ પણ સમસ્યા ના ઉકેલ અંગે નું માર્ગદર્શન ઘર ની બહાર શોધવાની જગ્યા એ મિત્ર સમા પિતા પાસેથીજ વિના સંકોચે જો મળી રહેતું હોય તો બાળકો નો માનસિક વિકાસ ખુબજ સહજ અને સુરક્ષિત રીતે થઇ શકે …જો કે એ મિત્રતા માટે પિતા અને પુત્ર વચ્ચે ના સંબંધ ની ગરિમા જાળવી રાખી દરેક બિનજરૂરી ઔપચારિકતાઓ , શરમ , સંકોચ ને પીગાળવી ફરજીયાત બની રહે ..એ બાબત વ્યોમ ના પિતા ઊંડાણપૂર્વક સમજતા પણ હતા અને અનુસરતા પણ….

” એક પ્રોજેક્ટ છે …એ અંગે તારી મદદ જોઈએ છે…. કરીશ ????” વ્યોમ કુતુહલ થી પિતા ને જોઈ રહ્યો . પિતાજી ના ઓફિસ ના પ્રોજેક્ટ માં એ કઈ રીતે મદદરૂપ થઇ શકે ? હજી થોડા દિવસો પહેલા તો કોલેજ જીવન નો પ્રારંભ થયો હતો . એનું યુવાન મગજ હજી એટલું પરિપક્વ કે અનુભવી થોડું હતું ! આમ છતાં પિતાજી ની મદદ કરવી એટલે ચોક્કસ કોઈ નવો અનુભવ અને નવું જ્ઞાન મેળવવાની એક અનેરી તકજ તો હતી જે એને ગુમાવવી ન હતી.


” ચોક્કસ …બોલો શું કરવાનું છે ?” વ્યોમ ની નવ યુવાન આંખો માં ઉત્સાહ અને ધગશ ઉમટી પડ્યા.

એક ડબ્બા માંથી એમણે કેટલાક જૂના ટુથ – બ્રશ નીકાળ્યા . બધાજ ટુથ-બ્રશ વપરાયેલા અને તદ્દન ઝન્ખવાળા લાગી રહ્યા હતા. પિતાજી ટુથ -બ્રશ બનાવતી એક મોટી કમ્પની ના મુખ્ય વેચાણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા . એમને બજાર સંશોધન અંગે ના કોઈ અહેવાલ માટે માહિતી ભેગી કરવી હતી એ સમજતા વ્યોમ ને નામ નોજ સમય લાગ્યો.

” કોલેજ ના વિદ્યાર્થીઓ ને આ ટુથ – બ્રશ અંગે અભિપ્રાય પૂછવાના છે . શું તેઓ આ ટુથ – બ્રશ નો ઉપયોગ પોતાના દાંત સાફ કરવા માટે કરી શકે ? એમણે આપેલા બધાજ ઉત્તરો આ કાગળ પર નોંધી પરત કરવા .”

વ્યોમ ખડખડાટ હસી પડ્યો . મેલા , ગન્દા , વપરાયેલા , જૂના ટુથ – બ્રશ પર સંશોધન ની આ વળી કેવી નવી વ્યાપાર પ્રયુક્તિ ? આમ છતાં કામ રમૂજ પડે તેવું અને પડકાર યુક્ત હતું . યુવાન હ્ય્યુ જીવન માં હમેશા કંઈક જૂદું અને નવું કરવા તત્પરજ હોય …વ્યોમે પિતા એ ફેંકેલો પડકાર સ્વીકારી જ લીધો.


” ઠીક છે . સાંજે હું આ કાગળ પરત કરીશ . ” પિતા ના હાથ માંથી કાગળ લઇ એ બમણા જોમ અને રોમાંચ જોડે કોલેજ માટે નીકળી ગયો.

કોલેજ ના કેમ્પસ ઉપર વ્યોમ ના જૂના ટુથ – બ્રશ વાળા ડબ્બા એ ધૂમ મચાવી મૂકી. મિત્રો ની મદદ થી એને સોંપાયેલ સંશોધન કાર્ય વધુ રસપૂર્ણ અને રમૂજ થી ભરપૂર બની રહ્યું . પ્રશ્ન સાંભળી નેજ વિદ્યાર્થીઓ ના ચ્હેરા ઉપર તરી આવતા ચીડ અને ઘૃણા ના ભાવો જોવા લાયક હતા. પ્રશ્ન ના ઉત્તર માં ભેગા થઇ રહેલા જવાબો પણ એટલાજ મજા ઉપજાવનાર અને રમુજી હતા. વાત માં કોઈ તર્ક જ ક્યાં હતો ? આખરે કોઈ વપરાઈ ચૂકેલ ગંદગી થી ભરપૂર એવા અન્ય વ્યક્તિ ના ટુથ -બ્રશ પોતાના વ્યક્તિગત વપરાશ માટે શા માટે સ્વીકારશે ?


એક એક ઉત્તર શબ્દે શબ્દ નોંધી કાગળ ઉપર જવાબો ની લાંબી યાદી તૈયાર થઇ ગઈ . ઉત્સુકતાસભર મિત્રો એ વ્યોમ ને પિતા ના સંશોધન ના પરિણામ થી એમને પણ અવગત કરાવવાનું વચન લઇ લીધું . રાત્રે પિતાજી ની આગળ એણે પોતાની સંશોધન યાદી ગર્વ થી રજૂ કરી . વિદ્યાર્થીઓ એ આપેલા અગણિત જવાબો માંથી કેટલાક રસપ્રદ જવાબો તો જાતેજ વાંચી સંભળાવ્યા .

” ઇટ્સ નોટ હાઈજેનીક ….” ” ગંદા ,અતિસુક્ષ્મ કીટાણુઓ ધરાવતા અન્ય લોકો એ વપરાશ કરેલ ટુથ – બ્રશ હું અડકું પણ નહીં …” ” આમ અન્ય લોકો એ વાપરી ચૂકેલા ટુથ – બ્રશ થી દાંત સાફ કરવા એટલે માંદગી ને સીધું આમન્ત્રણ આપવું …” ” જરાયે સુરક્ષિત નહીં , બીમાર થઇ જવાય …” ” અન્ય ના મોં ના કીટાણુઓ કોણ સ્વીકારે ?” ” છી …..યક ….!!!!”


” વોમિટ જ આવી જાય …..” ” એવી ગંદગી ના ફેલાવાય . સાફ ,સુરક્ષિત , સ્વ્ચ્છ ટેવો થીજ સ્વાસ્થ્ય જળવાય ….” ” દરેક વ્યક્તિ એ પોતાનું વ્યક્તિગત ટુથ -બ્રશ વાપરવું , એજ સ્વાસ્થ્ય માટે હિતાવહ ….”

એક પછી એક ઉત્તરો વાંચી રહેલ વ્યોમ પેટ પકડી હસી રહ્યો હતો . પુત્ર ના ચ્હેરા ને નિહાળી રહેલ પિતાજી ની આંખો માં અનન્ય ચમક પ્રસરી રહી . યુવા પુત્ર ના હાથમાંથી કાગળ પરત મેળવી પોતાના સંશોધન અંગે ના પરિણામ ની દિશા માં આગળ ધપી રહ્યા હોય એ રીતે એમણે વ્યોમ ની આંખો માં આંખો પરોવી .

” હવે તું મારા એક પ્રશ્ન નો ઉત્તર આપ . જો તમે તમામ નવ યુવાન યુવકો ને યુવતીઓ ફક્ત એક અજાણ્યા ટુથ-બ્રશ ને શરીર માં પ્રવેશવાની અનુમતિ ન આપી સ્વાસ્થ્ય- સુરક્ષા અંગે આટલી તકેદારી ધરાવતા હોવ તો તમેજ જણાવો કે એક અજાણ્યા જીવતા જાગતા શરીર ને સુરક્ષા ના કોઈ પણ પગલાં ભર્યા વિના પોતાના શરીર માં સહજતાથી પ્રવેશ આપવું કેટલું તર્કયુક્ત ? સ્વાસ્થ્ય સુરક્ષા સામે આટલું મોટું જીવલેણ જોખમ ખેડવું કેટલું હિતાવહ ?”


મશ્કરી ના મિજાજ માંથી વ્યોમ શીઘ્ર ગંભીર મુદ્રા ધારણ કરી રહ્યો. આ કોઈ વ્યાપાર કે બજાર અંગે નું સંશોધન ન જ હતું . આટલી ઊંડી વાત એક ખુબજ સાધારણ ઉદાહરણ થી ધારદાર પ્રશ્ન નું રૂપ ધારણ કરી એની નવ યુવાન દ્રષ્ટિ આગળ ઉભી હતી. થોડા દિવસો પહેલાજ ઇન્ટરનેટ ઉપર એચ આઈ વી અને એડ્સ અંગે વાંચેલી માહિતી એના અર્ધજાગ્રત સ્મૃતિ માંથી જાગ્રત સ્મૃતિ માં ઠલવાઇ રહી .

” પણ એડ્સ ફક્ત અસુરક્ષિત શારીરિક સંબંધો થીજ નથી થતો . ક્યારેક લોહી સંક્રમણ દ્વારા તેમજ એવા કોઈ પણ ઉપકરણો કે સાધનો દ્વારા પણ થઇ શકે છે જેના વડે અન્ય અસુરક્ષિત લોહી આપણા શરીર માં ભળી શકે . પછી એ એક સામાન્ય સેવિંગ બ્લેડ પણ કેમ ન હોય !” વ્યોમ ની જાગ્રતતા અને શિક્ષિત વાચન ટેવ થી ગર્વ અનુભવતા પિતાજીએ પોતાનો હાથ એમના પુત્ર -મિત્ર ના ખભે ગોઠવ્યો .

” તદ્દન સાચી વાત . એચ આઈ વી પોઝિટિવ વ્યક્તિ અસુરક્ષિત શારીરિક સંબંધો થીજ આ માંદગી નો શિકાર બન્યા હોય એ જરૂરી નથી . એ માંદગી ના ભોગ બનેલ માનવીઓ ને સમાજ અછૂત બની ધુત્કારે એ ખુબજ અન્યાયભર્યું વર્તન કહેવાય . સમાજ તરફ થી માન , આદર , સ્નેહ , કાળજી અને હૂંફ એમના સામાજિક અધિકાર છે જે એમને મળવાજ જોઈએ . આ માંદગી સ્પર્શવાથી નહીં જાગ્રતતા ના અભાવ થી ફેલાઈ છે . આમ છતાં અસુરક્ષિત શારીરિક સંબંધો ઘણા કારણોમાંનું એક કારણ તો છેજ ને એ અંગે તકેદારી રાખી ઈશ્વરે અર્પણ કરેલ સ્વસ્થતા રૂપી ભેટ ને જાળવી રાખવી એ આપણી મહત્વ ની ફરજ….”

પિતા ના શબ્દે શબ્દ ધ્યાન થી સાંભળી રહેલો વ્યોમ ખુબજ હળવો થઇ રહ્યો હતો . જે વિષય પર કદાચ પોતે આગળ થી કઈ કહેતા અચકાતે એ જ વિષય પિતા એ આગળ થી એની માટે મોકળો કરી કેટલી સહજતા થી એને સમજાવી દીધો હતો .


” આપ ચિંતા ન કરો . હું ઈશ્વરે અર્પેલ સ્વસ્થતા ની જાળવણી કરીશ . મારા શરીર ની સુરક્ષા મારી ફરજ છે …..” પિતા ના ગળે વળગેલા વ્યોમ ના હૃદય માં પિતા માટે નું માન બમણું થઇ ચૂક્યું હતું જયારે વ્યોમ ના પિતા ના હૃદય માં નવ યુવાન પુત્ર તરફ ની ચિંતાઓ નો ભાર હળવો !

બીજે દિવસે કોલેજ કેમ્પસ ઉપર વ્યોમે તમામ યુવક યુવતીઓ સામે સંશોધન નું પરિણામ ધર્યું અને એ તમામ યુવાન હય્યાઓ માટે ટુથ-બ્રશ નું એ અતિ સામાન્ય રમુજી ઉદાહરણ જીવન સુરક્ષા ના ઊંડા જ્ઞાન માં પરિવર્તિત થઇ રહ્યું .


મનોવિજ્ઞાન કહે છે કે માનવી ભૂલ થીજ શીખે છે . પરંતુ કેટલીક જીવલેણ ભૂલો માનવ અસ્તિત્વ ને અન્ય મોકો જ આપતી નથી . એવી ભૂલો તરફ યુવાનો ના પગલાં ન મંડાઈ એ માટે વ્યોમ ના પિતા ની જેમ બાળકો ની આગળ ટુથ – બ્રશ થામી વિના શરમ , સંકોચ સીધા શબ્દો માં વાત કરવા ઉભા થઈશું ત્યારેજ સાચા અર્થ માં આધુનિક સમાજ નું નિર્માણ શક્ય બનશે …..

લેખક : મરિયમ ધુપલી

દરેક ટીનએજ બાળકના માતા પિતાએ ખાસ વાંચવી આ વાર્તા, બાળકોને સાચી સમજણ આપો..

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ