એક ઘરડી સ્ત્રી – સાહેબ, માઁ મરે છે, પરંતુ માવતર નહીં…

એક ઘરડી સ્ત્રી

ચારેય તરફ ઘનઘોર અંધારું હતું. નદી કિનારે બનેલા પુલ પરથી સીલ્વર રંગની વેગન-આર ગાડી અતિ ઝડપથી નીકળી. અચાનક જ રસ્તા પર પડેલા, એક પથ્થર સાથે તે ગાડી અથડાઈ અને ગાડી અકસ્માતનો ભોગ બની. ગાડીની અંદર બેઠેલ રાજ લોહી-લુહાણ થઇ ગયો હતો અને તેણે આખરી શ્વાસ લઇ રહ્યો હતો ત્યાંજ તે અચાનક તે જાગી ગયો.


બીજી જ ક્ષણે તેણે પોતાની જાતને પોતાની ઓફિસના એ.સી રૂમમાં અનુભવ્યો અને તેને અહેસાસ થયું કે ગાડીનો અકસ્માત તે માત્ર તેનું એક સપનું હતું, એક, ભયાનક સપનું.


અમુક જ સેકન્ડમાં, રાજે તેનો મોબાઈલ હાથમાં લીધો ત્યારે તેને જોયું કે તેમાં તેના પિતાના 4-5 ફોન હતા. રાજે તરત જ તેના પિતાને ફોન કર્યો અને તેના પિતાએ તેને જણાવ્યું કે દીકરા જલ્દી ઘરે આવી જા. કંઈક એકલું એકલું લાગે છે.


આ સાંભળી રાજ તરત જ તેના ઘરે જવા નીકળ્યો કારણ કે તેની પત્ની તેના સંતાનો સાથે તેના પિયરે ગઈ હતી અને તેના પિતા એકલા હતા. રાજે તેની ઓફિસના પટાવાળાને કહીને ઓફિસ બંધ કરાવી અને નીચે ઉતર્યો. પાર્કિંગમાં જઈને તેણે તેની સીલ્વર રંગની વેગન-આર ગાડીનો દરવાજો ખોલ્યો અને અકસ્માતનું સપનું યાદ કરી પળભર માટે અચકાયો, પરંતુ તેણે ગાડી શરૂ કરી અને તેના ઘર તરફ જવા રવાના થઇ ગયો.


રાજ જે સમયે તેની ઓફિસ તરફથી નીકળ્યો તે જ સમયે એક ઘરડી સ્ત્રીએ પુલના અંતમાં રસ્તામાં પડેલા ભારે પથ્થરને ઊંચકી બીજી બાજુ ફેંકી દીધો હતો.


રાજ જાણી જોઈને તેની ગાડી ધીમી ગતિએ ચલાવી રહ્યો હતો. પરંતુ અચાનક જયારે તે પુલ પરથી પસાર થવાનો હતો ત્યારે પાછળથી બીજી ગાડી સતત હોર્ન મારી રહી હતી. રસ્તો વન-વે હતો એટલે રાજે ડરતા-ડરતા પણ ગાડીની ઝડપ વધારી અને ગાડી પુલ ઉપરથી નીકળી.


અચાનક જ રાજે નોંધ્યું કે સપનામાં પુલની આગળના રસ્તે વચ્ચે પડેલા જે પથ્થરને કારણે તેનો અકસ્માત થયો હતો તે પથ્થર ખૂણામાં ક્યાંક દૂર પડેલો હતો. આ જોઈને તેના જીવમાં જીવ આવ્યો અને આખરે ગાડી મધ્યમ ગતિએ ચલાવતા, તે તેના ઘરે પહોંચ્યો.


ઘરે પહોંચીને તેણે તેના પિતાજીને જમાડ્યા અને પોતે પણ જમવા બેઠો. જમતા-જમતા અચાનક જ તેના પિતા રડવા લાગ્યા. રાજ તેના પિતાની વેદના સમજી ગયો અને તેણે તેના પિતાનો હાથ પકડીને સાંત્વન આપતા કહ્યું, “પપ્પા, મમ્મીના જવાનો અફસોસ મને પણ છે. તેના દેહને અગ્નિ આપનારા મારા હાથથી લઈને મારી રૂહ હજુ સુધી કાંપે છે. તમે બસ એટલું માનીને ચાલો કે તે જ્યાં પણ છે, આપણી સાથે જ છે અને આપણી સલામતી જ ઈચ્છે છે.”


રાજના ઘરડા પિતાએ દીવાલ પર ટીંગાડેલી તેમની સ્વ. પત્નીની છબી તરફ જોયું અને ત્યારે તેમણે શાંતી અનુભવી. છબીમાં જે ઘરડી સ્ત્રી હતી તે એ જ સ્ત્રી હતી જેણે તેના દીકરાના રસ્તામાં આવનારી મુસીબતને માત્ર તેના સપના સુધી સીમિત રહેવા દીધી હતી. હાં, તે જ ઘરડી સ્ત્રી જેણે પથ્થરને કોઈ અડચણ ના બનવા દીધું.સાહેબ, માઁ મરે છે, પરંતુ માવતર નહીં.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ