દોસ્તી – પોતાના મિત્ર અને પત્નીને એક જ બેડમાં સુતેલા જોઇને કેમ એ પતિ મુસ્કુરાઈ રહ્યો હતો?

👬દોસ્તી🙆

સવાર પડતા સુનિતાની આંખ ખુલી… એણે જોયું કે બાજુમાં વિરેન્દ્ર સુતો હતો. સરસ મજાના સ્મિત સાથે તેણે વિરેન્દ્ર પર નજર નાખી, તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો… તેને યાદ આવ્યું કે જયદીપ પણ રાત્રે અહીં જ હતો ને ?? ક્યાં ગયો ?? હા, કદાચ હોલમાં…તેણે હોલમાં જોયું, આજુબાજુ નજર દોડાવી પણ, જયદીપ દેખાણો નહિ… તે ફ્રેશ થવા ગઈ. બાથરૂમમાંથી બહાર આવી, ત્યાં સુધીમાં વિરેન્દ્ર પણ જાગી ગયો હતો. બંનેની નજર મળતાં … “ગુડ મોર્નિંગ ..! ” કરી વિરેન્દ્રસિંહ એ સુનિતાના કપાળ પર એક sweet kissi આપી.. બંનેની નજર મળતા … એક જ પ્રશ્ન હતો કે જયદીપ ક્યાં ગયો ?? ક્યારે ગયો ??

સુનિતાએ વીરેન્દ્રને પૂછ્યું કે , “જયદીપ ક્યારે ગયો ??? ” ત્યારે વિરેન્દ્રએ કહ્યું કે, ” હું પણ તને એજ પૂછવાનો હતો કે જયદીપ ક્યારે ચાલ્યો ગયો ??? ” વિરેન્દ્ર મોબાઈલ હાથમાં લીધો .. જયદીપ ને ફોન કરવા માટે..પણ, ફોન લાગતો ન હતો, સ્વીચ ઓફ હતો… ત્યાંતો.. વોટ્સએપમાં જયદીપ નો મેસેજ જોયો .. ..તેણે મેસેજ વાંચ્યો…

દોસ્ત, કાલે રાત્રે જે બની ગયું એ બનવું જોઈતું ન હતું.. મને એ બાબતે ખૂબ જ દુઃખ થયું મારી જાત પ્રત્યે !! સવારે ઊઠી મે તમને બંનેને બેડમાં જોયા અને મને બધું સમજાઈ ગયું… તમારી પતિપત્નીની , બંનેની, મારા પ્રત્યેની દોસ્તીને સો સો સલામ કરું છું !!! આવા દોસ્તોને મેળવીને હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું !! આ સમયમાં આપણા જેવી દોસ્તી, કદાચ વાર્તામાં પણ જોવા ન મળે !! ખરેખર હું નસીબદાર છું કે તમારા બંને જેવા દોસ્ત મળ્યા !! કદાચ મને આ પૃથ્વીનું રાજ્ય પણ આપવામાં આવે તમારી દોસ્તીના બદલામાં !!

તો એ તુચ્છ ગણું આપણી દોસ્તી સામે !! યારો, તમારી દોસ્તી પર મને એટલું ગૌરવ છે !! મારો આ જ નહીં પણ સાત-સાત જનમ આ દોસ્તી પર કુરબાન કરું છું !! પરંતુ દોસ્તો, હું તમને બંનેને એક દોસ્ત તરીકે ગુમાવવા નથી માંગતો !! અને એટલે જ હું તમને છોડીને કંઈ જ કહ્યા વગર ચાલ્યો જાવ છું, ખૂબ જ મથામણના અંતે નક્કી કર્યું છે !! ભવિષ્યમાં આપણી નિષ્કલંક મિત્રતાને જરાપણ દાગ લાગે એ પહેલાં હું ચાલ્યો જાઉં છું.. આવી રીતે એક પતિપત્નીના બેડરૂમમાં મારે ન સૂવું જોઈએ.. ખબર ન રહી ક્યારે … ક્યાં જાઉં છું કશી ખબર નથી..

Businessman sitting on a bench at bus stop with his head in hands

દુઃખી ન થતા, કારણ કે તમને છોડીને ક્યાંય જાતો નથી , જ્યાં સુધી આ જયના ખોળિયામાં જીવ રહેશે ત્યાં સુધી તમે બેય મારી સાથે સદાય રહેશો !! પણ, કાલે રાત્રે બન્યું તે ફરીથી ન બને અને મારે લીધે તમારા જીવનમાં કોઈ ઝંઝાવાત ન આવે તે ખૂબ જરૂરી છે.તમારું જીવન મારા શ્વાસ કરતા ય મહામુલું છે. મારે લીધે જીવનમાં તિરાડ ન પડે ક્યારેય પણ કે મારે લીધે તમારા જીવનમાં મુશ્કેલી ની એક લહેરખી પણ ન આવે તે માટે, હું તમારાથી દૂર દૂર જઈ રહ્યો છું.. ક્યાં જાવ છું એ મને પણ ખબર નથી !! જ્યાં પણ મારી મંઝિલ હશે… ત્યાં મને આ રસ્તો લઈ જશે.!!!. best wishes.. અલવિદા..

… ” ભગવાન, મારી હર ક્ષણ, એક જ પ્રાર્થના હશે કે તમે બંને સાથે રહો ! ખુશ રહો ! ખૂબ સુખી થાઓ ! તમારો જ, ને માત્ર તમારો જ, જય. વિરેન્દ્રસિંહની આંખે અંધારા આવવા લાગ્યા, એ એકદમ ફસડાઈ પડ્યો !! આ જોઈને સુનિતા દોડી આવી વીરેન્દ્રને ટેકો આપી અને હાથમાંથી મોબાઈલ લીધો અને મેસેજ વાંચ્યો કે ….સુનિતાની આંખ પણ વરસવા લાગી…

” અરે જય !!, તું અમને બંનેને ઓળખી ન શક્યો તે આ શું કર્યું ?? જય કોણ હતો ?? ને એવુ શું બન્યું કે એ આમ મળ્યા વગર ભાગી ગયો ??

જયદીપ અને વીરેન્દ્રસિંહની દોસ્તી આખા શહેરમાં મશહૂર હતી… બંને જણા નાનપણથી જ સાથે…, સાથે મોટા થયા, સાથે ઝગડ્યા અને સાથે ભણ્યા !! બન્નેના રસ-રુચિ બધુ અલગ હોવા છતાં એક વાતનું એમનામાં ગજબનું સામ્ય હતું કે ….. “એ બંનેને એકબીજા વગર ચાલતું નહોતું !!” એટલે જ નાના એવા શહેરમાં એમન દોસ્તી મશહૂર હતી જ્યારે પણ બાઇક લઇને નીકળતા એ તો ગાય કે ન ગાય પણ એમની દોસ્તી જોઈને લોકોને પણ ગાતા…

…એ દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેન્ગે…

…અને સાચે જ, લોકો તેમને જય અને વીરુના નામે જ ઓળખતા. જાણે શોલે ફિલ્મની જોડી જ જોઈ લો..

લોકો એમની દોસ્તીની મિસાલ દેતા. અને બંનેની જોડી પણ એવી જ હતી. એકબીજા પર પ્રાણ ન્યોચ્છાવર કરે. જ્યારે હાઈસ્કૂલમાં ભણતા ત્યારે બાજુના ગામે જન્માષ્ટમીનો મેળો ભરાયો હતો અને બંને ભાઈબંધ સાઇકલ લઇને મેળામાં ગયા હતા.

એકદમ બિન્દાસ મસ્તીખોર અને ચંચળ એમાં ઉંમર પણ ચૌદ-પંદર વર્ષની,!! એમના જેવી , નાદાન !! જોખમ કે ભય એટલે શું એની ખબર પણ ન હતી!! મેળામાંથી પાછા ફરતી વખતે પાણીની તરસ લાગી અને એક કુવો જોતાં એ ખેતરમાં પ્રવેશ્યા આજુબાજુ નજર કરી… એક દોરડું પડ્યું હતું. તેમણે એમાં ત્યાં બાજુમાં પડેલું ડબલું બાંધી ઉતાર્યું. નસીબજોગે દોરડું થોડું ટૂંકું પડ્યું, પાણીમાં અડતું હતું પણ, એમાં પાણી ભરાતું નહોતું..

એ બંને એકબીજાના હાથમાંથી ખેંચતાણ કરતાં હતાં… “લાવ હું આંબી દઉં !! હું આંબી દઉં !! એમ મજાકમસ્તીમાં કૂવાને કાંઠે, થોડો વધુ નમી જતાં જય પાણીમાં ખાબક્યો !!! અને એકદમ જે બની ગયું તેનાથી વીરુ પણ ડરી ગયો!! પરંતુ તે હિંમત ન હાર્યો !!! તેણે ઉપરથી રાડો પાડી અને જયને તે દોરડું પકડી લેવા માટે સમજાવ્યો..

પોતે એક પગે લટકી કૂવાનો થાળો પકડી અને જયને દોરડું પકડાવ્યું પણ, કેમેય કરીને દોરડું સીંચાતુ ન હતું પરંતુ બન્ને દોસ્ત.. એવી પાકી ભાઈબંધી, એટલે વીરુ પોતાના દોસ્ત માટે હતી એટલી તાકાત વાપરીને ધીમે ધીમે દોરડું ખેંચવા લાગ્યો… અને આમ કરતા થોડીવારમાં હિંમત કરીને જયને ઉપર ખેંચી લીધો !!

જેવો જય બહાર નીકળ્યો કે વિરુ તેને ભેટીને રડી પડ્યો… બંને ભાઈબંધ ક્યાંય સુધી એકબીજાના આંસુ લૂછતાં રહ્યા.. જય બોલ્યો, ” વીરું !!, આજે તો તે મને નવી જિંદગી આપી..

ત્યારે વીરુએ જવાબ આપ્યો ” આજે જો હું તને કુવામાંથી બહાર કાઢી ન શકત તો, હું ગામમાં પાછો ન જાત !! ઘરે પાછો ન જાત પણ, તારી પાછળ હું પણ કૂવામાં ધુબાકો મારત ,!!” થોડીવાર પછી બંને સ્વસ્થ થયા અને પછી ઘરે આવ્યા.. વિરુ તો જયના ઘરે જ તે દિવસે રોકાઈ ગયો અને પછી તો એ જયને ક્યારેય એકલો મૂકે નહીં !!

બંનેને કઈ પણ વસ્તુ ખરીદ કરવી હોય તો ક્યારેય પૈસા ની ગણતરી ન કરતા ને ઘરેથી જે કંઈ પૈસા મળે, કોઈપણ એક પાસે હોય વસ્તુ તો બન્ને માટે આવી જતી !! એકસરખી !!! બન્ને વચ્ચે એવી સંવાદિતા ( harmony)હતી કે તેમને મારું-તારું લાગતું જ નહોતું !!જે હતું તે બંનેનું સહિયારુ જ હતું આ બન્નેની દોસ્તી બધાની નજર માં ઉડીને આંખે વળગતી….

કોઈ કોઈ તો બોલતું પણ ખરું !!! “જો જો ને !! બંને દોસ્તના એક વખત લગ્ન થઈ જવા દો.. પછી ક્યાં દોસ્તી અને ક્યા દોસ્તાર ??” પણ વીરુ અને જય, લોકોની વાતને મનમાં ન લેતા.. પણ હા, એક વાત હતી, વીરુ ની જ્ઞાતિમાં દીકરા દીકરીની સગાઈ નાનપણ થી કરવામાં આવતી. વીરુની સગાઈ પણ થઈ ગઈ હતી. છોકરીનું નામ સુનિતા હતું. વીરું જ્યારે પણ સુનીતા ને મળવા જતો કે સુનીતા ના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે જતો ત્યારે જય તેમની સાથે જ હોય, સુનિતા પણ જયને સારી રીતે ઓળખવા લાગી હતી. વિરેન્દ્રનો દોસ્ત હતો જય તેવી રીતે સુનીતાને પણ તેની સાથે સારું એવું બનતું હતું.

જયદીપ અને વિરેન્દ્ર સિંહ બંનેના શોખ જુદા હોવાને કારણે જયદીપ આર્ટ્સ વિષય સાથે ગ્રેજ્યુએટ થઈ કોલેજમાં પ્રોફેસર બન્યો હતો. તો વિરેન્દ્ર સિંહ એ જ શહેરમાં મેડિકલ સાયન્સના પોસ્ટ ગ્રેજ્યુએશન પછી મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો હતો અને એને ક્યારેક હોસ્પીટલ પણ જવાનું રહેતું. જયદીપ પ્રોફેસર હોવા છતાં હજુ આગળ ભણતો હતો. ત્યારે વિરેન્દ્રસિંહની સગાઈ થઈ ગઈ. તેને પણ ઘણા વર્ષ વીતી ગયા હતાં. અને હવે નોકરીએ લાગી જવાથી સુનિતાના ઘરેથી લગ્નની ઉતાવળ થવા લાગી..

વિરેન્દ્રસિંહના લગ્નમાં જયદીપ બધી જ તૈયારી પોતાની જાતે કરી, કપડા સીવડાવવાથી માંડીને… લગ્નમાં દુલ્હનને આપવાની ભેટ પણ બન્ને સાથે મળીને ખરીદી કરી હતી. વીરેન્દ્ર પોતાની અને સુનિતાની બધી જ વાતો જયદીપ સાથે શેર કરતો અને જયદીપ પણ જાણે કે સુનિતા પણ તેની દોસ્ત હોય તેવી રીતે એ બંનેની સાથે મળી ગયો હતો.

વીરેન્દ્રસિંહના લગ્નમાં જયદિપ, તો નાનોભાઈ ગણો કે મોટાભાઈ !! સૌને ભુલાવી દે .. એવી રીતે પહેલેથી છેલ્લે સુધી બધા જ પ્રસંગોની જવાબદારી, બધા જ પ્રસંગોની તૈયારી, બધુ જ પોતાને માથે લઈ લીધું હતું …જયદીપ ખુદ પણ દરેક પ્રસંગને ખુબ સરસ રીતે માણતો હતો.

એમાંય આગલી રાતે સાંજે દાંડિયારાસમાં તો વીરેન્દ્રને સાથે જયદીપ મન મૂકીને નાચ્યો હતો. બધા થાકીને બેસી ગયા તો પણ ખૂબ ખૂબ ઉમંગથી જયદીપ છેલ્લે સુધી નાચ્યો.. જયદીપ અને વીરેન્દ્ર ખોળિયા જુદા પણ પ્રાણ એક જ હતાં. આખી રાત જાગીને જ્યંદીપે વીરેન્દ્રની કાર, વરરાજાની ગાડી, ખૂબ કાળજી અને પ્રેમથી જ્યદીપે બધા દોસ્તારો સાથે મળીને એવી શણગારી કે એકવાર જુએ એ જોતાં જ રહી જાય ! ગાડી શણગારતા શણગારતા, બીજા દોસ્ત જયદીપ ની મજાક ઉડાવતા હતા. ” જય !!, હવે તારો વીરુ , તારા હાથમાંથી ગયો !! હવે તું એકલો થઈ જવાનો !! ”

જય હસીને કહે, ” કેમ ! લગ્ન થઈ જાય એટલે શું પત્નીઓ પતિને દોસ્તાર સાથે સંબંધ રાખવાની મનાઇ ફરમાવે છે ??? તમારામાંથી ઘણા પરણેલા છો ,તો તમારે કોઈ દોસ્ત નથી શું ??”

બધાં તેની મજાક ઉડાવતા હતા, ” એ દોસ્તી જુદી છે તારી દોસ્તી જુદી છે !!!.તારેને વીરુને હવે બારગાઉનું છેટું !!” એમ મજાકમસ્તીમાં સવાર થવામાં હતું. સવારે જાન પ્રસ્થાન પહેલા વિરેન્દ્રને જગાડીને નહાવા ધોવાની સગવડ કરી, તૈયાર કરવાની જવાબદારી, સાથે … જયદીપ બધું જ કરતાં કરતાં વિરેન્દ્રને રાજા મહારાજના ઠાઠ થી શણગારીને ગાડીમાં બેસાડી, પોતે જ કાર ડ્રાઈવ કરી, સમયસર જાન લઈ પહોંચી જાય છે.

ખૂબ આનંદ ઉલ્લાસ કરતાં અને સારી રીતે પ્રસંગ પતાવીને દુલ્હન સુનિતાને લઈને પોતાને ગામ બધા પાછા ફર્યા… દુલ્હા-દુલ્હનની ગણેશ સ્થાપના પાસે કોડીઓને રમતમાં પણ જય એવી રીતે કંકુને થાળી સજાવી હતી અને એમાં એક સરખી જ બે વીંટી નાખીને બન્ને ને જીતાડે છે !! બન્નેના હાથમાં એક સરખી જ વીંટી આવી ત્યારે બધા હસતાં હસતાં બેવડ વળી ગયા…. “જય ! ” આવું શું કામ કર્યું ??? આવી રમત તો ક્યારેય જોઈ નથી !!! ” એનું કારણ આપતાં જય કહે છે કે એ બંનેમાંથી કોઈને હારતા જોવા નહોતો માંગતો…!!

વિરેન્દ્ર અનેસુનીતાનો રૂમ પણ જયે ખૂબ પ્યારથી શણગાર્યો હતો. સવારે વીરેન્દ્ર અને સુનીતા હજુ તો, તૈયાર થઈને નીકળે રૂમની બહાર !! ત્યાંતો જય હાજર !! તેણે વીરેન્દ્ર અને સુનિતાને દોસ્તીની ભેટ તરીકે “હનીમૂન પેકેજ ટૂર ” આપી હતી. વીરેન્દ્રએ જીદ કરીને, શરત મૂકી , ” જો તું જોડે આવે તો જ આ પેકેજનો હું સ્વીકાર કરું !! ” ઘણા લોકોએ વીરેન્દ્રને વેવલો કહ્યો અને કોઈએ જયને તથા ફોટોગ્રાફર છે કે નોકર !! એમ બન્નેની ઠેકડી ઉડાવી !! પણ બન્ને દોસ્ત એમની દોસ્તી માં એવા ગુલતાન હતાં અને સુનીતા પણ આ બંનેની દોસ્તી માં જેમ દૂધમાં સાકર ભળે તેમ વળી ગઈ હતી.

આમ કરતાં-કરતાં વીરેન્દ્રના લગ્નને છ એક મહિના થઈ ગયા. બન્ને દોસ્ત કોલેજેથી પાછા ફરી અને ઘરે આવી, સુનિતાના હાથની ચા પીતા અને વાતો કરતાં. ક્યારેક જય તેમની સાથે નાસ્તો કરતો અને ક્યારેક જમી પણ લેતો… કોઈ વાર વીરેન્દ્રને ઇમરજન્સી આવે, હોસ્પિટલે પણ જવું પડતું, તોપણ જય અને સુનીતા, ઘરે એકલા રહેતા વિરેન્દ્રના પેટનું પાણી પણ નહોતું હલતું.

જય અને સુનીતા જ્યારે વાતો કરતાં ત્યારે વિરેન્દ્ર ચૂપચાપ તેમને સાંભળતો. અને સાહિત્યમાં શોખ હતો, પણ જય અને સુનિતા જેટલું જ્ઞાન ન હતું સાહિત્યમાં . કેમકે સુનિતા પણ ભાષા સ્નાતક હતી અને જય પણ, હવે તો PHD કરી રહ્યો હતો. આથી સુનિતા અને જય બંને હંમેશા સાહિત્યની ચર્ચા કરતાં રહેતાં. વિરેન્દ્ર તેમનું રસપાન કરી, ખૂબ જ શાંતિથી સાંભળતો… ક્યારેક જય અને સુનીતા કોઈ ચર્ચામાં ઉતરી આવતાં તો વીરેન્દ્ર નિષ્પક્ષ રીતે એમની ચર્ચામાં ફેંસલો પણ આપતો.

ઘણીવાર મોડે સુધી વાતો કરતાં ગપાટા મારતા અને ઉંઘ આવવા લાગે તો જય એના ઘરે જવાને બદલે ઘણીવાર વીરેન્દ્રના બેડરૂમની બહાર આવેલા હોલમાં સુઈ પણ જતો……હવે ગઈકાલે એવું બનેલું કે….. સુનિતા અને જય સાહિત્યની ચર્ચા કરતા હતાં. આજનો એમનો વિષય હતો, મહાકવિ કાલિદાસ અને કવિ દંડી !! ત્યારે વિરેન્દ્રને મેડિકલ કોલેજમાંથી ઇમર્જન્સી કોલ આવતા આ બંનેને ચર્ચા કરતા.. મૂકી જતો રહ્યો હતો …..

સુનીતા અને જય, એવી રસપ્રદ રીતે ચર્ચા કરતાં હતાં કે બંને વારાફરતી પોતાનો point of view મૂકીને નિરાંતે વિચારતા હતા કે કાલિદાસ ની મહાનતા હતી છતાં કવિ દંડી ઉપર પણ સરસ્વતી દેવીની કેવી કૃપા હતી !! વિચારતા વિચારતા ત્યાં અને ત્યાં જે પલંગમાં એક છેડે સુનીતા ટેકો દઈને બેઠી હતી.. બીજે છેડે જય બેઠો હતો… વચ્ચેથી વિરેન્દ્ર જતો રહ્યો હતો.. સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો હતો.. અડધી રાત વીતી ગઈ હતી અને મિત્રો સાહિત્યની ચર્ચા કરતા કરતા… વિચારમાં જ એ બન્નેને ક્યારે એમનેએમ જ ઊંઘ આવી જાય છે.. ખબર પડતી નથી … !!!

હવે, મોડી રાત્રે એટલે કે વહેલી સવારે, ચારેક વાગ્યે વિરેન્દ્ર ઘરે પાછો ફરે છે. પોતાની પાસે રહેલ ચાવીથી ઘરનું લોક ખોલી અને અંદર પ્રવેશે છે અને પોતાના બેડરૂમમાં આવે છે તો સુનિતા અને જયદીપને એક જ બેડ પર સુતેલા જોવે છે ….

એમની હાલત જોઈને, એમના ચહેરા પરની ખુશી જોઈને વિરેન્દ્ર સરળતાથી સમજી જાય છે કે બંને વચ્ચે પવિત્ર એવી દોસ્તી છે !! જે રીતે રાત્રે વચ્ચેની જગ્યામાં જ વીરેન્દ્ર લંબાવીને પડ્યો હતો.. એ જ જગ્યાની આસપાસ બન્ને બાજુ એમ જ સુનિતા પલંગને એક કોરે અઢેલીને બેઠી હતી ત્યાંજ પોતાનું શરીર લંબાવીને સૂતી હતી … એ જ રીતે જ્યાં જય બેઠો હતો..ત્યાંજ એને પણ એક તકીયાને ટેકે ઊંઘ આવી ગઈ હતી.

જય અને સુનીતા જે રીતે જે જગ્યાએ બેઠા હતા એ જ જગ્યાએ બન્ને સુઇ ગયા હતા. વચ્ચે જે જગ્યા હતી તેમાં અત્યારે વિરેન્દ્ર સરખાએ સૂઈ શકે તેમ ન હતો.. તેણે આવી અને નાઈટડ્રેસ પહેર્યો અને બેડ પાસે આવી ને બોલ્યો , ” જરાક ખસો તો હું પણ સૂઈ જાવ વચ્ચે !! અને તેના આશ્ચર્ય વચ્ચે ઊંઘમાં ને ઊંઘમાં જ બંને થોડા-થોડા ખસ્યા અને વિરેન્દ્ર એમાં સૂઇ ગયો… એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી…

ભગવાન પણ આવી નિષ્પાપ દોસ્તી જોઈને જરૂર મલકયા હશે !! રાતનું સૌંદર્ય નિખર્યું હતું અને પરોઢ નું તો પૂછવું જ શું ?? કેમકે આજનું આવું પવિત્ર દ્રશ્ય, એમને પણ દુર્લભ હતું.

હવે, સવારે જ્યારે જયદીપ ની આંખ ખુલી … પોતાને દોસ્તના બેડરૂમમાં સૂતેલો જોઇ.. ક્ષોભ પામ્યો !!! સુનીતા અને વિરેન્દ્રને આમ સુતા જોઈ … તે બન્નેની પોતાના પ્રત્યેની દોસ્તી પર ગૌરવ અનુભવી બંનેમાંથી એકેયને જગાડ્યા વગર.. ચુપચાપ ત્યાંથી નીકળી ગયો.. ઘરનો દરવાજો ઓટોલોક હોઈ બહારથી બંધ કરતો ગયો. ખૂબ મથામણ અને વિમાસણના અંતે એ આ નિર્ણય કરવા મજબૂર બન્યો !!

તે ત્રણેય ની આ દોસ્તી, એક વિશ્વાસ અને પ્રેમની નાજુક દોર છે !! જે આજે તો જળવાઈ રહી હતી. વિરેન્દ્રને પણ નિષ્પાપ દોસ્તી પર વિશ્વાસ છે અને પણ મારા પર સગા ભાઈ જેટલો વિશ્વાસ છે. એની આજે ઉત્કૃષ્ટ સાબિતી વીરેન્દ્ર એ આપી હતી. જય પણ તેમને મેળવી પોતાની જાતને ભાગ્યશાળી માનતો હતો, પણ,. “ન કરે નારાયણ અને તો ક્યારેક આ દોસ્તીમાં જરાપણ શંકાનું બીજ રોપાય તો !!! વાર ન લાગે !! આ માટે… એ હવે ક્યાંક દૂર દૂર જતો રહેવા ,…. તેણે આ મેસેજ કરી દીધો હતો .

સુનિતા અને વિરેન્દ્રની સાથે રહી ને તે એક દૂરી રાખી શકે તેમ નહોતો . એ પોતે આ બન્નેનું એક અવિભાજ્ય અંગ બની ગયો હતો. પણ આ દંપતિ વચ્ચે એ ત્રિકોણનો ત્રીજો ખૂણો બનવા નહોતો ઈચ્છતો… એટલે જ એને અહીંથી … ખૂબ દૂર જવાનું નક્કી કરી લીધું.

જય રેલવે સ્ટેશને આવી ગયો અને ટ્રેનની રાહ જોવા લાગ્યો. ત્યાં ટ્રેન આજે થોડી મોડી હતી પણ હવે પ્લેટફોર્મ પર આવી પહોંચી હતી. તેણે મુંબઈની ટિકિટ કઢાવી હતી એને એમ થયું કે મુંબઇ જતો રહું પછી નક્કી કરું ત્યાંથી કે મને મારુ નસીબ ક્યાં લઈ જાય છે !! જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવી અને જય એમાં ચડવા જાય છે કે પાછળથી જોરદાર આંચકો આવે છે !!! અને જય પાછળ ફંગોળાય છે !!! એને થયું કે.. “..એ …એ… ગ્યો…!! ” જય ડઘાઈ જાય છે અને પડતો પડતો માંડ માંડ બચી જાય છે !!! કોઈ મજબૂત બે હાથોમાં… તે સચવાઈ જાય છે… જુએ છે તો વિરેન્દ્ર.! જય ફાટી આંખે જોઈ રહે છે !!વિરેન્દ્ર ??? વિરેન્દ્ર તેને મારવા માટે હાથ ઉગામે છે અને.. અને તેને મારવાને બદલે ભેટી પડે છે ….એ કહે છે “પાગલ !!, આજે ખરેખર તું ઘરે પાછો હાલ પછી તારો વારો છે !!! ”

પોતાના જીગરજાન દોસ્તના પ્રેમના ખળખળતાં ધોધ સામે.. જય, કશું જ બોલી શકતો નથી !! વિરોધ પણ કરતો નથી કારણ ?? એને ખબર છે કે હવે વિરેન્દ્ર તેને જવા દેશે નહીં !! જયદીપ પાસે વિરેન્દ્રની સાથે ઘરે જવા સિવાય બીજો કોઇ જ રસ્તો ન હતો !! બંનેની દોસ્તી જ એવી હતી !! વિરેન્દ્ર ની ગાડી ઘર પાસે ઉભી રહી… સુનીતા દોડીને દરવાજો ખોલવા આવી, જય સામે ઠપકાભરી નજરે જોઈ રહી ,જય નીચું જોઈ ગયો .વિરેન્દ્ર લગભગ એને ઢસડતો હોય તેમ હાથ પકડીને અંદર લઈ આવ્યો…

રૂમમાં જોયું તો કોઇ મહેમાન બેઠા હતા. જયે નજર ઉઠાવીને જોયું તો સુનિતાના પપ્પા, સાથે જયના પપ્પા પણ હતા.. વિરેન્દ્ર તેને ત્યાં લાવીને, જયના ખભા પકડીને તેને સોફા પર બેસાડી દે છે. ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને સુનીતાની બહેન શીલા આવે છે અને વિરેન્દ્ર કહે છે, ” આજે અહીં સાથે એટલા માટે તને રોકી દીધો હતો કે તારા માટે સરપ્રાઈઝ હતું !! પાગલ !! તારા પપ્પા સાથે મળીને સુનિતાના પપ્પાને અને શીલા ને વાત કરી, તારું અને શીલાનું સગપણ નક્કી કરવાનુંહતું. તું પાગલ છે !!ટ્રેનમાં ગયો હોત તો તને ક્યાં શોધવા આવત ???

તે જે વિચાર્યું એવું હવે કશું જ નહીં બને !! આપણી વચ્ચે ત્રિકોણ નથી … આ જો ચતુષ્કોણનો ચોથો ખૂણો રાહ જોઈ રહ્યો છે !! જયે. શીલાની સામે જોયું ! અને પછી બધાની સામે જોયું … તે મલકી ઉઠ્યો અને શીલા શરમાઈને અંદર જતી રહી !!! જયના પપ્પા અને સુનીતા ના પપ્પા ગળે મળીને વેવાય બનવાની શુભેચ્છાઓ આપીને ભેટ્યા . જય ઊભો થઈને બન્નેને પગે લાગ્યો અને વીરેન્દ્રને ભેટી પડ્યો !!

અને વિરેન્દ્ર એ તો જયની પીઠ પર એક ધબ્બો મારતાં કહ્યું , “ચાલ , હવે મને અને સુનિતાને, અમને બંનેને તારે હનીમૂન પર સાથે લઇ જવાના છે !! હું પણ લઈ ગયો તો યાદ છે ને ??? “” ભીની આંખે જય શરમાઈ ગયો !! અને લગ્નની શરણાઈ વાગી રહી!!!વીરેન્દ્ર નાચતો નાચતો ગાય છે…! “….મેરે યાર કી શાદી હૈ….!!!”

લેખક : દક્ષા રમેશ

દરરોજ દક્ષા રમેશની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ