દીલ્લીની એક માત્ર ઓટો એમ્બ્યુલન્સ ચલાવીને, સેંકડો લોકોના જીવ બચાવનાર 76 વર્ષના આ વડિલે માનવતાને આજે પણ સમાજમાં ધબકતી રાખી છે.

તમે ક્યારેક દીલ્લી જાઓ અને કોઈ રીક્ષા જુઓ અને તેમાં તમને બેસીક મેડિકલ સગવડોનો સામાન જોવા મળે તો આશ્ચર્ય ન પામતા. આ ઓટો રીક્ષા નહીં પણ ઓટો એમ્બ્યુલન્સ છે જેને 76 વર્ષના વડીલ હરજીંદર સીંઘ ચલાવે છે. બહારથી આ રીક્ષા તમને રસ્તા પર દોડતી લાખો રીક્ષાઓ જેવી જ લાગશે.

પણ જો તમે તેને ધ્યાનથી જોશો તેના હૂડની પાછળની બાજુએ એટલે કે રીક્ષાની બેક સાઇડ પર લાલ અક્ષરમાં લખ્યું હશે ‘ફ્રી એમ્બ્યુલન્સ ફોર ઇન્જર્ડ ઈન રોડ એક્સિડેન્ટ’ એટલે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા માટે મફત એમ્બ્યુલેન્સ સેવા.

 

View this post on Instagram

 

A post shared by Roaming around the Streets 👣 (@delhiexplorer) on


હરજીંદર સીંઘ જણાવે છે કે તેઓ તેમના છેલ્લા ધબકારા સુધી રોડ અકસ્માતમાં ઘાયલ થનારાઓને મદદ કરશે અને મફતમાં દાક્તરી સેવા આપશે. તમને ફોટોમાં આ ઓટો એમ્બ્યુલન્સ ભલે સાવ સાદી લાગતી હોય પણ વાસ્તવમાં સીંઘે આ જ રીક્ષા દ્વારા સેંકડો લોકના જીવ બચાવવામાં મદદ કરી છે. તેમનું કહેવું છે કે એવરેજ ગણવામાં આવે તો તેઓ રોજ એક વ્યક્તિને તો મદદ કરે જ છે.

તેઓ દીલ્લી ટ્રાફિક પોલિસના એક્સ ટ્રાફિક વોર્ડન છે. આ ઉપરાંત તેઓ બ્લડ શુગરની દવા પણ રીક્ષામાં રાખે છે જે તે મફતમાં આપે છે. તેઓ જ્યારે ટ્રાફિક વોર્ડન હતા ત્યારથી જ રોડ અકસ્માતમાં ઘાયલ લોકોની મદદ કરવા માગતા હતા અને તેમના આ ઉદ્દેશને પુરો કરવા માટે જ તેમણે રીક્ષા લીધી હતી અને તેમણે વાસ્તવમાં આ ઉદ્દેશને પૂરો કર્યો છે.

તેઓ આ સેવા મફતમાં આપે છે અને તેના માટે તેઓ વધારાનું કામ પણ કરે છે. તેઓ વધારે સમય રીક્ષા ચલાવીને પોતાની આ ઓટો એમ્બ્યુલન્સ માટે પૈસા બચાવે છે. અને તે પૈસાથી રીક્ષામાં ઇંધણ પુરાવે છે અને દિલ્લીના જે ખાસ અકસ્માત સંભવિત વિસ્તારો છે તેના ચક્કર લગાવે છે. તેમણે તેમના આ અભિયાનના પહેલાં દીવસે જ્યારે એક વ્યક્તિને મદદ કરી ત્યારથી પાછળ વળીને જોયું નથી. તેમના મનમાં ક્યારેય કોઈપણ સંજોગોમાં આ કામ છોડવાનો વિચાર નથી આવ્યો.

આ ઉપરાંત તેમણે વધારાની મદદ માટે પોતાની ઓટો રીક્ષામાં એક ડોનેશન બોક્ષ પણ રાખ્યું છે જો કે તેમણે ક્યારે પોતાના મુસાફરો પાસેથી પોતાના આ પરોપકારી ભર્યા કામ માટે ક્યારેય પૈસા નથી માગ્યા. આ દાનપેટીમાં મુસાફરો દ્વારા જે પણ પૈસા નાખવામાં આવે છે તેનો ઉપયોગ તેઓ એક્સિડન્ટના શિકાર વ્યક્તિ માટે દવાઓ લેવામાં કરે છે આ સિવાય આગળ જણાવ્યું તેમ તેઓ ડાયાબિટીસની દવા પણ ફ્રીમાં આપે છે.

તેઓ દવાઓ બાબતે જણાવે છે કે શરૂઆતમાં તેમની રીક્ષામાં દવાઓનો ડબ્બો નહોતો રાખવામાં આવતો કારણ કે તેમને દવાઓની ખબર નહોતી. પણ તેમણે તે માટે દવાઓનો એક નાનકડો કોર્સ કર્યો કે જેનો તેઓ કટોકટીની સ્થિતિમાં ઉપયોગ કરી શકે. બીજાને મદદ કરવાથી જે લાગણી તમારા હૃદયમાં ઉપજે છે તેનાથી સારી લાગણી બીજી હોઈ જ ના શકે.

તેઓ પોતે જે ઘાયલોને મદદ કરી છે તે વિષે જણાવતા કહે છે કે “મારી દરેક મદદથી મારું કુટુંબ વિશાળને વિશાળ બનતું જાય છે. થોડા સમય પહેલાં મેં બે ભાઈઓને બચાવ્યા હતા જેમને કારે ટક્કર મારી હતી. તેમને હું તરત જ બે કી.મી દૂર આવેલી હોસ્પિટલમાં લઈ ગયો હતો. તેઓ બન્ને બચી ગયા અને આજે પણ મારા સંપર્કમાં છે. આનાથી વધારે મોટી ખુશી બીજી કઈ હોઈ શકે.”

પણ જો તમને એમ થતું હોય કે શું તેમનું પોતાનું કોઈ કુટુંબ નથી તો બીજાની સંભાળ લે છે ? ના, તેવું નથી. તેમનું પોતાનું કુટુંબ ખુબ જ પ્રેમાળ છે. પણ તેમનું એવું માનવું છે કે જ્યાં સુધી શરીર સરસમજાનું ચાલતું હોય ત્યાં સુધી તમારે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ.

તેઓ જણાવે છે કે ઘણીવાર લોકો તેમની ઓટો પર જે લખેલું છે તેને વાંચીને ઉભી રખાવે છે અને તેમની પાસેથી દવાઓ લે છે. તે તે લોકોના નામ અને સરનામાં એક ડાયરીમાં નોંધી લે છે. રોજ તેમણે જે પણ કમાણી કરી હોય છે તેમાંથી તે અરધોઅરધ પૈસાની દવા ખરીદી લે છે. રોજ તે જે દવાઓ ખરીદે છે તે બીજા જ દિવસે વપરાય છે. બીજું એ કે તેઓ પોતે પણ એક આયુર્વેદીક વૈદ છે, અને તે લોકોને પણ ખરાબ સ્વાસ્થ્ય માટે શું કરવું તેની સલાહ આપે છે.

ઘણા બધા કિસ્સાઓમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ માત્ર એટલા માટે મરી જાય છે કે તેને તરતને તરત મેડીકલ સારવાર આપવામાં ન આવી હોય તેમને તરતને તરત હોસ્પિટલ લઈ જવામાં ન આવ્યા હોય. કારણ કે ત્યાં હાજર લોકો માત્ર ઉભા રેહવાનું અને હવે તો વિડિયો ઉતારવાનું કામ કરે છે અને માણસને મરતો જોઈ રહે છે.

તમને જણાવી દઈએ કે દીલ્લી સરકારે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે સરકાર તરફથી અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મફત સારવાર મળશે આ ઉપરાંત જે વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ આવશે તેમને સરકાર તરફથી 2000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.

આશા છે કે સરકારની આવી જાહેરાતથી હરજીંદર સીંઘ જેવા સેવાભાવી, પરોપકારી વ્યક્તિને પણ મદદ મળે અને તેઓ હજુ વધારે લોકોનો જીવ બચાવી શકે અને સમાજમાં માનવતાને જીવંત રાખે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ