દિકરી – ઘડપણમાં ખરેખર કોણ સહારો આપે છે દિકરો કે દિકરી, એક લાગણીસભર વાર્તા…

ઉનાળા ની આ કાળઝાળ ગરમીમાં ગોલો ખાવાની મજા કોને ન આવે?..તો એ મજા માણવા હું પણ મારા હસબન્ડ અને નાની દીકરી સાથે ગોલો ખાવા ગયેલી..પણ એ ગોળા ની લારી પર ચાલતા વાર્તાલાપે મને વિચારવા પર મજબૂર કરી દીધી…ગોળા ની લારી એક 50વર્ષ ની આસપાસના સવિતામાસી ચલાવે…

આમ તો એકદમ સ્વસ્થ… ઝડપી પણ એટલા જ…8-10 ગ્રાહક ઉભા હોય તો પળવાર માં બધા ને ગોલો તૈયાર કરી ને આપી દીધો હોય… મને એ જે રીતે ગોલો બનાવે એ જોવાની ખૂબ મજા આવે..એટલે હું ગોળા નો ઓર્ડર આપી લારી પાસે જ ઉભી રહું આ મારો નિત્યક્રમ હતો… આજે પણ ગોળા નો ઓર્ડર આપી હું ત્યાં જ ઉભી રહી..આજે પેલા માસી નહોતા દેખાઈ રહ્યા..એમની જગ્યા એ એક 30 વર્ષની આસપાસ ની મહિલા ગોલો બનાવી રહી હતી..મારુ સંપૂર્ણ ધ્યાન એમના દ્વારા બનાવી રહેલા ગોલા માં જ હતું..ત્યાં જ પાછળ થી એક બેન નો અવાજ સંભળાયો…”ઓહ આશા તું….ઘણા દિવસે જોઈ તને….કેમ છે તું”

કદાચ એ બેન પેલા ગોળા બનાવવા વાળી મહિલા ને ઓળખતા હોય એવું લાગ્યું..અને સાથે એ પણ જાણવા મળ્યું કે એનું નામ આશા હતું. “બસ કાકી મજા માં છું….હું ઘણા દિવસે આવી એટલે જ તમે ઘણા દિવસે જોઈ” આશા એ ગોલો બનાવતા બનાવતા જવાબ આપ્યો “કેમ આજે સ્વીતા બેન નથી દેખાતા?” પેલા બેને સામો સવાલ કર્યો…આમ તો આ સવાલ મારા મન માં પણ ઉઠ્યો હતો..એટલે સારું થયું પેલા બેને પૂછી લીધો

“કાલે ઘરકામ કરતી ટેબલ પરથી પડી ગયા..બધું વજન એક હાથ પર આવી જતા..એમના હાથે ફેક્ચર થયું છે…એટલે હવે એ ગોલો બનાવી શકે એમ નથી એટલે હવે થી થોડા દિવસ હું જ આવીશ લારીએ..એમને થોડો આરામ રહે ને” ફરી એ જ ગોલો બનાવવાની અદા માં એને જવાબ આપ્યો..મારા હાથ માં ગોલો આપી એ પેલા બેન સાથે વાતો કરવા લાગી..પણ તરત પેલા બેન દ્વારા પૂછાયેલા સવાલે મને દૂર થી પણ એ લોકો ની વાતો માં જકડી રાખી. “આશા મહિના છે કે શું તને?”.આશા ના ચહેરા પર ચઢેલા હાંફ અને એનું થોડું ઉપસેલું પેટ જોઈ પેલા બેને પૂછ્યું..

કપાળે આવેલો પરસેવો લૂછતાં આશા એ હકારમાં જવાબ આપ્યો. “પણ તારે તો 3 દીકરી ઓ છે ને…અને ગયા વખતે શું આવ્યું?”પેલા બેને ચિંતિત સ્વરે પૂછ્યું “3 નહિ 4 …ગઈ વખતે ય માતાજી એ સામું ના જોયું..તે દીકરી જ અવતરી…બસ આ વખતે ભગવાન દીકરો આપી દે એટલે હાશ” આશા આકાશ તરફ હાથ જોડતા બોલી.

“દીકરા ની લાલસા માં 4 દીકરીઓ આવી..એ બધા નું ભરણપોષણ અંગે કાઈ વિચાર્યું છે તે?” ફરી પેલા બેને વળતો સવાલ કર્યો “હા તે હોય જ ને દીકરા ની લાલસા…દીકરી તો પરણી ને સાસરે જતી રહેશે….દીકરો હોય તો માં બાપ નું નામ દીપાવે…..એના કુળ ને આગળ ધપાવે….” આશા એ ગર્વભેર જવાબ આપ્યો… “એ તો સાવ સાચી વાત” પેલા બેને પણ એના સુર માં સુર પુરાવ્યો.

“હા…દીકરો હોય તો ઘરડે ઘડપણ ટેકો રહે…હમણાં ચાલે છે એમ કાઈ આખી જિંદગી હાડકા થોડી ચાલવાના છે…દીકરો હોય તો એની વહુ આવે…ને થોડી સેવા ચાકરી મળી રહે…દીકરો તો ઘડપણ ની લાકડી કહેવાય….દીકરા ની આશા કોને ન હોય??…દીકરો હોય તો માવતર જતી જિંદગી એ સચવાઈ જાય”.આશા એક શ્વાસે બોલી ઉઠી.

એની બધી જ વાત સાંભળી મને પણ ક્યાંક એની વાતો યોગ્ય લાગી..દીકરી મારે મન દીકરા જેવી જ છે..પણ સમાજ ના નિયમ મુજબ એક દિવસ તો સાસરે વળાવવી જ પડે ને…આશા ની વાતો ની મારા મન પર બહુ ગાઢ અસર થઈ ગઈ….મેં મનોમન ભગવાન ને પ્રાથના કરી કે આ વખતે આશા ને નિરાશ ન કરે…એને ખોળે એક દિકરો આપી દે….તે દિવસે ઘરે આવ્યા બાદ પણ હું સતત એ વિશે જ વિચારતી રહી…માં બાપ ના જીવન માં પુત્ર રત્ન ની જરૂરિયાતો આશાના મોંઢે સાંભળી હું બસ એ વિચારો માં જ ખોવાયેલી રહેવા લાગી..મારા હસબન્ડે મને પૂછ્યું પણ ખરા કે હું આમ એકલા એકલા શુ વિચાર્યા કરું છું..પણ હું કઈ જવાબ ન આપી શકી.

.પિયર માં એક ફંકશન હતું તો થોડા દિવસ પિયર ગયેલી હું જ્યારે પાછી ફરી તો આજે ફરી ગોલો યાદ આવી ગયા..અને હું મારા હસબન્ડ અને મારી દીકરી ઉપડ્યા ગોલો ખાવા..સદનસીબે સવિતા માસી ને હાથે હવે સારું હતું એટલે આજે લારીએ એ જ હતા..મારાથી અમસ્તા જ પુછાય ગયું “કેવું છે હવે હાથ માં તમને સવિતા માસી”

“અરે બૂન ઠીક છે….ઘડીક લબાકા મારે સે પણ કામ કીધા વિના ક્યાં સૂટકો સે…ક્યાં હુધી બેહી રેવાય એટલી હું તો આયા આવી જ ગઈ” સવિતા માસી એ એમની તળપદી ભાષામાં જવાબ આપ્યો… મને રહી રહી ને આશા નો જ વિચાર આવતો હતો…4 4 દીકરી ની માતા અને એ પણ હાલ ગર્ભવતી..ખબર નહિ કેમ પણ એની ચિંતા થયા કરતી મને..એટલે મેં ઉત્સુકતાવશ પૂછી જ લીધું “અને આશા…..આશા ની તબિયત કેમ છે?”

સવિતા માસી આશા નું નામ સાંભળતા જ ખુશ થઈ ગયા…સાસુ વહુ નો સુમેળ એમની આંખો માં દેખાઈ આવ્યો…એ તરત જ બોલી ઉઠ્યા. “ઇ આશાડી તો પરમ દહાડે જ ગઈ એના સાસરે..કેટલું કીધું તઇ ગઈ એના ઘેર..બાકી એ મારી છોડી મને એકલી મૂકીને વઇ જવા તૈયાર જ નહોતી” સવિતાબેન ની વાત પરથી ખ્યાલ આવ્યો કે હું જેમને વહુ સમજતી હતી એ એમની દીકરી હતી..મારા થી અમસ્તા જ પુછાય ગયું “માસી..દીકરો વહુ નથી તમારે??”

“અરે બુન સે ને દીકરો ને વહુ બેય સે…પણ આ હાથ ભાંગ્યો ઈમાં આ લારી ચલાવવા બેમાંથી એકેય રાજી નઈ..દીકરો આખો દી બાજુના ગામ માં ભજિયાની લારી ચલાવે ને વહુ એને મદદ કરે..સાંજ પડે તઇ બેય માંણાં થાકી ગયા એમ કહી અહીં આવવાની ના પાડી દે..છોડી ને દયા આવી તે એ આવી દોડતી એની 4 છોડીઓને લઈને…”

“હમમ” એ થી વધારે હું કઈ ન બોલી શકી.

“બુન આખું જગ છોડીઓને પારકી કે પણ ઇ જ વખત પડે તઇ કામ લાગે..માબાપ નું દીકરી ને દાઝે ને એટલું કોઈને ન દાઝે..એટલે જ તો મારી છોડી મહિના સે તો ય મારે હાટુ આંય હુધી લાંબી થઈ..ને મને ઘરનું કે આ લારીનું એક કામ નો કરવા દીધું..એની ચાકરી એ જ આ હાથ હાજો થ્યો…” સવિતા બેન આશા ના વખાણ કરતા થાકતા ન હતા..

ફરી મારુ મન ચકરાવે ચડ્યું થોડા દિવસ પહેલા આશા ના મોઢે દીકરો માવતર નો ટેકો…દીકરો માવતર ની લાકડી…. ઘડપણ નો સહારો આવા શબ્દો સાંભળી એને મહદ અંશે સાચા માની લીધા હતા..પણ આજે સવિતાબેન ની વાતો એ એ શબ્દો ને પડકાર આપ્યો હોય એમ લાગ્યું..એમનો ઘડપણ નો સહારો તો એમની દીકરી જ હતી…એમની સંકટ સમય ની સાંકળ તો એમની દીકરી જ હતી…તે દિવસે આશા ને કમનસીબ સમજી બેઠેલી હું આજે એના નસીબ પર ઈર્ષ્યા કરી રહી હતી કારણ ભગવાને એને ઘડપણ ના સહારા માટે એક નહિ 4 4 દીકરીઓ આપી હતી..

આજે ઘણા દિવસે હું હાશકારા સાથે ઘરે પરત ફરી..કારણ ભગવાને મને પણ એક દીકરી આપી હતી

લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ