ઢોકળીનું શાક એ પણ દરબારી સ્ટાઈલમાં !! એટલું ચટાકેદાર બને છે કે વાત જવા દ્યો!

ગુજરાતીઓ ધાબા ઓમાં ખાવાના શોખીન હોય છે . ધાબાની ફેવરિટ વાનગીઓમાંની એક છે ઢોકળીનું શાક .. આ શાક રોટલા , ભાખરી કે જાડી રોટલી સાથે ખાવાની મજા જ કઈક ઔર છે .. સાથે છાસ અને તળેલા મારચા..

મેં અહીં બતાવેલ રીતમાં લસણ નથી વાપર્યું , આપ ચાહો તો વઘારમાં ઉમેરી શકો છો . ઢોકળી બનાવાની ઘણી રીતો છે , અહીં બતાવેલી રીત સરળ અને ફુલ પ્રુફ છે . આશા છે પસંદ પડશે .

સામગ્રી :

ઢોકળી માટે :

1. મીઠું,
2. 1 ચમચી લાલ મરચું,
3. 1/2 ચમચી હળદર,
4. 1/4 ચમચી હિંગ,
5. 2 ચપટી અજમો,
6. 3 ગ્લાસ પાણી,
7. સવા વાડકો ચણાનો લોટ,
8. ચપટી ખાવાનો સોડા (optional),
9. 3 ચમચી તેલ.

શાક માટેની સામગ્રી :

1. 4 થી 5 ચમચી તેલ,
2. 2 લાલ સૂકા મરચા,
3. 1.5 વાડકો થોડું ખાટું દહીં,
4. મીઠું,
5. 1/2 ચમચી જીરું,
6. 1/2 ચમચી હિંગ,
7. 1 ચમચી લાલ મરચું,
8. 1/2 ચમચી હળદર,
9. 1/2 ચમચી ધાણા જીરું,
10. સજાવટ માટે બારીક સમારેલી કોથમીર.

રીત :
સૌ પ્રથમ આપણે ઢોકળી બનાવીશું . એના માટે પાણી એક થોડા મોટા તપેલામાં ઉકળવા મુકો . એમાં અજમો, મીઠું , હળદર , લાલ મરચુ અને હિંગ ઉમેરો. આ મસાલા પાણીને 2 મીનીટ માટે ઉકાળવા દો.


ત્યારબાદ તેમા સોડા અને તેલ ઉમેરો . સોડા ઉમેરવાથી ઉભરો ચડશે પણ થોડી સેકન્ડમાં જ બેસી જશે . સોડા અને તેલ બેય ઢોકળીને પોચી રાખવામાં મદદ કરશે .

હવે ગેસ ધીમો કરી પાણીમાં ચણાનો લોટ ઉમેરો અને એકદમ સરસ હલાવો . લોટના ગાંઠાના દેખાવા જોઈએ .પાણીના પરપોટા બંધ થઈ જશે અને એકદમ સરસ કણક જેવું લાગશે . હવે આ ઢોકળીના લોટને તેલ લગાવેલી થાળીમાં લઇ લો. 5 7 સેકેન્ડ માટે રાહ જોવી કેમ કે લોટ બહુ જ ગરમ હોય છે.

હવે આ લોટને તેલ લગાવેલા હાથ કે ચમચા થી પહોળું કરવું. આંગળીઓ પર તેલ લગાવી એકસરખું પાતળું પાથરી લેવું. હવે એને એકદમ ઠરવા દો.

ઠર્યા બાદ છરીથી નાના ટુકડા કરી લેવા. આપ ફોટોમાં જોઈ શકો છો, ઢોકળી બહુ જાડી કે પાતળીના પાથરાવી, છાસમાં ભૂકો થઈ જશે.

દહીં માં મીઠું અને 1.5 થી 2 ગ્લાસ પાણી ઉમેરી છાસ તૈયાર કરો .

જાડી કડાયમાં તેલ ગરમ કરો . ત્યારબાદ તેમાં જીરું , લાલ સૂકા મરચા, હિંગ અને 1/2 ચમચી લાલ મરચું ઉમેરી છાસ ને વઘારી લો .. તેમાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરો ..

છાસ ને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દો. ત્યારબાદ તેમાં ટુકડા કરેલી ઢોકળી ઉમેરો અને 5 મીન માટે થવા દો. ઢોકળી ઉમેરાય બાદ બહુ ઉકાળવાની જરૂર નથી, ઢોકળી ભાંગી જાશે. ઢોકળી થઈ જશે એટલે ઉપર તરવા માંડશે ..
ગેસ બંધ કરી દો અને 5 મીન માટે ઢાંકીને સિજવા દો.

કોથમીર થી સજાવટ કરી ગરમા ગરમ પીરસો ..

બહુ સ્વાદિષ્ટ શાક બને છે , એકવાર જરૂર ટ્રાય કરજો…

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી