જલ્સા કરોને જેંતીલાલ

એક નણંદ થઇ ગઈ નિરાશ પોતાની ભાભીના કારણે, લાગણીસભર વાર્તા સાસુ અને વહુના અતુટ સંબંધની…

‘મહારાજા સ્લીપીંગ કોચ’ ની રાતની બસમાંથી સવારે ઉતરીને શિલ્પા રીક્ષામાં બેઠી. તેનું મોં મલક મલક થતું હતું. તેને વિચાર આવ્યો કે હમણાં જ ઘરે, જેવી ઘર પાસે રિક્ષા ઊભી રહેશે, અને રીક્ષા નો અવાજ સાંભળીને મમ્મી અને તેના નાના ભાઈ નિતેશ ની વહુ અંજલી દોડીને આવશે !! હા, નીતેશના લગ્ન વખતે પોતે પિયર આવી હતી. લગ્ન પછી તેના હસબન્ડ સેવીલને સર્વિસમાં વધુ રજા ન મળવાથી તેઓ રોકાઈ શક્યા નહોતા.

આ વખતે તો,જન્માષ્ટમી આવે છે અને સેવીલને કંપનીના કામે ટૂરમાં જવાનું થયું. તેથી, પિયરમાં અઠવાડિયાનો ધામો નાખવાનું વિચારી શિલ્પા અહીં આવી. તે વિચારી રહી, ‘ સારું થયું કે મેં અહીં આવતા પહેલા ફોન કરી દીધો હતો કે, હું અહીં આવવાની છું. તેથી અંજલિને તેના પિયર મોકલતા નહીં. કેમકે, શિલ્પાને પણ પોતાને પિયર આવીને ભાભીના રાજમા મજા કરવી હતી.

નહીતર તો શિલ્પા જ્યારે પિયર આવતી ત્યારે મમ્મી રસીલાબેન ને કામ કરતા જોઈ પોતે પણ કામ કરાવવા લાગતી. પણ, હવે તો ભાભી આવી ગઈ છે , તે કામ કરશે અને અમે મા-દીકરીને વાતો કરશું, બજારમાં ખરીદી કરવા જઈશું,.. આ વખતે ની જન્માષ્ટમીનો તહેવાર સુધરી જશે !!! અઠવાડિયું તો મજા જ મજા !!”

રીક્ષા અટકી ત્યારે જ, શિલ્પની વિચારધારા પણ અટકી. તે રિક્ષામાંથી ઉતરે તે પહેલા જ, તેની રાહ જોઈ, દરવાજે ઊભેલા રસીલાબેન દોડી આવ્યા, અને રિક્ષાના પૈસા દઈ દીધા તથા પોતે શિલ્પા નો સામાન લેવા માંડ્યા. રસીલાબેન બોલ્યા, ” કેમ છે મારી દીકરી ???” શિલ્પા કહે ” સારું છે ! મમ્મી !, પણ અંજલિ કેમ નથી દેખાતી ?? રસોઈ કરે છે કે નાસ્તો બનાવે છે ??” રસીલાબેન કહે, ” બધું અહીંને અહીં જ પૂછી લઈશ ?? અંદર તો આવ !!”

મા-દીકરીએ બેગ અને થેલા લઈ લીધા અને ઘરની અંદર આવ્યા. શિલ્પા તો સોફા પર જ બેસી ગઈ અને ” અંજલિ એ અંજલિ !! , પાણી તો પીવડાવો !!” એમ બોલવા લાગી. રસીલાબેન પાણી લઈને આવ્યા, ” લે પાણી પી અને ફ્રેશ થા !” હું તારા માટે ચા નાસ્તો બનાવું છું.” ” કેમ મમ્મી ! અંજલી કેમ નથી દેખાતી ??” શિલ્પાએ ફરીથી પૂછ્યું. રસીલાબેન એ હસતા ચહેરે જણાવ્યું , ” અંજલિ તો જન્માષ્ટમીનો તહેવાર કરવા પિયર ગઈ છે !”

શિલ્પા નું મોં પડી ગયું તેને થયું કે હું આવવાની છું તેની જાણ મેં અગાઉ કરી હતી. છતાં અંજલી પિયર જતી રહી. તેનો મૂડ આ સાંભળતાં જ ભાંગી ગયો ! તે કંઈ બોલ્યા વગર અંદરના રૂમમાં જતી રહી. તે નાઇ ધોઇને ફ્રેશ થઇ ને આવી. ત્યારે, રસીલાબેને, તેને મનભાવતા સકરપારા, ગાઠીયા, ગુલાબજાંબુ, ચેવડો, અને ગરમાગરમ ચા તૈયાર કરી રાખી હતી.

રસીલાબેને કહ્યું, ” ચાલ શિલ્પા !, આવી જા !! સવારમાં તારા પપ્પા અને નિતેશ નાસ્તો કરી જતા રહ્યા છે. હું તારી રાહ જોતી હતી. તેથી મેં નાસ્તો નથી કર્યો. ચાલ, આવ, આપણે મા-દીકરી સાથે જ નાસ્તો કરી લઈએ.” શિલ્પા ચૂપચાપ નાસ્તો કરવા લાગી. રસીલાબેને, સેવીલકુમારના ખબર અંતર પૂછ્યા. પછી કહેવા લાગ્યા !! ” શિલ્પા તને ભાવતી, બધી જ વસ્તુઓ, અંજલિએ જાતે બનાવી છે હો !! જો, તે આ ગુલાબજાંબુ તો, મારા કરતાં પણ સરસ બનાવી જાણે છે ! અને ગાંઠીયા તો જો !! કેવા ફરસા થયા છે !! એકદમ કડક અને ટેસ્ટી !!”

શિલ્પા, ” હા.. હમ્મ, હા..,” કરતા નાસ્તો કરી રહી. રસીલાબેન બધું સમેટવા લાગ્યા ત્યારે એ સાથે ડીશ અને નાસ્તાના ડબ્બા, લેવા લાગી. રસીલાબેન સમજી ગયા હતા કે ‘બેનબા ને અંજલી પિયર ગઈ તે ગમ્યું નથી !!’ શિલ્પાને કામ કરતી અટકાવતા રસીલાબેન બોલ્યા,” રહેવા દે! શિલ્પા !!, હું કરી લઈશ !! તું આરામ કર !!” શિલ્પા બોલી, ” ના રે ના આરામ જ છે ને !!આપણે તો સાસરે ય કામ કરવાનું અને પિયરમાં ય કરવાનું જ!!” હવે તો આદત થઈ ગઈ છે !!”

આમ કહી, તે અંદરના રૂમમાં ગઈ અને મુસાફરીનો થાક દૂર કરવા સુતી અને થોડીવાર પછી તેને ઊંઘ આવી ગઈ. નિતેશ અને પપ્પા બપોરે જમવા આવ્યા ત્યારે રસીલાબેન, ” ના ! ના !,” કરતા રહ્યા અને નિતેશે ધરારથી શિલ્પાને જગાડી. શિલ્પાએ આંખો ખોલી. તેણે જોયું તો નિતેશ અને પપ્પા તેની બાજુમાં બેઠા હતા. એક બાજુ રસીલાબેન ઉભા હતા. નિતેશ તેને જોઈને કહેવા લાગ્યો, એય, દિ તું તો જાડી થઈ ગઈ કે શું ?? અમારા જીજા શુ કરે છે ???”

પપ્પા પણ તેના માથે હાથ ફેરવી ખબર-અંતર પૂછવા લાગ્યા. શિલ્પા નું ભારેખમ મન હવે બદલી ગયું. તે આ ત્રણેયના પ્રેમની વર્ષામાં ભીંજાવા લાગી. નિતેશ અને પપ્પાએ તેને પ્રેમથી જમવા બેસાડી. નાસ્તો કરીને તો સૂતી હતી. તેથી ખાસ ભૂખ નહોતી પણ ત્રણેય ખૂબ જ આગ્રહ કરી કરીને તેને જમાડી.અને વાતો કરતા કરતા આનંદ કરતાં એક કલાક વીતી ગયો કોઈને ખબર ન રહી !!

જમીને નિતેશ અને પપ્પા જતા રહ્યા. ત્યારે મા-દીકરી બંને ફળિયામાં આવ્યા. રસીલાબેને, તેને કહ્યું, ” લાવ, તારા વાળમાં તેલ ઘસી દઉ !!” વાળ છૂટા કરી, શિલ્પા, તેની મમ્મી આગળ બેસી ગઈ રસીલાબેન કહે, ” શિલ્પા !, હમણાંથી ફેક્ટરીમાં કામ વધુ રહે છે. આ બંને, બાપદીકરો, બપોરે ઘરે જમવા આવતાં નથી. અને રાત્રે ય મોડા આવે છે. પણ આજ તો બપોરે ઘરે જમવા આવ્યા અને તું આવી છે ને ?? તેથી જોજે ને, સાંજે પણ જલ્દી જલ્દી ઘરે પાછા આવશે !!” આ સાંભળી ને શિલ્પા ને ઘણું સારું લાગ્યું. રસીલાબેન તેના માથામાં આંગળીના ટેરવા થપથપાવી તેલ માલિશ કરવા લાગ્યા.

આમ તો, મારે સાસરે કશું દુઃખ તો નથી પણ, અહીં આવું એનો તો કંઈક જુદો જ આનંદ આવે છે પિયરમાં કેવી મજા આવે એ તો સ્ત્રીને જ ખબર પડે !! અને એમાં ય, અંજલિ અહીં હોત તો ?? મમ્મી તે કેમ અહીં ન રોકાણી ??” રસીલાબેન બોલ્યા, ” શિલ્પા!, તુ જ કહે છે ને કે સાસરે ગમે તેટલું સારું હોય, તો ય પિયરની મજા જુદી જ છે. તો પછી અંજલિને તો, હજુ હમણાં જ એના લગ્ન થયા તેને આ બધું નવું, અજાણ્યું હોય, ત્યારે પિયર જવાનું કેટલું ખેંચાણ હોય ??”

ત્યારે શિલ્પાએ કહ્યું, ” પણ, મમ્મી !! મેં જણાવ્યુ હતુ ને કે હમણાં તેને પિયર ન મોકલતી, હું અહીં આવીને જતી રહું, પછી પણ, તે તો પિયર જઈ શકે અને રોકાઈ શકે છે ને ??” “હા બેટા, તે પછી પણ જઈ શકે !! પરંતુ સાસરે આવ્યા પછી પિયરના પહેલા વહેલા તહેવારોનો આનંદ જુદો જ હોય છે. તને ખબર છે.. ??”

સીતાવી- અઠ્ઠાવીસ વર્ષ પહેલાં, જ્યારે હું પરણીને સાસરે આવી ત્યારે, અહીં મારી ત્રણ નણંદ, બે દિયર, બધા જ તહેવારો ઉપર સાથે મળતા. મને યાદ છે, મારે સાસરે આવ્યા પછી પહેલી જન્માષ્ટમી આવતી હોવાથી મારા સાસુ એટલે તારા દાદીને બધા કહેતા હતા કે, ” રસીલાવહુને તહેવાર ઉપર અહીં જ રાખજો !!, આપણા કુટુંબમાં એક જ તો વહુ આવી છે. અહીં આપણે કેટલા બધા સાથે મળીશુ ! મજા કરીશું !તેને તો પછી પણ પિયર જવાશે !!”

ત્યારનો સમય, એવો નહોતો કે ફોન કરીને, પિયર કોઈ જાણ કરી શકાય !! પણ જન્માષ્ટમી નજીક આવી રહી છે તે વિચારે મને ખૂબ અજંપો ઘેરી વળતો. સાસરે બધા જ સારા સ્વભાવના હતા. પણ, મને મારા બા-બાપુજી અને નાના ભાઈની યાદ આવતા આંખમાં પાણી આવી જતાં. વળી મારી બધી બહેનપણીઓ આવી હશે ! હું જ એક નહિ હોઉં, પણ મનમાં મૂંઝાતી હું, કંઈ બોલતી ન હતી.. મને યાદ છે…

” રક્ષાબંધનના આગલા દિવસે મારા સાસુએ કહ્યું હતું, “” આજે વહેલી રસોઈ બનાવજો અને મીઠાઈ, ભજીયા, દાળ ભાત શાક.. બધું બનાવજો.” મેં કહ્યું કે ” રક્ષાબંધન તો કાલે છે ! આજે કેમ આ બધું ??” મારા સાસુ કહે, ” મહેમાન આવવાના છે !!”

હું અને મારી નણંદ રસોડામાં જઈ બધુ બનાવવા લાગી ગયા. તારા નાના ફઈ બા ખૂબ વાતો કરતાં હતાં. ખૂબ જ ઉત્સાહથી કહેતા હતા, ” ભાભી !! આપણા ગામમાં તો જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે . રવેડી નીકળે.. જન્માષ્ટમીની શોભાયાત્રાને રવેડી કહે. મેળા હોય, મન્દિરે જાય,… આમ હોય… તેમ હોય.. કાકા આવશે, મોટી બહેનો આવશે, બધા રમશું ! ખુબ મજા કરશું ! એય ને મજા મજા !!”

હું ચૂપચાપ કામ કરતી કરતી બધું સાંભળતી હતી. કુંવારી નણંદ ને “પિયર નો આંટો” શું સમજાવવું ?? મૈયરની માયા તો સાસરે આવ્યા પછી જ સમજાય !! ત્યાં તો, બપોરે જમવાનો સમય થતાં, મારા સસરાની સાથે, મારા પિતાજી પણ આવ્યા ! તેમને જોઈને મારા તો આનંદનો પાર ન રહ્યો !! જમતા તે કહેવા લાગ્યા, ” તમારો પત્ર ગઈકાલે મળ્યો અને તમારા કહેવા મુજબ આજે જ રસીલા ને પિયર લઈ જવા હું અહીં આવી પહોંચ્યો !”

આ સાંભળ્યું, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. મારા સાસુ રસોડામાં આવ્યા એને મારા સામે જોયું તો મારી આંખ માં આંસુ આવી ગયા. તેને મારા માથા પર હાથ ફેરવ્યો.અને બોલ્યા, ” પિયર જવાનો આનંદ હું સમજી શકું છું . હું પણ એક સ્ત્રી છું .અને એક દિવસ હું પણ, વહુ ના પાત્રમાં હતી ને ??”

હું રાજી રાજી થઈ ગઈ, પિયર ગઈ, જન્માષ્ટમીનો તહેવાર ઉજવીને આવી… પછી તો, ધીમે ધીમે આ ઘર અને ઘરના બધા સભ્યો પ્રત્યે લગાવ, ધીમે ધીમે વધતો ગયો અને ખબર ન રહી કે પિયરની મમતા, ઓછી થતાં થતાં, ક્યારે છૂટી ગઈ અને સાસરી નો સ્નેહ મજબૂત થવા લાગ્યો. પછી તો સાસરીમાં જન્માષ્ટમી આવે અને જાય કશો ફેર ન પડે.”

“દીકરી તારો ફોન આવતાં જ, તુ આવે છે તેની જાણ અંજલિને થઈ ત્યારે, તે જરા પણ નારાજ થઈ નહોતી. તેને તેડવા જન્માષ્ટમી માટેનો તેના મમ્મીનો ફોન આવ્યો હતો કે “અંજલિને જન્માષ્ટમી કરવા ક્યારે મોકલશો ??” ત્યારે અંજલિએ કાઈ પૂછ્યા વગર જ એમ કહી દીધું હતું કે મારા મમ્મીને કહી દો, શિલ્પા દીદી આવવાના છે , તેથી હું અત્યારે પિયર નહીં આવું. ત્યારે તેની આંખોમાં મેં પણ ડોકિયું કરી લીધું હતું અને મારી અંદરની સાસુ પણ લેવા લાગી હતી કે “સાસ ભી કભી બહુ થી !!”

તેથી જ આગ્રહ કરીને અંજલિને તેના પિયર મેં જ મોકલી છે. અને સાંભળ, તેના મમ્મી-પપ્પાએ આગ્રહ કરીને, આઠમના દિવસે આપણને બધાને તેમના ઘરે તેડાવ્યા છે.”

શિલ્પા આ બધું સાંભળી હવે થોડી હળવી થઈ ગઈ. બેત્રણ દિવસ પછી તો હવે આઠમ આવતી હતી. શિલ્પાએ હળવીફુલ થઈ, પિયરમાં જલ્સા કર્યા, તેઓ બધા આઠમને દિવસે, અંજલીના પિયર ગયા. ત્યાં અંજલી બધાને મળીને, ખુબ જ ખુશખુશ થઇ ગઈ. તેના દાદાદાદી ને કાકા ને બધાને પોતાના સાસુ-સસરાના વખાણ કર્યે થાકતી નહોતી અને જ્યારે સાંજે આ બધા પોતાને ગામ પાછા ફરતા હતા. ત્યારે અંજલી પણ તેની બેગ લઈને ગાડીમાં ગોઠવાઈ ગઈ. રસીલાબેને તેને રોકાવા કહ્યું, ત્યારે અંજલિ કહેવા લાગી, ” અહીં બધા સાથે રોકાઈ લીધું ! હવે થોડો સમય તે શિલ્પા દીદી સાથે રહેવા માગે છે. મારો તો જન્માષ્ટમીનો તહેવાર પૂરો થઈ ગયો !”

ગાડીમાં પાછા ફરતા બધા કિલકીલાટ કરતાં વાતોમાં મશગુલ હતા. ત્યારે શિલ્પાને ગૌરવ થયું કે બધી જ સાસુ પોતાના મમ્મી રસીલાબેન જેવી સમજુ હોય તો ઘરે ઘરે “બળતા ચૂલા”ને બદલે “ઘેરઘેર સ્વર્ગ” જેવું સુખ મળી શકે !

લેખક : દક્ષા રમેશ “લાગણી”

આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version