ગુજરાતના “ઘુમલી” વિષે તમે જાણો છો ?

સૌરાષ્ટ્રમાં પ્રવાસની વાત આવે, એટલે પેલો જ વિચાર કિલ્લેશ્વરનો આવે. નજીકનું નજીક ને સુંદરનું સુંદર…!

તુફાન બાંધીને સવારથી થેપલા અને સુકીભાજી લઈને નીકળી જવાનું… તે કિલ્લેશ્વર, બિલ્લેશ્વર, ઇન્દ્રેશ્વર, ઘુમલી ની મસ્ત ONE DAY TOUR ગોઠવાય. હવે કિલ્લેશ્વર, બિલ્લેશ્વર, ઇન્દ્રેશ્વર તો સુંદર સ્થળો છે, પણ આજે આપળે ઘુમલીની વાત કરીએ…

લગભગ ઘુમલી જનાર દરેક પ્રવાસી બરડા ડુંગર પર બિરાજમાન આશાપુરા માતાના આર્શીવાદ લે અને પછી AC ને પણ ફિક્કા પાડીદે એવા મસ્ત પવનમાં બેસી ઉપરથી દેખાતા અદભૂત કુદરતી GOOGLE MAP ને જોવે એટલે ઉપર સુધી આવાનો ધક્કો વસુલ…!!!

પર્વતની નીચેનાં નવલખા મંદિર અને ગણેશ મંદિર બધાએ જોયા જ હશે, આજે આપણે એ બંને મંદિરો વિશે વાત કરીએ…

નવલખા મંદિર:-

સોલંકી યુગના સ્થાપત્યનું દ્રષ્ટાંત એવું આ મંદિર 12મી સદીનું છે અને તત્કાલીન સમય ઊંચી પીઠ તેમજ ભાગ્યે જ જોવા મળતો એવો બે માળનો મંડપ ઘરાવે છે.

એની દીવાલો કમળ, ઘંટ, કીર્તિમુખ, હાથી અને માનવ આકૃતિઓથી સજાવેલી છે. બહારની દીવાલ પર વચ્ચેના ગવાક્ષની નીચે સૂંઢમાં સૂંઢ પરોવેલા ત્રણ હાથીયુગ્મો નોંધપાત્ર છે.

આ મંદિર બાંધવામાં ખર્ચાયેલા નવ લાખ રૂપિયા મંદિરના નામકરણનું નિમિત્ત બન્યા છે.

ગણેશ મંદિર:-

મૂળભૂત રીતે આ મંદિરના પ્રદક્ષિનાપથને મંડપ સુધી લંબાવેલો એનો પુરાવો છતના અંશોને ટેકારૂપ એવા ગવાક્ષોની રચનાથી મળે છે. હાલમાં માત્ર ગર્ભગૃહનું માળખું અને એના દરવાજાની સાદી બારસાખ છે.

ભોંયતળિયું 9મી સદીની શૈલીનું છે, પરંતુ શિખરનો આકર અને એમાંનું અલંકરણ પછીના સમયનું લાગે છે. એનું બાંધકામ 10મી સદીના આરંભનું જણાય છે.

સૈંધવ કાળના (ઈ.સ. 8મી – 9મી સદી) છેલ્લા મંદિરોમાંનું આ એક છે.

સંકલન – મિલન સોનગ્રા (ઉપલેટા)

ટીપ્પણી