શું તમને ગુજરાતી ભાષા વ્હાલી છે? તો તમારે માહિતી વાંચવી જ જોઈએ…

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;
નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બંધન..!

કેવું મીઠું લાગે નહિ આ સાંભળવું?
કેટલા ભવ્ય છે ને આ હરિન્દ્ર દવે ના પ્રેમથી સભર ગુજરાતી શબ્દો?!!
બહુ થોડા શબ્દોમાં જ સામે વાળી વ્યક્તિને કેટલી સરળતાથી ઘાયલ કરી શકાય છે તેનું પ્ર્ત્યક્ષ ઉદાહરણ છે આ…
રાહત ફતેહ અલી ખાન નું આફરીન આફરીન સાંભળવાની મજા આવે પણ ગાલ પર શરમના શેરડા પાડી લજ્જાથી આંખો જુકાવી દેવા તો મનહર ઉદાસનું શાંત જરૂખે જ ગાવું પડે…
કોઈને You are my addiction કહેવા કરતાં ‘તારી આંખ નો અફીણી’ કહો તો તેના ગાલ એક વખત તો શરમથી લાલ થઈ જ જાય, તેમાં કોઈ શક નથી.
ગુજરાતીનીતો વળી ખાસિયત જ એ છે કે પ્રાંતે પ્રાંતે તે અલગ પડે…

સૌરાષ્ટ્રની બોલી અલગ તો વળી કાઠીયાવાડની ભાષા જુદી,અમદાવાદનો લહેકો જુદો તો મેહસાણાની વાત અલગ જ, સુરતનો ફરી અંદાજ બદલેને કચ્છની તો શું વાત જ કરીએ નહિ?
પણ શું ખરેખર આપણે આ ભવ્ય ભાષાને લાયક છીએ? આપણી આટલી સમૃદ્ધ ભાષા નું આપણને થોડુક પણ માન કે ગૌરવ છે?

આપણી યુવા પેઢી બહુ ગર્વ થી કહે છે કે મને ગુજરાતી બોલતા નથી આવડતું, કોઈ જ્ગ્યા એ ગુજરાતી વાંચવાની ફરજ પડે તો પણ વિદેશીઓ ની જેમ ભાંગ્યું તૂટ્યું પગ માથા વગર નું ગુજરાતી બોલી ને હસી પડશે… અને આશ્ચર્ય ની વાત એ છે કે તેમની આસપાસ ના લોકો પણ આ વસ્તુ અતિશય હળવાશ થી લેશે… ગુજરાતી થઈને ગુજરાતી ના આવડવું એ હવે ફેશન થઈ ગયું છે. અને પૂરો દેશ આનું આંધળું અનુકરણ કરે છે.

ઇંગ્લિશ બોલવામાં થોડીક પણ ભૂલ થઈ જાય તો કહેવાતા‘GrammerNazzis’ માથું ખાઈ જાય. 15 મિનિટ સતત ભાષણ ચાલે. ક્યો શબ્દ કેમ વાપરવો, કઈ રીતે વાપરવો, ક્યા કાળ માં વાપરવો જોઈએ વગેરે વગેરે… પણ એ જ ‘GrammerNazzis’ ને એમ કહો કે રોંઢે વાત કરીએ તો તેમાં તેને કઇંજ ખબર ના પડે. જેટલી ચોકસાઇ ઇંગ્લિશ માટે વાપરો છો તેટલી માતૃભાષા માટે કેમ ના હોય શકે???

આપણે એક એવો સમાજ રચી રહ્યા છીએ જેમાં આપણી ભાષા ની જ કોઈ વેલ્યૂ નથી આપણાં માટે. આપણી 4 ચોપડી ભણેલી માતાઓ પણ પોતાના બાળક ને એમ જ પૂછે છે કે ‘એપલ કટ કરી આપું?’…આપણી પંચતંત્ર ની વાર્તાઓ ને જ્ગ્યા એ હવે સિન્દ્રેલા અને સ્નો વ્હાઇટ ની જ વાર્તાઓ સંભળાવાય છે. જીજાબાઈ ના હાલરડાં ની જ્ગ્યા એ ‘A Fairy went to market’ ની ગાથાઓ ગવાય છે. અરે આપણાં માટે તો આપણાં કેલેન્ડર સુધી નું મહત્વ નથી.

વિક્રમ સંવંત શું છે? રાજા વિક્રમ કોણ છે? કારતક થી આસો સુધી ના મહિનાઓ શું છે તે શું ખરેખર આજની નવી પેઢી જાણે છે??

દર ચાર વર્ષે લીપ યર આવે તે બધા જાણે છે પણ દર ત્રણ વર્ષે આપણે અધિકમાસ આવે તે વસ્તુ ની ખરેખર હવે કોઈ જાણકારી રાખે છે?!!

હું નથી સમજી શક્તી કે આપણે શું કરવા બેઠા છીએ? આપણાં મન માં ગુજરાતી મીડિયમ ની સ્કૂલ અને તેમાં ભણેલા વિધ્યાર્થીઑ ની ખરેખર શું વેલ્યૂ છે તે જાણીએ જ છીએ ને…
કોનવેન્ટ સ્કૂલ,CBSE સ્કૂલ અને ICSE સ્કૂલ વાળા બાળકો ગુજરાતી મીડિયમ ના બાળકો ને પોતાની સમકક્ષ પણ ગણવામાં ક્ષોભ અનુભવે છે.

અરે બાકી બધુ તો છોડો ખુદ આપણું શિક્ષણ ખાતું જ એડમિશન વખતે ગુજરાતી મીડિયમ ના વિધ્યાર્થીઓ કરતાં ઇંગ્લિશ મીડિયમ માં ભણેલા વિધ્યાર્થીઓ ને વધારે પ્રયોરિટી આપે છે.
આ તો ઠીક છે કે ‘છેલ્લો દિવસ’,‘બે યાર’ અને ‘લવ ની ભવાઇ’ જેવા મૂવી બન્યા અને ગુજરાતી સિનેમા નું હવે નામ થયું… બાકી 4 વર્ષ પહેલા કોઈને કહો કે ગુજરાતી પિક્ચર જોવા જવું છે તો પણ સામેવાળી વ્યક્તિ બે વખત વિચારે
ગુજરાતી લેખકો અને કવિઓ ના વૈભવ ની તો વાત જ નિરાળી છે…
મેઘાણી ની વાર્તાઓ, અશ્વિની ભટ્ટ ની લેખન શૈલી, અખા ના છપ્પા ને દલપતરામ ના કટાક્ષ ની તો શું વાત કરીએ…

અને તે સિવાય સોનેટ, છ્ંદ, ભવાઇ, ગરબા, કવિતાઓ, ગઝલો, નવલકથાઓ ને બીજું કેટલું બધુ
પણ આપણે જે સમાજ રચવા જઇ રહ્યા છીએ તેમાં શું આવનારી પેઢી આ સાહિત્ય ના વૈભવ ની મજા લઈ શકશે?

શું તેમને મેઘાણી કે કવિ બોટાદકર કોણ હતા એ ખબર પણ પડશે?
આપણી દેવભાષા સંસ્કૃત અત્યારે કોઈ નથી બોલતું…
ક્યાક ગુજરાતી સાથે પણ આવું જ કઇંક ના થાય

ઉર્દુ લુપ્ત ના થાય તે માટે જ દરેક મુસ્લિમ ફેમિલી પોતાના બાળકો ને મ્દ્રેસા માં ફરજિયાત મોકલે જ છે. અને થોડુક તો થોડુક દરેક મુસ્લિમ વ્યક્તિ ઉર્દુ જાણતી જ હોય છે.
આપણે સંસ્કૃત માટે તો કઈ નથી કરી શકયા પણ ગુજરાતી માટે તો હજી આપણી પાસે સમય છે જ…
આવનારા 10 વર્ષો માં ગુજરાતી મીડિયમ ની શાળાઓ નહિ રહે કદાચ… તે પછી ગુજરાતી શીખવાનું માધ્યમ શું રહેશે તે વિચારવાની જરૂર નથી લાગતી?
આટલી સુંદર ભાષા ને એમજ આપણે કોઈ બીજી વિદેશી ભાષા ના આડંબર માં લુપ્ત થવા દઇશું???
જરૂર છે કે આખું ગુજરાત હવે ગુજરાતી માટે કઇંક કરે

લેખક : દર્શિતા જાની

તો તમે જણાવો શું કરવું જોઈએ આપણી ગુજરાતી ભાષા માટે? કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી