લોયલ્ટી(loyalty) – એક પતિ જેની પાસે નથી નોકરી અને કરી રહ્યો હતો પોતાની નોકરી કરતી પત્ની પર શંકા…

સ્વરા થાકેલી પાકેલી ઘર માં પ્રવેશી.સોફા પર પર્સ મૂકી પોતે પણ સોફા પર જ બેસી ગયી.એના ચહેરા પર થાક સાફ દેખાતો હતો..એ સોફા પર જ માથું ટેકવી આંખો બંધ કરી થોડી વાર ત્યાં જ બેઠી.


“આવી ગયા મેડમ”સુધીર નો કટાક્ષ સાંભળી સ્વરા ટટ્ટાર બેસી ગયી. “ક્યાં ફરી આવ્યા આજે તમે તમારા નયન સાથે”બીજા કટાક્ષ સાથે સુધીર સ્વરાની સામે આવી ઉભો રહી ગયો. સ્વરા કાંઈપણ બોલ્યા વગર રસોડા માં ચાલી ગઈ….છેલ્લા 3 મહિના થી એ રોજ સુધીર ના આવા મહેણાં ટોણા સાંભળી ને હવે ટેવાઈ ગયી હતી.

સ્વરા એક પ્રાઇવેટ ફર્મ માં એકાઉનટન્ટ ની જોબ કરતી હતી.સુધીર પણ એક કંપની માં સારી પોસ્ટ પર હતો પણ છેલ્લા 6 મહિના થી એ કંપની ના અચાનક બંધ થઈ જવાથી ઘરે જ છે.ઘર ના ખર્ચ ને પહોંચી વળાય એટલે જ સ્વરા એ જોબ શરૂ કરી હતી.સુધીર નવી જોબ માટે રોજ છાપા માં જાહેરાત શોધ્યા કરતો..ઘણા બધા ઇન્ટરવ્યુ પણ આપ્યા પણ એને કોઈ સફળતા મળી નહિ..રોજ નવી નવી કંપની માં જોબ માટે વલખા મારતા સુધીર નું મગજ હવે બસ સ્વરા અને નયન ના સંબંધો પર શંકા કરવા માં જ ચાલતું.

સ્વરા અને સુધીર એક જ કોલેજ માં ભણતા હતા.સ્વરા તો જાણે રૂપ રૂપના અંબાર જેવી લાગતી..કોલેજ ના બધા છોકરા એની પાછળ ઘાયલ હતા..એમાંનો એક નયન પણ હતો પણ બધા માંથી સ્વરા એ સુધીર પર પસંદગી ઉતારી હતી..નયન અને સુધીર પણ ખાસ મિત્રો એટલે સુધીર ને નયન સ્વરા ને પસંદ કરે છે એ વાત નો ખ્યાલ હતો.અલબત્ત નયને ક્યારેય સ્વરા ને પોતાના દિલ ની વાત કહેવાની હિંમત નહોતી કરી.

કોલેજ ના વર્ષો સ્વરા અને સુધીરે યાદગાર રહે એ રીતે પસાર કરી દીધા..બન્ને ની ઈચ્છા લગ્ન કરવાની હતી પણ સ્વરાના માતાપિતા એ સહમતિ ન આપી..સ્વરા સુધીર ને ખૂબ જ ચાહતી હતી એટલે એને માતા પિતા ની મરજી વિરુદ્ધ જઇ સુધીર સાથે ભાગી ને લગ્ન કરી લીધા.લગ્ન બાદ સુધીર સ્વરાનું ખૂબ ધ્યાન રાખતો..લગ્નજીવન સુખમય પસાર થઈ રહ્યું હતું પણ સુધીર ની જોબ છૂટવા ની સાથે જાણે એમની ખુશીઓ પણ છીનવાઈ ગઈ. નોકરી છૂટી જવાને કારણે ઘર કેમ ચાલશે એ વિચારે સુધીર એકદમ ડિપ્રેસ થઈ ગયો હતો એટલે સ્વરાએ એના ડિપ્રેસન ને હળવું કરવા તરત જ પોતે જોબ કરવાનું શરૂ કરી દીધું. જેથી કરી ને આર્થિક તંગી ન ઉદભવે.સ્વરાએ એની રીતે ઘણા લોકો નો સંપર્ક કર્યો હતો સુધીર ની જોબ માટે.


સ્વરાના માથે ઘર અને ઓફિસ ની જવાબદારીઓ વધતી જતી હતી.પણ એને તો બસ સુધીર ની જ ચિંતા થયા કરતી. સુધીર નો સ્વભાવ દિવસે ને દિવસે ચીડિયો થતો જતો હતો. અને એનું આ ચીડિયાપણું નયન ને સ્વરાની ઓફિસ માં જોબ મળવાથી વધી ગયું હતું. સ્વરા એ જે દિવસે નયન ને પોતાની ઓફિસ માં જોબ મળી છે એ વાત સુધીર ની કરી ત્યારથી જ સુધીર નું સ્વરા માટે ની વલણ બદલાઈ ગયું હતું. એને ત્યારે જ સ્વરા ને મહેણું મારી દીધું..

“ઓહો…પતિદેવ ની જોબ ના ઠેકાણા નથી ને તે તારા યાર ને તારી સાથે જોબે લગાડી દીધો” સ્વરા આર્થિક તંગી અને સુધીર નું ચીડિયાપણુ હસતે મોઢે સહન કરતી પણ પોતાના ચારિત્ર્ય પર સુધીર ની શંકા એ બરદાસ્ત કરી શકતી નહિ પણ એ સુધીર ની માનસિક સ્થિતિ અને એના પ્રત્યે ના પોતાના અપાર પ્રેમ ને કારણે એને ક્યારેય વળતો જવાબ આપતી નહીં.

તે દિવસે સાંજે સ્વરા જમી ને બેડરૂમ માં જતી રહી અને સુઈ ગયી..સવારે સુધીર ની આંખ ખુલી બાજુ માં સ્વરા નહોતી.એને એમ કે રસોડા માં હશે એને રસોડા માં ડોકિયું કર્યું સ્વરા ત્યાં પણ નહોતી..બહાર બાલ્કની માં પણ સુધીર જોઈએ આવ્યો સ્વરા ત્યાં પણ ન દેખાઇ..પડોશ માં પણ એને પૂછી જોયું.સ્વરા કોઈને ત્યાં નહોતી.સુધીર ગભરાઈ ગયો એને સ્વરા ને ફોન કર્યો એનો ફોન પણ બંધ આવતો હતો..સુધીર ની મૂંઝવણ વધી ગયી.એ બેબાકળો થઈ ગયો. ગુસ્સા માં સ્વરા ને ન કહેવાનું ઘણું કહી નાખ્યું છે એવો એને અહેસાસ થવા લાગ્યો.. એ રડવા જેવો થઈ ગયો ત્યાં જ સુધીર નો ફોન રણક્યો સામે છેડે થી કોઈ બોલ્યું


“તમે સ્વરા પુરોહિત ના શુ થાવ?” “હું..હું એનો હસબન્ડ”સુધીર માંડ માંડ જવાબ આપી શક્યો.. “સરદાર બ્રિજ પર થી તમારી પત્ની એ આત્મહત્યા કરી છે એની પાસે ના એક વિઝિટિંગ કાર્ડ પર થી તમારો નંબર મળ્યો એટલે તમને જાણ કરવા ફોન કર્યો છે”

સુધીર પર તો જાણે આભ તૂટી પડ્યું.આંખે અંધારા આવવા લાગ્યા..આખા શરીર માં ધ્રુજારી ઉઠી ગઈ..એના થી પોક મૂકી ને રડાઈ ગયું.એ હાફળો ફાફળો આખા ઘર માં બાઇક ની ચાવી શોધવા દોડવા લાગ્યો..એને દૂર થી ડાઇનિંગ ટેબલ પર પડેલી ચાવી જોઈ એ ચાવી લેવા દોડ્યો.નજીક જઈને જોયું તો ચાવી ની નીચે એક કાગળ પડેલો હતો.સુધીરે કાગળ હાથ માં લીધો અને વાંચવા લાગ્યો.


“પ્રિય સુધીર

મને ખબર છે કે આ પત્ર જ્યાં સુધી તારા હાથ માં આવશે ત્યાં સુધી તને મારા આપઘાત ના સમાચાર મળી ચુક્યા હશે.મેં મારા જીવન માં સૌથી વધુ તને જ ચાહ્યો છે એટલે મને માફ કરજે તને આમ અધવચ્ચે એકલો મૂકી ને જવા માટે.મારા માટે તારા થી વિશેષ કાંઈ જ નથી મારુ જીવન પણ નહીં..અને એટલે જ હું આજે આવું પગલું ભરવા જઇ રહી છું.તું હંમેશા મારા અને નયન ના સંબંધો પર સવાલ ઉભા કરતો અને હું દર વખતે મારી તારા પ્રત્યે ની loyalty સાબિત કરતી રહેતી.પણ મારા થી હવે મારા ચારિત્ર્ય પર…મારી loyalty પર ઉઠતા તારા સવાલો…અને એ સવાલો ના કારણે લથડતી જતી તારી માનસિક સ્થિતિ…તારું ડિપ્રેસન સહન કરી શકું એમ નહોતી..બધું જ હસતા મોઢે સહન કર્યું મેં પણ મારી loyalty પર ઉઠતા તારા સવાલો હું જીરવી ન શકી એ બદલ મને માફ કરજે..તારું ધ્યાન રાખજે…અને અંતે i love u now and forever.

લિ.તારી અને બસ તારી જ

સ્વરા”


પત્ર પર આંસુ ના ટીપા દળદળ પડતા હતા..અને એ આંસુ માં પારાવાર પસ્તાવો હતો..પોતાની વ્હાલી સ્વરાને આપઘાત કરવા માટે મજબૂર કરવા બદલ સુધીર પોતાની જાત ને ક્યારેય માફ ન કરી શક્યો

સ્વરા ના ગયા પછી સુધીર ખુદ ને સાચવી ન શક્યો.એને માનસિક સ્થિતિ વધારે બગડી ગઈ..પરિવાર માં કોઈ નહોતું એટલે એની માનસિક સ્થિતિ જોતા આજુબાજુ વાળા સુધીર ને નજીક ના પગલખાનમાં મૂકી આવ્યા..આજે પણ પગલખાના માં દરેક દીવાલ પર સુધીર સ્વરા…સ્વરા..સ્વરા લખતો દેખાય છે

લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ