એક કપ ચા – આખા ઘરની અને પરિવારજનોની જવાબદારીમાંથી તેને પોતાના માટે મળતો સમય એટલે ફક્ત એક કપ ચા….

સવાર માં 6નું અલાર્મ વાગતા જ રિદ્ધિ સફાળી ઉભી થઈ …..ફટાફટ નાહીં …..દોડી સીધી કિચન માં…એકસાથે ચાર સ્ટવ ચાલુ કર્યા…બાજુ માં પડેલા મોબાઈલ માં રોજ ના ક્રમ મુજબ ભજનો ચાલુ કરી રિદ્ધિ એ મનોમન ભગવાન નું નામ લેવા નું શરૂ કર્યું…સહેજ મૂંઝારો લાગતા એને રસોડાની બારી ઉઘાડી અને મસ્ત મજાની પવન ની ઠંડી લહેરખી એના મન મગજ નેત ઠંડક આપતી ગઈ…

હવે હાથ જલ્દી ચાલવા લાગ્યા….ચા પણ તૈયાર થઈ ગઈ હતી…દરવાજે સટાક કરતો ન્યૂઝ પેપર પછડાવવા નો અવાજ સાંભળતા જ એને એક નજર ન્યૂઝ પેપર પર કરી લેવાનું વિચાર્યું..હજી ન્યૂઝ પેપર હાથ માં લઇ ત્યાં જ બાપુજી નો અવાજ સંભળાયો “રિદ્ધિ વહુ….ચા તૈયાર હોય તો મને આપી દો” બાપુજી નો અવાજ સાંભળતા જ રિદ્ધિ દોડતી જઈ બાપુજી ના હાથ માં ચા નો કપ આપ્યો..

“તમારા બા ય ઉઠી ગયા છે એમને પણ ચા નાસ્તો કરાવી દેજો” કહેતા બાપુજી નીકળ્યા રોજ ની જેમ મોર્નિંગ વોક પર… ત્યાં જ પાછળ ના રૂમ માથી માહી ચીસ પડતા બોલી “મમ્મી મારા યુનિફોર્મ ને ઈસ્ત્રી કેમ નથી..તુ એક પણ કામ સરખું નથી કરતી…હુ આવા કપડે સ્કૂલે નથી જવાની” એટલું કહેતા એને યુનિફોર્મ રિદ્ધિ તરફ ફેંક્યો.. રિદ્ધિ એ સહજતા થી યુનિફોર્મ ઉપાડ્યો અને મનોમન બબડી

“અમે ય સ્કૂલ માં હતા પણ આવા નખરા નથી કર્યા…આ આજ કાલ ના છોકરા..દિવસે દિવસે માથે ચડતા જાય છે” કહેતા કહેતા રિદ્ધિ એ યુનિફોર્મ માં પડેલી કરચલીઓ દૂર કરી યુનિફોર્મ ફરી માહી ના હાથ માં પકડાવ્યો અને રિદ્ધિ દોડી માનવ ના રૂમ માં “માનવ…તૈયાર થયો કે નહીં…7 વાગવા આવ્યા હમણાં બસ આવતી જ હશે તારી” “ડોન્ટ વરી મમ્મી હું રેડી જ છું” કહેતા માનવે એક વ્હાલભર્યું ચુંબન રિદ્ધિના માથે ચોડી દીધું….અને સવારથી અવિરત પણે ચાલતા રિદ્ધિના શરીર અને એના મન બન્ને ને દીકરા માનવ ના વ્હાલને કારણે સારું લાગ્યું…

કાંઈક યાદ આવતા રિદ્ધિ દોડી રસોડા માં..એક ભાખરી અને ચા ને મિક્સર માં ક્રશ કરી વાટકો ભરી એ બા ના રૂમ તરફ ગઈ…..છેલ્લા 5 વર્ષ થી પથારી વસ રિદ્ધિ ના સાસુ ની હાલત વધુ કથળી ગઈ હોવાથી હવે જમવામાં પણ લિક્વિડ જ લઇ શકતા…રિદ્ધિએ બા ને ધીમે રહી ઉભા કરી એમને કોગળા કરાવ્યા…અને ચા ભાખરી ખવડાવ્યા….

“રિદ્ધિ હું કલબ જાઉં છું” રાજ નો ફક્ત અવાજ સાંભળી રિદ્ધિ પતિદેવ ની એક ઝલક જોવા દોડી પણ ત્યાં સુધી રાજ સડસડાટ કરતા નીકળી ગયા હતા.. મારા દોઢ કલાક ની મથામણ અને ટેબલ પર સૌને ખુશ કરવામાં હું તો ભૂલી જ ગઈ હતી કે મોબાઈલ માં ભજનો ક્યારનાય પુરા થઈ ગયા હશે…પણ તો ય સવારે બધા ના ટિફિન અને બ્રેકફાસ્ટ સમયે બનાવવા નો આનંદ હતો..

“મમ્મી . શુ તું પણ યાર….આજે પણ બટાકા પૌઆ….રોજ એકનું એક ખાઈ ને હું કંટાળી ગઈ છું…..તું કઈક નવું શીખતી કેમ નથી….મારી ફ્રેન્ડ દિશા ની મમ્મી ને જો એ કેવું સરસ મેક્સિકન ઇટાલિયન ફૂડ બનાવતી હોય” માહી ટેબલ પર પડેલા બટાકા પૌઆ ની ડિશ ને ચીડ સાથે જોતા બોલી..રિદ્ધિ થોડી ગુસ્સે થઈ ગઈ પણ માનવે પરિસ્થિતિ સાચવી લીધી….દીકરી માહી ની વાત નું માઠું લાગ્યું એ વાત માનવે પારખી લીધી હતી….

“મમ્મી બટાકા પૌઆ બઉ જોરદાર બન્યા છે હહ” માનવે વખાણ કરતા કહ્યું અને રિદ્ધિ હસી પડી.. માહી અને માનવ ને ટિફિન ભરી આપતા જ બસ ના હોર્ન નો અવાજ સંભળાયો…બન્ને બાળકોને બસ તરફ જતા રિદ્ધિ જોઈ રહી….

ફરી બા ના રૂમ માં જઇ બા ને સ્પંચ થી સાફ સફાઈ કરી….પીઠ પર પાવડર લગાવી…કપડાં બદલાવ્યા…..જરૂરી દવાઓ આપ્યા બાદ એસી નું ટેમ્પરેચર એમને અનુકૂળ આવે એમ કરી રૂમ બહાર નીકળી….ત્યાં જ જોયુ તો બાપુજી મોર્નિંગ વોક પરથી પરત આવી ગયા હતા….રિદ્ધિ એ બાપુજી માટે ગરમા ગરમ પરોઠા અને ચા ટેબલ પર મુક્યા…

ઘડિયાળ માં જોયું તો 8:30 થઈ ચૂક્યા હતા….રાજ ને આવવા ની હજી 15 મિનિટ ની વાર હોઈ એને બધી રૂમમાંથી મેલા કપડાં સંકેલી મશીન માં નાખ્યા…..રસોડા માં પડેલી અસ્તવ્યસ્ત વસ્તુઓને ઠેકાણે મૂકી..રાજ આવીને સીધા નાહવા જશે એટલે બાથરૂમ માં જરૂરી વસ્તુઓ છે કે નહીં એ તપાસી એને એક નજર અરીસા તરફ કરી…..વધતી જતી ઉંમર ની અસર હવે ચહેરા પર વર્તાઈ રહી હતી….એને આગળ આવતા વાળ ની બે લટો ને હાથથી જ કાન પાછળ ધકેલી..ત્યાંતો રાજ ની ગાડી નો હોર્ન સંભળાયો…એ ફરી રાજ ના બ્રેકફાસ્ટ માટે કિચન તરફ દોડી…રાજ આવતા વેંત સીધા નાહવા જતા રહ્યા….નાહી ને બગીચા માં ગોઠવેલા ખુરશી ટેબલ પર જ રોજ ચા પીવા ટેવાયેલો રાજ બગીચા માં ગોઠવાઈ ગયો….

રિદ્ધિ ચા ના બે કપ અને બટાકા પૌઆ ની ડિશ લઈ રાજ ની સામે ની ખુરશી પર ગોઠવાઈ…લગ્ન કર્યા ત્યાં થી લઈને આજ સુધી જો કોઈ વસ્તુ અકબંધ હોય તો એ હતી રિદ્ધિ અને રાજ ની સવાર ની એક કપ ચા…સવાર ની આ એક કપ ચા બંને પતિ પત્ની ક્યારેય ચુકતા નહિ…ગમે તેવી પરિસ્થિતિ હોય આ એક કપ ચા બંને અચૂક સાથે જ લેતા…અને એમના આ નિત્યક્રમ થી પરિચિત ઘરના સૌકોઈ આ સમયમાં એમને ખલેલ પણ ન પહોંચાડતા…

બપોરે ટિફિન લઈને ઓફિસ જતો રાજ…સાંજે ઘરના બધા જ સભ્યો સાથે જમતો…પોતાની પત્ની ને આપી શકાય એવો સમય ધીમે ધીમે બાળકો અને બા બાપુજી ની સેવા ચાકરી ના કારણે ઘટતો જતો હતો..પણ આ વાત ની ક્યારેય રિદ્ધિ કોઈ ફરિયાદ ન કરતી. .એના મન તો આ એક કપ ચા ની 15 મિનિટ એના જીવન ની સૌથી અમૂલ્ય પળ હતી…આ 15 મિનિટ માં રાજ અને રિદ્ધિ ફક્ત એકબીજા વિશે વાતો કરતા….ના ક્યારેય કોઈ ફરિયાદ….ના ક્યારેય બાળકો ના ભવિષ્ય ની વાતો…..ના અન્ય વહેવાર ની વાતો……બસ એકબીજા ને જાણવા ની…એકબીજા ના સાનિધ્ય માં રહેવાની આ 15 મિનિટ એકબીજા ની આંખો માં ખોવાઈ જઇ એકબીજા ના મન વાંચી લેતા……

રિદ્ધિ અને રાજ ની આ અમૂલ્ય એક કપ ચા સાથે 15 મિનિટ વ્યતીત થઈ ચૂકી હતી….રાજ દોડ્યો ઓફિસ જવા…. અને રિદ્ધિ પોતાના ઘરકામ તરફ વળી….. ફરી પાછા બંને પતિ પત્ની પોતાની મા…. બાપ…… દીકરા…. વહુ….. અને અન્ય સંબંધોની જવાબદારી સાંભળવા માં લાગી ગયા…..અને રાહ જોવા લાગ્યા ફરી એ એક કપ ચા ની..

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ