દિકરીનું કન્યાદાન તો દિકરાનું…..???? વાત વિચારવા જેવી ખરી…

“તમને કાંઈ ખબર ન પડે !! રહેવા જ દ્યો તમે તો ..આ બધી મગજમારી માં તમે ન પડો !!શાંતિ થી મેચ જુવો ને મજા કરો ! રમવાનું રહેવા દ્યો !! આ ઘર છે ક્રિકેટ નું મેદાન નથી !! .” મનીષાબેને સીધેસીધું મેચના શોખીન નરેશભાઈ ને કહી દીધું.

આમ તો નરેશભાઈ જનરલી ઘરની નાની મોટી વાતો માં અને બધી જ બાબતો માં જે કાંઈ કરવુ હોય એ માટે એમના પત્ની ને પૂરેપૂરો હક આપેલ, પણ જ્યારે જરૂર જણાય ત્યારે કહેવાનું ચુકતા નહિ અને જ્યારે એ બોલે ત્યારે મનીષાબેને એમની વાત માનવી જ પડે !! પરાણે કે કમને … કેમ કે નરેશ ભાઈ ઘર ની બાબતમાં ત્યારે જ બોલતાં કે જ્યારે મનીષાબેનને રોકવા પડે કે કહો ને રાષ્ટ્રપતિ નો વિટ્ટો પાવર !!! કે પછી થર્ડ અમ્પાયર સમજો … જે ગણો એ… ઘર માં આજે બન્યું પણ એવું જ કે નરેશભાઈ થી બોલ્યા વગર ન રહેવાયું.


વાત જાણે એમ હતી કે આ દંપતિ ને સંતાન માં એક દીકરો ને એક દીકરી . સંજય બે વર્ષ મોટો સોનુ થી પણ યોગ્ય માંગા આવતાં ભાઈબેન બેય ના આ વર્ષે જ લગ્ન કરી નાંખ્યા. દીકરી વળાવી ને વહુ લઈ આવ્યા. શરૂ શરૂ માં તો બધું બરાબર હતું . મનીષાબેન તો ફુલ્યા સમાતા ન્હોતા. દીકરીને સારું ઘર ને સારો વર મળ્યાતા અને દીકરા ની વહુ પણ … આમ તો સારું જ હતું . પણ, વાંધો ક્યાં હતો ??

સોનુ દીકરી ને એના ઘરે ડ્રેસ ને જીન્સ ટોપ પહેરવાની છૂટ હતી , ઘરે કામવાળા કામ કરે શનિરવી બન્ને ફરવા ઊપડી જાય એ સિવાય પાર્ક ને પિક્ચર ને હોટેલ નું ડિનર તો હાલત ને ચાલતા ગોઠવાતું હોય .મનીષાબેન તો વખાણ કર્યે થાકતા ન્હોતા. ” અમારી સોનુ પહેલેથી જ નસીબદાર છે !! સુખ લખાવી ને જ આવી છે !! ” પણ છતાંયે મનીષાબેન હમણાં હમણાંથી મનમાં ધૂંધવાયે રાખતા. એનું કારણ સંજય અને એની વહુ સ્નેહા હતા.


બન્યું એવું કે સંજય પોતાનો દીકરો હોવા છતાં હમણાંથી કઈ બદલાયેલો લાગતો હતો. પહેલા તો સવારે ઊઠાડી ને થાકી જાય તોય ન ઊઠતો સંજુ ! નાહી ધોઈને ફ્રેશ થઈ ને જ રૂમ માંથી બહાર આવે અને મમ્મી પપ્પા ને હગ કરી ને ઓફિસે જતો રહે. બપોરે જમીને સીધો બેડરૂમ માં જતો રહે , લગ્ન પહેલા તો ડ્રોઈંગરૂમ માં tv જોતા જોતા જમતો ને જમી ને મમ્મી ના પાડે તોય સોફા માં જ સૂતા સુતા tv જોતો. અને હવે સાંજનો પ્રોગ્રામ તો વગર પુછયે હોય જ.. સ્નેહા પણ સાસુ અને સસરા ની રસોઈ બનાવી ને પોતે તૈયાર જ હોય !! બહાર ડિનર ને મુવી ને ફ્રેન્ડઝ ના ઘરે બેસવા ને ટોળટપ્પા.!!.

આમ ને આમ , શરૂ શરૂ માં તો ઠીક હશે, સમજ્યા , પણ પછી… મનીષાબેન અકળાઈ ઊઠ્યા. નાની નાની વાત માં સ્નેહા પર ચીડાવા લાગ્યા . સ્નેહા કઈ પૂછે તો સીધો જવાબ દેવા ને બદલે , ” અમને શુ ખબર પડે ?, તમે જાણો !! આવા નિરુત્સાહી જવાબો સાંભળી ને સ્નેહનું મન પણ દુઃખી થતું એ એના માસૂમ ચહેરા પર તરત દેખાતું.અને એ બાબત નારેશભાઈથી છાની નહોતી .પણ..


. મનીષાબેન પોતેય કઈ ખુશ ન્હોતા દેખાતા.એટલે જ આજે આ વાત માટે નરેશભાઈ બોલ્યા , ” મનીષા ! સોનુ એના ઘરે સુખી છે અને આપણને પણ દીકરી જેવી વ્હાલી વહુ મળી છે !! અત્યારે સમય બદલાઈ ગયો છે, દીકરાની વહુ આવે એટલે ઘરના માળાને પીંખી નાંખે છે… પણ, ખરેખર આપણે નસીબદાર છીએ કે સ્નેહા જેવી સમજદાર લક્ષ્મી જેવી વહુ મળી છે આપણને !!

મનીષાબેન બોલ્યા, ” શું ધૂળ ?લક્ષ્મી ?? આ જુઓ ને આપણા સંજય ને !! સાવ બદલાવી નાખ્યો છે એની વહુએ એને ! આપણો દીકરો હવે આપણો નથી રહ્યો!! કહી ને મનીષાબેન નું ડૂસકું બાર નીકળી આવ્યું. અત્યાર સુધી રોકાયેલા આંસુ ને એ હવે રોકી ન શક્યા. કુદરતી નિયમ મુજબ પહેલા જ આ ઘર માં બે ભાગ પડી ગયા હતાં . સોનુ નરેશભાઈની લાડલી અને સંજુ મમ્મી નો લાડલો !! અને હવે સોનુ ને તો પરણાવી ને વિદાય કરી દીધી અને રુમઝુમ પગલે સ્નેહા જેવી પ્રેમાળ પુત્રવધુ લાવી…. નરેશભાઈ ને તો જાણે એક સોનુ ગઈ ને બીજી આવી ગઈ.. પણ..કોણ જાણે કેમ સંજય માટે મનીષાબેન નું મન ખાલીપો અનુભવતું હતું.

નરેશભાઈ એ સીધું જ પૂછ્યું , ” મનીષા , તું જ કહે , સ્નેહા માં કઈ કહેવાપણું નથી. મજાની ઢીંગલી જેવી હસતી ખીલતી છોકરી … આ ઘરની વહુ તરીકે ની કોઈ ફરજ ચૂકતી નથી. તારી સામે ક્યારેય દલીલ કરતી નથી સાંભળી. રસોઈ પણ મસ્ત બનાવે છે , મહેમાનોની સરભરા કરે છે. અને આપણી સોનુ ને અને એના સાસરિયાવ ને પ્રેમ થી આગ્રહ કરીને આમંત્રણ આપે છે. આનાથી વધારે શુ જોઈએ આપણને ? હું જોવ છું તારી આંખો ની નારાજગી ….જે દિવસે દિવસે વધતી જાય છે અને એનું રિફલેક્ષન સ્નેહા પર પણ દેખાય છે.અત્યાર ના સમય માં કોઈને રૂપિયા નો અભાવ નથી પણ, ઘરે ઘરે આવી નાની અમથી સમસ્યાઓ જ હોય છે જે મોટી અને વિકટ બનતા વાર નથી લાગતી. તું એ ન ભૂલતી કે તું જે રીતે વર્તે છે એ ઝેર ન ફેલાવ જે ધીમે ધીમે આપણા ઘરસંસારના ઉપવનને ઉજ્જડ વેરાન કરી મુકે !!


જેવી રીતે દીકરી ને વિદાય કર્યા પછી સમજદાર માતાપિતા એના જીવન માં સખળડખળ કરતા નથી એવી જ રીતે દીકરા વહુ ને પણ થોડી સ્પેસ આપવી જોઈએ.. જો થોડીક ઢીલ મૂકીએ સંબંધો માં તો એ પણ પતંગની જેમ પ્રફુલ્લતા ના આકાશ માં સારી રીતે લહેરાશે… આજની પેઢી ને એકદમ ટાઈટ પકડીશ તો એ … દૂર ભાગી જશે આપણાથી છૂટવા તરફડીયા મારશે..

હવેની પેઢી સાથે જો આનંદ થી જીવવું હશે તો એની પતંગિયા જેટલી કાળજી રાખો.. પ્રતિકૂળતા ના પવન થી બચાવો પણ જકડાવી ને મુઠ્ઠી માં બંધ ન કર.એ ગૂંગળાઈ જાય !! ખેલાડી બરાબર રમતા હોય ત્યારે કેપ્ટન કે વાઇસ કેપ્ટન કાઈ બોલ્યા વગર રમત નો આનંદ માણે એ પણ જરૂરી છે.

દીકરી ને વળાવી ને આપણે તેમના પર નો આપણો હક્ક ઓછો કર્યો છે છતાં વાર તહેવારે જેમ આપણી સોનુ અને જમાઈ આપણી સાથે આવે છે પોતાની મરજી મુજબ જીવે છે ,તેમ સંજુ અને સ્નેહા ને પણ જીવવા દે…સંજુ ને પણ વહું ને હવાલે કરી દે . દીકરી ની જ વિદાય કરવાની એવું નથી. જેમ આપણે બોલીએ કે “દીકરી દઈ દીકરો લીધો !!!” એમ વહુ લાવી એ ત્યારે કેમ નથી કહેતા કે ” અમે દીકરી લાવી ને દીકરો દીધો !! ” ત્યાં બોલતા બોલતા નરેશભાઈ ને અંતરાસ ગયું ને એકદમ ઉધરસ આવવા લાગી.!!!!


મનીષાબેન કહે ,તમે આ મેચ જોતા હતા એ સારું હતું તમને રમતા નહિ આવડે આ ઘર છે વ્યવહાર છે રમતવાત નથી !!!…જુવો તમે tv માં મેચ છાનામાના !!, હું ના પાડતી ‘તી કે તમે તો રહેવા જ દ્યો બોલો જ નહીં !! ન માન્યા ને !! ” પાસે રહેલ જગ માંથી પાણી ભરી ને પતિ ને આપ્યું અને વાંસા માં પ્રેમ થી હાથ ફેરવી ને ઊભા થઈ ખાલી જગ ને ગ્લાસ મુકવા કિચન માં ગયા . પણ વળતાં એમને સ્નેહા નો અવાજ સંભળાયો,.

” ના , ના, પપ્પા તમને ન ખબર પડે , હું ને સંજુ એમ રોકાઈ ન શકીએ . તમે કઈ બીજી વ્યવસ્થા કરી લેજો. અમે આવશું ત્યાં પણ એકાદ બે કલાક માટે જ… તમારી બન્ને ખબર પૂછી જઈશું મળી જઈશું…પણ, રોકાવા નું તો કહેતા જ નહીં.. !! પપ્પા , એ તમને ન સમજાય.. અમે આવશું ત્યારે રૂબરૂ જ વાતો કરીશું !!!””

ત્યાં જ સ્નેહા ની નજર સાસુ સાથે મળતાં તે બહાર આવી ને નરેશભાઈ તથા મનીષાબેન ને કહેવા લાગી , ” એ તો હું,.. મમ્મીજી , હમણાં જ…હું તમને પૂછવા જ આવવાની હતી … મારા મમ્મી અને પપ્પા બાઇક માં જતાં હતાં, ને સ્લીપ થઈ ગયા છે ,એમને બન્ને ને થોડું થોડું વાગી ગયું છે. તો સંજુ આવે એટલે અમે બન્ને થોડી વાર માટે જઈ આવીએ. રાત્રે પાછા આવી જઈશું.”અને સ્નેહા રજા માંગતી હોય તેમ સાસુ સામે મીટ માંડી જોઈ રહી અને આંખમાં આવતાં આંસુ ને રોકવા મથી રહી…


મનીષા બેન ને આજે કોણ જાણે કેમ પણ સ્નેહા ની નજર માં સોનુ નું પ્રતિબિંબ દેખાણું. તે એકદમ જ સ્નેહા નો હાથ પકડી પોતાનો એક હાથ તેના માથા પર મુક્તા બોલ્યા, ” અરે , બેટા હોતું હશે એવું ? તું તૈયાર થઈ જા ,સંજુ આવતો જ હશે અને હું ને તારા સસરા પણ સાથે જ આવીએ છીએ, રાતે તો પાછા આવતા જ રહેશુ… પણ અમે બે જ.!!… તું ને સંજુ હમણાં ત્યાં જ રોકાજો .. ઓફીસ નું કામ તમારા પપ્પા જોઈ લેશે ને હું હજુ ક્યાં ઘરડી થઈ ગઈ છું !! ઘરની કઈ ચિંતા ન કરતી. જ્યાં સુધી તારા મમ્મી પપ્પા સાવ સાજા ન થઈ જાય ત્યાં સુધી તમે બન્ને ત્યાં રોકાજો. કેમ બરાબર ને સંજુ ના પપ્પા ?? ” મનીષા બેન તો જાણે સફળ બેટ્સમેન ની જેમ ચોગ્ગા ને છક્કા ફટકારી રહ્યા હતા !!

ત્યાં બેલ વાગી ને સંજુ આવી ગયો ને એ પણ મમ્મીના વલણથી અજાણ નહોતો અને મમ્મી ને કઈ સમજાવવા પડશે એવી ગડમથલ માં હોઈ …એણે જરા પરિસ્થિતિ નો તાગ મેળવવા ની કોશિષ કરી પણ કાઈ કારી ન ફાવી !અને એનો તો ‘નો બોલ’ જ ગયો !! પણ મનીષાબેન હજુ ય ધુવાંધાર બેટિંગ કરતા હતા…નોટ આઉટ ..” કેરી ધ બેટ ..”

હજુ પણ એમણે આખી ગેમ ને પોતાના નામે જીતાડી દે એવી સફળતાથી ક્રિઝ સંભાળતા છેલ્લા બોલ ને.. બાઉન્ડરી બહાર ફટકારતા સ્નેહા ને કહ્યું, ” તારા મમ્મી પપ્પા ને કહેજે, કે તને સાસરે વળાવી એટલે એના માટે તું પારકી નથી. અમે તો દીકરી લઈ ને દીકરો આપ્યો છે !! ..
કેમ , સંજુ ના પપ્પા ?? બરાબર ને ??”


નરેશ ભાઈ તો આભા બની જોઈ જ રહ્યા… જાણે કે પોતાનું કોચિંગ રંગ બતાવી રહ્યું.. મનીષાબેન ની પોતાના સંસાર માં સફળ ફટકાબાજી માણી ને અત્યારે તો છેલ્લો બોલ ને જાણે સિક્સ…..!! નરેશભાઈ એ પોતાના બન્ને હાથ ઊંચા કરી ને સિક્સ જતી જોઈ… હરખાઈને બૂમ પાડી ઊઠ્યા “સિક્સ…!!!”ને સંજુ બધું સમજ્યો કે નહિ પણ હર્ષોલ્લાસ થી તે સીટી મારવા લાગ્યો. અને સ્નેહા હસતી હસતી પિયર જવાની તૈયારી કરવા લાગી !!…

લેખક : દક્ષા રમેશ

ફ્રેન્ડઝ, લાઈફ ને ગંભીર ન બનાવતા રમત સમજીને આનંદ થી રમીએ….

દરરોજ આવી અનેક નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.