કરિયાવર – નરસિહ મહેતાની જેમ આજના યુગમાં પણ અમુક ઈમાનદાર વ્યક્તિઓની હુંડી સ્વીકારાતી હોય છે… વાંચો અદ્ભુત વાર્તા…

કરિયાવર

“આજે તમે શેઠને રૂપિયાની કાંઈ વાત કરી ?? ”
જમીને ઊભો થઈ હાથ ધોતા અનંતને તરત જ શારદાએ પૂછી લીધું.

એને ખબર જ હતી કે જો કઈ સારા સમાચાર હોત તો અનંત આવીને તરત જ બોલ્યો હોત… પણ છતાંય શારદાથી ન રહેવાયું.

ત્યાં TV માં આવતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં નટુકાકા એ જેઠાલાલને પૂછ્યું , ” શેઠ આપ મેરી પગાર કયો નહિ બઢાતે?? ” જેઠાલાલે તો ખબર નહિ શુ જવાબ આપ્યો પણ, અનંત ને યાદ આવ્યું કે એણે જયારે જયારે પગારની વાત કરી હતી ત્યારે સંજુ શેઠે એક જ જવાબ આપ્યો હતો કે ” તારે ઘરખર્ચ માં ઘટે ત્યારે મને કહેજે. બાકી તારે કોઈ પણ પ્રસંગે કે કઈ નવાજ્રનો ખર્ચ કરવો હોય તો કમ્પનીમાં બિલ મૂકી દેજે. તું ક્યાં પારકો છે ?? ”

સંજુ શેઠની વાતેય ક્યાં ખોટી હતી ? અનંત જ્યારથી એમની ફેકટરી માં નોકરીએ લાગ્યો ત્યારે સામાન્ય મજૂર જ હતો પણ, શેઠે તેનામાં રહેલું હીર પારખીને પહેલા ક્લાર્ક અને પછી મેનેજર બનાવી દીધો હતો. શેઠ પગાર ઓછો જ દેતા પણ, કમ્પનીમાંથી પગાર ઉપરાંત, મકાનનું ભાડું, અનંતની દીકરી અને દીકરાના ભણતરનો બધો જ ખર્ચ શેઠ એને વધારામાં બધું આપી દેતાં. ઘર વખરીમાં પણ, ધીમે ધીમે ફ્રીઝ, TV,… એવી જરૂરિયાતની વસ્તુ લેવા લોનની વાત કરતો ત્યારે સંજુ શેઠ ઉદારતાથી બિલ પાસ કરી નાખતાં એમ કહીને કે , ” તું ક્યાં પારકો છે ? મારા ભાઈ સમાન જ છો. ”

હવે, જે શહેરમાં એને કોઈ ઓળખતું પણ નહોતું એ સમયે ચાર પાંચ નોકરી ફેરવીને થાકેલો ને કંટાળેલો અનંત વખતનો માર્યો આ ફેક્ટરીએ આવ્યો હતો કે જે આપે એ પરંતુ, નોકરી વગર હવે ચાલે એમ નહોતું. અને સામાન્ય પગારે અહીં કામે લાગી જ ગયો. શેઠ પણ ખૂબ સારા હતાં એમણે અનંતની કદર કરી તેની નિષ્ઠા અને કામને લીધે શેઠના દિલમાં એના પ્રત્યે માનભર્યું સ્થાન મેળવ્યું હતું.

સંજુ શેઠ એટલા સારા હતા કે એમણે જ થોડા થોડા રૂપિયા રોકી ને થોડી બેન્ક લોન કરાવીને અનંતને ભાડાના મકાનને બદલે એક ફ્લેટ પણ લેવડાવી દીધો હતો ને એ વાતને હજુ બે વર્ષ ન્હોતા થયા અને ત્યાં પોતાની દીકરી ટીના માટે સારું ઠેકાણું આવતાં સગાઈ કરી નાખી અને હવે લગ્નની પણ તૈયારી કરવાનો વખત આવી ગયો.

જ્યારે હજુ કઈ દીકરીના લગ્નનું નક્કી નહોતું ત્યારે એક વખત પૈસા બાબત ને મોંઘવારી મુદ્દે ચર્ચા થઈ હતી ત્યારે સંજુ શેઠે એકદમ જ કહી નાખ્યું હતું કે વખત આવ્યે બધું થઈ રહેશે.

હવે લગ્નનો સમય આવીને ઊભી ગયો છે અને અનંતે આડકતરી રીતે દાણો દાબ્યો પણ, શેઠે તો … ” કાઈ ચિંતા ન કરીશ. દીકરીનું ટાણું આવ્યે બધું થઈ રહેશે !! ” આટલું બોલી ને પછી કાઈ કર્યું નહોતું અને હમણાં એવો બનાવ બની ગયો કે ફેકટરી માં માલ બનાવવામાં કાઈ માપ સાઈઝમાં શરત ચુક થઈ ગઈ .. હવે જે કંપનીને માલ આપવાનો હતો એમણે એ માલ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી અને આ એવડો મોટો ઓર્ડર હતો કે ઘણા બધા રૂપિયા નું રોકાણ અને ધોવાણ બંને થઇ ગયું.

એક તો અત્યાર સુધીની શેઠ ની રહેમ નજર હેઠળ અનંતની નાની મોટી ઘરવખરીની ખરીદી, છોકરાવના ભણતર નો ખર્ચ અને મકાનનો ખર્ચ … બધું કમ્પની ને લીધે જ થયું હતું અને દીકરીના લગ્નનો પ્રસંગ પણ એમ જ સુપેરે પાર પડી જશે એમ લાગતું હતું ત્યાં તો… કમ્પની અત્યારે ભયંકર નાણાં ભીડમાંથી પસાર થઈ રહી હતી.

અનંત અને શારદાએ દીકરીને કોઈ અણસાર આવવા દીધા વગર જ બધી તૈયારી આરંભી દીધી હતી. હવે શું કરવું ?? શારદા એક સમજદાર અને કરકસરથી ઘર ચલાવતી ગૃહિણી હતી પણ, લગ્નનો બધો ખર્ચ … દીકરીને આપવા કપડાં, દાગીના, વસ્તુઓ બધી કરિયાવર ની અને ભોજન માટે કેટરર્સ, મંડપ, પહેરામણી … મહેમાનની સરભરા, વાડી કે નાતનો હોલ રાખવો … દીકરીના લગ્નની તો કેટકેટલી તૈયારી કરવાની હોય !! આવડા મોટા ખર્ચા ને પહોચીવળાય એટલી બચત તો કરી નહોતી. કોઈ એવા અંગત સગા કે કોઈ મિત્ર પણ એવા ખમતીધર ન્હોતા કે આટલી મોટી રકમ ઉછીની આપે ??

હવે કરવું શું ? શારદાએ પણ એક ઘરરખ્ખું સ્ત્રીની માફક થોડીઘણી બચત કરી રાખી હતી પણ, એનાથી કાઈ પ્રસંગ ન ઉકેલી શકાય !! હવે .. કરવું શું ?? ઘરના મકાનના હપ્તા ય ચાલુ હતાં નહિતર એ ગીરવે મૂકી કોઈ પૈસાનો બંદોબસ્ત કરત !! શારદા ના જીવ ને ક્યાંય નિરાંત નહોતી. આના કરતાં તો પહેલેથી જ પગાર વધારો માંગી લીધો હોત તો !! આજે આપણે એક મોટી રકમ બચાવી શક્યા હોત આમ માથે હાથ મૂકી બેસવાનો વારો ન આવત !! હું તો કહું છું કમ્પનીમાં જે થયું હોય તે પણ આંગણે અવસર આવીને ઉભો છે હવે કરશું શું ??

સાવ સાચી વાત હતી શારદાની !! અત્યાર સુધી તો અનંતને એના કામ પર અને ભગવાન પર પૂરો ભરોસો હતો પણ આજે એનેય એમ થઈ ગયું કે હું કાંઈ નરસિંહ મહેતા તો નથી કે પ્રભુ મારી હૂંડી સ્વીકારી લ્યે !! ને મારી ટીનાનો કરિયાવર, કુંવરબાઈના મામેરાની જેમ ભગવાન આવી ને કરી જાય !!!

કાશ !! તો તો .. હું ય ગા’ત ને.. ” મારી હૂંડી સ્વીકારો મહારાજ રે… શામળા ગિરધારી !! ”
અને અનંતની આંખો મીંચાઈ ગઈ ક્યારે એય ખબર ન રહી અને નિંદ્રાધીન થયો.

હવે, વેવાઈ આવીને લગ્ન સમજી ગયા, બ્રાહ્મણને બોલાવીને બન્ને પક્ષની અનુકૂળતા જોઈ, સારા મુહર્તમાં લગ્નની તારીખ પણ લેવાઈ ગઈ. પણ હવે…

હવે તો લગ્નને આડે થોડા જ દિવસ હતા, ત્યારે શેઠ એક દિવસ કોઈ કામ માટે ઘરે આવ્યા હતા ત્યારે એમણે અનંતને કહ્યું હતું કે હમણાં તારે ફેક્ટરીએ આવવાની જરૂર નથી. આમેય હમણાં તને તો ખબર જ છે આપણે વધુ કઈ નવું કામ પણ થાય એમ નથી. તું તારે નિરાંતે તારો પ્રસંગ ઉકેલ અને ઘરે જ રહેજે. કોઈ કામ હોય તો મને કહેજે. ત્યારે શારદાથી તો બોલ્યા વગર નહોતું રહેવાતું કે..” કરવાની દાનત હોય તો ઘણું કામ છે, ઉપકાર ન કરો તો કાઈ નહિ પણ ઉપાડ કરી ને કે પછી pf ના પણ જો રૂપિયા આપો તો… “પણ, અનંતની સાથે નજર મળતાં જ એ પત્ની પતિની મનોદશા સમજી ને ચૂપ રહી…જતાં જતાં સંજુ શેઠ કહેતા ગયા , ” સૌ સારા વાના કરશે પ્રભુ ! , દીકરી નો પ્રસંગ સારી રીતે ઉકેલજે, ચિંતા ન કરીશ. ”

પણ.. એમ કેમ થાય ?? છતાંય અનંતની આમ તો શહેરમાં શેઠને લીધે સારી છાપ હતી એટલે મોટા ભાગની ખરીદી એમણે બાકી પૈસે જ થઈ ગઈ.

આમને આમ દીકરી ના લગ્નનો દિવસ આવી ગયો. સગાંવહાલાં આવ્યાં, મિત્રો,સંબંધીઓ .. અને સંજુ શેઠ પણ આવ્યા એમના આખા પરિવાર સાથે !!! અને એમણે ટીનાને સોનાનો સેટ ભેટ આપ્યો. વરરાજાને સોનાની ચેન આપી અને ખૂબ સારી પહેરામણી કરી. અનંતની દીકરીના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા અને વાજતે ગાજતે દીકરી ને સાસરે વળાવી.

સગાંવહાલાં પણ ધીમેધીમે વિદાય થયા અને… ઘર તો સુનું થઈ ગયું. દીકરીને પરણાવી ને જગતની ચાલી આવતી પરંપરા મુજબ સાસરે વળાવીને પોતાના ઘરનું અજવાળું મોકલી દીધું હોય એવું અનંતને લાગ્યું. એક તો કાળજાના કટકાને વસમી વિદાય આપી ને ઉપરથી આ બધા ખર્ચનો હિસાબ કરવાનો હતો !!

ક્યાંથી શરૂઆત કરીશું અને કેમ કરીને બિલ ચૂકતે કરીશું !! કઈ સુઝ નહોતી પડતી.!! પણ, શારદાએ અનંતને હિંમત આપતાં કહ્યું, ‘” તમે ચિંતા ન કરો, મેં મારા મામેરાના પૈસા રોકડા જ લીધા છે અને વ્યવહારના જે ચાંદલા પેટે રોકડરકમ આવી છે એ બધું લઈ ને આપણે બન્ને જઈએ અને જેના મોટા મોટા બિલ છે એમને અત્યારે થોડા રૂપિયા આપી દઈએ અને નાના બિલનું કંઈક જોયું જશે !! , આમ મરદ થઈ ને હિમ્મત ન હારી જાવ !! …

….આ તમારા સંજુ શેઠે ટીનાને સોનાનો સેટ આપવાની શી જરૂર હતી ?? એને બદલે રોકડમાં આપણને વ્યવહાર કર્યો હોત તો એ રૂપિયા પણ કામમાં આવત ને !! ખેર હશે ! દીકરી પહેરીને સુખી રહે !! જે થવાનું હતું તે થઈ ગયું. ચાલો આપણે આજે જ, બજારમાં જઈએ જેટલું થાય એટલું ચુકવણું કરીને બોજ હળવો કરીએ”. આમ કહી શારદા પણ અનંતની સાથે ચાલી.

બન્ને પહેલા કેટરર્સ વાળાને ત્યાં આવ્યા.. અનંતને જોઈને એ તો ખુશ ખુશ થઈ ગયો અને પૂછવા લાગ્યો , ” આવો આવો !!ભાઈ !! કેમ બધું બરાબર હતું ને ?? અમારી સર્વિસમાં કોઈ કમી ન્હોતી ને ?? સંજુ શેઠની ખાસ ભલામણ હતી . એટલે મારે તમારા ઓર્ડરમાં બધું સ્પેશિયલ આપવાનું હતું. બધું બરાબર હતું ને ??

હવે અનંત અને શારદા મૂંઝાણા !! સ્પેશિયલ ની સૂચના હતી તો .. તો હવે બિલ પણ… એવું જ સ્પેશિયલ … મતલબ મોટું આવશે ને !! અનંતે અચકાતાં અચકાતાં પૂછ્યું , ” હમણાં થોડી રકમ આપીશ પણ, આમ ટોટલ બિલ કેટલું થાય છે ?? ”

ત્યારે હસીને અનંત અને શારદાના હાથમાં આઇસ્ક્રીમના કપ પકડાવતા કહ્યું, ” કેમ ભાઈ, એવું બોલો છો ?? બિલ ?? બિલ તો બધું તમારે મહેમાન વિદાય થયા પહેલા જ મારો બધો હિસાબ કરાવી સંજુ શેઠે રોકડા જ આપી દીધા છે !!” અનંત તો અવાચક બની સાંભળી રહ્યો અને શારદા પણ, સ્થિર મૂર્તિ જ બની ગઈ.

આવી જ રીતે, મંડપ અને ડેકોરેશન, વાડી વાળાનું ભાડું, અરે, કપડાં વાસણ અને ફર્નિચરનું બિલ તો ઠીક પણ, પાર્લરનું અને ફુલવાળાનું પણ બિલ પૂરેપૂરું સંજુ શેઠે ચૂકવી દીધું હતું. શારદા અને અનંત ભાવવિભોર બની ગયા.

શેઠને દુઆ દેતા ને ભગવાનનો આભાર માનતા તેઓ જ્યારે ઘરે પહોંચ્યા તો શેઠ એમની રાહ જોઇને જ બેઠા હતા. એમને જોઈને અનંત અને શારદા એમના પગમાં પડી ગયા .. એમને ઊભા કરતા સંજુશેઠબોલ્યા, ” ગાંડા , તું તો મારા ભાઈ જેવો છો !!, મેં કહ્યું હતું ને કે બધું થઈ જશે, મેં ટીનાના લગ્ન માટે અલગથી જોગવાઈ કરેલી જ હતી, પણ, આ નસીબજોગે આપણે હેરાન પરેશાન થવાનું હશે કે આપણી ફેક્ટરીને એક ફટકો પડયો ! પણ, અનંત, હું કહેતો હતો ને.. કે સમય આવશે ત્યારે થઈ રહેશે !! દીકરીના નસીબનું ભગવાન પહેલાથી જ તૈયાર રાખે છે !

ભગવાન જ્યારે દીકરાને આ પૃથ્વી પર મોકલે ત્યારે એમ કહે છે, ” જા અને મોટો થઈ તારા બાપને મદદ કરજે !! ” પણ, દીકરીને પૃથ્વી પર મોકલે ત્યારે કહે છે,
” જા બેટા, તું મોટી થઇશ ને ત્યારે હું તારા બાપને મદદ કરીશ !!”

જો તું પ્રસંગમાં રોકાયેલો હતો ને એટલે તને ડિસ્ટર્બ ન કર્યો પણ ટીનાને નસીબે આપણો રિજેક્ટેડ માલ, જેના માપમાં ફેરફાર હતો , એ જ માલ, બીજી કમ્પનીની એ જ માપની ડિમાન્ડ હતી અને એમણે તાત્કાલિક જ રોકડા રૂપિયા ગણી ને આપ્યા અને આપણી ફેકટરી ફરીથી ધમધમતી થઈ ગઈ , બોલ ! “..
અનંત શુ બોલે ?? એની નજર તો ભગવાન પર જ હતી… સંજુ શેઠના રૂપમાં ભગવાન મારી હૂંડી સ્વીકારી ગયો. અને કુંવરબાઈના મામેરાની જેમ મારી ટીનાનો કરિયાવર થઈ ગયો..વાહ રે કુદરત !! એની લીલા અપરંપાર છે !!

લેખક : દક્ષા રમેશ

વાહ જેટલા પણ શબ્દો આ શેઠના વખાણમાં કહીએ એટલા ઓછા છે, વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો…

દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી