દિકરીનો બાપ – એક સુખી અને સંપન્ન પરિવારમાં કરાવે છે લગ્ન દિકરીનું પણ…

“હવે બસ માતાજી.. કેટલા ખર્ચા કરાવીશ તારા બાપને? દીકરા, ગયા મહીને તારું ક્રેડીટ કાર્ડનું બીલ પાંચ લાખ આવ્યું છે. જરાક..” સુનંદાબહેન આગળ બોલે એ પહેલા જ નંદકિશોરભાઈ હોલમાં આવ્યા ને બોલ્યા, “એય નંદા. મારી દીકરીને કઈ કહેતી નહિ હા.. ખર્ચા એ નહિ કરે તો કોણ કરશે? મારો દીકરો સાત ખોટનો છે..” “આવ્યો મોટો દીકરો.. આ છોકરીને દીકરો માનીને, લાડ લડાવી, લડાવીને તમે જ બગાડી છે. કાલ સવારે પારકે ઘેર જશે ત્યારે શું કરશો? ત્યાં કંઈ એનો વર ને એના સાસુસસરા એને ગમતું કરવા દેવાના છે?”


નંદકિશોરભાઈ ચુપચાપ ઉભેલી એષણા પાસે ગયા અને તેની ચિબુક પકડીને માથું સહેજ ઊંચું કર્યું ને બોલ્યા, “મારો દીકરો.. વહાલો. આ તારી માનું કઈ સાંભળવાની જરૂર નથી. આપણે છોકરો જ એવો શોધશું જે તારી બધી ઈચ્છાઓ પૂરી કરે મારા કરતાંય વધારે તને લાડ લડાવે ને ખર્ચા કરાવે..” ને એષણા એના પપ્પાને વળગી પડી. સુનંદાબહેન ભીની આંખે ને મલકાતા મુખે બાપ-દીકરીનો એ પ્રેમ નિહાળી રહ્યાં. એ રાત્રે જ નંદકિશોરભાઈએ સુનંદાને કહ્યું,

“આ વિરેન્દ્રભાઈ છે ને આપણા વ્યાપારી. એના દીકરાનું માંગુ આવ્યું છે વહાલી માટે.. શું કહેવું છે તમારું? છવીસ થયા એને તો જોવાનું શરુ કરી દેવું છે.. પછી જોતા જોતાય કદાચ બેએક વર્ષ નીકળી જાય..” “એ તમને જેમ ઠીક લાગે એમ. કાલે તમારી વહાલીને પૂછી લેજો.. હું તમારા બાપ-દીકરી વચ્ચે નથી પડવાની હોં..”

ને નંદકિશોરભાઈ આ સાંભળી પોરસાઈ ગયા. કુટુંબમાં બધાને ઘેર દીકરો. એટલે નંદકિશોરભાઈને દીકરી જન્મે એવી પ્રબળ ઈચ્છા. ને ઠાકોરજીએ એમની ઈચ્છા પૂરી કરી જયારે એષણાનો જનમ થયો. હરખમાં ને હરખમાં તેમણે આવડાં મોટા શહેરના દરેક ઘરમાં પેંડાનું બોક્સ મોકલાવ્યું હતું. શહેરમાં નામ પણ બહુ ઊંચું એમનું. ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીના તેઓ કિંગ ગણાતા. એષણાને બાળપણથી જ અત્યંત લાડકોડથી ઉછેરી હતી. તેની દરેક ઈચ્છા, અરમાન અને આશાને તેઓ જાણ્યા પહેલાં જ સમજી જતાં ને તેના જીવનમાં ખુશીઓનો ખજાનો ઠાલવી દેતા.


બીજા દિવસે સવારમાં જ ઢીલાં પજામા અને ઢીલું ટીશર્ટ પહેરી અડધી ખુલ્લી આંખોએ બ્રશ કરતી એષણા પાસે તેઓ ગયા અને કહ્યું, “હે વહાલું.. આ વિરેન્દ્રભાઈનો આશવ છે ને એનું ઠેકાણું આવ્યું છે. આપણા કરતાં વધુ પૈસાવાળા છે એટલે તારી બધી ઈચ્છા ને આશા ત્યાં અચૂક સંતોષાશે. તું મળી લે એક વાર. કંઈ ઉતાવળ નથી. તારી હા હોય તો આગળ વાત વધારીશું..”

એષણા એના પપ્પા સામે જોતી રહી. એમની આંખમાં એક અલગ પ્રકારની ચમક હતી. જાણે અત્યારથી જ દીકરીને લાલ પાનેતરમાં જોઈ રહ્યા હોય તેમ આ વાત કહેતાં કહેતાં પણ તેઓ ખુશખુશાલ થઇ ગયેલાં. બસ એ જ ખુશી જોઈ એષણાએ મળવા માટે હા કહી દીધી. આશવ એમબીએ પૂરું કરીને તેના પપ્પાના બિઝનેસમાં જોડાઈ ગયો હતો.

વાંકડિયા ઝુલ્ફા, ભૂરી આંખો અને નમણો ચહેરો ધરાવતો આશવ કોઈ હીરોથી કમ ન હતો. પહેલી જ મુલાકાતમાં એષણા તેના પર મોહી પડી. એષણા સહેજ ભીનેવાન હતી પણ નમણાશ તો તેનામાય ખૂટી ખૂટીને ભરેલી હતી. આશવને એષણાનું વાક્ચાતુર્ય, તેની ડ્રેસિંગ સ્ટાઈલ અને બોડી લેન્ગવેજ તથા એષણાને આશવની સ્માર્ટનેસ પસંદ પડી ગઈ. અને ચોથી જ મુલાકાતમાં બંનેનું સગપણ નક્કી થઇ ગયું.

નંદકિશોરભાઈ તો જાણે સાતમાં આકાશે વિહરતા. આટલું સારું ઠેકાણું ને આવો હીરા જેવો દીકરો તો દીવો લઈને શોધવા જતાંય ના મળત. એ લોકો નંદકિશોરભાઈ કરતાં પણ વધુ પૈસાવાળા અને આશવ પણ બહુ દેખાવડો હતો એટલે નંદકિશોરભાઈને આ ઠેકાણું સારું લાગતું. ને એમાય પહેલાં જ ઠેકાણામાં એષણાએ હા કહી દીધી એ પણ નંદકિશોરભાઈ માટે આનંદની વાત હતી.

બે જ મહિના પછી યોજાનારા લગ્નની તૈયારીમાં નંદકિશોરભાઈ અને સુનંદાબહેન પરોવાઈ ગયેલા. “અરે વહાલ. આ જો ને. તારા પર સરસ લાગશે નહિ?! આ રીયલ ડાઈમંડનો છે હો. પેરીસ સિવાય બીજે ક્યાય નહિ મળે આ બ્રાંડ..! લેતો આવું ને તારા માટે?” વિડીયો કોલ પર વાત કરી રહેલા નંદકિશોરભાઈએ આ તરફ દેખાતી એષણાને પૂછેલું..


‘એ નંદ.. આટલું મોંઘુ નેકલેસ? રહેવા દો ને ભાઈસાહેબ. આમેય બહુ ઘરેણા થઇ ગયાં છે. પછી સાસરેથી આવા મોંઘા ઘરેણા નહિ મળે ને તો છોકરીને વધારે દુખ થશે..” નંદકિશોરભાઈએ સુનંદાબહેનની વાત સાંભળી ના સાંભળી કરી અને નેટવર્કની ખામી છે એવું કહીને કોલ કેન્સલ કરી દીધો. ને મનમાં વિચાર્યું, “સાસરે તો બધાં આનાથી પણ અનેકગણા લાડ લડાવશે મારી દીકરીને! એમને ક્યાં પૈસાની ખોટ છે!”

એષણા તો એ નેકલેસ જોઇને પાગલ જ થઇ ગયેલી. ઈન્સ્ટાગ્રામના બ્રાઈડલ પેજીસમાં તેણે આવા નેકલેસના ફોટોસ જોયા હતાં અને હવે એવો જ નેકલેસ પોતાની પાસે પણ હશે એ વિચારથી એષણા મનમાં ને મનમાં ખુશ થઇ રહી હતી. ફ્રેન્ડસને બતાવીને જેલસ કરી શકાશે તેવા નિર્દોષ વિચારે તે હરખાઈ રહી હતી.

લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ નંદકિશોરભાઈ વધુ ને વધુ ખર્ચા કરતાં ગયા. એકની એક દીકરી એમાય પ્રભુ પાસે પ્રાથના કરીને માગેલી દીકરીના લગ્ન હતા. તેઓ કોઈ પ્રકારની કચાશ નહોતા રાખવા માંગતા. તેના માટે બધું જ સર્વશ્રેષ્ઠ કરવાં ઈચ્છતા હતાં. ને આખરે એ દિવસ આવી પહોંચ્યો. વાજતેગાજતે જાન આવી અને આંખના પલકારામાં તો એષણાના નામ પાછળથી નંદકિશોરભાઈનું નામ મટીને આશવનું નામ છપાઈ ગયું. એષણા આશવ રાજાણી બની ગઈ એ હવે.


નંદકિશોરભાઈએ તેને અનેક વસ્તુઓ ભેટમાં આપી હતી. એક વરસ સુધી તો એષણાને લોન્જરીથી લઈને શાવરજેલનું પણ શોપિંગ ના કરવું પડે એટલું એ પોતાની સાથે લઈને જ સાસરે ગયેલી. એષણા ને આશવ લગ્નની પહેલી રાત્રે એકબીજામાં ઓગળીને એક બની ગયાં. બીજા દિવસે સવારે જાગીને તે નીચે ગઈ. સાસુમા રસોડામાં જ હતાં. “આવો એષણા.. સારું થયું તમે જાગી ગયા. હું આમ પણ તમને જગાડવા આવી જ રહી હતી. આજે મગ અને લાપસી બનાવવાના છે. તમારા હાથે પહેલી રસોઈ એ જ બનવી જોઈએ.. બરાબર કે નહિ?”

આરતીબહેને એષણાને સંબોધીને કહ્યું. “અમમ મમી.. પણ મને લાપસી બનાવતાં તો નથી આવડતી.. હા પણ તમે શીખવશો તેમ હું કરીશ.. મને વાંધો નથી..” આરતીબહેનનું મોઢું આ સાંભળી સહેજ વંકાઈ ગયું. છતાંય ફરી ચહેરા પર પરાણે મુસ્કાન ધારણ કરી તેઓ બોલ્યાં, “હા ચાલો હું તમને સમજાવી દઈશ. ત્યાં પેલા ખાનામાંથી વાસણ કાઢી લો..” એક બાજુના કબાટ તરફ ઈશારો કરી આરતીબહેન બોલ્યાં.

એષણા તરત જ તેમાંથી વાસણ લેવા ગઈ.. કબાટ ખોલતાં જ તેણે જોયું તો એમાં ધૂળ ચઢેલા, ખરબચડાં, પિતળના અને તાંબાના વાસણો હતા. સ્ટીલના વાસણોમાં પણ ગોબા પડી ગયેલા. આટલા પૈસાદાર ઘરની વહુ બન્યા બાદ તેને અહીં આવાં વાસણ હશે તેવી આશા નહોતી. બે મિનીટ સુધી તે એમ જ એ વાસણોને જોઈ રહી. પછી આરતીબહેનનો અવાજ સાંભળતા જ એમાંથી કુકર અને લોયું ને બીજાં તપેલા લઈને તેમની તરફ આવી.

આ તો પહેલો દિવસ.. પછી આવું તો અવારનવાર બનતું રહ્યું.. સમાજ માટે અત્યંત પૈસાદાર કુટુંબ! પરંતુ ઘરમાં વાસણોથી લઈને કપડાં સુધી દરેક વસ્તુમાં આરતીબહેન કંજુસાઈ કરતાં. કરકસર હોય તો હજુ પણ એષણા સમજે. આ તો રીતસરની કંજુસાઈ જ હતી!! અને કરકસર પણ શુંકામ!! તે લોકોને એવી કોઈ જ કંજુસાઈ કરવાની જરૂર નહોતી છતાંય આરતીબહેનનો સ્વભાવ કહો કે આદત! તેઓ આવાં જ હતાં.


કોઈ પણ વસ્તુની ગમે એટલી જરૂરીયાત હોય, ડીસકાઉન્ટ વખતે જ તે લેવી તેવો તેમના ઘરમાં નિયમ હતો. શરૂઆતમાં તો એષણાએ સારી વહુ બનીને તેના સાસરાની દરેક રીતભાતમાં ઢળવાનો પ્રયત્ન કર્યો પરંતુ ધીમે ધીમે આ વધતું ગયું. આમ તો ઘણીબધી વસ્તુઓ લઈને આવી હતી પણ તેના સાસુ-સસરા એ પણ એ વસ્તુઓ વાપરતા અને એક વર્ષ ચાલે એટલી વસ્તુઓ ચાર જ મહિનામાં ખૂટી ગયેલી. એષણા પાસે તેના પપ્પાનું જે ક્રેડીટ કાર્ડ હતું, મોટેભાગે પોતાની જીવનજરૂરીયાતની વસ્તુઓ લેવા તે તો એનો જ ઉપયોગ કરતી કારણકે ઘરમાંથી પૈસા માંગે તો સેલ સુધી રાહ જોવાનું કહેવામાં આવશે તેવી તેને ખાતરી હતી.

આમ ને આમ છ મહિના વીતી ગયા.. નંદકિશોરભાઈ કરતાં પણ વધુ પૈસાવાળા એષણાના સાસરવાળા રૂપિયા વાપરવાની બાબતે બહુ કંજુસાઈ કરે છે તે બાબત તે સમજી ચુકી હતી.. આશવ મોટેભાગે બહારગામ રહેતો પરંતુ જ્યારે ઘરે હોય ત્યારે એષણા તેને આ બાબત સમજાવવા પ્રયત્ન કરતી. પરંતુ એ તમારી બૈરાની વાત છે એમ કહીને તે કદી એષણાની વાતનો સરખો જવાબ નાં આપતો.

ધીમે ધીમે એષણા આ બધાથી કંટાળી ચુકી હતી. બહારથી આલિશાન દેખાતા બંગલાની અંદરની દીવાલોમાં ભેજ અને પોપડાં ઉખડેલા હશે એવું તો કોણે ધાર્યું હોય! એષણાએ આખી જિંદગી એશમાં વિતાવી હતી. આ બધું તેના માટે અઘરું હતું છતાંય તેણે પોતાની જાતને, આશવને અને આ કુટુંબને છ મહિના આપ્યા.. રોજ પપ્પા સાથે વાત થતી છતાંય તેમને કઈ કહ્યું પણ નહિ..

પણ એ દિવસે તો હદ થઇ ગઈ.. એષણાને પરિવાર સાથે માતાજીના દર્શન કરવા જવાનું હતું. પહેલી વખત વહુ પગે લાગવાં જાય એટલે માતાજીને લાલ સાડી ધરાવવાની અને એ જ વહુએ પણ પહેરવાની તેવો તેમના કુટુંબનો રીવાજ.

આરતીબહેન જ એષણા સાથે સાડી લેવા ગયા અને તેને જબરજસ્તી સેલ વાળા શોરૂમમાંથી સાડી અપાવી. માતાજીને એ સાડી ધરાવીને એષણાએ ત્યાં જ એ સાડી પહેરી.. અડધી કલાક માંડ થઇ હશે કે એષણાના શરીર પર ઠેરઠેર લાલ ચકામાં ઉપસી આવ્યા. તરત બાથરૂમમાં જઈને તેણે એ સાડી કાઢી ને ઠંડુ પાણી શરીર પર રેડ્યું.. ને પછી તરત જ ત્યાંથી તેના પપ્પાને ફોન કર્યો.. તેને એટલો દુખાવો થતો હતો કે આંખમાં પાણી આવી ગયેલાં. તેના પપ્પાને બધી વાત જણાવીને પોતે સાથે લાવેલો ડ્રેસ પહેરીને તે બાથરૂમમાંથી બહાર નીકળી.

“કેમ એષણા.. સાડી કેમ કાઢી નાખી?” આરતીબહેને સહેજ ગુસ્સા સાથે એષણાને પૂછ્યું.. ડીસકાઉન્ટવાળી માતાજીને ચઢાવેલી સાડીથી પોતાની શું હાલત થઇ એ જો તેની સાસુને અત્યારે જણાવે તો પૂજારીજી અને તેમના પરિવાર સામે પોતાના જ સાસરાની ઈજ્જત જાય.. એ હેતુથી ચુપ રહી. અને તેના પપ્પાની રાહ જોવા લાગી. આરતીબહેન તેને વારંવાર પૂછતાં રહ્યા પણ તે કંઈ જ ના બોલી..

આખરે એક કલાક વીતી જતાં તેના પપ્પા આવ્યાં અને તે કંઈ જ બોલ્યા વગર તેમની જ સાથે નીકળી ગઈ. નંદકિશોરભાઈને ગુસ્સો તો બહુ જ હતો પણ વેવાઈ-વેવાણને આ સમયે કંઈ કહેવું યોગ્ય ના લાગતા તેઓ પણ ચુચાપ એષણાને લઈને નીકળી ગયાં.. “દીકરા, તું છ-છ મહિના સુધી આવું સહન કરતી રહી.. મને એક વખત કહ્યું પણ નહિ.. દીકરા આ બધું જ તારું છે. તારે ક્યારેય કોઈ વાતમાં બાંધછોડ કરવાની જરૂર નથી. ભલે તું બગડેલી લાગે સમાજને કે કોઈને પણ, પરંતુ આ રીતે સહન કરીને, તારા સપનાઓને મારીને તારે જીવવાની જરાય જરૂર નથી..’

એ દિવસે ઘરે આવતાં જ નંદકિશોરભાઈએ એષણાને કહ્યું. સુનંદાબહેનને તો આખી વાતની જાણ થઇ ત્યારે તેઓ તો રડવા જ લાગેલા. પોતાની દીકરી પર આવું વીતશે તેવું તો તેમણે સ્વપ્નેય નહોતું વિચાર્યું. “કાલ ને કાલ હું છૂટાછેડા ફાઈલ કરું છું.. હવે એ ઘરમાં મારી દીકરી પાછી નહિ જાય.. મારી દીકરીની હાલત તો જો.. અને હા હમણાં જ ડોક્ટર સાથે વાત પણ થઇ છે.. એ પણ આવે છે ઘરે..”

નંદકિશોરભાઈની આંખમાં પોતાની દીકરીની આ હાલત જોઈ પાણી આવી ગયેલાં.. સુનંદાબહેને જાતને સંભાળી અને કહ્યું, ‘પણ જરા એક વખત વાત તો કરીએ. એમ સીધેસીધા છૂટાછેડા મોકલવા મને વ્યાજબી નથી લાગતાં..” “બિલકુલ નહીં.. વાત હવે નહિ થાય.. સીધી કોર્ટમાં મુલાકાત જ થશે..” નંદકિશોરભાઈએ કહ્યું. એ સમયે રડતી એષણાને તો શું બોલવું તે જ નહોતું સુજતુ..


બીજા જ દિવસે સવારમાં વિરેન્દ્રભાઈના ઘરે છૂટાછેડાના પેપર્સ નંદકિશોરભાઈએ પોતાના વકીલ મારફત મોકલાવી દીધા હતાં.. આરતીબહેન તરત જ એ જોઇને બોલ્યાં, “જો હું નહોતી કહેતી કે આ છોકરી બહુ બગડેલી છે.. એના બાપે એને માથે ચઢાવી હતી. હદબહારના ખર્ચા કરતી.. પછી તો આપણા ઘરે કેમની ટકે.. ને હવે વાંક પાછો આપનો કાઢે છે..

ખરો બાપ છે.. સામેથી પોતાની દીકરીના છૂટાછેડા કરવા નીકળ્યો છે.. આવા બાપને લીધે જ આજકાલની છોકરીઓ બગડે છે…” આરતીબહેન બોલતાં રહ્યા અને આશવને શું બોલવું તે ના સુજ્યું.. તેણે એષણાને ફોન કર્યો.. પરંતુ એષણા સુતી હતી તેથી તેણે ના ઉપાડ્યો. આશવે કહ્યું, ‘મમી. હું એષણાને મળીને આવું છું..”

ને એ ચાલ્યો ગયો.. આ તરફ આરતીબહેન અને વિરેન્દ્રભાઈના મોઢા જોવા જેવા થઇ ગયેલા.. આશવને સુનંદાબહેને આવકાર્યો પરંતુ નંદકિશોરભાઈ તો જાણે તેનું મોઢું પણ જોવા નાં માગતા હોય તેમ ઓરડામાં ચાલ્યા ગયા.. એષણા હજુ જાગી જ હતી.. આશવને જોઇને તે બહાર આવી.. સુનંદાબહેન તે બંનેને એકલા મુકીને અંદર ચાલ્યા ગયા.. ‘બોલો આશવ..”

“આ શું છે એષણા ડાર્લિંગ?? આમ છૂટાછેડાના પેપર્સ મોકલીને તું શું સાબિત કરવા ઈચ્છે છે? આટલી નાની વાતમાં કોણ છૂટાછેડા લે?” “આશવ.. તમારા માટે નાની વાત હશે.. મારા માટે નથી.. હું બાળપણથી જે રીતે જીવી છું એ બધું ભૂલીને તમારા પરિવારના ઢાંચામાં ઢળવા ઉત્સુક હતી., પરંતુ ત્યાં પહોચ્યા પછી મને લાગ્યું જાણે આ તો બધું જ અલગ છે.. હું મારા શોખ ગુમાવવા તૈયાર હતી, સ્વમાન નહિ.. ને એક રીતે ત્યાં મારું સ્વમાન ઘવાતું હતું..”

‘એટલે તું છૂટાછેડા લઈશ એમ?” “પપ્પાને એ જ યોગ્ય લાગે છે!’’ “આ બધું તારા બાપના લીધે જ થયું છે.. છોકરીનું ઘર ઉજાળવા નીકળ્યા છે..” ને ગુસ્સામાં પગ પછાડતો આશવ ચાલી નીકળ્યો..!! એષણા સુનમુન બેસી રહી.. નંદકિશોરભાઈ બહાર આવ્યા ને પોતાની દીકરીને છાતી સરસી ચાંપી દીધી..!! લગભગ છ મહિના થયા છૂટાછેડાની પ્રોસીજર પૂરી થતાં આખરે આશવને ગિલ્ટી ફિલ કરાવીને એષણા તેનાથી અને તેના પરિવારથી મુક્ત થઇ શકી..


સમાજમાં બધે જ આરતીબહેને એષણાનું અને તેના પરિવારનું નામ ખરાબ કરી નાખ્યું હતું.. નંદકિશોરભાઈને રોજ અગણિત ફોન આવતાં અને લોકો જાણે ખરખરો કરતા હોય તેમ આ છૂટાછેડા વિશે પ્રતિક્રિયા આપતાં.. એક ન્યુઝ ચેનલે તો સ્ટોરી પણ બનાવી દીધી હતી.. “યે કૈસા બાપ, જો અપની બેટી કા ઘર ખુદ તબાહ કરે”

પણ નંદકિશોરભાઈ કે સુનંદાબહેનને આ કોઈ બાબતથી ફરક નહોતો પડતો. તેમના માટે ફક્ત એ જ અગત્યનું હતું કે તેમની દીકરી હેમખેમ છે અને તેમની સાથે છે.. એ દિવસે એષણાનો બર્થડે હતો.. નંદકિશોરભાઈએ આખું ઘર સજાવ્યું હતું.. એષણા ઘરે આવી અને આ સઘળું જોઇને પોતાના માં-બાપનો આ પ્રેમ જોઈ રડી પડી.. બંનેને વળગીને જાણે ક્યાય ના જવા માગતી હોય તેમ કસીને પકડી લીધા..!! એ દિવસે નંદકિશોરભાઈ એષણા માટે ફરી ડાઈમંડ નેકલેસ લાવ્યા હતા.. તેને બગાડવા નહિ, પરંતુ પોતાનો પ્રેમ જતાવવા..!

લેખક : આયુષી સેલાણી

તમે આ પિતાની જગ્યાએ હોવ તો શું કરો? કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.