ધરાર દિકરો – એક અનોખા સસરાજી અને તેમનો એક અનોખો ધરાર દિકરો… દક્ષા રમેશની કલમે…

‘ધરાર દિકરો’

“આટલું ફિનિશ કરો તો !! ચાલો જોઉં, મોં ખોલો !! એ…આઆ.. હમ્મ. !!” અદિતિ જોઇ રહી.. અસીમ, એક નાના બાળક ને ખવડાવે એમ ફોસલાવી ફોસલાવીને, પપ્પાજીને જમાડતો હતો…

અત્યારના સમયે, સગા બાપની પણ કોઈને સેવા કરવી નથી ગમતી !! અને અસીમ ?? અદિતિ નીરખી રહી.. પપ્પાજીને હાથ ધોવડાવીને અસીમ એમને પોતાના રૂમાલથી મોં લૂછી, મસ્ત સ્માઈલ આપી રહ્યો છે..!!! “Lets go… પાપા !! ગાડીમાં બેસી જઈએ … ચાલો.. ચાલો… ડ્રાઈવર પાસે કોણ બેસશે ??” અને બાળકની જેમ ખીલખીલ હસતાં પપ્પાજી … અસીમે આલીશાન કારની આગળની સીટનો દરવાજો ખોલ્યો … કે તરત પપ્પાજી એમાં ગોઠવાઈ ગયા.


અસીમ અને અદિતિ, પાછળ બેઠા, અસીમના ઈશારે ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી અને અદિતિએ સીટને ટેકે માથુ ઢાળી દીધું. આંખો બંધ થતાં જ અદિતિને એક બીજી કાર દેખાણી.. જે આવી લક્ઝરિયસ નહોતી પણ, એ જમાનામાં કારનું હોવું જ લક્ઝુરિયસ ગણાતું.. લગ્ન પછી, વિદાય આપતી વેળાએ..એ આવી જ રીતે કારમાં બેઠી હતી અને ત્યારે.. કાનાફુસી થતી હતી.. “ખૂબ નસીબદાર અદિતિ .. કેવું પડે હો !! આ વરરાજો ગાડી લઈને આવ્યો એ ભાડાની નથી હો !! અદિતિના સસરાની પોતાની ગાડી છે !!”

પિયર છોડવાનું દુઃખ નહોતું એમ નહિ..પણ આવું વૈભવશાળી સાસરું મળવા માટે પોતાને ખુશનસીબ માનતી હતી. અદિતિ કદાચ એવી પહેલી છોકરી હશે જેને સાસરે જવાની હોંશ હતી. જે વખતે ઘરનું કામ તો સ્ત્રીએ કરવાનું જ હોય ને ! એવી સહજ માન્યતા ધરાવતા સમાજમાં અદિતિના સાસરિયે નોકરચાકરની ફોજ હતી. અદિતિને જ નહીં પણ કોઈ સ્ત્રીને ઘરનું એકપણ કામ ન્હોતું કરવાનું !!


શરૂઆતમાં તો .. અદિતિને અજીબ લાગતું.!… અરે ગલગલીયા થતા.. !! સવારે ઊઠે ત્યારે મહારાજ એને પૂછીને એને ભાવે એવા ટેસ્ટની ચા બનાવતાં. થોડીવારમાં માળી આવે, એ ગાર્ડનને ક્લીન કરે, પાણી પાઈ અને સરસ મજાના તાજા મઘમઘતા ફૂલોની છાબડી ભરીને આપી જાય. અદિતિના સાસુ અદિતિને કહેતા, ” તને આ ફુલોમાંથી જે ગમે અને જેટલા ગમે એ લઈ લે ..!! પછી મારા લાલાને !! એ પૂજા કરતાં કરતાં બોલતાં મારો લાલો તો ભાવનો ભૂખ્યો છે…!!

આવા સમજદાર સાસુ મેળવી ને અદિતિ ખુશ ખુશ હતી. ડ્રાઈવર આવીને સસરાજીની કાર,અને હવે તો અદિતિના પતિ રૂપેશની કાર પણ સાફ કરી ચકચકાટ કરતો .. આમ, સવાર સવારમાં.. માળી, ડ્રાઈવર, દૂધવાળો, છાપાવાળો, મુનિમજી, કામવાળી બાઈ, .. બધાની અવરજવર ચાલુ થાય.. મહારાજ, વોચમેન અને શાંતા મા એ ચોવીસે કલાક આ વિશાળ બંગલામાં સાથે જ રહેતાં.


અદિતિને આ બધા સુખના ગુબ્બારામાં.. એક ટાંચણી લાગી ગઈ.. જ્યારે એને ધીમે ધીમે ખબર પડતી ગઈ કે … તેનો પતિ રૂપેશ..ધનવાન બાપની બિગડી ઔલાદ છે !! આ દોમદોમ સાહ્યબી તો સસરાજીની જાતમહેનત અને કોઠાસૂઝની સાથે રહેલી સાહસ અને સમજદારી ના ફળસ્વરૂપે આ જાહોજલાલી છે !!

રૂપેશમાં.., કઈ બદી નહોતી ?? સવારે મોડે સુધી સુઈ રહેવું, યારદોસ્તોની સાથે મહેફિલ જમાવવી, જુગાર રમવાનો શોખ જ નહીં પણ, એ જ તો એનું મુખ્ય કામ હતું.. જુગારની સાથે દારૂ ને સિગારેટ તો એના જોડીદાર હતાં..!! ગુસ્સો તો નાકની અણીએ !! રૂપેશમાં બૂરી લતની એકેય લત બાકી નહોતી !! જેવી રીતે અદિતિના સાસુસસરાને લાગતું હતું કે લગ્ન પછી રૂપેશ સુધરી જશે તેમ અદિતિને થયું કે પોતે બાપ બનશે એટલે રૂપેશને પોતાની જવાબદારીનું ભાન થશે..!

પણ… ના, એક સંતાન નહિ, બબ્બે સંતાનનો બાપ બન્યા પછીય રૂપેશ બેફામ જ રહ્યો.. અદિતિના સાસુ કાઈ બોલતાં ન્હોતા પણ, સસરાજી ઘણીવાર બોલી ઉઠતાં, “આ નિર્દોષ છોકરીના આપણે ગુનેગાર બન્યા !! આપણો દીકરો સુધરી જશે એમ માનીને અદિતિ દીકરીની જિંદગી આપણે બગાડી છે.!!”


“પણ, હું મારા જીવતાજીવ અદિતિને ઊની આંચ નહિ આવવા દઉં..!! એમ કહેતા પપ્પાજીએ રૂપેશને સમજાવવામાં,.. અરે ! ધમકાવવામાં કાંઈ જ બાકી નહોતું રાખ્યું.!!. રૂપેશ પણ, પોતાના પપ્પા સામે કાંઈ જ ન બોલતો.. !! પણ, અદિતિ ને ખૂબ ચીડવતો..!! “પપ્પાજીની ચાગલી..! મમ્મીજીની માનેતી…!! બંગ્લાની મહારાણી..!! સસરાજી ની દીકરી..!! સાસુજીની ચિબાવલી સખી..!!”

આવું કઈ ને કઈ બોલીને રૂપેશ કહેતો.. “મને તો સાલું !!! એવું લાગે કે હું મારા ઘરે નહિ પણ, તારા ઘરે આવી ચડ્યો છું..!! તારી જ બોલબાલા છે આ ઘરમાં !!” આવા બેચાર વાક્યોની આપલે ક્યારેક જ માંડ થતી..!! બાકી તો.. મમ્મીપપ્પા ન હોય ત્યારે તે અદિતિનો વારો કાઢતો !! એને બહાર રખડવા જવાનું મોડું જ થતું હોય !! પતિ તો નામ પૂરતો જ કે એના દિકરા દિકરીના બાપ કહેવા પૂરતો જ હતો.. !!

પતિપત્નીના સબન્ધે તો નહીં પણ, એક વખત કોઈ સામાજિક વ્યવહારે હાજરી આપીને એ બન્ને કારમાં ઘરે પાછા ફરતાં હતાં.. અને એમનો એક્સીડેન્ટ થયો.. અદિતિના..દુર્ભાગ્યે કે સદભાગ્યે ??? બન્નેને ખૂબ જ ઇજા થઇ હતી અને .. અને.. પાણીની જેમ પૈસો વેરીને અદિતિના સસરાજીએ ડોક્ટરને પગ પકડીને વિનવણી કરી , ” સાહેબ, જીવ તો બન્નેના ઉગારી લો.. !! પણ કદાચ રૂપેશને ન બચાવી શકો તો કાંઈ નહિ.. પણ, મારી આ પારેવડી જેવી અદિતિને , મારો જીવ આપીને ય બચાવી લ્યો !! ડોક્ટર !!”

અને પપ્પાજી ડોક્ટર સામે ઢગલો થઈ ઢળી પડ્યા.. જ્યારે અદિતિની કોમ્પ્લિકેશન વધી ગઈ ડોક્ટરે જણાવ્યું કે એક્સીડેન્ટમાં એની બન્ને કિડની ડેમેજ થઈ ગઈ છે ત્યારે ક્ષણનોય વિચાર કર્યા વગર એમણે પોતાની કિડની ડોનેટ કરવાની તૈયારી બતાવી…જો કે એમની કિડની મેચ ન થઈ પણ… સાસુ સસરાની દુઆ અને બાળકોના સદનસીબે અદિતિ માટે કિડની ડોનર મળી ગયો અને પપ્પાજીએ રૂપિયાની રેલમછેલ કરી.. ડોક્ટરો અને દુઆઓ સાથે પ્રભુકૃપાથી અદિતિ નો જીવ બચ્યો પણ રૂપેશ ન બચી શક્યો.!!

માવતરને મન તો જેવો પણ હતો પોતાનો દીકરો હતો અને માતાપિતાને જીવતેજીવ દીકરાની આમ અકાળે વિદાય વસમી જ હોય પણ, અદિતિ એક મોતના મુખમાંથી પાછી ફરી એનો એમને ખૂબ આનંદ હતો.

હજુ તો અદિતિને પચીસ પુરા થઈ છવ્વીસમું બેઠું હતું.. આવડી નાની ઉંમરે .. વૈદ્યવ્ય ?? અદિતિના સસરાએ સાસુજીને અદિતિના રીમેરેજ માટે સમજાવ્યા .. સાસુ કમને માન્યા પણ, એમને તો રૂપેશ કુછન્દે ચડી ગયો હતો ત્યારથી મનોમન ભાંગી પડ્યા હતાં અને આમ અકસ્માતે જુવાન દીકરાનું મોત થતા મનથી ભાંગી પડ્યા હતાં. થોડા જ સમયમાં અદિતિના સાસુનું અવસાન થયું.પણ, અદિતિના સસરાએ, હિમ્મત હાર્યા વગર , અદિતિ માટે એક યુવાન શોધી કાઢ્યો .. અને એ જ આ અસીમ !!


અદિતિનો દીકરો તો ચાર વર્ષનો હતો પણ, દીકરી તો જ્યારથી ડેડી બોલતા શીખી ત્યારથી અસીમે જ એને આંગળી પકડી ડગલી માંડતા શીખવાડ્યું હતું. અને અસીમે બાળકો ની સાથે અદિતિને એટલો પ્રેમ આપ્યો કે.. રૂપેશ તો અદિતિના જહનમાં ઊંડે ઊંડે ય ક્યાંય ન રહી શક્યો !!

અસીમની આ ઘર અને ઘરના લોકો સાથેનું ઋણાનુબંધ કહો, પપ્પાજીનો લાડકો બની ગયો . ઘરની જવાબદારી સાથે ધંધાની બધી જ આંટીઘૂંટી એણે પપ્પાજી પાસેથી શીખી લીધી. પપ્પાજીને અદિતિ કરતા પણ વધારે કાળજીથી અસીમ લાડ લડાવતો. બાળકો મોટા થતા ગયા અને પપ્પાજી.. નાના બાળક જેવા બનતાં ગયા !! પણ, અસીમ એમને એવા લાડ લડાવતો કે પપ્પા એની પાસે જાતજાતના નખરાં કરતાં રહેતાં.

અને અસીમ ખુશીખુશી એમના નખરા ઉઠાવતો !! પપ્પાજીએ તો અદિતિને દીકરી સમાન માની કન્યાદાન કર્યું હતું અને અસીમની મજાક ઉડાવતાં કહેતા.. ” મેં તો દિકરી માટે ઘરજમાઈ લાવવાનું નક્કી કર્યું હતું પણ, તું તો દિકરો બની ગયો , મારો “ધરાર દિકરો” બની ગયો .. લોકોને પણ એમ જ ઓળખાણ કરાવતા.. આ છે મારો લાડકો દિકરો.. “ધરાર દિકરો” !!!”

લેખક : દક્ષા રમેશ

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો. દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ