જલ્સા કરોને જેંતીલાલ

વિશ્વની આ રહસ્યમયી જગ્યા પર વર્ષના 260 દિવસ સુધી સતત પ્રચંડ વીજળી ઝબકે છે !

પૃથ્વી પર એવી ઘણી બધી જગ્યાઓ છે જે આપણને હરદમ આશ્ચર્યમાં મુકી દેતી હોય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને અવારનવાર વીજળીના ગડગડાટથી આપણે જબકી જતાં હોઈએ છીએ. અને જ્યારે ક્યારેય પણ વીજળીનો કોઈ મોટો કડાકો બોલે કે તરત જ આપણને આશ્ચર્ય થાય છે કે આટલો મોટો કડાકો તો પહેલાં ક્યારેય નથી સાંભળ્યો. પણ પૃથ્વી પર એક એવી જગ્યા આવેલી છે જ્યાં અવિરત પણે વીજળી ચમકે છે અને તેના ભયંકર કડાકાઓ સાંભળવા મળે છે.

તમે કદાચ એવી કહેવત સાંભળી હશે કે વીજળી ક્યારેય એકની એક જગ્યા પર ન ત્રાટકે. પણ આ જગ્યા પર આ વાત જરા પણ લાગુ નથી પડતી. આ જગ્યા આવેલી છે વેનેઝુએલામાં. અહીં એટલી વીજળી ચમકે છે કે આ જગ્યાનું નામ તેની આ ઉપલબ્ધીના કારણે ગિનીસ બૂકમાં નોંધાયું છે. અહીં એક અજીબ વાતાવરણિય ઘટના સર્જાય છે. આ અવિરત વીજળી વેનેઝુએલામાં આવેલી કાટાટુમ્બે નદી જે વિશાળ તળાવમાં ઠલવાઈ છે તે લેક મારાકાઈબોમાં પડે છે.

આ તળાવની ઉપર લગભગ એક કીલોમીટરની ઉંચાઈ પર તોફાની વાદળાઓ ઉત્પન્ન થાય છે અને તેમાં ભયંકર વીજળીનું સર્જન થાય છે. દર વર્ષના લગભઘ 260 દીવસ અહીં સતત વીજળી પડે છે અને રાત્રે તો સતત 10-10 કલાક સુધી વીજળી થાય છે. કલાકમાં 280 વાર વીજળીના કડાકા બોલે છે. આ ઘટના લેક મારાકાઈબેમાં સર્જાય છે અને ખાસ કરીને તે જગ્યાએ જ્યાં કાટાટુમ્બો નદી આ તળાવમાં ભળે છે.

વર્ષોથી આ ઘટના એકધારી અહીં બને છે. પણ 2010માં દુકાળના કારણે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન આ વીજળી અચાનક બંધ થઈ ગઈ હતી અને લોકોમાં ચિંતા ઉત્પન્ન થઈ ગઈ હતી કે આ ઘટના ક્યાંક સાવ જ બંધ ન થઈ જાય.

આ જગ્યાને ‘ધી મોસ્ટ ઇલેક્ટ્રીક પ્લેસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંનું રાત્રીનું આકાશ લગભગ સતત નવ-નવ કલાક સુધી વીજળીના ચમકારાથી જ ઝળહળતું રહે છે. અહીં દર મિનીટે તમને ઓછામાં ઓછી 28 વાર વીજળી પડતી જોવા મળશે. આમ દર વર્ષે અહીં 12 લાખ વાર વીજળી પડે છે. સદીયોથી કાટાટુમ્બો ખાતે આ વીજળી પડે છે. અને અહીંના ઇતિહાસમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં તેનું નિક નામ પાડવામાં આવ્યું છે ‘લાઇટહાઉસ ઓફ કાટાટુમ્બો’

આ સતત વીજળી પાછળ વૈજ્ઞાનિકો કંઈ કેટલાએ કારણો જણાવતા રહે છે. કોઈ વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે અહીંના પથ્થોમાં સમાયેલું યુરેનિયમ વીજળીને પોતાના તરફ આકર્ષિત કરે છે તો વળી કેટલાક વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે તળાવમાંના તેલમાંથી છુટતો મિથેન ગેસ તેના ઉપરના આકાશની હવાની કંડક્ટીવીટને બુસ્ટ કેર છે અને માટે અહીં સતત વીજળી ચમકે રાખે છે. જો કે તેમાંનું કોઈ જ કારણ હજુ સુધી સાચુ સાબિત નથી થયું.

કાટાટુંબો નદીમાં પડતી વીજળીનો ઝબકારો એટલો પાવરફુલ હોય છે કે તેને 400 કી.મી. દૂરથી પણ નિહાળી શકાય છે. અહીં અલગ અલગ વાતાવરણમાં વીજળીનો અલગ અલગ રંગ જોવા મળે છે.

છેને એક વિચિત્ર પણ અજાયબીથી ભરેલી આ જગ્યા. વિશ્વમાં આવી તો કંઈ કેટલીએ જગ્યાઓ છે જેનું રહસ્ય હજુ સુધી આધુનિક વિજ્ઞાન માટે રહસ્ય જ રહ્યું છે. વેનેઝુએલા એક સુંદર દેશ છે જો તમે ક્યારેય પણ અહીં પ્રવાસે જવાનું આયોજન કરો તો આ તળવાની ચોક્કસ મુલાકાત લો. જો કે તેને દૂરથી જ જોવું હીતાવહ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version