ડ્રાય ફ્રૂટ શ્રીખંડ – બપોરે ગરમીમાં ઠંડો ઠંડો શ્રીખંડ મળી જાય તો જમવામાં આનંદ આવી જાય…

તહેવારો ની મોસમ ચાલી છે. તહેવારો અને મીઠાઈ એકબીજા ના પૂરક છે. મીઠાઈ વિનાનો તહેવાર , તહેવાર ના કહેવાય. આજ ના જમાના માં બજાર માં માંગો એ મીઠાઈ હજાર છે , પણ ઘરે બનાવેલ મીઠાઈ ની વાત જ જુદી હોય. એવી જ એક સરળ વાનગી આજે હું લાવી છું , ડ્રાય ફ્રૂટ શ્રીખંડ. ઘરે દહીં માંથી બનાવો , આ ક્રીમી અને સ્વાદિષ્ટ શ્રીખંડ. ઘરના અને મહેમાન બંને આંગળા ચાટશે. આ રીત માં મેં કોઈ પણ જાત નો કલર કે ફ્લેવર ઉમેર્યા નથી.
સામગ્રી ::

• 1 kg ઘર નું તાજું દહીં

• સ્વાદાનુસાર ખાંડ

• 7 થી 8 ઈલાયચી ના દાણા

• એક નાનું જાયફળ

• થોડા કેસર ના તાંતણા

• બદામ, પિસ્તા ની કાતરણ

રીત :

શ્રીખંડ બનાવવા માટે ઘર ના તાજા અને એકદમ મોળા દહીં નો જ ઉપયોગ કરવો. સહેજ પણ ખાટું દહીં શ્રીખંડ ખાટો કરી દેશે. અને દહીં ફૂલ ફેટ વાળા દૂધ માંથી જ જમાવવું. પાતળા કોટન ના કપડાં માં દહીં લો. નીચે કાણાં વાળી જાળી કે ચાયણી રાખવી.. મેં અહીં જૂનો હાથરૂમાલ વાપર્યો છે. બધા છેડા ને સરસ ભેગા કરી દોરી બાંધી પાણી નિતારવા મૂકી દો. 30 થી 40 મિનિટ બાદ આમ જ ચાયણી માં ફ્રીઝ માં બીજી 3 કલાક માટે મુકી દો. પાણી બધું જ નીકળી જશે. અને ફ્રીઝ માં હોવા થી દહીં ખાટું નહીં પડે. ત્યારબાદ આપ જોશો તો દહીં એકદમ ક્રીમી અને જાડું થઈ જશે. ખાંડ ની સાથે મિક્સર માં ઈલાયચી અને જાયફળ ઉમેરી એકદમ ઝીણો ભૂકો કરો. કેસર ના તાંતણા ને 3 મોટી ચમચી હુંફાળા દૂધ માં પલાળી રાખો. મોટા બાઉલ માં આ જાડું દહીં લો. હવે એમાં ક્રશ કરેલ ખાંડ, ઈલાયચી અને જાયફળ નો ભૂકો અને પલાળેલું કેસર ઉમેરો. મેં અહીં કલર કે ફ્લેવર વાપર્યા નથી. આપ ચાહો તો આ સ્ટેજ પર ઉમેરી શકો.
બધું સરસ મિક્સ કરી થોડી વાર ફેટી લો. આમ કરવા થી દહીં એકદમ સ્મૂધ થઈ જશે અને ખાંડ સરસ ઓગળી જશે. પીરસવા ના ટાઈમ સુધી ફ્રીઝ માં જ રાખવો. બદામ પિસ્તા ની કતરણ ઉમેરો અને એકદમ ઠંડો જ પીરસો.. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.