જલ્સા કરોને જેંતીલાલ

ઇજિપ્તના સમુદ્રમાંથી મળ્યું 1200 વર્ષ જુનું મંદીર અને કીમતી ધાતુઓ તેમજ રત્નોથી ભરેલી હોડીઓ

હજારો વર્ષ જુની વસ્તુઓ મળી આવે પછી તે મંદીરના અવશેષો હોય કે પછી કોઈ દડાટેલો ખજાનો હોય ભલભલાની આંખોમાં ચમક આવી જાય. આપણને જેટલી ઉત્સુકતા ભવિષ્ય જાણવાની છે તેટલી જ ઉત્સુકતા આપણો ઇતિહાસ જાણવાની પણ છે.


ઇજિપ્ત જેને પ્રાચિન સમયમાં મિસ્ર પણ કહેવામાં આવતું હતું તેની સંસ્કૃતિને વિશ્વની સૌથી જુની સસ્કૃતિઓમાં ગણવામાં આવે છે. અને તેના રહસ્યમયી ઇતિહાસ પર કંઈ કેટલીએ હોલીવૂડ મૂવીઝ પણ ઉતરી છે. ઇજિપ્તે હંમેશા પુરાપતત્ત્વ વિદોથી લઈને સામાન્ય માણસમાં કુતુહલ જગાવ્યું છે.


મિસ્રનો ઇતિહાસ જાણવા તેમજ ભૂતકાળમાં શું બની ગયું હતું તેની સ્પષ્ટ માહિતિ મેળવવા માટે અહીં એટલે કે ઇજિપ્ત તેમજ ઇજિપ્ત આસપાસના વિસ્તારોમાં છેલ્લી એક બે સદીથી કંઈ કેટલીએ વાર ખોદકામ કરવામા આવ્યું છે અને દર વખતે કંઈને કંઈ જાણવા મળ્યું છે. ક્યાંક આખુને આખુ નગર મળી આવે છે તો ક્યાંક જુની ખંડીત થઈ ગયેલી મૂર્તિઓ મળી આવે છે.


તાજેતરમાં જ ઇજીપ્ત નજીકના સમુદ્રમાં મરજીવિયાઓને એક 1200 વર્ષ જુના મંદીરના અવશેષો મળી આવ્યા છે. માત્ર આટલું જ નહીં પણ તેની સાથે સાથે ખજાનાથી ભરેલી હોડીઓ પણ મળી આવી છે. જેની કીંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.


આ ઉપરાંત તેમાં 2000 વર્ષ જૂના માટીના વાસણો ઉપરાંત તાંબાના સિક્કા ઓ પણ મળ્યા છે. જે રાજા ટોલેમીના શાસન વખતના એટલે કે ઇ.સ. પૂર્વે 283 વર્ષ પહેલાના છે. મળેલી માહિતિ પ્રમાણે આ મંદીર હેરાક્લિઓન શહેરના ઉત્તર ભાગમાં મળી આવ્યું છે જે મિસ્રનું એક ખોવાયેલું શહેર એટલાંટિસ કહેવાતું હતું.


પુરાતત્ત્વવિદોનું એવું કહેવું છે કે ઇતિહાસમાં હેરાક્લિઓન શહેરનો ઉલ્લેખ મંદીરોના શહેર તરીકે કરવામાં આવ્યો છે. તેને પ્રાચિન ઇજિપ્શિયન ભાષામાં થોનીસ પણ કહેવામાં આવતું હતું. પણ લગભગ એક હજાર વર્ષ પહેલાં આવેલા સુનામીના કારણે આ આખું શહેર સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું.


આ શહેર દેશનું મુખ્ય આંતરરાષ્ટ્રી વેપાર માટેનું બંદર હતું અને અહીં વેરો પણ વસુલવામાં આવતો હતો. હેરાક્લિઓનમાં ખોનસુઅનું એક વિશાળ મંદીર આવેલું હતું. ખોનસુઅ એ અમુનનો પુત્ર હતો જેને ગ્રીક લોકો હેરાક્લેસ તરીકે ઓળખતા હતા. પણ વિતેલી સદિઓ દરમિયાન આવેલા અગણિત ભુકંપોએ આ શહેરને નબળુ બનાવી મુક્યું હતું અને સમુદ્રની સપાટી વધતા તેમજ સુનામીના કારણે આ શહેર સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું.


આ શોધ યુરોપ તેમજ મિસ્રના પુરાતત્ત્વ શાસ્ત્રીઓએ મળીને કરી છે. આ શોધ છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે, અત્યાર સુધીમાં 64 પ્રાચીન હોડી, સોનાના સિક્કાનો ખજાનો, 16 ફૂટ ઉંચી મૂર્તિ તેમજ ભવ્ય મંદીરના અવશેષો શોધવામાં આવ્યા છે.


1933માં RAF કમાન્ડર જ્યારે અબુ કીરના અખાત પર ઉડાન ભરી રહ્યા હતા તે વખતે તેમને આ અવશેષો જોવા મળ્યા હતા. તે વખતે મોટા ભાગના ઇતિહાસકારોનું એવું માનવું હતું કે થોનીસ અને હેરાક્લિઓન બન્ને અલગ અલગ શહેરો છે. પાંચ વર્ષના સંશોધન બાદ 1999માં ફ્રેન્ચ અન્ડર વોટર પુરાત્ત્વ વીદ ફ્રેન્ક ગોડીઓ દ્વારા તેને શોધવામાં આવ્યું.


તેમણે ત્યાં જે સંશોધનો ચલાવ્યા તે પરથી જાણવા મળ્યું કે આ શહેરનો પ્રવૃત્તિકાળ લગભઘ ઇ.સ. પૂર્વેની છઠ્ઠી સદીથી ચોથી સદી સુધીનો રહ્યો હશે. 2010 સુધીમાં આ શહેરનો પાંચ ટકા કરતાં પણ ઓછા ભાગ પર સંશોધન કરી શકાયું હતું.


2010માં ઇજિપ્શિયન બનાવટનું બેરીસ વહાણ હેરાક્લિઓન આસપાસના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ હમણા એટલે કે હાલ ચાલી રહેલા જુલાઈમાં મોટી શોધો થઈ જેમાં એક ગ્રીક મંદીર તેમજ ખજાનાથી ભરેલી હોડીઓ મળી આવી છે. હજુ પણ આ સંશોધન ચાલુ જ રહેશે કારણ કે હજુ સમુદ્ર તળે દટાયેલા શહેરનો ખુબ જ ઓછો ભાગ સંશોધિત કરવામાં આવ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version