“ચટપટા દહીં ભલ્લા” ઘરમાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવશે, આજે જ બનાવો…

આ વાનગી આમ તો પંજાબી વાનગી છે પણ દિલ્લીના સ્ટ્રિટ ફૂડમાં તેનો સમાવેશ થાય છે. નામ કદાચ બહું સાંભળ્યું નહીં હોય પણ જો તમે તે એક વાર ચાખ્યા તો તેની રેસિપી શોધવા માટે આખું ઇન્ટરનેટ ફરી વળશો. માટે અમે તમને તેટલી તકલીફ નહીં લેવા દઈએ પણ આજે તમને સ્વાદિષ્ટ દહીં ભલ્લાની રેસિપી જણાવીશું. આ વાનગી સ્વાદિષ્ટ તો છે જ પણ થોડાં જ સમયમાં બની જાય તેવી છે.

સામગ્રીઃ

1 કપ ધોયેલી અડદની દાળ,
1 કપ ધોયેલી મગની દાળ,
સ્વાદઅનુસાર મીઠું,
અરધી ચમચી જીરુ,
એક ઇંચ આદુનો ટુકડો જીણો સમારેલો,
2 નંગ સમારેલા મરચાં,
2 કપ ઘાટું દહીં,
1 કપ ખાંડ,
જીરાનો પાવડર,
ચપટી સંચળ,

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ ઉપર જણાવેલા પ્રમાણમાં અડદ અને મગની દાળ લો. તેને 2થી 3 કલાક પાણીમાં પલાળી રાખો. પછી બન્ને દાળને મિક્સરમાં વાટી લો. આ વાટેલી દાળમાં સ્વાદાનુસાર મીઠું, જીરુ, આદુ લીલા મરચા નાખી બરાબર હલાવી લેવું.

હવે તળવા માટેનું પેન લો અને તેમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય ત્યારે તેમાં ખીરાના ભજીયા તળો. લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બરાબર તળાઈ જાય એટલે તેને કીચન પેપર પર કાઢી લો. જેથી કરીને વધારાનું બધું જ તેલ સોશાય જાય. ત્યાર બાદ તેને થોડો સમય ઠંડા પડવા દેવા અને ઠંડા પડ્યા બાદ તેને ગરમ પાણીમાં પલાળી દો. હવે એક બીજું વાસણ લો. આ વાસણમાં દહીને બરાબર વલોવી લો. તેમાં ખાંડ, મીઠું, જીરુ અને સંચળ નાખી હલાવી લો.

હવે પલાળેલા ભલ્લાને પાણીમાંથી કાઢી તેમાંથી પાણી દબાવીને કાઢી લેવું. ત્યાર બાદ ભલ્લાને દહીમાં નાખો. હવે તેન 12થી 15 મિનિટ સુધી પલાળી રાખો. તેના પર આમલીની ચટણી તેમજ લીલી ચટણી નાખી એક પ્લેટમાં સર્વ કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ રસપ્રદ વાનગી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી