દૂધપાક – રુચીબેન ખાસ લાવ્યા છે આપણી માટે આજે દૂધપાક બનાવવાની સરળ રેસીપી…

કહેવાય છે કે દૂધપાક -પુરી નું જમણ સૌથી શાહી / રજવાડી જમણ કહેવાય. તહેવાર હોય કે પ્રસંગ હોય. દૂધપાક વાનગીઓ નો રાજા કહી શકાય.
વળી બનાવવો એકદમ સરળ. ફક્ત દૂધ , ચોખા અને ખાંડ આવી મૂળ 3 સામગ્રીઓ માંથી જ દૂધપાક બનાવાય. દૂધપાક અને ખીર બંને વાનગી એકસરખી વાનગી માંથી જ બને છે છતાં બંને નો સ્વાદ , બનાવવા ની રીત , texture વિગેરે અલગ હોય છે.

સામગ્રી ::

• 1.5 lt ફૂલ ફેટ વાળું દૂધ

• 1.5 મોટી ચમચી બાસમતી ચોખા

• 1 ચમચી ઘી

• સ્વાદાનુસાર ખાંડ

• થોડા કેસર તાંતણા

• ઈલાયચી ના દાણા

• 1 ચમચી જાયફળ, અધકચરું ખાંડેલું

• બદામ , પિસ્તા સજાવટ માટે

રીત:


સૌ પ્રથમ એક બાઉલ માં ચોખા લઈ , સાદા પાણી થી ધોઈ લો. ત્યારબાદ પૂરતા પાણી માં દૂધ ઉકાળીએ ત્યાં સુધી પલાળો. ચોખા માં 1 મોટી ચમચી ઘી ઉમેરી સરસ મિક્સ કરી લો. હુંફાળા દૂધ માં થોડા કેસર ના તાંતણા પલાળી દો. પલાળેલું કેસર ઉમેરવાથી કલર અને ફ્લેવર બંને સરસ આવશે. મિક્સર જાર માં ખાંડ , ઈલાયચી ના દાણા અને અધકચરું જાયફળ ઉમેરી , સરસ ઝીણો ભૂકો કરી લો. જાડા તળિયા વાળા તપેલા માં 1 નાના વાડકા જેટલું પાણી લો અને ત્યારબાદ દૂધ ઉમેરો. આમ કરવા થી દૂધ તળિયે ચૉટશે નહીં. 10 થી 12 મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ પલાળેલા ચોખા ઉમેરો અને ફરી 10 થી 15 મિનિટ માટે મધ્યમ આંચ પર ઉકાળો. થોડી થોડી વારે હલાવતા રહેવું . ત્યારબાદ આ દૂધ માં પલાળેલું કેસર , ખાંડ- ઈલાયચી નો ભૂકો ઉમેરો. ધીમા ગેસ પર ફરી 3 થી 5 મિનિટ માટે ઉકાળો. હલાવતા રેહવું. ચોખા જયારે રંધાઈ જાય , તળિયે ચોટવા ની શકયતા વધી જાય. દૂધ લગભગ ઉકળી ને અડધું થઈ જશે. ગેસ બંધ કરી દો. ઠરવા દો. બદામ પિસ્તા ની કતરણ થી સજાવટ કરો. દૂધપાક ને એકદમ ઠંડો કે ગરમ પણ પીરસી શકાય. સાથે ગરમ ગરમ પુરી પીરસો .. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.