જલ્સા કરોને જેંતીલાલ

ઢીંગલીની ઢીંગલી – સ્વાઈનફ્લ્યુથી થઇ એક માતાની મૃત્યુ, એક નાનકડી દિકરી પૂછી રહી છે અનેક સવાલ…

વાડજ ના અખબારનગર ની એક શેરી માં આવેલા જર્જરિત અને પુરાણા ઘર માં એક સમી સાંજે ડૉ. જય શેઠ અને એમના સ્ટુડન્ટ ડૉ. નિસિથ પ્રવેશ્યા. પ્રવેશતા જ સામે રહેલા વૃદ્ધ બા ને પૂછ્યું “ નમસ્તે બા, અમે અંદર આવીએ ?”


“તમે ?” આશ્ચર્ય ના ઉદગાર સાથે બા એ પૂછ્યું. “અમે વીએસ હોસ્પિટલ માંથી ડોક્ટર છીએ અને તમારી પુત્રવધૂ ના સ્વાઇન ફ્લૂ થી થયેલા મૃત્યુ વિશે થોડીક પૂછપરછ કરવા આવ્યા છીએ” બા એ આવકાર આપી તૂટેલા ખાટલા પર થીંગડા મારેલી ગોદડી પાથરી બંને ને બેસાડયા.

2009 નું એ વર્ષ હતું. ગુજરાત અને આખા દેશ માં સ્વાઇન ફ્લૂ નામના રોગે બરાબર નો ભરડો લીધો હતો, કેટલાય લોકો ને આ રાક્ષસ ભરખી ગયો. સરકાર એ એપીડેમીક ની પરિસ્થિતી જાહેર કરી. અધિક નિયામક, આરોગ્ય વિભાગ ગાંધીનગર ના આદેશ મુજબ એ સમયે સ્વાઇન ફ્લૂ થી થતાં દરેક મૃત્યુ ની Verbal autopsy (વર્બલ ઓટોપ્સી) ની જવાબદારી કમ્યૂનિટી મેડિસિન વિભાગ ના શિરે આવી.


Verbal autopsy એટલે મરણોપરાંત પૂછપરછ જેથી મૃત્યુ થયાનું કારણ જાણી બીજા મૃત્યુ અટકાવી શકાય અને આ અંતર્ગત પોસ્ટ ગ્રેજયુએટ સ્ટુડન્ટ ડૉ. નિશીથ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. જય શેઠ અત્યારે એક બા ને પ્રશ્નો પૂછી રહ્યા હતા. બાની પુત્રવધૂ નું થોડા જ દિવસો પહેલાં મૃત્યુ થયું હતું અને એ પોતાની પાછળ એક 6 મહિનાની અને એક 3 વર્ષ ની બાળકીઓ ને મૂકતી ગઈ હતી. નાની બાળકી અત્યારે બા ના ખોળા માં હતી અને બાટલી વડે દૂધ પી રહી હતી. કેટલાક પ્રશ્નો ના ઉત્તર આપતા આપતા બા ના બંને આંખો ના ખૂણા ભીના થઈ ગયા હતા.


જ્યારે નિશીથ એ બંને બાળકો ની સારસંભાળ વિશે પૂછ્યું તો બા એ ધીમા સાદે કહ્યું “ હવે તો આ બેઉ છોકરાં ની માં હું જ છું. તમે સાહેબ આ મોટી ને કશું કહેતા નહીં , એ મને આખો દિવસ પૂછ પૂછ કરે છે કે મારી મમ્મી ક્યારે આવશે? અમે હજુ સુધી એને કશું કહ્યું નથી, એને તો બસ એટલી જ ખબર છે કે એની મમ્મી હજુ દવાખાને છે અને એ થોડા દિવસો પછી પાછી આવવાની છે.” એટલા માં દૂર રમી રહેલી એ 3 વર્ષ ની એ માસૂમ બાળકી બા ના ખોળા માં આવી અને પૂછવા લાગી “બા , આ કોણ છે ?” “બેટા આ ડોક્ટર છે તારી મમ્મી ના દવાખાને થી આવ્યા છે.” બા એ ચહેરા પર આવેલી દર્દ ની રેખાઓ ને છુપાવતા કહ્યું.


“બા હવે મારી મમ્મી ઘરે આવી જશે ને ? એ ગઈ હતી ત્યારે મને ઢીંગલી લઈ આપવાનું કહ્યું હતું, એ ઢીંગલી લઈ ને જલ્દી આવશે ને બા ? એ ઢીંગલી લાવશે પછી હું ને મારી મમ્મી બંને ઢીંગલી જોડે રમીશું. મમ્મી મને નવડાવશે અને હું ઢીંગલીને, મમ્મી મને ખવડાવશે અને હું ઢીંગલીને……..” આગળ એ નાની ઢીંગલી શું શું બોલી એનો નિશીથ ને ખ્યાલ ના રહ્યો, બસ શૂન્યમનસ્ક અને વ્યગ્ર મન સાથે એ એની ભોળી આંખો માં જોતો રહ્યો. કોઈ ની ય પાસે એ ઢીંગલી ના પ્રશ્નો ના જવાબ નહોતાં. પૂછપરછ પૂરી થતાં જ ડૉ. જય શેઠ ઊભા થયા. ડૉ. નિશીથ એ ઊભા થતાં જ બા ની સામે 500 રૂપિયા ની નોટ ધરી. બા એ ખુમારી પૂર્વક મના કરતાં કહ્યું “બેટા ! અમે મહેનત કરવા વાળા માણસો છીએ , મહેનત કર્યા વગર કોઈનો એક રૂપિયો પણ ના લઈએ.”


નિસિથ ને બા ની ખુમારી ને દાદ આપવાનું મન થયું. ડૉ. નિસિથે કાર માં પોતાની પાસે રહેલા કેટલાક ફળો એ બાળકી ને આપ્યા. બાળકી એ ફળો હાથ માં લેતા લેતા કહ્યું “ મારી આ ઢીંગલી લઈ લો અને મારી મમ્મી ને જલ્દી મોકલજો, ને ! એને કહેજો એની વ્હાલી એને બહુ જ યાદ કરે છે.” કાર માં પાછા ફરી રહેલા ડૉ. નિસિથ ના વ્યગ્ર અને ઉદાસ મન સમક્ષ કેટલાય સમય સુધી એ નાની માસૂમ ઢીંગલી નો ચહેરો અને એના પ્રશ્નો તરતા રહ્યા. વર્ષ 2015 માં સ્વાઇન ફ્લૂ નામના રાક્ષસે ફરી માથું ઊંચક્યું.


હવે ડૉ. નિસિથ પોસ્ટ ગ્રેજયુએટ સ્ટુડન્ટ મટીને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક છે. આજે સવારે નિસિથ ના મોબાઇલ પર પાટણ તાલુકા ના તાલુકા આરોગ્ય અધિકારી શ્રી નો કોલ આવ્યો “હેલ્લો ડૉ. નિસિથ, આપના તાલુકા માં રાજપુર મુકામે એક મહિલા નું સ્વાઇન ફ્લૂ થી મૃત્યુ થયું છે અને એની Verbal Autopsy માટે આપને ત્યાં જવાનું છે.” નિસિથે એ મહિલા ના પરિવારજનોએ વિશે કેટલીક પૂછપરછ કરી તો ખબર પડી કે એ મહિલા 3 વર્ષ ની એક બાળકી મૂકતી ગઈ છે. નિસિથ ના મન માં 2009 ની કેટલીક યાદો તાજી થઈ ગઈ, નિસિથે કાર સ્ટાર્ટ કરી, અચાનક કઇંક યાદ આવ્યું.કાર બંધ કરી એ ઉપર પોતાના ક્વાર્ટર્સ માં ગયો, પોતાની 4 વર્ષ ની પુત્રી ના રૂમ માં જઈ કઇંક લઈ એ કાર માં બેઠો, અને એ કઇંક હતું,

‘એક માં વગર ની ઢીંગલી માટે ઢીંગલી’

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

Exit mobile version