દુલા ભાયાની કાગવાણી જીવનમાં ઉતારશો તો ક્યારેય નહીં પછતાવું પડે ! ભારતસરકાર દ્વારા અનેક સમ્માનોથી સમ્માનિત દુલા ભાયાની સચોટ કાગવાણી

આપણે ચાણક્યની કેટલીક વાતોને જીવનમાં ઉતારવાનો આગ્રહ રાખતા હોઈએ છે કારણ કે તે આપણને જીવનમાં મુંઝવણમાં મુકાયા વગર જ નિર્ણયો લેવામાં મદદ કરે છે અને તેના દ્વારા આપણે સરળ રીતે જીવન જીવી શકીએ છીએ. પણ ગુજરાતમાં જ ઓગણીસમી સદીમાં એક વિદ્વાન પુરુષ થઈ ગયા જેનું નામ હતું દુલા ભાયા કાગ તેઓ ગુજરાતના પ્રખ્યાત કવિ, ગીતકાર તેમજ લેખક હતા તેમનો જન્મ 1902માં સૌરાષ્ટ્રના મહુઆ નજીક આવેલા મજાદર ગામે થયો હતો. એમ પણ ગુજરાતમાં ચારણોને ઉંચા દરજાના કલાકાર માનવામાં આવે છે પછી તે સાહિત્ય હોય કે સંગીત હોય.

તેઓ ચારણ કુળના હતા અને તેમને લોકો આજે તેમની આધ્યાત્મિક કવિતાઓ માટે તેમજ તેમની કાગવાણી માટે વધારે જાણે છે. દુલા ભાયા માત્ર પાંચ ધોરણ જ અભ્યાસ કરી શક્યા હતા ત્યાર બાદ તેમણે પોતાના પરિવારને મદદ કરવા હેતુ કામમાં જોતરાવું પડ્યુ હતું. જો કે તે જમાનામાં પાંચમા ધોરણ સુધી પણ ઘણા ઓછા લોકો અભ્યાસ કરી શકતા હતા.

દુલા ભાયા એ પોતાની કાગવાણીના કુલ આંઠ ભાગ પ્રકાશિત કર્યા હતા.જેમાં તેમના ભજનો, રામાયણ તેમજ મહાભારતના કેટલાક ભાગો તેમજ ગાંધીવાદી વિચારો તેમજ ભુદાન ચળવળથી પ્રેરાઈને અગણિત ગીતો લખ્યા હતા. તેમણે મહાત્મા ગાંધી તેમજ વિનોબા ભાવેના વખાણ કરતાં કેટલાક લેખો પણ લખ્યા હતા.

તેમણે વિનોબા ભાવેની ભુદાન ચળવળમાં પણ ભાગ લીધો હતો અને પોતાની જમીનનું દાન કર્યું હતું. તેમના ભારતીય સાહિત્ય માટેના અદ્ભુત યોગદાનને ધ્યાનમાં રાખીને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. અને સાથે સાથે તેમના સમ્માનમાં પાંચ રૂપિયાની ટપાલ ટીકીટ પણ બહાર પાડવામાં આવી હતી.
તેમણે ગુજરાતી સાહિત્યને ઘણું બધું અર્પણ કર્યું છે પણ તેમની સચોટવાણી આજના સમયમાં પણ જીવનમાં ઉતારવા જેવી છે. તેમણે પોતાની કાગવાણીમાં માનવજીવનની આટલી વાતો પર ખાસ ભાર મુક્યો હતો

– તેમની કાગવાણી પ્રમાણે વિદ્યાર્થીએ ક્યારેય પોતના અભ્યાસમાં ગૃહિણીએ ઘી બનાવતી વખતે અને ખેડૂતે ખેતી કરતી વખતે બીજે ક્યાંય ધ્યાન ન આપવું જોઈએ.
– એવી વ્યક્તિ કે જેના પર લોકોનું દેવું હોય અને તેમ છતાં તે પોતાના મોજશોખ પાછળ રૂપિયા વાપરતો હોય તેની સાથે મિત્રતા ન કરવી જોઈએ.

– જુવાનીમાં હંમેશા સાવચેત રહીને વર્તન કરવું. તેના પર જ તમારા ભવિષ્યનો પાયો નખાય છે.
– થાકેલા વ્યક્તિને હંમેશા રસ્તો લાંબો લાગે છે તેવી જ રીતે નિરાશ વ્યક્તિને પણ મંઝિલ ઘણી દૂર લાગે છે, તો વળી અનિંદ્રાનો ભોગ બનેલી વ્યક્તિને રાત્રી પણ લાંબી લાગે છે.
– જો તમારું કોઈ લક્ષ હોય પણ તમારો તે બાબત પ્રત્યે કોઈ ઉત્સાહ ન હોય તો સફળતા તમારાથી જોજનો દૂર રહે છે અને જો આવું જ વર્તન રાખવામાં આવે તો અંતર દિવસે દિવસે વધતું જાય છે.

– પોતાના ખાસ મિત્ર સાથે દુઃખસુખની વાતો કરતા તેમ જ તેમની પાસેથી સલાહ લેતા વ્યક્તિની માહિતી જાહેર કરી દે તેવો મિત્ર ક્યારેય ન બનાવવો
– જેવી રીતે ઘોડાને તેની લગામથી કાબુમા રાખવામાં આવે છે, ગાડીઓને તેમાં રહેલી બ્રેકથી કાબુમાં રાખી શકાય છે તેવી જ રીતે માણસમાં રહેલી નમ્રતા સમગ્ર જગતને કાબુમાં રાખી શકે છે.

– જેવી રીતે જગતને પ્રકાશિત કરવા માટે દીવાની વાટ બળે છે તેવી જ રીતે એક સજ્જન વ્યક્તિ દુખ ભોગવીને પણ પોતાનાઓને સુખ આપે છે.
– સજ્જન વ્યક્તિની એ નિશાની હોય છે કે તે સારી વસ્તુને અપનાવે છે અને ખરાબ બાબતોને અવગણે છે. જ્યારે દુર્ગુણ વ્યક્તિ તેની નજર સામે રહેલી સારી વસ્તુને નહીં પણ તેને અનુકુળ ખરાબ બાબતને અપનાવે છે જે તેને અધોગતિ તરફ લઈ જાય છે.

– જેમ વાછરડી ગાયના ધણમાંથી પોતાની માતાને શોધી લે છે તેવી જ રીતે કર્મનું ફળ કર્મ કરનાર વ્યક્તિને શોધી લે છે. તેને પોતાનુ કર્મ ફળ માગવા માટે ભટકવું નથી પડતું.
– ઉંટને ત્રણ વર્ષે, ઘોડાને પાંચ વર્ષે, સ્ત્રીને તેર વર્ષે અને પુરુષને 25 વર્ષે જુવાની આવે છે. દરેકનો સમય નક્કી હોય છે.

– એક એવું ઘર કે જ્યાં સવારે સ્ત્રીઓના હાથે ઘટીંએ લોટ દળાવાનો, છાશ વલોવાવાનો, બાળકોના કલરવનો અવાજ નથી સંભળાતો તે સ્મશાનની જેમ ભેંકાર ભાસે છે.
– જે વ્યક્તિ ભુખ સંતોષ્યા બાદ પણ ભોજન આરોગે તે તેની માનસિક વિકૃત છે. પણ ભુખ્યા પેટે લોકોના પેટ ભરે તે સંસ્કાર છે.

– દુલા ભાયાની કાગવાણી પ્રમાણે જેમ દૂધ ખરાબ થાય ત્યારે તેમાં ખટાશ આવે છે, લોખંડ ખરાબ થાય ત્યારે તેમાં કાટ લાગે છે અને ખેતર ખરાબ થાય ત્યારે તેમાં ખારાશ આવે છે તેવી જ રીતે જ્યારે વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે તેનામાં રાવણ જન્મે છે.
– કેહવાય છે કે આખા હર્યા ભર્યા જંગલને ભસ્મ કરવા માટે એક તણખો પુરતો છે તેવી જ રીતે સમગ્ર કુળનો નાશ કરવા માટે એક કપુત જ પુરતો હોય છે.

– તેમની વાણી પ્રમાણે રજની પ્રભાતને મળતા, યુવાની ગઢપણને મળતાં, અને માનવી અવિરત કામના કરતાં મૃત્યુ પામે છે, જે નરી વાસ્તવિકતા છે.
– વિશ્વમાં સૌ પ્રથમ કોણ આવ્યું ? મરઘી કે ઇંડુ, સ્ત્રી કે પુરુષ, વૃક્ષ કે બીજ તેવા પ્રશ્નોએ હંમેશા વિશ્વમાં કુતુહલ જગાવ્યું છે જેનો કોઈ જ જવાબ હજુ સુધી મળી શક્યો નથી પણ તેના અંદાજા ઘણા લગાવવામાં આવ્યા છે. પણ અહીં આશ્ચર્યની વાત એ છે કે બુદ્ધિશાળી અને મુર્ખ બન્ને વ્યક્તિ એક જ પ્રકારના જવાબ આપે છે.

– જીવનના આ મુશ્કેલ કાર્યો નોંધી લોઃ આપેલું વચન નિભાવવું, યુદ્ધમાં હાર ન માનવી, અજાણી જગ્યાએ ભ્રમણ કરવું, સાચિ મિત્રતા નિભાવવી, ભયનો સામનો કરવો, કોઈને માફી આપવી.
– કવિ, કલાકાર, પગી, પારેખ, શૂરવીર, છેતરનાર, કૃતઘ્ની, નિશ્ચયિ વ્યક્તિઓ પારણામાં ગુણ મેળવીને આવ્યા હોય છે તેમને કશું જ શીખવવું નથી પડતું બસ તેમનામાં રહેલા ગુણો દુર્ગુણોને જે રીતે પોષવામાં આવે છે તે રીતે તેનો વિકાસ થાય છે.

– ગમે તેટલા આંખ આડા કાન કરવાથી હકીકતો બદલાતી નથી, જેમ આકાશમાં ભરપુર તારા હોવા છતાં ચંદ્ર જાંખો નથી પડતો, આકાશમાં કાળા ડીંબાંગ વાદળો હોવાથી સુર્ય નથી છુપાતો, તેમ કપાળની રેખાઓ બદલાવાથી કંઈ ભાગ્ય નથી બદલાતું.
– તેમણે નક્કર શબ્દોમાં માણસજાતને શીખ આપી છે કે, બાળકને માતા વગર, ખેતરને ખેડૂત વગર, ઢોરને માલિક વગર, વેપારને સાવચેતી વગર રાખવાથી નુકસાન સિવાય બીજું કશું જ પ્રાપ્ત નથી થતું.

– એ નરી વાસ્તવિકતા છે કે ભોગ તમને રોગ સુધી પહોંચાડે છે, વિલાસ તમને વિનાશ સુધી લઈ જાય છે, દિવસ તમને રાત્રી તરફ ખેંચી જાય છે તેવી જ રીતે તમારાં જન્મ સમયે જ મૃત્યુ નક્કી થઈ જાય છે, જેને કોઈ જ ટાળી નથી શકતું.
– સંસારની નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે હરણના ઘરે માતમ છવાયેલો હોય છે ત્યારે સિંહણના ઘરે ઉત્સુવનો માહોલ હોય છે. બન્નેમાં કારણ એક જ હોય છે હરણનું મૃત્યુ પણ તેની અસર વિરોધાભાસી હોઈ શકે છે.

– જેને આપણે ગંદકી સમજીએ છીએ તેવા ગોબર, મૂત્ર વિગેરેને જો ખેતરમાં નાખવામાં આવે ત્યારે તે જ વસ્તુ આપણને જીવન નિર્વાહ માટે અત્યંત જરૂરી એવું ભોજન પુરુ પાડે છે. આ બાબત ધરતીમાતાની ક્ષમતા બતાવે છે જે કોઈ ચમત્કારથી કમ નથી.
– ખાવાનું ઝેર તો માત્ર એક વ્યક્તિને મારે છે જ્યારે કાનમાં ઘોળેલું ઝેર અનેક લોકોને જીવતા જીવ મારી મુકે છે.

– બાળક માટે સૌથી સુરક્ષિત કોઈ જગ્યા હોય તો તે તેની માતાનો ગર્ભ હોય છે. તેને ત્યાં બધું જ સુતા સુતા જ મળી રહે છે, ભોજન, માતાનો પ્રેમ, પંપાળ, પણ બહાર આવીને તેના માટે કશું જ સહેલું નથી રહેતું તેને એક એક વસ્તુ માટે મહેનત કરવી પડે છે.
આવી તો કંઈ કેટલીએ કાગવાણી દુલા ભાયા કાગે કરી છે જે જીવનની નરી વાસ્તવિકતાથી ભ્રમમાં ફરતા માણસને વાસ્તવિક આઇનો બતાવે છે. માત્ર પાંચ ધોરણ જ ભણ્યા હોવા છતાં તેમની કવિતાઓનો ઉપયોગ પ્રથામિક શિક્ષણથી લઈને સ્નાતક સ્તર સુધીના અભ્યાસમાં કરવામાં આવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ