દૂધીના કોફતા – આ સ્વાદિષ્ટ શાક ને બનાવવામાં પણ એકદમ સરળ છે ..

દૂધીના કોફતા

દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા , મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય.

આજે હું દૂધી ના કોફતા ની રેસિપી લઈને આવી છું. જેને ખાઈ ને ખબર જ નહીં પડે કે દૂધી માંથી બનેલા છે. અને આ શાક બનાવામાં દૂધી નું પ્રમાણ પણ સાદા શાક કરતા વધુ જોઈએ છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને બનવામાં સરળ એવું પંજાબી ગ્રેવી વાળું દૂધી ના કોફતા ચોક્કસ થી ટ્રાય કરો.

સામગ્રી:-

દૂધીના કોફતા માટે ની સામગ્રી

 • 1 મીડિયમ આખી દૂધી,
 • 5-7 ચમચી ચણાનો લોટ,
 • 1 ચમચી લાલ મરચું,
 • ચપટી હિંગ અને હળદર,
 • 1/8 ચમચી ગરમ મસાલો,
 • 1/2 ચમચી આદુ મરચાં ની પેસ્ટ,
 • મીઠું સ્વાદાનુસાર.

દૂધી ના કોફતા બનાવા માટે ની રીત:-

સૌ પ્રથમ તાજી મીડિયમ સાઈઝ ની દૂધી ની છાલ નીકાળી ને છીણી લો. હવે આ છીણ માંથી હાથેથી દબાવી ને પાણી નીકાળી લો. આ પાણી ને આપણે ગ્રેવી માં ઉપયોગ કરીશું એટલે સાઈડ માં મૂકી દો.

હવે એક બાઉલ માં છીણેલી દૂધી , ચણા નો લોટ, મીઠું, લાલ મરચું, હિંગ , હળદર , ગરમ મસાલો અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી ને .. હળવા હાથે બધું મિક્સ કરો.અને નાનાં બોલ્સ બનાવી ને..ગરમ તેલ માં મધ્યમ આંચ પર આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે આ કોફતા તૈયાર છે. ( ગરમાગરમ આ દૂધી ના કોફતા ચા- કોફી જોડે ખૂબ જ સરસ લાગે છે .. તો ક્યારેક ખાલી કોફતા નાસ્તા માં પણ બનાવી શકાય)

ગ્રેવી બનાવા માટે ની સામગ્રી:-

 • 2 ડુંગળી ,
 • 4 ટામેટાં,
 • 5-7 લસણ ની કળી,
 • 1 લીલું મરચું,
 • 1 નાનો કટકો આદુ,
 • 1 ચમચી તેલ.

વઘાર માટે:-

 • 1 ચમચો તેલ,
 • 1 ચમચી જીરું,
 • 1 તજ નો કટકો,
 • 2 લવિંગ,
 • ચપટી હિંગ અને હળદર,
 • સ્વાદાનુસાર મીઠું,
 • 2 ચમચા તાજી મલાઈ,
 • ½ ચમચી કસૂરી મેથી,
 • 1 ચમચી લાલ મરચું,
 • 1/2 ચમચી ધાણાજીરું,
 • 1/8 ચમચી ગરમ મસાલો.

ગ્રેવી બનાવાની રીત:-

સૌ પ્રથમ એક કડાઈ માં એક ચમચી તેલ મુકો. તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં, લસણ ,લીલાં મરચાં અને આદુ ઉમેરી ને 1 -2 મિનિટ તેજ આંચ પર સાંતળી લો. હવે ઠંડુ થાય એટલે મિક્સર બાઉલ માં લઇ ને દૂધી નું પાણી ઉમેરી ને ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરી લો.હવે ફરી થી કડાઈ માં 1 ચમચો તેલ લો. તેમાં જીરું, તજ અને લવિંગ ઉમેરો. એ થાય પછી હિંગ, હળદર અને ઉપર બનાવેલી ટામેટાં ડુંગળી ની પેસ્ટ ઉમેરો. બધું મિક્સ કરો અને ઢાંકણ ઢાંકી ને તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમી આંચ પર થવા દો.

પછી તેમાં મીઠું ,મરચું, મલાઈ , કસૂરી મેથી, ગરમ મસાલો ઉમેરી ને 1 મિનિટ માટે સાંતળો અને પછી 1 નાનો ગ્લાસ ગરમ પાણી ઉમેરો ફરી થી ઢાંકણ ઢાંકી ને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો.હવે ગેસ બંધ કરી દો.
અને જ્યારે સર્વ કરવું હોય ત્યારે ગ્રેવી ગરમ કરીને દૂધી ના કોફતા ઉમેરો અને કોથમીર થી ગાર્નિશ કરી ને તરત જ સર્વ કરો.

આ કોફતા કરી રોટી, પરાઠા, ભાખરી કે ભાત જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચોક્કસ થી બનાવી ને બધા ને ખવડાવો.

નોંધ:-

ગ્રેવી રસા વાળી જ રાખવી કેમકે કોફતા ઉમેરવાથી રસો બધો શોષાય જશે.
કોફતા કોઈ પણ શેપ ના બનાવી શકો. દુધી જોડે કોથમીર ઉમેરી શકાય. બોલ ના બને તો સાદા ભજીયા ની જેમ પણ તેલ માં પાડી શકો.
કોફતા નું મિશ્રણ બનાવો તે પેહલા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો જેથી બધું મિક્સ કર્યા પછી તરત જ કોફતા બનાવી શકાય.. કોફતા નું મિશ્રણ વધુ લાંબો સમય રાખવાથી તેમાં વધુ પાણી છૂટશે.
કોફતા સર્વ કરવાના ટાઈમ પર જ ગ્રેવી માં ઉમેંરો.
કોફતા બનાવામાં ચણા નો લોટ માત્ર બાઇન્ડિંગ જેટલો જ લેવો જેથી કોફતા ખૂબ જ સોફ્ટ બનશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.