દિકરીના લગ્નખર્ચ અર કાપ મુકીને મહિલા રોજગારનું અદ્ભુત કાર્ય કર્યું છે વસંત મસાલા પરિવારે…

આપણા ગુજરાતમાં એવા ઘણા લોકો છે જે લોકો માટે ઘણા સારા અને ઉપયોગી કામ કરતા હોય છે, હવે આવા લોકોના નામમાં એક નામ વધુ જોડાયું છે. આ નામ છે વસંત મસાલા પરિવાર. હા, આજ સુધી તમે ઘણીવાર આ કંપનીના મસાલા જેવા કે મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, અને બીજા ઘણા મસાલા ઉપયોગમાં લીધા હશે. વસંત મસાલા કંપની એ ઘણી મહિલાઓને ગૃહઉદ્યોગ પણ શરુ કરી આપ્યા છે જેનાથી આજે ગુજરાતની ઘણી મહિલાઓ પોતાનો રોજગાર ચલાવી રહી છે. આજે અમે આ પરિવારના એક અદ્ભુત કાર્યની વાત કરવાના છે જેનાથી તમને પણ આ પરિવાર પર ગર્વ થશે.દરેક માતા પિતાનું સપનું હોય છે કે પોતાના બાળકોના લગ્નનો પ્રસંગ ખુબ ધામધૂમથી કરે. વર્ષો સુધી લોકોને યાદ રહેવું જોઈએ કે હા, દિકરીના લગ્ન તો ફલાણા ભાઈએ ગજબ કર્યા હતા, બધા પોતાના બાળકોના જીવનનો આ પ્રસંગ યાદગાર બનાવવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, પૈસાવાળો વ્યક્તિ હોય કે પછી હોય કોઈ મધ્યમવર્ગીય વ્યક્તિ પોતાના સંતાનના લગ્ન માટે દેવું કરીને પણ પ્રસંગ કરતા જ હોય છે. આવા સમયમાં થોડા સમય પહેલા વસંત મસાલાના માલિક ચંદ્રકાંત ભંડારીની પુત્રી પૂર્વીના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા અને મહિલા રોજગારને પ્રેરણા મળે તેની માટે તેમણે દિકરીના લગ્ન ખર્ચમાં થોડો કાપ મુકીને તેમાંથી ઘણી મહિલાઓને સિલાઈ મશીન, ઘરવખરી એટલે કે ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ વગેરેનું વિતરણ કર્યું હતું.આટલું જ નહિ તેમણે દિકરીના લગ્ન બહુ સાદાઈથી પૂર્ણ કરાવ્યા હતા અને સમાજમાં રહેલા બીજા સધ્ધર પરિવારના લોકોને પ્રેરણા મળે તેના માટે અને બેરોજગાર વ્યક્તિઓને રોજગાર મળે એટલે તેમણે આ પ્રસંગ દરમિયાન, ગાય-વાછરડા સાથે, હાથ-લારી, સિલાઈ મશીન અને કિચન સેટ પણ ભેટમાં આપ્યો હતો. આપણે જ્યાં અંબાણી પરિવારના લગ્ન પ્રસંગની મોંઘી મોંઘી કંકોત્રી જોઈ હતી ત્યાં આ વસંત મસાલા પરિવારે બહુ સાદગીભરી કંકોત્રી છપાવી હતી અને તેમાંથી બચેલ પૈસાને લોકોના કલ્યાણઅર્થે ખર્ચ કર્યા હતા.થોડા સમય પહેલા જયારે ચંદ્રકાંતભાઈના લગ્નની ૨૫મી વર્ષગાંઠ પ્રસંગે તેમણે વૃદ્ધાશ્રમના વડીલ મિત્રોને અલ્પાહાર અને સાથે સંગીતનો આનંદ પણ આપ્યો હતો. આમ આ પરિવાર અનેક નાના મોટા કાર્ય કરતા રહે છે. ચંદ્રકાંતભાઈનું કહેવું છે કે તેમના પિતા કે જેઓએ વસંત મસાલા કંપનીની સ્થાપના કરી હતી તેમનું પણ આ સપનું હતું કે સમાજમાં રહેલા બેરોજગાર વ્યક્તિઓને અને મહિલાઓને તેઓ રોજગાર પૂરો પાડી શકે. પિતાના આ સપનાને અત્યારે ચંદ્રકાંતભાઈ અને તેમના સંતાનો સાકાર કરી રહ્યા છે.વસંત મસાલા કંપનીની શરૂઆત ૧૯૭૦ના વર્ષમાં થઇ હતી. “વસંત મસાલા” બ્રાન્ડનામ એ સંસ્થાપક સ્વ-બાપુલાલ ભંડારીની પત્ની વાસંતીબેન ભંડારીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ કામની શરૂઆત આપણા ગુજરાતના એક નાનકડા ગામ ઝાલોદથી કરી હતી. આજે તેમની કંપની અમદાવાદમાં પણ આવેલ છે અને આ કંપનીને કારણે અનેક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. અનેક વાર આ કંપની પોતાની વેકેન્સી પણ બહાર પાડતી રહે છે. એક નાનકડા ગામથી કરી હતી જે વસંત મસાલાની શરૂઆત તેના મસાલા આજે આપણા દેશમાં તો બધે મળે જ છે પણ સાથે સાથે આ કંપની પોતાના મસાલા અમેરિકામાં અને યુકે જેવા વિદેશમાં પણ મોકલે છે.આજે આ કંપનીમાં અનેક આધુનિક મશીનો દ્વારા મસાલાને બનાવવાથી લઈને પેકિંગ સુધીનું કામ કરવામાં આવે છે. વસંત મસાલા પરિવારનું કહેવું છે કે અમારા મસાલા અમે શુદ્ધ બનાવીએ છે આ મસાલામાં અમારી માતાનો પ્રેમ છે. વસંત મસાલા દ્વારા અનેક મસાલા બનાવવામાં આવે છે જેનાથી તમારા ભોજનમાં ચાર ચાંદ લાગી જાય છે. વસંત મસાલા કંપનીને બેસ્ટ પ્રોમિસિંગ ફૂડ માટે એવોર્ડ પણ મળેલ છે.આ કંપની દ્વારા આપણા ગુજરાતની મહિલાઓ માટે કરવામાં આવેલ આ અદ્ભુત કાર્યને બધા ગુજરાતી સુધી આપણે મોકલીશું તો તમારા બધા મિત્રોને આ માહિતી જરૂર જણાવજો.

લેખન : અશ્વિની ઠક્કર