તમારા બાળકોને લાડ ખૂબ લડાવો, પણ ભૂખલાડ નહી, વાંચો આ સત્યઘટ્ના આધારિત વાર્તા, બધુ આપોઆપ સમજાઇ જશે..

“ભૂખ ચાગલાઈ”

“ઘર…રરર..ઘર..”  એવો અવાજ સંભળાયો !! દરરોજના ક્રમ પ્રમાણે સવારે હું હીંચકે બેસીને કંઈક લખતી હતી.

ત્યાં અમારા આંગણામાં ઓટોરિક્ષા આવીને ઊભી રહી. હું જોવા લાગી કે… કોઈ  મહેમાન આવે છે કે શું ??

…રિક્ષાની અંદરથી કોઈ મે’માન ઉતર્યું નહીં પણ, રિક્ષાવાળો અમારા ઘરે તેલનાડબ્બા અને ચોખાની ગુણી મૂકવા આવ્યો હતો. રમેશનેગઈકાલે મેં વાત કરી હતી તે મુજબ એમણે અમારા પ્રોવિઝન સ્ટોરના વેપારીને તેલ અને ચોખાનું કહી આવ્યાં હશે અત્યારે આ રિક્ષાવાળો તે મૂકવા આવ્યો લાગે છે !! રિક્ષાવાળો અમારો પરિચિત હતો. તેથી હું ઊભી ન થઈ તેને કહ્યું કે આ બધું ડ્રોઇંગરૂમના પેલા ખુણામાં રાખી દે.

તે બધું મૂકીને મારી સામે આવીને ઊભો રહ્યો. મેં પૂછ્યું, ” તને કેટલા રૂપિયા  આપવાના છે ?”

એણે જવાબ આપતા કહ્યું, ” મને ભાડાના પૈસા તો સાહેબે કાલે જ આપી દીધા હતા.”

“હમ્મ…!” બોલી , મેં  મારા કામમાં મન પરોવ્યું. તે ત્યાં જ ઊભો રહ્યો. તેના સામે મેં પ્રશ્નસૂચક નજરે જોયું. મારી સામે જોઈ અચકાતાં-અચકાતાં બોલ્યો… ” તમે  લખો છો ને ??’

” હમ્મ.. !!”બોલી મેં એને ટાળવાનો પ્રયત્ન કર્યો. પણ, તેણે ફરીથી પૂછ્યું,” તમે વાર્તા લખો છો ને ??”

મેં  હસીને પૂછ્યું, ” હા, તો તેનું શું છે ??” એ કહેવા લાગ્યો, “મેડમ, મારી વાર્તા લખશો ??”

હવે, મેં મારા કામમાંથી મારું ધ્યાન હટાવીને તેના તરફ જોયું… લઘરવઘર કપડાં, વિખરાયેલા વાળ, એથી વધારે વિખાઈને, હેરાન પરેશાન થયેલો હોય તેવો ચહેરો… !!”

તે મારી રજા માંગતો હોય તેમ મારી સામે જોઈ રહ્યો… બાજુમાં રહેલી ખુરશી તેના તરફ ધકેલતાં કહ્યું, ” બેસ અને તું શું કહેવા માગે છે, તે બરાબર વાત કર !!”

એ બેઠો અને કહેવા લાગ્યો, “માસી !!, આજે હું તમને મારી પોતાની જ વાર્તા કહું છું !! હું જે કઈ કહું ..  તે આજના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો???”

” હું વિચારમાં હતી, મને થયું કે, પોતે રિક્ષા ચલાવે છે, એને વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત સાથે શું લેવાદેવા ???”

“તમે મને કઈ પૂછો તે પહેલાં જ તે બોલ્યો તેની આખી વાત તેના જ શબ્દોમાં રજુ કરું છું”

અમે જેતપુરના, દાદા પોતાના સમયના પ્રતિષ્ઠિત મિલમાલિક, પપ્પા અને કાકા બે ભાઇ, તેઓ પણ ધંધામાં જોડાઈ, એમને ખૂબ પ્રગતિ કરી. એમની દુનિયામાં, ઘણા વર્ષે, એક બાળકનું, એટલે કે મારુ આગમન થયું, “સાત ખોટનો” -હું ! એટલે એમની દુનિયા બદલાઈ ગઈ ! હું દાદા-દાદી, મમ્મી-પપ્પા, કાકા ફોઈ, બધાના પ્રેમનો હું એક જ હક્કદાર !! એમણે મારુ લાલનપાલન દોમદોમ સાહ્યબીથી કરવાનું શરૂ કર્યું.

અતિશય લાડકોડથી મારો ઉછેર થયો. મને જેટલી સુખ સગવડ મળતી તે કદાચ કોઈ રાજા રજવાડાનાકુંવરને નહીં હોય !! નોકર ચાકર !

બ્રાન્ડેડ કપડા અને બધી વસ્તુ પણ એવી જ !! બધી જ સગવડતાવાળો મારો રૂમ, જે જોઈએ એ અને જે માંગુ એ હાજર !!

મારા માટે સ્પેશ્યલ ગાડી !!

મને ભણાવવા માટે કોન્વેન્ટ સ્કૂલમાં મૂકવામાં આવ્યો અને સ્કૂલે પણ ખાસ સૂચના કે મને કોઈ જાતની જરા પણ અગવડ ન પડવી જોઈએ !!

મારા ઘરના બધાને મને ભણાવવાના ખૂબ મોટા કોડ સેવ્યા હતાં.  એક તો મારો ખાસ લાડકોડથી ઉછેર અને બીજું ભણવા  માટે મારી ખાસમખાસ કાળજી લેવાતી !!પાણી માગુ કે દૂધ હાજર કરતા !!

“ખોટી ચાગલાઈ કરાવીને મને ખોટે રસ્તે ચડાવ્યો !!”

તે બધાની આ ખાસ કાળજીનો,  મે ક્યારે ગેરલાભ લેવા માંડ્યો, તેની કોઈને ખબર ન રહી !! ઉત્તમ પ્રકારની સ્કૂલ અને શ્રેષ્ઠ શિક્ષકોના ટ્યુશન !! પણ, આપણે બંદાને એ બધું નકામું લાગતુ !! આપણે ક્યાં ભણીને નોકરો કરવો છે ?? મગજમાં રાઈ ભરેલી હતી.

મારી પરીક્ષા હોય તે વખતે ઘરમાં તો કોઈ અવાજ ન કરે, tv પણ  ન જુવે અને શેરીમાંથી પણ જો ક્યાંયથી અવાજ સંભળાય તો  રેંકડીવાળા, પસ્તીવાળા, ભીખારીને ઊભા રાખીને અમારા ઘરના તેમની ધૂળ કાઢી નાખતા. મારા વાંચવામાં ખલેલ પહોંચાડી ને તેમને જાણે કે કોઇ ગંભીર ગુનો કર્યો હોય !!

અતિશય લાડ કરી મને “ફટવી માર્યો !!”

ભણવામાં તો પહેલેથી જ મન લાગતું ન હતું ! એમ જ હતું કે મારે મોટા થઈને અમારા જમાવેલા ધંધામાં જ બેસવાનું છે !!

પછી, આ પ્રશ્નના જવાબ, ટૂંકનોંધ, નિબંધ, કવિતા, દાખલા,.પ્રમેય,…. અરેરે માથાનો દુખાવો !!  મારે આ મગજમારી શું કામ કરવી ???

પણ, વડીલોની ઈચ્છા કે મારે ભાણીને ખાસ કરિયર બનાવવી !!  પછી ભલેને ધંધો સંભાળતો !!

પણ, અતિ સગવડતા આપી મને,

એ જ મારી મોતાં મોટી અગવડ બની !!

સમય સરતો રહ્યો….

દાદા-દાદી પ્રભુનેપ્યારા થઈ ગયા. તેના પહેલા કાકાના લગ્ન થઈ ગયા. બન્ને ભાઈ ના અલગ ધંધા, અલગ મકાન, ફોઈ પણ સાસરે ગયા !!

મેં માંડમાંડ, દસમુ અને બારમું પાસ કર્યા !! બારમા ધોરણમાં મને કંઈ ખાસ સારા માર્કસ ન આવ્યા.પણ, મારા પપ્પાએ હિંમત ન હારી !! એમણે તગડું ડોનેશન આપી મારા માટે એન્જિનિયરિંગની સીટ રીતસર ખરીદી લીધી !!

“સોનાની કટારી જેવો હું..

ભેટમાં રાખવા ને

બદલે..

પેટમાં ખોંસી !!”

મને ભણવું જરાય ગમતું નહોતું અને હોસ્ટેલમાં જમવાનુ જરાય  સારુ નથી, એમ કહીને ઘરે આવતો રહ્યો !!

મારા પપ્પાએ શહેરમાં મારા માટે એક ફ્લેટ લીધો, રસોયો રાખ્યો,  કામવાળી રાખી દીધી, અને મને ભણાવવા માટે જે પણ કરું પડે તે બધું જ કરી છૂટતાં …..અને

હું ???

એન્જીનીયરીંગના એક પણ લેક્ચરમાં ક્યાંય મારી ચાંચ ડૂબતી નહીં.

હું એ બધા પ્રોફેસરોને તુચ્છ સમજતો !! અને બધાની સામે તારો વટ્ટ બતાવતો કે આ પ્રોફેસરના પગાર કરતાં ડબલ તો મારો ખિસ્સાખર્ચ છે !!

મારી આજુબાજુ મારા જેવા દોસ્તોઘેરાયેલા રહેતા. કેમકે તેમને મારા બાપના પૈસે હું મજા કરાવતો.

એક્ઝામમાં  પાસ ન થતા, અને ગેરવર્તનના કારણે, મને ઠપકો મળતો રહેતો !!

પણ મારા પપ્પાની લાગવગ અને પૈસાનાજોરે મને કોઈ કૉલેજમાંથી કાઢી મૂકવાની હિંમત કરતા નહીં !!

ધીમે-ધીમે યાર દોસ્તો ઓછા થતાં ગયાં અને હવે, ભણાવવામાં કાંઈ નહીં વળે !!

એવું સમજાતા મારા પપ્પાએ મને પોતાના ધંધામાં પલટવા માટે ઘરે પાછો બોલાવી લીધો !!

પણ, આપણે રામ, આળસુના પીર !!બિઝનેસ સંભાળવા પણ, જે મહેનત કરવી પડે, તેવી કોઈ મહેનત કરવા ટેવાયેલા નહીં.

મારા લક્ષણ જોઈ મારા પપ્પા સમજી ગયા કે આ હવે આમાં પણ ચાલે તેમ નથી. કેમકે, બેઠાબેઠ બાપની જ કમાણી ખાઇ ખાઈને હરામનાહાડકાનાં થઈ ગયા હતા.

મારી ચિંતામાં ને ચિંતામાં મારા પપ્પાનેપેરેલીસીસનોએટેક આવ્યો !!  એ પથારીવશ થઈ ગયા !

ધંધાની બધી જ જવાબદારી એકાએક મારા પર આવી !! મગજને કોઈ દી સારા કામ માટે વાપર્યું હોય તો કંઈ ખબર પડે ને ? ધંધામાં અત્યારે મંદી અને વળી,બજારમાં ટકી રહેવા માટે સ્પર્ધા,હરીફાઈ અને કાપાકાપી તો હોય જ, તેમાં હું નવાણિયોકૂટાઈ ગયો !!!

અમારા બાપદાદાના વર્ષોથી જામેલા ધંધાને અસ્તવ્યસ્ત કરી નાખ્યો ! મારે લીધે બધું ચોપટ થઈ ગયું !

વેરવિખેર થઈ ગયું !!!

જે કાંઈ હતું તે વેચાઇ ગયું! જેમતેમ, એ ખોટ પૂરી કરવા, મોટા શહેરમાં ગયા, નવેસરથી કંઈ કરવા !! પણ તેમાં ય હું પાછો પડ્યો !!

બધા જ રૂપિયા ધોવાતા ગયાં !!

કંઈ જ ન કહ્યું  !!

હવે શું કરવું ???

અત્યાર સુધી બધે મોટો “ભા” થઈને ફરતો હતો !! હવે કેમ જીવવું ???

પણ મા બાપ નજર સામે આવતાં, હું જિંદગીથી હારેલો, આપઘાત કરવાના વિચાર કરતો પણ, કરી શકતો નહોતો !!

શું કરું ?? ક્યાં જાવ ?? કોને કહું કે મને પૈસા આપે ??

અને હું કંઇ નવો ધંધો ફરી કરું ??

મારામાં કોઈ આવડત જ નહીં !! બધા મને ઓળખી ગયાં હતાં. સગાવહાલાના ઘર મારા માટે બંધ થઈ ગયા !!

બધેથી મને જાકારો જ મળે !!

બધા મારાથી દુર થઈ ગયા હતાં.

પછી, પોતાના સમયમાં નોકરાણી અને કામવાળી ની ફોજ રાખનાર મારી માં, કોઈને ત્યાં ઘરનું કામ, કરવા, પોતે કામવાળી બનવા તૈયાર થઈ !! મારી જાણ બાર !!

જેથી અમે બે ટંક નું ખાવા પામી !!

અચાનક,એક દિવસ, મેં મારી માં ને કોઈને ત્યાં, ઝાડુ પોતા કરતી જોઈ !! અને મને મારી જાત પર ખૂબ જ ગુસ્સો આવ્યો !! હું માં ને ભેટીને રડી પડ્યો ને ઘરે લાવ્યો એના પગ પકડીને ખૂબ રડ્યો અને એને મેં વચન આપ્યું કે ગમે તે મહેનત મજૂરી કરીશ પણ, યુવાન દીકરો જીવતો હોય અને આ ઉંમરે મારી માં આવા કામ કરે !!

હરામ છે મારું જીવવું !

ફીટ્ટકાર  છે મારી આ જિંદગી !!

અને,… મારો આત્મા કકળીઉઠ્યો !!

મેં હિમ્મત કરીને, કોઈ ટ્રસ્ટમાં, મારા દાદાએ ઘણા રૂપિયા દાનમાં આપેલા, એ કોઈ ગરીબ બેરોજગાર લોકોને મદદ કરતી એક સંસ્થા હતી. અને તે જરૂરિયાતવાળાને રોજીરોટી મેળવવા મદદ આપતા હતા.દુઃખીહ્રદયે અને ભારે પગે.. હું ત્યાં ગયો.  એક ઓટો રીક્ષા મેળવી. આ રિક્ષાના ફેરા કરી,મારા ઘરનું ગાડું ગબડાવવું છું.

પેટ્રોલના ભાવ અને આ કારમી મોંઘવારીમા, બે છેડા ભેગા કરતાં નાકે દમ આવી જાય છે !! મારા પર, મારા ઘરડાંમાવતરની જવાબદારી ન હોત તો ક્યારનોય હું આપઘાત કરી લેત !!

પરંતુ,  સરેઆમ નિષ્ફળ ગયેલ હું, મારા માવતર માટે જીવી રહ્યો છું !!

રોજ સવારે ઊઠું છું  ને એક જ વાત ખટકે છે !! બધી જ સુખ, બધું જ સગવડ, બધું જ…., હોવા છતાં હું ભણી ન શક્યો !!!

ભણ્યો તો નહીં, પણ એકેય જાતની, આવડત હાંસિલ ન કરી,

કે જેનાથી મારા હાથપગ હલાવી , હું કાંઈક સ્થિર ઇન્કમ મેળવી શકું !!

મારા માટે બધા સંજોગો અનુકૂળ હતા. છતાં, મેં કંઈ કર્યું નહીં !!

હવે ખુબ અફસોસ થાય છે !!

મને માથે ચડાવીને અતિ લાડકોડકર્યા..મને,

“ભૂખ ચાઈગ્લોકર્યો !

ને, મેં …

ભૂખ ભેગા કર્યા !!”

વીતેલો સમય પાછો આવતો નથી!

મને થાય છે કે કે મને ભણવાનો ચાન્સ મળે …હું એન્જીનીયર બનું !!

કોઈ સારી કંપનીમાં નોકરી કરું !!

પણ હવે શું ???

“અબ પછતાએ ક્યાં જબ ચિડિયા ચુગ ગઈ ખેત ??”

બસ મનમાં એક જ લાગણી છે કે મારી વાત સાંભળીને અત્યારનો કોઈ એક વિદ્યાર્થી પણ જો સમજે !!!

વિદ્યાર્થીમિત્રો, ભણવાનો સમય છે, તે ફરી પાછો આવતો નથી. પણ ખૂબ ભણો ! મન લગાવીનેભણો !

ઉજ્જવળ ભવિષ્ય બનાવો !

તમારા માતા-પિતા, તમારા માટે કેટકેટલી સાનુકૂળતા ઊભી કરે છે !!

તમારા અરમાનો પૂરા કરવા માટે તે પોતાની કેટલીય ઇચ્છાઓ ના ગળાઘોંટી નાખે છે !! તેમના સપનાઓ પુરા કરવા, કમર કસો !! તમારી જિંદગી બનાવો !! તમારા માવતરની આંતરડી ઠરશે !!

બસ,મહેનત કરો !! સફળતા જખ મારીને તમારી પાછળ આવશે !!

સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી !!

બેસ્ટ ઓફ લક !!””

એણે એની વાત પૂરી કરી !! અને મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં !!

મેં એને પાણી પાયું, આશ્વાસન આપ્યું !!

એણે  કહ્યું, ” મેડમ, મારી આ વાતથી, જો કોઈ એકપણ, વિદ્યાર્થીનાજીવનમાંથી, ખોટી આળસ,  દૂર થાય તો, મારું આ નકામુ જીવન પણ, કોઈ એક માટે કંઈક, કામ આવ્યું એમ માનીશ !!

એમ કહી એ પોતાની રીક્ષા લઈ જતો રહ્યો !!

“ઘર..ર..રરરરર !!” અવાજ શમી જતાં, હું  શૂન્યમનસ્ક થઇ જોઈ રહી…!

લેખક : દક્ષારમેશ “લાગણી”

રોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર

ટીપ્પણી