ઢોસો – નાનકડા ગામડાના એ બાને દીકરો પહેલીવાર શહેરમાં લઇ આવ્યા..

*”વધારે નહીં તો થોડો ભાગ મને પણ આપો,*

*તમે જે આનંદ લુટયો જે તમારી જિંદગીમાં…”*

70 વર્ષના સવિતાબા જીવનમાં પ્રથમ વખત તેમના નાનકડા ચાંગા ગામમાંથી બહાર નીકળ્યા. તેમની દીકરી હર્ષાના અતિ આગ્રહ અને હર્ષાની દીકરી દિશાની પ્રેમભરી જીદ અને તમે નહીં આવો તો હું કયારેય મોસાળ નહીં આવુ, તેવી મીઠી ધમકીને વશ થઇને તે જામનગર આવ્યા હતા. માંડ 150 જેટલા ઝુંપડા જેવા ઘર ધરાવતું , ધુળિયા ગામ ચાંગામાંથી પ્રથમ વખત બહાર નીકળતા સવિતાબા આશ્ર્ચર્યથી બઘું જોતા હતા. શહેર જોતા જોતા તેમનું બોખુ મોઢું ખુલ્લુ જ રહી ગયું. ગામડાની બહાર આવી દુનિયા હોય તેવું તેમણે કયારેય વિચાર્યું જ ન હતું.

image source

સવિતાબાના 17 વર્ષની ઉંમરે જ લગ્ન થઇ ગયા હતાં. એક પછી એક એમ ચાર દીકરા અને પાંચ દીકરીઓના જન્મ પછી તેમાં જ તેમની દુનિયા સમાય ગઇ. લગભગ બઘા જ કુટુંબીજનો આજુબાજુમાં જ હતા, એટલે તેમને બહારગામ જવાનું બનતું જ નહી. કયારેક કોઇ કૌટુંબિક પ્રસંગ કે વ્યવહારિક કારણસર જવું પડે તો તેમના પતિ હિંમતલાલ જઇ આવતા. ગામડામાં જ અભાવો વચ્ચે જીવન જીવતા હતા. એક એક પાઉં કે એક રોટલાના ચાર ચાર કટકા કરીને સંતાનોને નાસ્તામાં આપતા આપતા જીવનના સાત દાયકા વીતાવી શકયાં.

બાળકો મોટા થઇ ગયા. એક પછી એક કંઇકને કંઇક કામ ધંધો શોધીને ચારેય દીકરા શહેરમાં જતાં રહ્યાં અને દીકરીઓ પરણીને સાસરે જતી રહી. બઘા જ સંતાનો પાંખ આવતા જ પંખી જેમ માળો છોડીને જાય તેમ જતા રહ્યાં. જયારે સવિતાબા માળો પકડીને બેસી રહ્યાં. લાંબી બિમારી પછી હિંમતલાલનું અવસાન થયું, એટલે સવિતાબા સાવ એકલા થઇ ગયા. વેકેશનમાં બઘા ભેગા થતા ત્યારે થોડા દિવસ ખુશ રહેતા. તેમને દીકરીઓ ઘણો આગ્રહ કરતી, પણ તે કયાંય જતા નહી. ‘મને આ ઘર સિવાય કયાંય ન ફાવે’ તેમ કહીને બઘાની વાતને ટાળી દેતા.

image source

આ વખતે તેમનો મોટો દીકરો અને વહુ હર્ષાના ઘરે જામનગર જતાં હતાં. એટલે દિશાની ધમકીને કારણે સવિતાબા પણ ગયાં. ગામડામાંથી પહેલીવાર જામનગર આવીને જાણે અજાયબ દુનિયામાં આવી ગયા હોય તેમ લાગતું હતું. જમતી વખતે થાળીમાં એક મીઠાઈ, બે શાક, રોટલી, કચુંબર, સલાડ, દાળભાત, પાપડ, છાસ જોઇને તેઓ જોતા જ રહી ગયા. દિશાને નાનીમાની હાલત પર હસવું આવતું હતું.

આખી જિંદગી રોટલો અને ખીચડી ખાઇને જીવેલા સવિતાબાને આ બઘું જાણે અન્નકોટ જેવું લાગતું હતું. હર્ષા અને દિશાએ આગ્રહ કરીને બઘું ખવડાવ્યું. બીજા દિવસે અગિયારસ હતી હર્ષાએ અગિયારસ માટે સાબુદાણાના વડા, સામાની ખીચડી, ફરાળી કઢી, શીરો બઘું જ બનાવ્યું હતું. સવિતાબા હર્ષાને કહેવા લાગ્યા કે, “આ શું છે ? મારી અગિયારસ તો બેવાર ચા પીવાથી જ પૂરી થઇ જાય છે.” દિશાને હસવું આવતું હતું.

image source

દિશા સવિતાબાને પોતાની સ્કુટીમાં બેસાડીને ગામમાં ફરવા લઇ ગઇ. પાછા આવીને સવિતાબાએ પૂછયું કે, ” બેટા… આ ઢોસો એટલે શું ?” દિશા ખડખડાટ હસી પડી અને બોલી, “બા… તમને ઢોસો નથી ખબર ?” સવિતાબા નિર્દોષતાથી કહેવા લાગ્યા, “ના બેટા, મેં તો કયારેય જોયો નથી, આ તો ચાંગાથી કોઇ શહેરમાં ગયા હોય તો ઘરે આવીને વાત કરતા હોય કે આજે ઢોસો ખાધો, શું તે ખાવાની વાનગી છે ? કેવો હોય ?” બાની વાત સાંભળીને દિશા કંઇ ન બોલી, બસ મનોમન એક નિર્ણય કરી લીઘો અને મમ્મી સાથે વાત કરી લીઘી.

બીજા દિવસે બહાર જવું છે તેમ કહીને સવિતાબાને હોટલમાં લઇ ગઇ. હોટલમાં જઇને દિશાએ બઘા માટે ઢોસો મંગાવ્યો. ડીસમાંથી બહાર નીકળી જાય તેવા મોટા, બટરથી ચમકતા, મસાલાની ખુશ્બુથી મહેકતા ગરમ ઢોસાને જોઇને સવિતાબાની આંખો અને મોઢું ખુલ્લા જ રહી ગયા. કાંટા ચમચીનો ઉપયોગ કેમ થાય .? ચટણી અને સાંભાર સાથે કેવીરીતે ખાવું ..? તે વિચારતા રહ્યાં. દિશાએ તેમને હાથેથી ઢોસાનો કટકો તોડીને ખવડાવ્યો. ચમચી સાઈડમાં મૂકીને હાથેથી જ ખાવા કહ્યું. ઢોસો ખાતા સવિતાબાના ચહેરા પર ખુશી જોઇને હર્ષા અને દિશાની આંખમાં આંસુ આવી ગયા. ઘરે જઇને સવિતાબા બઘાને મેં ઢોસો ખાઘો એ વાત ઉત્સાહથી કરતા હતા.

image source

આજે સવિતાબા નથી, પણ જયારે જયારે હર્ષા અને દિશા ઢોસો ખાય છે, ત્યારે અચૂક સવિતાબાને યાદ કરે છે. આપણે આપણા વડીલોની બઘી ઈચ્છા પૂરી કરી શકતા નથી. આજની ફાસ્ટ લાઈફમાં તેમને સમય આપી શકતા નથી. પણ…. કયારેક તેમની એક – બે નાનકડી ઈચ્છા પૂરી કરી જો જો… તેમના ચહેરા પર ચમકતી ખુશી જોઇને તમને પણ આનંદ આવી જશે.

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ