શુ વિચારો છો ફ્રેન્ડઝ ??? જમાનો બગડી ગયો છે કે ???આ ફેસબુક વાપરી ને કે ???

શુચિનામ શ્રીમતામ ગેહે…
યોગભ્રષ્ટ અભિજાયતે….

ફેસબુક બોલે છે ને કહે છે કે ભારતીય સંસ્કૃતિ નો, કૃતજ્ઞતા નો વારસો હજુ જીવંત છે..

આજે એક fb ફ્રેન્ડ પણ …માત્ર નામ થી જ પરિચિત ..એવા યુવાન વિશાલ નો msg આવ્યો…

“દક્ષાબેન , આપ જલસા કરો માં લખો છો તો હું તમને એક વાત share કરવા માગું છું.””..

આગળના બે અનુભવ પરથી એમ લાગ્યું કે આ કઈ ખોટું નથી ,કોઈ વાત જાણવા મળશે..બીજે દિવસે મે ફોન કર્યો ને …જે વાત જાણવા મળી…

અત્યાર સુધી એમ જ સાંભળવા મળ્યું કે…દુનિયા બગડી ગઈ…સ્વાર્થ ના સગા …પણ આ નવું મળ્યું અને એ મને તો ફેસબુક થી જ , અને એ પણ આ ત્રીજી પેઢી વાત કરે છે ….યુવાન નામે વિશાલ વાત પણ એવી જ, વિશાળ.. …સાંભળો ત્યારે…એના જ શબ્દો…

” મારા દાદા , મિલિટરી માં નોકરી કરતા , એ વખતે ચીન સાથે ની લડાઈ માં ભારત ને સખત નુકસાન થયું હતું અને ઘણા બધા ને વહેલા રિટાયર્ડ કરી દીધા ને એમાં મારા દાદા પણ હતા અને ગ્રેચ્યુઇટી કે ફંડ પણ એવું ખાસ ન મળ્યું…કમાનાર દાદા એક જ ને ખાવાવાળા ઘણા..દાદી ને ચાર દીકરીઓ ને એક દીકરો , મારા પપ્પા ને એ સૌથી નાના ..લગભગ આઠેક વર્ષ ના…પારાવાર મુશ્કેલીઓ…

જ્યારે દાદા નોકરી કરતા ત્યારે એમને લગભગ આખું ભારત ફરી લીધુતું , પણ પરિવાર તો જૂનાગઢ માં જ..એક ગર્ભ શ્રીમંત કુટુંબ ને ત્યાં ભાડા ના મકાન માં રહે…એમની શ્રીમંતાઈ એવી કે…એમને ત્યાં સોના ચાંદી ની કોઈ કમી નહોતી , ચાંદી ની તો કોઈ કિંમત નહોતી..આપણા ઘરમાં એલ્યુમિનિયમ ના વાસણ ….હોય એમ ..ઠીક હવે ..એતો હોય…એવું..બોલો.!! ઘોડાગાડી વગર તો પગ બહાર ન મૂકે !! એમની એક દીકરી બીમાર પડી હતી તો એ જમાનામાં એમણે ઇંગ્લેન્ડ થી ડોક્ટર બોલાવેલા….એવી જાહોજલાલી .!! અને મારા પપ્પાનું કુટુંબ સાવ નબળી પરિસ્થિતિ..પણ આ મકાન માલિક …એમને એવી હૂંફ આપી…દાદા નું નોકરી વખતે દુરદૂર થી મનીઓર્ડર આવે અનિયમિત ..વેલા મોડું આવે..પણ આ લોકો એ કયારેય મૂંઝાવા ન દીધા….એ લોકો નાટક સિનેમા જોવા કે બાર ફરવા જાય તો આ છોકરાવ ને પણ સાથે જ લઈ જતા..ખૂબ જ સંભાળ રાખતા .એ બે ભાઈ ને ત્રણ બેનો …બધામાં એક નીરજભાઈ સાથે પપ્પાને ખૂબ સારું બનતું..નીરજભાઈ ના કુટુંબે મારા પપ્પા ના કુટુંબ ને જાણે કે …બસ સાચવી લીધુતું …સંભાળી લીધુતું …નિભાવી લીધુતું…..સમય પસાર થાય છે…ને…

કાળે કરવટ બદલી ……..ધીમે ધીમે …દાદા એ દીકરીઓ ના લગ્ન કરાવ્યા ને પપ્પા ને ભણાવી ગણાવી ને નોકરીએ લગાવ્યા..અછતે અમારા ઘરે થી ઉચાળા ભર્યા..પણ નીરજભાઈ ને ઘરે વિપરીત પરિસ્થિતિ ઉભી થઇ..મેનેજમેન્ટ નો અભાવ કહો કે નસીબ ની બલિહારી….એક ગર્ભશ્રીમંત પરિવાર ..30 થી 40 ઓરડા વાળું મહેલ કહી શકાય એવું ભવ્ય મકાન…એવા તો કુદરત ના ચકરડા ની ઝપટે ચડ્યો કે…કે…માન્યામાં ન આવે ધીમે ધીમે ઘસાતા ગયા .ઘસાતા ગયા…મકાન ના એકેક ભાગ વેંચતા ગયા…અને…અછતના ઓળા હેઠળ બધું જ…બધું જ …જતું રહ્યું….નીરજ ભાઈ એક જ બાકી રહ્યા…સગાંવહાલાં ….ભાંડરડા.. સમય ગયો ને બધા છોડી ને ગયા…

સમય સમય બલવાન હે
માનવ નહીં બલવાન
કાબે અર્જુન લુટિયો
વહી ધનુષ વહી બાણ…
…..

બેન, અમારી પરિસ્થિતિ સારી થતી ગઈ એમની સરખામણી માં…એક સ્થિર કહી શકાય એવું જીવન મળ્યું ને એમને ત્યાં ખાવા ના સાંસાં…એક ટાઈમ તો દહી ને બ્રેડ ખાઈ લે…!!!!

હવે અમને ખબર પડતી ગઈ એમ અમે એમને મદદરૂપ થવા ઇચ્છીએ…પણ..એ નીરજભાઈ ખૂબ જ સ્વમાની !!! કોઈ પાસે હાથ તો લાંબો ન કરે ..પણ કોઈ દેવા ઈચ્છે તોય ન લે..એમને આપણે કઈ આપી ન શકીએ એ લે પણ નહીં ..પણ અમને એટલી ખબર કે આમને તૂટવા ન દેવા આપણે એમને સાચવી લેવા છે અમે એમને પપ્પા ના મોટાભાઈ જેટલું માન આપીએ …આજની તારીખે પણ..અમે એટલાય કઈ પૈસાવાળા ન્હોતા થઈ ગયા કે કાઈ બીજી રીતે ટેકો કરીએ પણ થાળી ભેગી થાળી સચવાઈ જાય… રોટલા ભેગો રોટલો ભારે ન પડે….

અમે એમને દર રવિવારે જમવા બોલાવીએ , વચ્ચે આજે આ નવું બનાવ્યું છે..એમ કરી ને કોઈ ને કોઈ બહાને ..નાગપાંચમ હોય કે શિતળાસાતમ , હોળી ધુળેટી હોય કે મકરસંક્રાંતિ … કે..રક્ષાબંધન..દિવાળીએ તો ધનતેરસ થી લઈ ને લાભપાંચમ સુધી…અરે !! અથાણાં બનાવ્યા છે…કે નવા ઘઉં આવ્યા .છે, ..લાપસી કરી કે લાડવા કર્યા હોય પપ્પા તેમને બોલાવી ને જ આવે…પણ…અમને એટલી ખબર કે આ માણસ તૂટવો ન જોઈએ …એમણે અમારા કુટુંબ ને સાચવી લીધુતું આપણે એમને…..

નીરજભાઈ ને પણ ખબર કે મારી આવી સ્થિતિ છે …માટે આ લોકો જમવા નો આગ્રહ કરે છે…હવે એ ખૂબ જ સમજુ …એ પણ કેવું કરવા લાગ્યાતા ખબર ?? એ જમવા આવે તો ખાલી હાથે ન આવે ..કઈ ને કઈ લેતા આવે…અમારા માટે …પેન ,પેન્સિલ , નોટબુક કે પપ્પા માટે પાન …કે ઘણી વાર તો બધુંય .!!! .કોઈવાર કુલ્ફી તો કોઈવાર આઈસ્ક્રીમ…અમે બોલાવીએ એમને ઇન્ડાયરેકટલી મદદ માટે ..!! .પણ તેઓ ઉલ્ટા ના અમારા માટે ખર્ચ કરી ને ખુશ થાય..!!! ..અને અમે તેમને હજુ પણ પપ્પાના મોટાભાઈ તરીકે માન આપીએ…

ઘરમાં નાનો મોટો કોઈપણ પ્રસંગ હોય…એમને આમંત્રણ હોય જ …મારી બેન ના લગ્નમાં એમને 1101 રૂપિયા નો ચાંદલો કર્યોંતો… પણ મારા પપ્પાએ એમનું માન જાળવવા માટે આશિષ રૂપે 101 રાખી ને 1000 રૂપિયા પાછા વાળ્યા …તો એમની આંખો આંસુ થી ભરાઈ આવી ને અમે બધા પણ કોરા ન રહી શક્યા…!!!

બેન , હમણાં મારા નાના ભાઈ ના લગ્ન નક્કી કર્યા છે..તો ગયા અઠવાડિયા ની જ વાત છે.!.કંકોતરી લખવા માટે બધા મળ્યા તો એમને પણ બોલાવ્યા હતા…અને જમવા નું પણ અમારી સાથે જ હતું …તો કોઈ બહાનું કાઢી ને જમવા ટાઈમે ન આવ્યા .!!..મોડેથી કંકોતરી લખવા માટે આવી ગયા ને થમ્સઅપ ની બે મોટી બોટલ લેતા આવ્યા…!!!એટલા રૂપિયા માંથી એમને બે વખત જમવાનો ખર્ચ નીકળી જાત !! અમે તો એમને પ્રેમથી ખિજાઈએ પણ ખરા !!!

બેન, ક્યારેક તો અમને સંકોચ થાય છે કે અમે એમને ટેકો આપવા માટે , બોલાવીએ અને એ તો …ઉલ્ટા ના અમારા માટે …કોઈને કોઈ વસ્તુ લઈને જ આવે…અમે ક્યારેક તો એવા મૂંઝાઈ જઈએ …પણ …અમારા ઘરના બધા જ સમજે છે કે ….અમે જે કરીએ છીએ કે રાખીએ છીએ …એ એમની સરખામણીએ ખૂબ જ ઓછું છે…

એમણે જે અમારા કુટુંબ માટે કર્યું છે ..એ અમારાથી ક્યારેય નહીં ભુલાય અને જ્યાં સુધી જીવતા રહેશે ત્યાં સુધી એ અમારા ઘરના વડીલ તરીકે માનશું અને અમે તેમને બોલાવતા જ રહેશું…..

આટલું બોલી વિશાલ ચૂપ થઈ જાય છે અને મારાથી બોલાય જાય છે…વાહ ફેસબુક..!!! આ યુવાન નવી પેઢીનો પ્રતિનિધિ…જે કોઈ કહે કે આજનો યુવાન કઈ સંસ્કૃતિ નથી સંભાળતો !! …એમને જવાબ છે કે આ યુવાપેઢી ને તો સાચવવું છે ,સંભાળવું છે !! ..પણ એ માટે આપણે એમને કઈ આપીએ તો ખરા !! તો એ સાચવશે , સંભાળશે જતન થી અને નેકસ્ટ જનરેશન ને પાસ કરશે જ ..હું તો એની સમજદારી ,સંસ્કાર ને વિશાળ વાત સાંભળતી જ રહી ફરી ફરી ને લાગણી થઈ આવી…એમને માટે … સલામ છે તમારા ફેમિલી ને કે જે જમાનામાં માબાપ ને કે મોટાભાઈ ને પોતાનું જ લોહી હોવા છતાં નથી સાચવતા .અને તમે તો વગર લોહી ની સગાઈએ સંબંધ સાચવ્યો…..અને સો સો સલામ નીરજભાઈ ને…!!તેમની ખુદ્દારી ને…!!!!

લેખક : દક્ષા રમેશ..

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી