જલ્સા કરોને જેંતીલાલ

દોસ્તી – ઈશ્વરે લીધી આકરી પરીક્ષા આ બંને મિત્રની, અંત ચુકતા નહિ આંખો ભરાઈ આવશે…

“દુનિયાના દરેક સંબંધમાં સ્વાર્થ છે, પણ દોસ્તી નિસ્વાર્થ છે,

તે ભગવાનની આપેલી એક ખુબ જ અનમોલ ભેટ છે…”

“હાશ.. હવે બઘી તૈયારી થઇ ગઇ. બધું પેકીંગ થઇ ગયું. ચાર દિવસ પછી બહારગામ જવાનું છે, તેમાં બે દિવસથી પેકીંગ કરૂ છું, બસ હવે બધુ પતી ગયું, હવે રાત્રે નીકળવા સુઘી કંઇ કામ નથી” બોલતા બોલતા ગાયત્રી સોફામાં બેઠી. તેની વાત સાંભળીને તેના પતિ ધવલે કહ્યું કે, “તું ખોટી ચિંતા કરે છે. આપણે ગોવા રિસોર્ટ રહેવાનું છે. ત્યાં બઘુ જ હશે. આટલો સામાન – નાસ્તો લેવાની જરૂર નથી.”

image source

ગાયત્રી બોલી, “તારી વાત બરાબર છે, પણ આપણા અભિ અને પિયુને ત્યાંનું ન ફાવે તો…?? એટલુ આ બઘું લીઘું છે.” ધવલે કહ્યું, “બસ હવે શાંતિથી બેસી જા, હજી ચાર વાગ્યા છે. આપણે આઠ વાગ્યે નીકળવાનું છે, શાંતિથી બેસ” થોડીવાર પછી ધવલ સાથે વાત કર્યા પછી ગાયત્રી અચાનક ઊભી થઇ અને ધવલને કહ્યું, “હું સોનલને ફોન કરી લઉ, અને ચાર દિવસ હવે નહી મળાય એટલે જરાક મળી આવું”

ધવલ હસતા હસતા બોલ્યો, “હા… મારી મા… તું જા… સોનલને મળ્યા વગર તને નહી ચાલે.. તમારા બન્નેનું ચાલે તો તમે સાથે જ રહો.” ગાયત્રીએ મીઠી રીસ સાથે કહ્યું, “ધવલ અમારી દોસ્તીથી તને જલન થાય છે ? તું , અભિ અને પિયુ મારી જીંદગીમાં આવ્યા તે પહેલાથી હું અને સોનલ સાથે છીએ, એટલે તારા કરતાં તેનો પહેલો હકક છે, હવે હું જાઉં છું.”

image source

ધવલ હસી પડયો. ગાયત્રી ફોન તરફ વળી. સોનલના ઘરે ફોન કર્યો, બે-ત્રણ વાર ટ્રાય કરી પણ કોઇએ ફોન ઉપાડયો નહી. ગાયત્રી થોડી ચિંતામાં આવી ગઇ. પછી સોનલના મોબાઇલમાં ફોન કર્યો, તેમાં પણ નો રીપ્લાયનો મેસેજ આવતો હતો. તેણે ધવલને કહ્યું, ધવલને પણ ચિંતા થઇ. પણ તેને ગાયત્રીને કહ્યું કે કંઇક કામમાં હશે, હમણાં સામેથી ફોન આવશે.” થોડીવાર રાહ જોયાં પછી ફરીથી ફોન કર્યો, ફરીથી નો-રીપ્લાય..

પછી ગાયત્રીથી રહેવાયું નહી. ધવલને કહ્યું, “તું ઘરે રહે, અભિ અને પિયું ઉપર રમે છે, તું તેનું ધ્યાન રાખજે. હું સોનલના ઘરે જઇ આવુ.” એમ કહીને તે ઝડયથી નીકળી ગઇ. ધવલ બન્નેની દોસ્તી વિશે વિચારતો રહ્યો. ગાયત્રી અને સોનલ નાનપણથી જ સહેલી હતી. બે બહેનોની જેમ જ સાથે રહેલી, બન્નેના ઘર પણ આજુબાજુમાં જ હતા. આથી હમેંશા બન્ને સાથે રહેતી.

image source

મોટા થયા પછી બન્નેની સગાઇ પણ એક જ ગામમાં થઇ. લગ્ન પણ બન્નેના એક જ દિવસે થયાં. જોગાનુંજોગ ગાયત્રીનો પતિ ધવલ અને સોનલનો પતિ અંકુર બન્ને મિત્રો હતાં. લગ્ન પછી પણ ગાયત્રી અને સોનલની દોસ્તીમાં કોઇ ફેર ન પડયો. ચારેય જણ સાથે જ ફરવા જતાં. બન્નેના બાળકો પણ સરખી ઉંમરના હતાં ગાયત્રીનો અભિ અને સોનલનો જય બન્ને આઠ વર્ષના તથા ગાયત્રીની પિયુ અને સોનલની ઝીલ બન્ને ચાર વર્ષની હતી. ચારેય એક જ સ્કૂલમાં ભણતા હતાં. તે બઘા વચ્ચે પણ ખાસ દોસ્તી હતી. બન્ને કુટુંબ એકસાથે બહાર જતાં. આ વખતે અંકુરને કામ હોવાથી ધવલ-ગાયત્રી અને અભિ-પિયુ પહેલીવાર એકલા ગોવા ફરવા જતાં હતાં. ધવલ બન્ને વિશે વિચારતો હતો.

આ બાજુ ગાયત્રી સોનલના ઘરે પહોંચી તો ઘરે તાળું મારેલું હતું. બાજુમાં પૂછતાં ખબર પડી કે, રમતા રમતા જયની આંખમાં વાગ્યુ છે એટલે સોનલ અને અંકુશ તેને હોસ્પિટલમાં લઇ ગયા છે. ગાયત્રી ફટાફટ હોસ્પિટલ પહોંચી ગઇ. તેને જોઇને સોનલ તેને વળગીને રડવા માંડી. થોડીવાર પછી કહ્યું , “જય રમતો હતો ત્યારે રમતમાં ને રમતમાં બીજા છોકરાએ રમકડાંની બંદુકમાંથી છોડેલી ગોળી આંખમાં વાગી ગઇ છે, એટલે આંખમાંથી લોહી નીકળતું હતું એટલે અહીં આવ્યા છીએ. ડોકટર તપાસ કરે છે.”

image source

આ વાત સાંભળીને ગાયત્રી હતપ્રભ બની ગઇ. સોનલને કહેવા લાગી, “આટલું બઘું થઇ ગયું, તે મને કહ્યું કેમ નહીં..?” સોનલ રડતાં રડતાં બોલી, “તમે આજે ગોવા જવાના હતા એટલે તને જાણ ન કરી.” ગાયત્રી ખીજાઇને બોલી, “તારા કરતા ફરવાનું વધારે છે .? આપણે અલગ થોડા છીએ ? ” પછી તેણે તરત ધવલને ફોન કરી બઘી વાત કરી. ધવલ પણ ગભરાઇ ગયો. તેણે કહ્યું, “તું ચિંતા ન કર, હું અભિ અને પિયુને લઇને આવુ છું, ગોવા જવાનું હવે કેન્સલ કરશું.”

આટલું કહીને તેણે ઉપર રમતા અભિ અને પિયુને બોલાવ્યા. બન્ને સહેલીના નસીબ ભગવાને કદાચ સાથે જ ઘડયાં હશે. તેમ ઉપરથી આવતાં આવતાં અભિનો પગ લપસ્યો. તેનું માથુ દાદરા સાથે ભટકાયું અને તે બેભાન થઇ ગયો. ધવલ તેને લઇને હોસ્પિટલ ગયો. ગાયત્રી, સોનલ અને અંકુર તો પહેલેથી જ ત્યાં હતા. અભિની હાલત જોઇને બઘા ગભરાઇ ગયાં. ગાયત્રી અને સોનલ તો સતત રડયાં કરતાં હતાં. કોણ કોને આશ્ર્વાસન આપે તે જ સમજાતું ન હતું.

image source

થોડીવારમાં જયના ડોકટર બહાર આવ્યા અને કહ્યું, “જયની આંખમાં નુકસાન થયું છે, આંખ સાવ ખલાસ થઇ ગઇ છે. તેને ઓપરેશન કરીને નવી આંખ બેસાડવી પડશે. નહીતર તે કયારેય જોઇ નહી શકે, તાત્કાલીક આંખની વ્યવસ્થા કરો.” ત્યાં જ અભિના ડોકટર પણ બહાર આવ્યા અને કહ્યું કે, “અભિના માથામાં હેમરેજ થઇ ગયું છે, શરીરના બઘા અંગ એક પછી એક કામ કરતાં બંધ થતા જાય છે, તે હવે થોડી ક્ષણોનો જ મહેમાન છે.”

બઘા આધાતથી સ્તબ્ધ થઇ ગયા. અચાનક ગાયત્રી ઊઠી, આંસુ લુછીને સોનલ પાસે આવી, તેનો હાથ પકડીને તેના આંસુ લુછીને તેને ઊભી કરી. કોઇ તેનું વર્તન સમજે તે પહેલા તે સોનલને લઇને ડોકટર પાસે ગઇ. જયના ડોકટરને કહ્યું, “સર.. તમે ઓપરેશનની તૈયારી કરો, જયને તેની ઉંમરના બાળકની આંખ મળી જશે” આટલું કહીને તેણે ધવલ સામે જોયું, ધવલ તેની વાત સમજી ગયો, તેણે ફકત આંખના પલકારાથી હા પાડી. સોનલ તો તેના પગમાં પડી ગઇ.

image source

ગાયત્રીએ તેને ઊભી કરી, ગળે લગાડીને બોલી, “સોનુ, આપણે બન્નેએ નાનપણથી જ આપણા સુખ-દુ:ખ વહેંચ્યા છે. આજે ભગવાને આપણી કસોટી કરવા બન્ને બાળકોને ઘાયલ કરી દીઘા છે, આજે આપણી દોસ્તીની પરીક્ષા છે, હું પાછી પડુ તો દોસ્તીનું અપમાન થયું કહેવાય. આજથી તારો જય આપણો જય છે, તેની આંખમાં મારો અભિ જીવતો રહેશે, હું તેને જોઇને જીવી લઇશ.” સોનલ અને અંકુર પાસે આભારના કોઇ શબ્દ ન હતા. બસ બન્ને આંસુ સાથે હાથ જોડીને ગાયત્રી અને ધવલ સામે ઊભા રહ્યા.

લેખક : દિપા સોની “સોનું”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version