પ્રેમમાં નિષ્ફળ ગયેલી દીકરીનું ડિપ્રેશન દૂર કરવા પપ્પાએ લખેલો કાગળ રામ મોરીની કલમે – Don’t Miss It..!!

ડિયર દિપાલી,

કેમ છો ? તને થશે કે પપ્પાએ કાગળ કેમ લખ્યો બરાબર ? તો કાગળ મેં એટલે લખ્યો કેમકે તું કોલ તો રીસીવ નથી કરી રહી. કદાચ તું કોઈ સાથે વાત કરવા માંગતી નથી. તું મને પેલું વ્હોટસપ શીખવીને ગઈ છો એમાં તારું સ્ટેટસ પણ એવું વાંચ્યું કે ‘’લીવ મી અલોન’’. તારું ફેસબુક અકાઉન્ટ પણ છેલ્લા પંદર દિવસથી તપાસી રહ્યો છું. તારા ઘટી ગયેલા લાઈક્સ શેર બતાવે છે કે આજકાલ તને કશું લાઈક કરવા જેવું કે શેર કરવા જેવું નથી લાગતું. પહેલાં તો મેં વિચાર્યું કે હું તને મેસેજ કરું પણ પછી થયું કે મોબાઈલમાં આટલો લાંબો મેસેજ વાંચવાનું તને ફાવશે કે કેમ ? તારી મમ્મીએ મને એક વિચાર આપ્યો કે તને મેઈલ કરું પણ પછી થયું કે તું ક્યા કોઈ દિવસ તારા મેઈલ અકાઉન્ટને ગંભીરતાથી લે છે. બહુ બધી ગડમથલ કરીને આ કાગળ લખી રહ્યો છું. બદલાતા સમયમાં માણસ સાથે વાત કરવાના આટલા બધા માધ્યમો બન્યા પણ કરુણતા તો જો, માણસ જ સંવાદ વગરનો થઈ ગયો. અમારે અમારી જ દીકરીને કશું કહેવા માટે એક હજારવાર વિચારવું પડે તો પછી એ સંબંધની નક્કરતા શું ? દિપાલી, મને બેટા તારી મદદની જરૂર છે. મારી દીકરી ખોવાઈ છે શોધવામાં મદદ કરીશ ? કેમકે ઘરના અને મનના દરવાજા બંધ કરીને અંદર લપાઈને જે બેસી જાય એ તો મારી દીકરી ન જ હોઈ શકે !

તમારી ઉંમરમાં કોઈ વાત કરવા માટે, સ્વીકારવા માટે બે પેગ લગાવવાની જરૂર પડતી હોય છે. પણ તને જે કંઈ લખી રહ્યો છું એ બાપ હોવાના હેન્ગઓવરમાં જ લખી રહ્યો છું. હું તો નશામાં છું જ. તું જન્મી ત્યારથી. તારી મમ્મીને પ્રેગનેન્સીના છેલ્લા દિવસો હતા. હું ઓફીસ હતો અને મને તારા અંકલનો ફોન આવ્યો કે ‘’ભાઈ, ભાભીને હોસ્પીટલ લઈ જઈએ છીએ.’’ હું રીક્ષા કરીને ભાગતો ત્યાં પહોંચ્યો. ડોક્ટરોએ કહેલું કે ડીલીવરી સરળ નહી બને. બાળક પડખું ફેરવી ગયું છે. ગર્ભનાળ એના ગળા પર અટવાઈ ગઈ છે. એ જો વધારે પડખું ફરશે તો ગર્ભમાં જ ગળે ટૂંપો લાગી જશે. હું રડી પડેલો. મને તું જોઈતી જ હતી. હું એ વખતે જ હાથ જોડીને બોલવા લાગેલો કે, ‘’ બેબી, તારે આવવું જ પડેશ. પપ્પા તારી રાહ જુએ છે. તું પડખું ફેરવીને બેસી જાય એ તો કેમ ચાલે.

આઈ નો કે તું પેટમાં હતું ત્યારે હું મમ્માને વધારે સમય નથી આપી શક્યો એટલે તું રીસાયું છે. પપ્પા તને બહું જ પ્રેમ કરે છે. પ્લીઝ આવી જા. પપ્પા તને ક્યારેય એકલું નહીં છોડે. તને હું પ્રોમીસ આપું છું કે જીંદગીના દરેક તબક્કે દરેક વળાંકે હું તને સપોર્ટ કરીશ પણ તું આવી જા.’’ આખરે ચાર પાંચ કલાક મેં તને મનાવી ત્યારે તારા રડવાનો અવાજ હોસ્પીટલના પેસેજમાં બેઠેલા મને સંભળાયેલો. મને હાશકારો થયો. મારા હાથમાં તને આપવામાં આવી ત્યારે તે મારી આંગળી તારા નાનકડા ખોબામાં સમાવી લીધેલી. મારી આંખો વરસી પડેલી.

કોઈ આ દુનિયામાં આવીને સીધી તમારી આંગળી પકડે એ લાગણી એક બાપથી વિશેષ કોણ જાણી શકે. મેં ત્યારે જ નક્કી કરેલું કે, ‘’ હું તને ક્યારેય એકલી નહીં છોડું.’’ તને યાદ છેને હું ઓફીસથી આવતો ત્યારે તું મારી પીઠ પાછળ ટુવાલ બાંધીને મને સુપર હીરો બનાવી દોડાવતી. તારા હસવાના અવાજો, તારી મમ્મીનું મીઠું કચકચ અત્યારે ચશ્મામાંથી નીતરી રહ્યું છે એટલે આ કાગળ લખી રહ્યો છું. તને થશે કે પપ્પા, આવી સેન્ટી વાતો કેમ લખી રહ્યા છો. હું તો ઓલરેડી સેન્ટી છું. બેટા, આઈ ડુ રીસપેક્ટ યોર રીલેશનશીપ એન્ડ યોર બીલીવ. ભલે બધા લોકો એમ કહેતા હોય કે આ જનરેશનમાં કાંઈ સેન્સ નથી. પણ હું માનું છું કે યેસ, આ જનરેશન બહું સ્માર્ટ છે અને લાગણીશીલ છે, બસ એને વ્યક્ત થતા નથી આવડતું. અથવા કહો કે એમને એવું લાગે છે કે એની સાથે જોડાયેલા સંબંધો એટલા ફોર્મલ નથી કે ત્યાં વારંવાર વ્યક્ત થઈને કશું પુરવાર કરવું પડે.

સહમત છું હું તારા વિચારો સાથે. પણ એક વાત યાદ રાખજે દિપાલી, ઘરમાં રહેલી બધી જ વસ્તુઓ આપણી હોય તો પણ આપણે રોજબરોજ એના પર હાથ મુકતા રહીએ છીએ, એના પર ચડેલી ધૂળની ઝીણી પર્ત લૂંછતા જ રહીએ છીએ. ઘર અને કાટમાળમાં આટલો ફરક છે. આપણા સંબંધોમાં પણ એવું જ હોય છે. આપણી આસપાસના લોકોના ધબકારાઓ અનુભવતા રહેવાના. એના હાથ પર હાથ મુકી આંખોમાં જોતા રહેવાનું નહીંતર લાગણીઓ પર ધૂળ ચડી જાય તો બધું કાટમાળ થઈ જશે. વેલ, તને સીધું કહી દઉં કે બેટા, અત્યારે તું તારી આસપાસ બધો કાળમાટ ઉભો કરી રહી છે, સમયસર ઉભી થા અને ધૂળને ફૂંક માર.

જીવનમાં આપણને જ્યારે કોઈ તકલીફ પડે ત્યારે આપણે બધા જ એવું અનુભવતા હોઈએ અને માનતા હોઈએ છીએ કે મારી સાથે થયું એવું કોઈ સાથે નહીં થયું હોય. મને જે પીડા અનુભવાઈ રહી છે એ કોઈ નહીં સમજી શકે. સાચ્ચુ કહું તો આવું ત્યાં સુધી લાગે છે જ્યાં સુધી આપણે કોઈ સાથે એ વહેંચતા નથી. સોશિયલ મિડિયા પર ધડાધડ બધું શેર કરી શકતી તમારી જનરેશન પોતાની લાગણીઓને કેમ ‘ઓનલી મી’ મોડ પર રાખે છે ? તને ખબર છે ? એકવાર કોઈકને બધું કહી દેવાથી આપણો અડધા ઉપરનો ભાર હળવો થઈ જાય છે. કેમકે પોતાની તકલીફો અને પ્રશ્નો બીજાને જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે જ આપણને બોલતા બોલતા એવી કેટલીકય બાબતો અનુભવાય કે સમજાય જે ખરેખર અત્યાર સુધી આપણા ધ્યાનમાં નહોતી આવી. મારો એવો આગ્રહ બીલકુલ નથી કે તું તારા આ સમયને મારી સાથે શેર કર પણ હા બીજા કોઈપણની સાથે શેર કર એવું તો કહીશ જ. નહીંતર તું આમાંથી બહાર નીકળી જ નહીં શકે. એક વાત તું મારા પક્ષે સાંભળી લે અને સમજી લે જેને હું હવે ક્યારેય રીપીટ નથી કરવાનો કે મને તારા પર પૂરેપૂરો ભરોસો છે, મારા કરતાંય વધારે, મને તારી આવડતો અને તારી લાગણીઓ પર શ્રદ્ધા છે અને એ કાયમ રહેવાની છે. એટલે કોઈપણ સંજોગોમાં તું ક્યારેય એવું ન વિચારતી કે પપ્પા શું વિચારશે ?

વેલ, હવે હું એના વિશે વાત કરવાનો છું જેના વિશે તું બિલકુલ વાત કરવાના મુડમાં નથી. તું અને કબીર એકબીજાના પ્રેમમાં હતા ત્યારે તને આખું જગત વન્ડરફૂલ લાગતું. યાદ કર તારા એ બધા હેશટેગ અને સ્ટેટસ. છએક મહિનાની તમારી રીલેશનશીપ એક તબક્કે પૂરી થઈ ગઈ અને હવે તને આખું જગત ડાર્ક પ્રોફાઈલ જેવું લાગે છે ? ‘ફીલીંગ નીલ’ એમ ? એવું કેમ હોય છે કે આપણે પ્રેમમાં હોઈએ ત્યારે આપણે જે વસ્તુઓ વધુને વધુ સુંદર અને ખાસ લાગી હોય એ વસ્તુઓ પ્રેમ પૂરો થઈ ગયા પછી સખત અકળાવે. જે રસ્તા પર તમે એકબીજાનો હાથ પકડીને કલાકો ચાલ્યા હો એ રસ્તા પરથી પછી જ્યારે પણ પસાર થવાનું થાય ત્યારે એકલતા અને અંધારું ઘેરી વળે ! પ્રેમમાં હોઈએ ત્યારે અચાનક એવી વસ્તુઓ ગમવા માંડે જે પહેલાં તો ક્યારેય ગમી નહોતી. પ્રેમમાં હોઈએ ત્યારે અરીસા સામે જોવાની આપણી રીત પણ બદલાઈ જતી હોય છે. પ્રેમભંગ પછી એ જ અરીસો તમને તોડવાનું મન થાય.

એક વસ્તુ યાદ રાખજે બેટા. બારણું અંદરથી લોક કરીને બેસી રહેવાથી, કલાકો શાવર નીચે ઉભા રહેવાથી, બીયરની બોટલ ખાલી કરવાથી, મોબાઈલ એપ્લીકેશન અનઈન્સ્ટોલ કરવાથી, કેટલાક નંબર બ્લોક કરવાથી, ગેલેરીના પીક્ચર્સ ડીલીટ કરવાથી, સીગારેટના ગોટેગોટા કાઢવાથી કે પછી અગાશી પર જઈને જોર જોરથી ચીલ્લાવાથી આ કોઈ વ્યક્તિ કે અમુક લાગણી કે અમુક સમયમાંથી છૂટી નથી શકાતું. સમય અને સંબંધ માણસને બહુ બધું શીખવી આપે છે. હું અને તારી મમ્મી કબીરને મળ્યા તો છીએ જ એટલે હું એટલું કહીશ કે છોકરો એટલો પણ ખરાબ નહોતો જેટલો તને અત્યારે કદાચ લાગી રહ્યો હોય. તને થતું હશે કે હું કેવો બાપ છું જે દીકરીનો પક્ષ નથી લઈ રહ્યો. હું તને ફરી કહી દઉં કે હું આ બાબતે કોઈના પક્ષે નથી. આ તારો સંબંધ હતો, તારો પ્રેમ હતો, તારો સમય હતો જે તે જીવી લીધો.

પાછળ છૂટી ગયેલા સંબંધની કડવાશ કરતાં સારી બાબતો યાદ રાખીશ તો આગળ વધી શકીશ. તને જો એમ લાગતું હોય કે કબીરની જ ભૂલ છે અને એણે તને છેતરી છે તો એમ કહીશ કે બેટા એને માફ કરી દે. જો માફ કરી શકીશ તો આગળ વધી શકીશ. તારી પાસે હજું આખી જીંદગી પડી છે. ત આગળ હજું આનાથી પણ વધુ સુંદર સંબંધ તારી રાહ જોઈ રહ્યો છે. આપણી પાસે એ વસ્તુઓ જ ટકે છે જે ખરેખર આપણી હોય છે. કોઈ તમારી લાગણી સમજી નથી શક્યું તો ઈટ્સ ફાઈન. એવું માની લો કે તમારી લાગણી હજું એવા લોકો માટે બચેલી છે જેને મન તમે બહુ બધું છો. કોઈ એક વ્યક્તિ સાથે આપણા સંબંધો પૂરા થઈ જાય એની સજા હંમેશા આપણે બીજા બધા સંબંધોને કેમ આપતા હોઈએ છીએ ? આપણે તકલીફમાં છીએ, આપણો મૂડ ખરાબ છે એ આપણી સાથે જોડાયેલા બીજા બધા સંબંધોની ભૂલ હંમેશા ન હોઈ શકે.

જીંદગીમાં હંમેશા એની પાછળ દોડતા ન રહો જેને તમે પ્રેમ કરો છો. થોડો સમય એ બધી વ્યક્તિને આપવાનો પ્રયત્ન કરો જે બધા તમને પ્રેમ કરે છે. ટ્રસ્ટ મી, તને અચાનક બધું વન્ડરફૂલ અનુભવાશે. આપણી જીંદગીમાં એવા પણ લોકો હોય જ છે જેને હેશટેગ કે કેપ્શનની જરૂર નથી હોતી છતાં એ આપણી સાથે જોડાયેલા રહે છે. સમયસર બધી એપ્લીકેશન્સ અપડેટ કરનારા આપણે સંબંધોને અપડેટ કરવાનું ભૂલી જઈએ છીએ અને પછી ફરિયાદો કરીએ છીએ કે બધાની લાગણી ‘ફિલ્ટર્ડ’ કેમ હોય છે ?

બેટા, બ્રેકઅપ થવું એ હું માનું છું કે બહું તકલીફવાળી ઘટના છે. જે વ્યક્તિ સાથે આવનારા દરેક સમયની ફ્રેમ કલ્પી હોય એ વ્યક્તિનું જતું રહેવું એ કેટલું હતાશાજનક હોય છે એ હું સમજી શકું છું. પણ તું આ બ્રેક ‘અપ’ને બ્રેક ‘ડાઉન’ ન બનવા દઈશ. મનની અંદરના દરવાજા એટલા જોશથી પણ ન બંધ કરી દેવા કે જેને પછી ખોલવામાં આપણને જ તકલીફ પડે. એક વાત તારા મનને પૂછ. કબીર તારા જીવનમાં આવ્યો એ પહેલાં પણ હસતી જ હતીને ? ખુશ જ હતીને ? હવે એ નથી તો તને એવું કેમ લાગે છે કે જાણે એ નથી તો તું હસવાનું જ ભૂલી ગઈ છે. કબીરને ભૂલવો હોય તો સૌથી પહેલાં એને કોલ કરીને કહી દે કે, ‘’આપણે જેટલું પણ સાથે હતા એ ક્ષણો મારા માટે જીવનની સૌથી સુંદર ક્ષણોમાંની હતી. આપણે સાથે નથી એનો અર્થ એ નથી કે એ જીવાયેલી ક્ષણોનું મુલ્ય મારે મન કશું ઓછું છે. સાથે હતા ત્યાં સુધી તે જે કંઈ મને સ્પેશિયલ ફીલ કરાવડાવ્યું એના માટે થેંક્યું. તને તારા આગળના ભવિષ્ય માટે અભિનંદન’’ મને ખબર છે કે મારા માટે આ બોલવું સરળ છે પણ તું કરી શકીશ જ. મારા પર વિશ્વાસ કર દિપાલી, તને બહુ સારું ફીલ થશે. તું આગળ તો જ વધી શકીશ જો તું ત્યાં બટકી ગયેલી અધુરી ફાંસોથી છૂટીશ.

વર્ષો પહેલાં તારી મમ્મીના પેટમાંથી તને મનાવીને બોલાવી લીધી હતી. આઈમ શ્યોર આજે પણ તને મનાવી લીધી છે. તારી કોલેજમાં રજાઓ પડવાની છે. તને થશે મને કેમ ખબર પડી તો કહીં દઉં કે તારી ફ્રેન્ડસની ફેસબુકની ટાઈમલાઈન પરથી ખબર પડી. હવે એવું ન વિચારતી કે પપ્પા જાસુસી કરે છે. સ્માઈલ.. અને હા, તું કબીર સાથે વાત કરે તો એને પૂછજે કે એની જીભમાં કેટલા બચકા ભરાઈ ચૂક્યા છે ? કેમકે તારી મમ્મીએ તો એને સાત પેઢીની જેટલી પણ આવડતી હતી એ બધી ગાળો આપી દીધી છે. મમ્મી તને બહું યાદ કરે છે બેટા. એક કોલ કરી દઈશ તો એ રાત્રે નિરાંતે રડ્યા વિના સુઈ શકશે. અને હા, તું ઘેર આવે ત્યારે મેક શ્યોર કે તારી આંખ નીચે ડાર્ક સર્કલ ન હોય કેમકે તારી મા મારી બધી મસાલા કાકડી તારા કુંડાળા સંતાડવામાં વાપરી નાખશે.

મારી આંગળી તારી મુઠીમાં સમાઈ જવા અધીરી છે. ઘરે જલદી આવ.પપ્પા તને બહુ જ પ્રેમ કરે છે. તને કોઈ પણ પ્રેમ કરી શકે એવી લાગણીશીલ અને હુંફાળી વ્યક્તિ છે તું !

– તારો સુપરહીરો
“પપ્પા”

લેખક : રામ મોરી 

આપ સૌ ને આ લાગણીસભર પત્ર કેવો લાગ્યો ? કોમેન્ટ કરીને લેખક નો ઉત્સાહ અચૂક વધારજો !!