સ્મૃતિ – અહીનું કરેલું અહી જ ભોગવવું પડે છે નથી માનતા તો વાંચો આ વાર્તા…

સ્મૃતિ

પ્રમોદરાય હિંચકાને ઠેંસ લગાવે જતા હતાં. છેલ્લા કેટલાક વર્ષોથી એમનો આ નિત્યક્રમ બની ગયો હતો, બપોર નમે એટલે હિંચકે ગોઠવાઈ જવાનો. ઠેંસની સાથે સાથે હીંચકો કીચૂડ….કીચૂડ કર્યે જતો હતો. પ્રમોદરાયને હીંચકાનું બધું જ પ્રિય હતું. પણ આ કીચૂડાટ બહુ કડવો લાગતો. પ્રમોદરાયનું મોઢું કટાણું થઇ ગયું. પણ એમણે સહન કર્યે રાખ્યું. તેલ ઉંઝવાથી હીંચકો શાંત થશે, મન નહિ એમ વિચારી ચોમેર આંગણામાં દૃષ્ટિ દોડાવી.

મોટું આંગણું, જેમ તેમ વધી ગયેલી લોન, આસોપાલવ અને નીલગીરીના સૂકા પાન અપૂરતી સંભાળની ચાડી ખાતા હતાં. એ કમ્પાઉન્ડમાં ઊભેલો બેઠા ઘાટનો નાનકડો બંગલો. ઠેર ઠેર ઉખડેલા કલર સાથે જવાનીમાં જાજરમાન હશે એવું જાહેર કરતો હતો. હીંચકાની કીચૂડાટ સાથે, પગની એક એક ઠેંસ સાથે બધી જ સ્મૃતિઓ સળવળીને બેઠી થઇ.“એય, સાંભળો છે? આપણો નાનકડો બંગલો હોય એવું મારું સપનું છે. હું જાણું છું આપણી પાસે પૂરતા પૈસા નથી.” કમલા એ કહ્યું.

પરણ્યાને દોઢ વર્ષ થયું હતું. કમલા દેખાવડી લાગે. લાંબી પાતળી નહી, પણ શરીરમાં થોડી ભરેલી ને કદ નાનું પણ નેણ-નાક તીખાં. હસમુખી પણ એવીજ. બિનજરૂરી માંગણી ક્યારેય એણે કરી નહોતી. હું કમલા સાથે ખૂબ ખુશ હતો. આજે એની વાત સાંભળીને મને થોડી નવાઈ લાગી.

“તું જાણે છે છતાં સપનું સેવે છે? વળી, થોડાજ સમયમાં બેમાંથી ત્રણ થઈશું, ખર્ચ તો વધવાનોજ ને, ઘટવાનો તો છે જ નહિ.”

“સપનું જોશો તો સાકાર થશે, જુઓ, તમે મને મળીજ ગાયને?’ કમલાએ તે દિવસે મજાક કરી કે ગંભીરતાથી કહ્યું મને સમજ ન પડી, પણ એના નિર્દોષ હાસ્ય અને આંખોમાં ચળકતો વિશ્વાસ જોઇને મને એની વાત પર શ્રદ્ધા બેસી ગઈ. તે દિવસથી કમલાએ મને સપનાં જોતા શીખવ્યું.લગભગ દોઢેક વર્ષ પછી આ ઘર જોતા વેંત જ ગમી ગયું અને ખરીદી લેવાનો નિર્ધાર કર્યો. નિર્ણયની ઘડીએ મારી આંખોમાં એજ પ્રશ્નાર્થ અને કમલાની આંખોમાં એજ વિશ્વાસ હતાં. પંદર દિવસમાં જ બાપુજીએ ફિક્સમાં મારા નામે મૂકેલા નાણાં છૂટા થયા અને બાકીની બેંક લોનથી અમે ઘર ખરીદ્યું, નામ આપ્યું ‘શમણું.’ તે વખતે કમાલને છઠ્ઠો મહિનો ચાલતો હતો.

દિલીપની નાની નાની પગલીઓથી ઘર ગાજી ઊઠ્યું. સવારે પ્રમોદરાય શાળાએ જતા ત્યારે સાંજ ક્યારે પડે એની ઉત્સુકતાથી રાહ જોતા હેડમાસ્તર ખરા, એટલે વહીવટી કામ નિપટાવતા સાંજ જરૂર પડતી. ઘેર આવતા જ તે દિલીપ અને કમલામાં ખોવાઈ જતા. પૃથ્વી પર સ્વર્ગ સર્જાઈ જતું. દિલીપના આવ્યા પછી પણ પતિ પત્નીના પ્રેમનું વિભાજન થયું નહતું, બંને વચ્ચેનું અનુકૂલન અને સમજણ એટલીજ હતી. બલકે વધતી હતી. આ ઘર એમને ફળ્યું હતું.

“કમલા, આપણે હવે બીજું સંતાન નથી જોઈતું. આપણો દિલીપ જ આપણું સર્વસ્વ છે.”

“જેવી તમારી મરજી. મારું તો કહેવું છે કે બે હોય તો એકબીજાને ટેકો રહે.”

પણ પ્રમોદારાયે દીલીપથી જ સંતોષ માન્યો. ખૂબ વ્હાલ, ખૂબ હેત અને લાડકોડની વચ્ચે દિલીપનું શિક્ષણ પૂરું થયું. પ્રમોદરાયે તેનું ભવિષ્ય બનાવવામાં લોહી રેડી દીધું. કમલાએ પૂરેપૂરો ટેકો આપ્યો. સૂટ – બૂટ ને ટાઈમાં હાથમાં એન્જીનિયરની ડીગ્રી લઈને ઉભેલા દિલીપને જોઇને બંનેનો હરખ સમાતો ન હતો. કમલાએ શીખવ્યું, સપનાં જોવાનું, જે આજે સાકાર થયું હતું. પ્રમોદરાયની આંખમાં હર્ષના આંસુ છલકી ગયા.

પ્રમોદરાયની મહેનત ખરે જ ફળી હતી. અભ્યાસ ઉપરાંત જે આવડતો શીખવી હતી, તેના કારણે દિલીપને ખૂબજ સારી નોકરી મળી ગઈ. એની આવડત પર વ્યવસ્થાપકો ખૂબ ખુશ હતાં. દિલીપ પણ મહેનત કરવામાં કે વિનમ્રતા દાખવવામાં કાંઈ બાકી રાખતો નહી. એક વર્ષમાં તો તે કંપનીનો જનરલ મેનેજર બની ગયો. પ્રમોદરાય અને કમલાનું વધુ એક સપનું સાકાર થયું.હવે તો ઘરમાં થોડો પૈસો પણ દેખાવા લાગ્યો હતો. કુદરતના ક્રમ મુજબ દિલીપ હવે પરણવા લાયક થયો હતો. કમાલને હજુ બહુ ઉતાવળ નહોતી, કારણકે હજુ નવી નવી નોકરીમાં દીકરો એકદમ વ્યવસ્થિત ગોઠવાઈ જાય પછી નવી વ્યક્તિનો ઉમેરો થાય તેવું તે ઈચ્છતી હતી.

“કમલા, તને નથી લાગતું કે દિલીપ આપણી ધારણા કરતાં વધુ કમાવે છે?”

“અરે એનું ઘડતર ક્યા હાથે થયું છે? આદર્શની પ્રતિકૃતિ આને આવડતની આકૃતિ એવા પ્રમોદરાય જોષીના હાથે, પછી તો આટલું હોય જ ને?” કમલા આજે કવિતાની ભાષા બોલતી હતી. બંને એ હસીને વાત ઉડાડીતો મૂકી પણ એ વિચાર મનમાં ખંજવાળ પેદા કરી ગયો.

દિલીપ હવે દસ દિવસે ક્યારેક પંદર દિવસે રૂપિયાની થોકડીઓ લાવવા માંડ્યો. પૂછવાથી ઉત્તર મળતો નહિ, બંને ને સમજાઈ ગયું કે કંઇક ખોટુંતો થાય જ છે. એ પણ સમજાઈ ગયું હતું કે દિલીપને પૂછવાથી સત્ય નહિ મળે. સમજુ પતિ પત્નીએ દિલીપના લગ્ન કરી દીધાં. દીપ્તિ સંસ્કારી અને ડાહી હતી.પણ પ્રમોદરાય અને કમલાના સમજણના બધા પાસા ઊંધા પડતા હતાં. પ્રમોદરાયની ગામમાં શાખ ખૂબ સારી અને માન પણ એટલું જ. એમણે પોતાની રીતે તપાસ કરતાં સત્ય લાઘ્યું કે “તમે દેવ જેવા માણસ, તમારું બૈરું તો સવારના ઊઠીને વંદન કરવા લાયક પણ આ કપાતર ખબર નહી તમારા ક્યા માઠા કર્મોનું ફળ છે! નાની મોટી દરેક બાબતમાં લાંચ લેવી, ખેદ રાખીને પાટિયા કાઢવા – એમ કહો કે બીજાનું કેમ બગડે એજ એનું લક્ષ્ય.” સાંભળીને પ્રમોદરાય સ્તબ્ધ થઇ ગયા. અંદાજ તો હતો પણ આટલું બધું વકરી ગયું હશે એની કલ્પના જ નહી, કમલાને વાત કરીને દિલીપને સમજાવવાની કોશીશ કરી જોઈ, તે’દિથી તે અલગ રહેવા ચાલ્યો ગયો.

કિલ્લોલતો બાગ વેરણ, ઉજ્જડ બની ગયો. ઘરમાં સોપો પડી ગયો. ત્રણ ચાર દિવસ સુધી તો કોઈ જમ્યું પણ નહી. પ્રમોદરાયે ભારે જહેમત સાથે જીવન રાબેતા મુજબ કરવાની કોશિશ કરવા માંડી. પણ ખોડિયામાં જીવ નહોતા, ચહેરા પર સ્મિત નહોતા, કમલા આ આંચકો સહન ન કરી શકી. જતાં જતાં કહેતી ગઈ. “સપનું જોજો, એક ‘દિ આપણો દીકરો પાછો ફરશે.” ઉત્તરક્રિયામાં દિલીપ ન આવ્યો.

પ્રમોદરાય એકલાં પડ્યા. નરી એકલતામાં એમણે એમનું મન ઈશ્વર ભક્તિમાં વાળ્યું, સમાજનું જે થઇ શકે તે કામ કરવા માંડ્યું. કમલાની યાદો હંમેશ સ્મરણમાં જ રહેતી. દિલીપના સમાચાર ઊડતા ઊડતા મળી જતા.“દિલીપને આજે સ્ટર્લિગ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.” મિત્ર દિનકરરાય, પ્રમોદરાયના ખાસ મિત્ર હતાં. એના જીવનની દરેક ઘટનાના સાક્ષી – એમણે સમાચાર આપ્યા.

“હશે ભાઈ, શરીર છે, સાજાઈ માંદાઈ તો આવ્યા કરે.”

“ના, વાત વધુ સિરિયસ છે, દિલીપને કેન્સર છે.” તારે મળવા જવું જોઈએ.

પ્રમોદરાયની આંખોમાંથી બે અશ્રુબિંદુ ખરી પડ્યા. એ એજ દિવસે હોસ્પિટલ પહોંચ્યા. પુત્રવધૂ દીપ્તિ નતમસ્તક બેઠી હતી, પ્રમોદરાયને જોતા જ બોર બોર જેવડાં આંસુ સારી પડ્યા.

“પપ્પા, કેન્સર છેલ્લા સ્ટેજમાં છે, ક્યારના તમને જ યાદ કરે છે.”

પ્રમોદરાય રૂમમાં ધસી ગયા. વર્ષોપછી દીકરાનું મોઢું જોયું પણ આ એજ દીકરો છે? ના…ના… આ મારો દીકરો નથી. પથારીમાં શોધવું પડે એવું કૃશકાય શરીર. કાળીમેશ થઇ ગયેલી ચામડી, ઊંડી ઉતરી ગયેલી આંખો, દરવાજા તરફ જ તકાયેલી હતી. પ્રમોદરાયને જોતા જ એ આંખમાં જાન આવી. વાચા તો હતી જ નહિ પણ આંખ ઘણું ઘણું બોલાતી હતી. એને હાથ જોડવા પ્રયત્ન કર્યો પણ અશક્ત હાથ પડી ગયા. આંખમાંથી દળ દળ આંસુની ધારા વહી રહી. પ્રમોદરાયે ખૂબ જ વાત્સલ્યથી મસ્તકે હાથ ફેરવતા કહ્યું. “બેટા, તારી મૂંગી ભાષાતો તું બોલતા શીખ્યો એ પહેલાથી જ ઉકેલતો આવ્યો છું. તારી માં એ કહ્યું હતું, આપણો દીકરો જરૂર પાછો આવશે. તને પ્રાયશ્ચિત થાય છે તે ખૂબ સારી વાત છે. આજે તારી માના આત્માને શાંતિ મળી, ને મને પણ ચેન મળ્યું, નહીતર પિતાનો ભાવ એળે જાત મારા દીકરા, જરાય ચિંતા ન કરજે તું જલ્દી સારો થઇ જઈશ.” પણ દિલીપે આત્મસંતોષ અને પ્રાયશ્ચિતના આંસુ સાથે વિદાય લીધી. દીપ્તિનાં અવાજથી પ્રમોદરાયની વિચાર ધારા તૂટી.

“પપ્પાજી, સંભાળો છો? મને મારી કંપનીમાં જનરલ મેનેજરની પોસ્ટ પર બળતી મળી અને તે પણ નિષ્ઠાવાન અને પ્રામાણિક કર્મચારી તરીકે….”

લેખક :ડૉ. પલ્લવી શાહ (પલક)

દરરોજ અલગ અલગ વિષયની નવી નવીવાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી