સંવેદનશીલ અને સજ્જ આરજે ધ્વનિતે સર્જેલો સર્વધર્મ પ્રાર્થનાનો વીડિયોઃ પ્રાર્થનામાં મોટું બળ હોય છે

સંવેદનશીલ અને સજ્જ આરજે ધ્વનિતે સર્જેલો સર્વધર્મ પ્રાર્થનાનો વીડિયોઃ પ્રાર્થનામાં મોટું બળ હોય છે

બધી બાજુના દરવાજા બંધ થઈ જાય ત્યારેય એક દરવાજો તો ખુલ્લો રહેતો જ હોય છે. એ દરવાજો ભગવાનની પ્રાર્થનાનો છે. પ્રાર્થનામાં મોટી શક્તિ છે. બીજી કોઈ દિશા ના સૂઝે ત્યારે ઈશ્વરના શરણે જઈને કરેલી પ્રાર્થના મોટી રાહત તો આપે જ છે, બળ અને પરિણામ પણ આપતી હોય છે. જાણીતા આરજે ધ્વનિતે આવી જ ભાવનાથી કોરોનાગ્રસ્ત કપરા કાળમાં સર્વધર્મ પ્રાર્થનાનો વીડિયો તૈયાર કર્યો. આ તેમની પોતાની વ્યક્તિગત પહેલ છે. તેનાં ખૂબ સારાં પરિણામ આવ્યાં છે. લોકોએ આ ભાવનાને આવકારી છે. તેને જોઈ-સાંભળીને અનેકને ટાઢક થઈ છે.

image source

ધ્વનિત એક આરજે તરીકે વિખ્યાત, નીવડેલા, સજ્જ અને પ્રતિષ્ઠિત છે તે તો ગામ આખું અને ગામે-ગામ જાણે છે, પણ તેઓ નિસબતી અને પ્રતિબદ્ધ વ્યક્તિ છે. માનવતાને ઉજાગર કરતી અનેક પ્રવૃતિઓ તેમણે કરી છે. અમદાવાદમાં લાખો વૃક્ષોના આરોપણ-ઉછેરની સાતત્ય સાથેની સફળ કામગીરી હોય, પોઝિટિવટીનો પ્રસાર કરવાનો હોય, મતદાનની ઝૂંબેશ હોય કે આપત્તિ વખતે લોકોને ઉપયોગી થાય તેવાં વિકટ કાર્યો કરવાનાં હોય, આરજે ધ્વનિત કદી મોડા ના પડે કે મોળા પણ ના પડે.

image source

કોરોનાગ્રસ્ત વિકટ સ્થિતિમાં તેઓ જોખમ લઈને નિયત કરતાં બમણું કામ કરી રહ્યા છે. સતત નવા નવા વિચારો અને ખયાલો સાથે લોકોના માનસિકતાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક કોમ્યુનિકેટરની શ્રેષ્ઠ કામગીરી તેઓ કરી રહ્યા છે.

તેમણે સર્જેલો અને લોકપ્રિય થયેલો સર્વધર્મ પ્રાર્થનાના વીડિયોનો વિચાર તેમને મનમાં કશુંક નક્કર કરવાની ભાવનામાંથી આવ્યો. તેમનાં જૈફવયનાં નાનીમા થોડા મહિનાઓથી બીમાર હતાં અને હોસ્પિટલમાં હતાં. ધ્વનિત અને તેમનો પરિવાર તેમની કાળજી લેવામાં રોકાયેલો હતો. હોસ્પિટલમાંથી તેમના ઘરે લાવેલાં. લોકડાઉન પહેલાં તેમના મામાને ત્યાં અંકલેશ્વર ગયાં. ત્યાં થોડા દિવસ પછી તેઓ ઈશ્વરશરણ થયાં. એ પછી તેમના ઘરે સતત પ્રાર્થના થતી હતી.

image source

એ પ્રાર્થનામય વાતાવરણમાં આરજે ધ્વનિતને સર્વધર્મ વીડિયોનું સર્જન કરવાનો વિચાર આવ્યો. તેમને થયું કે જ્યારે આપણને બીજો કોઈ રસ્તો ના સૂઝે ત્યારે પ્રાર્થના કરવાનો રસ્તો ખુલ્લો જ હોય છે. તેમણે વિવિધ ધર્મના આગેવાનોનો સંપર્ક કરીને, વીડિયો મંગાવ્યા. એકાદ-બે પુનઃ મંગાવવા પડ્યા. એ પછી મિત્ર પ્રતીક ગુપ્તાની મદદથી તેનું એડિટિંગ થયું.

image source

જ્યારે તેમણે આ કામ શરૂ કર્યું ત્યારે તેમને પોતાને ખબર નહોતી કે તે કેવી રીતે પૂર્ણ થશે અને કેવું થશે, પણ ઉત્તમ કાર્ય થયું. સાચી ભાવનાથી થયેલું કાર્ય, અને તેમાંય તે પ્રાર્થનાને લગતું હોય તે નબળું થાય જ નહીં….

આ વીડિયોએ અનેક લોકોનાં તપતાં અને વિક્ષુબ્ધ થયેલાં મનને શીતળતા આપી છે. ખિન્ન થયેલાં ચિત્તને શાંત કર્યાં છે. ઉગ્ર દહેશત પર મલમ લગાવ્યો છે. ડર અને ફડકની તીવ્રતાને ઓછી કરી છે.

આખો દિવસ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં સતત વ્યસ્ત રહીને રાત્રે ઘરે આવેલા એક ડોકટરે આરજે ધ્વનિતને મેસેજ કર્યોઃ

આ વીડિયો જોઈ-સાંભળીને મારો થાક ઉતરી ગયો અને તન-મન પુનઃ કામ કરવા તત્પર થઈ ગયું.

ધ્વનિત કહે છે.. એ મેસેજ વાંચીને મને થયેલું જાણે કે ખુદ ભગવાને પ્રાર્થનાનો જવાબ વાળ્યો.

વિકટ સમયમાં વિરલ કહેવાય તેવો પ્રાર્થનાનો વીડિયો સર્જવા માટે ધ્વનિતને ખૂબ ખૂબ અભિનંદન. તેમની લીલીછમ સામાજિક અને માનવીય નિસબતને ભગવાન કાયમ જીવંત રાખે તેવી પ્રાર્થના.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ