દીકરા ના પિતા – એ હજી ઓફિસ પહોંચ્યો જ હતો અને તેને ઘરેથી ફોન આવ્યો કે જલ્દી ઘરે આવ પપ્પા ને…

હજી સવારે ઓફિસ જતો હતો ત્યારે જ તો પપ્પા ને સ્વસ્થ જોયા હતા..સાથે ચા નાસ્તો પણ કરેલો..હું નીકળ્યો ત્યારે બગીચા ના છોડવાને પાણી આપી રહ્યા હતા.મને નીકળતા જોઈ બોલ્યા પણ ખરા “શાંતિથી ગાડી હાંકજે..આજકાલ લોકો બઉ ઉતાવળે ગાડી હંકારે એમા જ અકસ્માત થાય”

હું હકારમાં માથું ધુણાવી નીકળી ગયેલો..મને ક્યાં ખબર હતી મારા પહાડ જેવા પિતાને હૃદયરોગનો એક હુમલો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા કરી દેશે…હજી તો ઓફિસ પહોંચ્યો ને થોડી જ વાર માં મમ્મીનો ફોન આવ્યો અને પપ્પા ના હૃદયરોગ ના હુમલાની વાત જાણતાં જાણે મારે તો પગ નીચેથી જમીન ખસી ગઈ..મમ્મીએ ને મારી પત્ની ખ્યાતિ એમને દવાખાને લઈ ગયા ..હું સીધો જ દવાખાને જવા રવાના થયો.ગાડી ના સ્ટેરિંગ પર ધ્રૂજતો હાથ મુક્યો અને બને એટલી ઝડપે ગાડી મારી મૂકી.

ઓફિસથી દવાખાના સુધી નું અંતર લાબું જે કાપતા મન ચકડોળે ચડ્યું.વિચારું નું વાવાઝોડું મારા દિલ દિમાગ ને તહસનહસ કરી રહ્યું હતું…નાનપણથી લઈને આજ સુધી જાણે એમના પર જ અવલંબિત હતો..એમના વગર સફળતા નું એક ડગલું ય એકલા નથી માંડ્યું..સમજતો થયો ત્યારથી મારા પપ્પા ને મારી સતત કાળજી લેતા જોયા છે..મમ્મી હંમેશા કહેતી કે હું નાનો હતો ત્યારર પપ્પા આખી આખી રાત મને લઈને બેસી રહેતા..મારી એક પણ જીદ પુરી કરવામાં એમને કસર નથી રાખી..

મને આજે પણ યાદ છે શાળાનો એ પહેલો દિવસ..એમની આંગળી ઝાલી હું મારા કલાસ સુધી ગયેલો અને જ્યારે એમને આંગળી છોડાવી મને ક્લાસની અંદર દોર્યો ત્યારે હું કેટલો ઢીલો થઈ ગયેલો..મારી એવી હાલત જોઈ એ પણ બેબાકળા થઈ ઉઠેલા..પાછું વળી વળીને મેં કઈ કેટલીય વાર એમની તરફ જોયું હશે..શાળાનો છૂટવાનો સમય થયો અને હું દોડીને ક્લાસની બહાર નીકળી મારા પપ્પા ને શોધી રહ્યો હતો..દૂર એક બાંકડે બેઠેલા પપ્પાને જોઈ હું ખુશીથી ઝૂમી ઉઠ્યો..મારી ખુશી માટે મારા પપ્પા ત્રણ કલાક મારા ક્લાસની બહાર મારા છૂટવાની રાહ જોઈ બેસી રહ્યા હતા.

સામાન્ય ક્લાર્ક ની નોકરી કરતા મારા પપ્પાએ મને શહેરની સારા માં સારી શાળામાં એડમિશન અપાવેલું..મારી ફી ની સગવડ કરવા એમને પોતાની ઘણી જરૂરિયાતો નો ભોગ આપતા મેં મારી આંખે જોયેલા..હું મોટો થતો ગયો અને જેમ જેમ મારી જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ એમની સામાન્ય જરૂરિયાતો પણ સંકેલાતી ગઈ..એક સામાન્ય ક્લાર્ક ના પગારમાં મારી ફી ની વ્યવસ્થા કરવી એ દેખાય એટલી સરળ ન હતી.પણ મારા માટે એમની એ ઘરડી થતી જતી આંખો એ અગણિત સપના જોયા હતા.અને મારા પપ્પાનો એ ભોગ જોઈ મેં પણ એ સપનાઓ સાકાર કરવા તનતોડ મહેનત કરેલી અને એ મહેનતના પરિણામે બારમાં ધોરણમાં 80% માર્ક્સ મેળવ્યા..

એ દિવસે મારી મમ્મી મને હરખમાં વળગી પડેલી પણ પપ્પા તો રીઝલ્ટ સાંભળતા જ બજાર માં જઇ પેંડા લઈ આવેલા અને હરખ માં વહેંચાતા એ પેંડા અને પછી મારા વખાણ નું તોરણ બાંધતા મારા પપ્પા ને જોઈ મને એ વ્યક્તિ પર હૃદયથી મન ઉપજી ઉઠેલું..મારા સારા ભવિષ્ય ખાતર કઈ કેટલીય બાધા આખડી ય રાખી લીધેલી એમને…હવે વારો હતો સારી કોલેજ માં એડમિશન લેવાનો…સિવિલ એન્જિનિયરિંગ માં પહેલેથી મારો રસ હતો એટલે એમાં જ એડમિશન લેવું એ નક્કી કરી રાખેલું..ઘણીવાર મારા મોટા મોટા સપના હું ખુલ્લા દિલે પપ્પાને જણાવતો પણ…

મને ક્યાં ખબર હતી કે મારા એ સપના એમના જીવન માં વધુ ને વધુ કરકસર લાવી રહી હતી..નસીબજોગે મને સિવિલ એન્જિનિયરિંગ માં મારા શહેર અમદાવાદ માં જ એડમિશન મળી ગયેલું..કોલેજની ફી ભરવા ગયેલા હું અને પપ્પા તો જાણે કોલેજનું કલચર જોઈ અંજાઈ ગયેલા..ફેશન ના નામ પર જગ્યા એ જગ્યા એ ફાટેલા કપડાં…નત નવીન જાતની હેરસ્ટાઇલ…અને મોંઘાદાટ વાહનો ધરાવતા કઈ કેટલાય છોકરા છોકરી કોલેજ કેમ્પસ માં આમથી તેમ ફરી રહ્યા હતા..ફી ભરતી વખતે પપ્પાના હાથમાં એમની બચત કરેલી એ જૂની નોટો જોઈ મેં મનોમન કોલેજના અન્ય વિદ્યાર્થીઓના રંગે ન રંગાવાનો નિર્ણય લઈ લીધો હતો…પણ ક્યાંક પોતાની ગરીબાઈ આજે ખૂંચી મને અને જાણે મારા મન ને વાંચી લીધું હોય એમ પપ્પા તરત જ મને નવા કપડાં અપાવવા માર્કેટ લઈ ગયેલા..

કોલેજના શરૂ ના દિવસો માં હું બસમાં કોલેજ જતો..એક દિવસ અચાનક પપ્પાએ મારા હાથ માં ચાવી થમાવી દીધી..નવી નકોર ચાવી જોઈ હું ઉછળી પડેલો..ઘર બહાર ઉભી રહેલી મારી નવી બાઇક જોઈ હું તો સાતમા આસમાને પહોંચી ગયેલો..પપ્પા વર્ષોથી એમનું જૂનું સ્કૂટર વાપરતા..અને એ સ્કૂટર હવે ઘણીવાર એમને રસ્તામાં દગો આપતું..ઘણીવાર કહેલું મેં પપ્પાને ક નવું બાઇક લઈ લઈએ પણ એ કઈ ને કઈ બહાનું કરી વાતને ટાળતા…આજે મારા માટે લાવેલા એ બાઇક ને જોઈ મને એમના બહાના નું કારણ મળી ગયું..મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા..હું પપ્પાને બાજી પડ્યો હતો..અને એમને પ્રેમથી મારી પીઠ થાબડી…

4 વર્ષ કોલેજમાં તનતોડ મહેનત કર્યા બાદ હું સારા ટકા સાથે ઉત્તીર્ણ થયો..કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે ઘણી કંપનીઓ આવેલી પણ કોણ જાણે કેમ નોકરી માટે મારુ સિલેકશન ન થયું..હું નાસીપાસ થઈ ગયેલો..જોબ માટે ઘણા વલખા માર્યા પણ પરિણામ શૂન્ય…રીઝલ્ટ પછી ના ત્રણ મહિના હું ઘરે જ બેસી રહ્યો… દીકરી જો ભણી ને ઘરમાં હોય તો કદાચ એના બાપને કોઈ સવાલો નહિ થાય….સમાજ ને દીકરી ના ભણ્યા બાદ ઘરે બેસી રહેવાથી કઈ વાંધો નથી હોતો પણ દીકરા ને ઘરે બેઠેલો જોઈ એના બાપ ને સવાલો પૂછવા જાણે લોકો તૈયાર જ હોય..મારી બેરોજગારી પર પણ પપ્પાને ઘણા સવાલો કરતા..અમુક તો મારી સામે જ કહેતા

“સુનિલભાઈ તમારો દીકરો હજી ઘરે છે? નોકરી નથી મળી કે શું?……હવેએ ને કહો કે ક્યાંક સેટ થઈ જાય…જુઓ પેલો રમેશભાઈ નો જય કેવી સારી પોસ્ટ પર લાગી ગયો” પપ્પા એ લોકોને સારું કહી વળાવી દેતા..પણ મારે મન આ વાક્યો કાંટાની જેમ ખૂંચતા..મને ખુદ પર ગુસ્સો આવતો..ત્યારે પપ્પાએ સમજાવેલું કે “બેટા લોકો માટે જેટલી તારી નોકરી મહત્વની છે ને એના કરતાં અનેક ગણો મારા માટે તું મહત્વનો છે…આખી જિંદગી કમાવાનું જ છે..એટલે નોકરીની લ્હાયમાં હતાશ થઈને ન ફરીશ..”

મને એ દિવસે ખરેખર આવા બાપના દીકરા હોવાનો ગર્વ થયો હતો…પપ્પા એકદમ સ્વમાની…. ક્યારેય કોઈની સામે હાથ લાંબો નથી કર્યો પણ ફક્ત મારા ઉજળા ભવિષ્ય માટે એમને શક્ય તેટલી બધી જ ઓળખાણ લગાવી મને નોકરીએ લગાડવાનો પ્રયાસ કરી જોયો હતો…ફક્ત હું નાસીપાસ થઈને જિંદગીથી હારી ન જાઉં એટલે….આખરે છ મહિના બાદ મને નોકરી મળી અને મારી આ સફળતા ન વખાણથી મારા પપ્પાએ એ તમામ લોકો ના મોઢા બંધ કરી દીધા જેના મહેણાં ટોણા મને હચમચાવી મુકતા હતા…

હું નોકરીમાં ધીમે ધીમે સેટ થતો ગયો…પગાર બઉ ખાસ ન હતો પણ નોકરી મળી ગ્યાનો આનંદ હતો..પણ લોકો તો જાણે એમના સવાલો થી ધરતા જ ન હોય એમ નોકરી પછી હવે બીજો સવાલ મારા પરિવાર સામે ઉભો હતો છોકરીનો..હવે સૌને મને પરણાવવા ની ઉતાવળ હતી પણ આજકાલ ની મોર્ડન અને હાઈ લાઇફસ્ટાઇલ ઇચ્છતી છોકરીઓ મારુ નાનકડું ઘર અને મારા ઓછા પગાર ની નોકરી જોઈ હા પાડે ખરી?….ઘણી શોધખોળ બાદ પપ્પાના એક મિત્રની દીકરી ખ્યાતિ સાથે મારા લગ્નની વાત નક્કી થઈ..

ખ્યાતિ નું ઘર પરિવાર પણ મારી જેમ જ એટલે બંને પરિવાર ને સંબંધ માફક આવેલો..મારી ઘણી ના છતાં મારા પપ્પાએ વાજતે ગાજતે ધામધૂમ થી મારા લગ્ન કરાવ્યા..ઘરની આર્થિક સ્થિતિ જોઈને સાદાઈથી લગ્નની હિમાયત કરેલી પણ પોતાના એકના એક દીકરાને પરણાવવા માં પપ્પાએ કોઈ કસર ન રાખી..ખ્યાતિ કુટુંબમાં સારી રીતે ભળી ગઈ હતી..પરિવાર સુખેથી રહેતો હતો..પપ્પા પણ થોડા સમયમાં નિવૃત થઈ ગયા..

ઘરની આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતી ગઈ..પણ કહેવાયને દરેક માણસનો એક દશકો હોય અને મારો એ દશકો જાણે વીતી ગયો હોય એમ અચાનક એક આફત આવી પડી..ઘરમાં સૌ પરેશાન ન થાય વિચારી મેં ઘરે એ વિશે વાત કરવાનું ટાળ્યું..હું ઓફિસથી ઘરે પહોંચ્યો..બધા સાથે જમ્યા…અને જમીને હું સીધો મારા રૂમમાં ભરાઈ ગયો..લેપટોપમાં કઈક ગડમથલ કરતો હતો ત્યાં જ પપ્પા ને રૂમમાં આવતા જોયા..ખુદને થોડો સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો

“શુ વાત છે બેટા…આજે ચિંતા માં જણાય છે…”પપ્પાએ મારે માથે હાથ ફેરવતા સવાલ કર્યો “ના..ના…પપ્પા…કાઈ ચિંતા નથી..બસ એ જ ઓફિસ નું કામ….એટલે થોડો થાકેલો છું” મેં જવાબ આપ્યો

“બેટા.તું સાવ નાનો હતો ને ત્યારથી તારી આંખો વાંચતો આવ્યો છું હું…તું બોલતા નહોતો શીખ્યો ને ત્યારથી તારા મન ની વાત સાંભળતો આવ્યો છું…તારી તકલીફ હું અનુભવી શકું છું…ચાલ બોલ…શુ તકલીફ છે?”..પપ્પાની વાત સાંભળી હું જાત પર કાબુ ન રાખી શક્યો..એમના ખોળામાં જાણે હું ઢગલો થઈ ને પડ્યો..મારી આંખમાંથી આંસુ સરી રહ્યા હતા….એ આંસુ એ પહેલાં પપ્પા ના ઝભ્ભા ની સાથે એમના મન ને પણ ભીંજવી દીધા..મારા માથે હળવે હળવે હાથ ફેરવતા બોલ્યા

“શુ વાત છે બેટા…આમ ઢીલો કેમ થઈ ગયો” “પપ્પા માર્કેટ માં ખૂબ મંદી છે..ઘણી કંપનીઓ એમના કર્મચારીઓ ને છુટા કરી રહી છે…પપ્પા મારી કંપની પણ મને ટૂંક સમયમાં નોકરીમાંથી છૂટો કરી મુકશે”..બોલતા બોલતા હું રડી પડ્યો

“અરે ગાંડા..સાવ આવી વાતમાં મારો બહાદુર દીકરો ભાંગી પડ્યો…નોકરીમાંથી છૂટો કરશે તો બીજી નોકરી મળશે એમાં આમ નાસીપાસ થવાય કઈ?”…પપ્પા એ મને થાબળતા કહ્યું હું હજી પણ રડી રહ્યો હતો..ત્યાં એમને એમની વાત આગળ ચલાવી “બેટા..હવે એક કામ કર..ફરી નોકરી નથી કરવી..મને ખબર છે તને પહેલેથી વેપારમાં રસ હતો તો હવે તું તારો પોતાનો બિઝનેસ શરૂ કર..” આ ઉંમરે પણ એમને મને સફળતાનાં શિરે ચડાવવા એક સરસ ઉપાય બતાવ્યો..મને પણ વિચાર ગમ્યો

“પણ પપ્પા એ માટે પૈસાનું ઘણું રોકાણ કરવું પડે અને મારી પાસે હમણાં એટલા પૈસા નથી” મેં મૂંઝાતા મૂંઝાતા કહ્યું “તે મારા પ્રોવિડન્ટ ફંડ ના પૈસા કે દિ કામ આવશે” મારા માથે હળવેકથી ટપલી મારતા એ બોલ્યા “પણ પપ્પા એ તો તમારા જીવનભર ની મૂડી છે એ હું ન લઈ શકું” “અરે મારી જીવનભરની ખરી મૂડી તો તું છો મારા દીકરા…પૈસાતો ફરી કમાવી લેવાશે..તું તારે બધી ચિંતા મૂકી ને જલ્સા કર..તારો આ બાપ હજી જીવે છે….ચાલ લાગી જા બિઝનેસ ની તૈયારી માં”

એકપણ વિચાર કર્યા વગર એમની ઘડપણ ની એ મૂડી એમને મારા હાથમાં મૂકી દીધી..ભાંગી પડેલો હું ફરી પપ્પાનો ટેકો લઈ બેઠો થયો અને રીઅલ એસ્ટેટ ની દુનિયા માં પગ મૂક્યો..એમના થકી જ આજે હું શહેર નો જાણીતો બિલ્ડર બની ચુક્યો છું..એમના પીઠબળ વગર મને મારુ જીવન જ પાંગળુ લાગે..

વિચારો માં ને વિચારોમાં હું દવાખાને પહોંચી ગયો..ફટાફટ ગાડી પાર્ક કરી હું દવાખાના ની અંદર દાખલ થયો…મારા હૈયાના જોર જોર થી ચાલી રહેલા ધબકારા મને વધુ ડરાવી રહ્યા હતા..સામે જ ICU ની બહાર મમ્મીએ ને ખ્યાતિ ને જોયા…મને જોઈ મમ્મી મને વળગી ને રડવા લાગી..મેં એમને સાંત્વના આપી….ICU ની બહારથી જ નાનકડા કાચમાંથી મેં પપ્પાને જોયા..હંમેશા મારો સહારો બનેલા મારા પપ્પા આજે ઓક્સિજન પાઇપ ના સહારે જીવી રહ્યા હતા…અને હું સાવ લાચાર બની એમને આમ જોઈ રહ્યો હતો..

એક દીકરીના પિતાની વેદના દરેક જગ્યાએ વર્ણવાઈ હોય પણ ક્યારેક એક દીકરા ના પિતાની વેદના જોઈ છે???…..દીકરી ને પારકે ઘેર મોકલનાર બાપ પર તો પુસ્તકો લખાઈ ગયા..પણ આજીવન પોતાના દીકરાની ચિંતા કરતો બાપ ક્યાંય લખાયો છે?…….આખી જિંદગી બસ પોતાના દીકરા ના સારા ભવિષ્ય ની ચિંતા માં ઘરડા થતા એ પિતા ક્યારેય જોયા છે???…..

દીકરી ની વિદાય વખતે નાના બાળકની જેમ રડતા એ પિતા સૌ કોઈએ જોયા હશે પણ દીકરાની તકલીફ માં આંસુ છુપાવી એને હિંમત આપતા પિતા જોયા છે??? ICU ના એ પલંગ પર સુતેલા મારા પપ્પા ને જોઈ મેં આજે પહેલીવાર ભગવાન પાસે કઈક માંગ્યું….અત્યાર સુધી તો મને જે જોઈતું એ આ મારા ભગવાન સમાં પિતા એ જ આપેલું…

અત્યાર સુધી મારા દરેક સપના પુરા કરનાર ના સપના પુરા કરવા જ્યારે હું સક્ષમ થયો ત્યારે એને આમ મરણપથારીએ મોકલી ભગવાન મારી સાથે અન્યાય ન જ કરી શકે. સતત 4 કલાક હોસ્પિટલ ની એ લોબીમાં મારા પપ્પા સાથે ની યાદો ને વાગોળતો હું વધુ ને વધુ ઢીલો પડતો જતો હતો….ICU માંથી ડોક્ટરને બહાર આવતા જોયા

“મારા પપ્પા………”એથી વિશેષ હું કઈ બોલી ન શક્યો..ગળે જાણે ડૂમો ભરાઈ ગયો અને તબિયત પૂછવા માટે ઉપડેલા એ શબ્દો જાણે ગળામાં જ અટકી ગયા. “he is fine now…સમય રહેતા બાયપાસ સર્જરી થઈ ગઈ એમની એટલે હવે એમનો જીવ જોખમ ની બહાર છે…જલ્દી જ એ ઠીક થઈ જશે” ડોકટરે જવાબ આપ્યો

સાક્ષાત ભગવાન મારી સામે ઊભા હોય એમ હું રીતસર ડોકટર ના પગે પડી ગયો….આંસુંડા દળદડ કરી વહી રહ્યા હતા….જાણે એક નવો જન્મ મળ્યો હોય મને એમ હું ઝૂમી ઉઠ્યો…તરત જ હું ICU માં દાખલ થયો ICU માં બેભાન પડેલા મારા પપ્પાની છાતી પર માથું મૂકી હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો…એમના ધબકારા હું સાંભળી શકતો હતો…અને જાણે એ મને કહી રહ્યા હતા “બેટા તું તારે બધી ચિંતા મૂકી જલ્સા કર…તારો બાપ હજી જીવે છે”

લેખક : કોમળ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ