આજે વાત એક એવા આઈપીએસ ઓફિસર જે રિટાયર્ડ થયા બાદ પણ ગરીબ વિદ્યાર્થીઓને મફત ભણાવી આઈઆઈટી મોકલી રહ્યા છે. ..

રીટાયરમેન્ટ બાદ સામાન્ય માન્યતા એવી છે કે આખા જીવનની દોડાદોડી બાદ કામ વિગેરેમાંથી આરામ લેવો અને જીવન શાંતિથી પસાર કરવું. પણ સાઇકોલોજીના એક અભ્યાસ પ્રમાણે રિટાર્ડ થયા બાદ વધારે આરામ કરવાથી મગજ પર ખરાબ અસર પડી શકે છે. માટે રિટાર્ડ થયા બાદ નવરાશના સમયમાં પોતાના શોખ સાથે જોડાયેલા કામ કરવાથી મન તેમજ શરીર પ્રફુલ્લિત રહે છે અને એક્ટિવ પણ રહે છે. અને જો તે શોખ શીક્ષાને લગતો હોય તો આપણા દેશમાં ગરીબ શીક્ષા ઇચ્છુક વિદ્યાર્થીઓની કોઈ જ કમી નથી. કમી છે ધગસ ધરાવતા શીક્ષકની. પણ કેટલાક અસામાન્ય લોકો માટે આવી બધી જ માન્યતાઓ ખોટી પડે છે.

અહીં અમે વાત કરી આઈજી અંકલના નામે પ્રખ્યાત બિહારના પૂર્વ ડીજીપી અભયાનંદની. તેઓ એક આવો જ ઉત્તમ પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ગરીબ બાળકોને ભણાવી અને આઈઆઈટી, મેડિકલ, લો, લોક સેવા આયોગ અને અન્ય અભ્યાસક્રમ તેમજ પરીક્ષાઓની તૈયારીની સાથે સાથે રમત ગમતના ક્ષેત્રમાં પણ યુવાનોને તૈયાર કરે છે. શિક્ષા અને પ્રશાસન બન્ને ફિલ્ડમાં અવનવા પ્રયોગો માટે જાણીતા અભયાનંદની સંસ્થા વંચિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રક્ષિક્ષણ આપે છે. દર વર્ષે જેઈઈ એડવાન્સ, મેડિકલ અને કેટલીએ અન્ય પરીક્ષાઓમાં અભયાનંદ સુપર-30ના વિદ્યાર્થીઓની સફળતાના ઝંડા લહેરાય છે. અભયાનંદ સુપર-30ની બ્રાન્ચીઝ આસામથી માંડીને રાજસ્થાન સુધી અને શ્રીનગરથી માંડીને મહારાષ્ટ્ર સુધી અને દેશના બીજા કેટલાએ ભાગોમાં ચાલે છે. જેમાં દર વર્ષે અસંખ્ય વિદ્યાર્થીઓ પ્રવેશે છે.

તેઓ જણાવે છે કે બાળકોનું રિઝલ્ટ આવે છે ત્યારે તેમને એવો આનંદ મળે છે કે જાણે તેમનું પોતાનું જ રીઝલ આવ્યું હોય. શીક્ષણ આપવું તે અભયાનંદનો શોખ છે. જ્યારે તેમનો વિદ્યાર્થી પ્રથમ જ પ્રયત્નમાં આઈઆઈટી ક્રેક કરી લે છે ત્યારે તેમને ખુબ જ આનંદ થાય છે. રિટાયરમેન્ટ બાદ તે પોતાનો સંપૂર્ણ સમય બાળકોને ભણાવવા પાછળ આપે છે. બાળકોને તેમણે પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો છે. વિદ્યાર્થીઓ જ્યારે ઇચ્છે ત્યારે પોતાની સમસ્યા પૂછી શકે છે. 2003માં શરૂ કરવામાં આવેલી સુપર-30 માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. સફળ વિદ્યાર્થીઓને છાત્રાલય સાથેનું શીક્ષણ આપે છે. જેમાં તેમને ત્યાં રહેવા-જમવાની મફત વ્યવસ્થા આપવામાં આવે છે.

એક ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું, “હું તેમાં મારો સમય અને ઉદ્દેશ લગાવું છું. મારી પાસે પૈસા નથી અને હું તેમાં પૈસા રોકતો પણ નથી.” સમાજના લોકોને તેઓ અપીલ કરે છે કે તેઓ આગળ આવે અને તેમના આ કાર્યમાં આર્થિક મદદ કરે. તેમાં નથી તો તે તમારા બાળકો ભણવાના કે તેનાથી તમને કોઈ આર્થિક લાભ મળવાનો. પણ સામાજિક વિકાસની હાલની દોડમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને મદદ મળશે. જુદાં-જુદાં સેન્ટરના ફંડિંગ જુદાં-જુદાં માધ્યમો દ્વારા થાય છે. કેટલાક કેન્દ્રોને કોર્પોરેટ ફંડિંગ હોય છે જ્યારે કેટલાક સામૂહિક અને સામાજિક સહયોગથી ચાલે છે. તેમણે જણાવ્યું, “મારું કામ શીક્ષણ આપવાનું છે. કેવી રીતે આપવું કેવી રીતે માર્ગદર્શન આપવું તે મારો પોતાનો નિર્ણય હોય છે અને અમે દર વર્ષે અમારી સંસ્થાનું સોશિયલ ઓડિટ જાહેર કરીએ છીએ.”

ઝારખંડના દેવધર જિલ્લામાં જન્મેલા અભયાનંદ 1977ની બેચના આઈપીએસ અધિકારી અને શિક્ષાવિદ્ છે જેમણે ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી જેઈઈની પરીક્ષાની તૈયારી માટે સુપર 30ની અવધાણા તૈયાર કરી છે. ઓગસ્ટ 2011માં અભયાનંદને બિહાર રાજ્યના 48માં ડીજીપી તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમના પિતા સ્વર્ગસ્થ શ્રી જગદાનંદ 1955ની બેચના આઈપીએસ અધિકારી હતા, જે 1958-86માં બિહારના 28માં ડીજપી રહ્યા હતા. પટનામાં શાળા શિક્ષણ મેળવ્યા બાદ તે પટનાની સાયન્સ કોલેજમાં ભૌતિકશાસ્ત્રના ટોપર રહ્યા હતા. “ફિઝિક્સના ટોપર હોવાની સાથે સાથે બેસ્ટ ગ્રેજ્યુએટ રહ્યો. જે શક્યતઃ અત્યાર સુધીનો રેકોર્ડ છે.” તેમણે શક્યતઃ પર ભાર આપ્યો છે. તેમની પત્ની ડો. નૂતન આનંદ એક ગાયનેકોલોજિસ્ટ છે.

તે 2006માં એડીજી (મુખ્યાલય) હતા. તેમણે શાસ્ત્ર અધિનિયમની તુરંત સુનાવણીનું કામ કર્યું. બિહાર સૈન્ય પોલીસ એડીજીના પોતાના કાર્યકાળ દરમિયાન, તેમણે પોલીસ બળ અને તેમના કુટુંબીજનોની સારવાર માટે એક ખખડી ગયેલી સરકારી હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી તેને એક આધુનિક નર્સિંગ હોમનું જીવતદાન આપ્યું. આ કામ કરવા માટે તેમણે પોતાના પગારમાંથી ઉદાર થઈને દાન આપ્યું હતું અને તેમ કરવા માટે અન્ય પોલીસકર્મીઓને પણ પ્રેરણા આપી હતી.

અભયાનંદ જણાવે છે, “14 વર્ષ પહેલાની વાત છે. જ્યારે મારી બદલી બીએમપીમાં થઈ હતી. બીએમપીનું સ્થળાંતરણ તે સમયે ‘શંટ’ થવું એવું માનવામાં આવતું. પણ મેં એવું ન વિચાર્યું. બીએમપીમાં અપેક્ષિત વ્યવસ્થા ઓછી હોવાના કારણે મેં મારી દીકરી અને દીકરાને ભણાવવામાં વધારે સમય આપવાનો શરૂ કર્યો. ફિઝિક્સ ભણાવવામાં મને ખુબ મજા આવતી હતી. મારી દીકરી અને દીકરાએ આઈઆઈટી ક્રેક કરી લીધી. ત્યારે મેં વિચાર્યું કે જ્યારે હું મારા દીકરાને ભણાવી શકું છું તેને આઈઆઈટી મોકલી શકું છું તો અન્ય બાળકોને કેમ ના ભણાવી શકું તેમને શા માટે આઈઆઈટી ન મોકલી શકું ?” બસ અહીંથી જ તેમણે પોતાના રૂટીનમાંથી સમય કાઢી બાળકોને ફિઝિક્સ ભણાવવાનું શરૂ કર્યું.

1994થી કેચિંગ ચલાવી રહેલા આનંદ કુમાર સાથે તેમની મુલાકાત મિડિયા કાર્યાલયમાં થઈ. જ્યાં આનંદ કેટલીક ગણિતની પ્રશ્નોત્તરીના સ્તંભ લખ્યા કરતો હતો. વિવિધ સંઘર્ષોનો સામનો કરી રહેલા આનંદ કુમારની મદદ કરવા અને પોતાના ભણાવવાના શોખને એક નવો આકાર આપવા માટે અભયાનંદે તેમની સામે કેટલાક પસંદગીના ગરીબ બાળકોને પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢી ક્લાસ આપવાની વાત કહી. જો કે તેમને બાળકોને કોચિંગ આપવાનો કોઈ અનુભવ તો નહોતો અને પોતાના બાળકોને ભણાવવા કરતાં આ એક તદ્દ્ન અલગ બાબત હતી.

એક પ્રયોગ માત્ર માટે તેમણે પોતાની શરૂઆત આનંદકુમારના સેન્ટરથી શરૂ કરી. શરૂઆતમાં 30 વિદ્યાર્થીઓની સાક્ષરતાના આધારે તેમને ભણાવવાનું શરૂ કર્યું. આ વિદ્યાર્થીઓની સાક્ષરતાના ધોરણો અભયાનંદના પ્રથમ પ્રયાસે આઇઆઈટી ક્રેક કરી ચૂકેલા દીકરાએ નક્કી કર્યા હતા. અહીંથી 2002માં સુપર-30નો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વ્યવસ્થા રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સ પુરી પાડતી હતી. 2003માં પહેલી બેચ આઈઆઈટીમાં આવી અને સુપર-30એ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું અને આ સંસ્થા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બની ગઈ. આ પ્રયત્ન ખુબ જ સફળ રહ્યો અને આવનારા દરેક વર્ષમાં સુપર-30ના વિદ્યાર્થીઓ સફળતાના નવા-નવા રેકોર્ડ બનાવતા ગયા.

અભયાનંદે સુપર-30ના માધ્યમથી અભ્યાસના એક મોટા પરીવર્તનની શરૂઆત કરી. ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આઈઆઈટીનો રસ્તો સરળ બનાવા લાગ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં ક્વાલિફાઇડ્ થવા લાગ્યા. ભણવા ભણાવવાની રીતોમાં પરિવર્તન વિષે તેમના કેટલાક જુના વિદ્યાર્થીઓ જે આઈઆઈટી દિલ્લીથી પોતાનો અભ્યાસ પુરો કરી હાલ એક ખુબ જ જાણિતી એન્જિનિયરિંગ સંસ્થા ચલાવી રહ્યા છે તેમના પ્રમાણે, આઈઆઈટીની તૈયારી ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી જાણનારા કરાવી દે તેની શક્યતા ખુબ ઓછી છે.

તે એક ગંભીર પરીક્ષા છે જેમાં નેશનલ લેવલ પર 15લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 5000ની જ પસંદગી થાય છે. ત્રણ –ત્રણ કલાકની પરીક્ષા ખંડનું પ્રેશર અને પરિસ્થિતિનો અનુભવ કરનારા જ તેને સમજી શકે છે અને ભાવિ વિદ્યાર્થીને તે સમજાવી શકે છે. બહાર આવીને તો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરી શકે છે. પરંતુ તે કામ પરીક્ષા ખંડમાં કરવું તે બધાના બસની વાત નથી હોતી. તે માત્ર તે જ જણાવી શકે જે આ મુશ્કેલ માર્ગ પરથી પસાર થયું હોય. તમારી માત્ર એક જ ભૂલ તમને ક્યાંય નીચે લાવી દે છે અને સ્પર્ધામાંથી બહાર કાઢી મુકે છે. તેના માટે એવા શિક્ષકની જરૂર છે જે માનસિક રીતે તમને એવી રીતે તૈયાર કરી શકે કે પરીક્ષા ખંડની અંદર તમે પ્રશ્ન સોલ્વ કરી શકો.

અભયાનંદનું માનવું છે, “જેમણે ક્યારેય નેશનલ લેવલની પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા ન મેળવી હોય અને ક્યારેય તેવી કોઈ પ્રતિયોગિતામાં ભાગ પણ ન લીધો હોય તેમના માટે વિદ્યાર્થીઓની મનોદશા ઘડવી તે મુશ્કેલ છે અને માત્ર તેજ કારણસર વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયા જ્ઞાન આપવાથી અપેક્ષિત પરિણામ નહીં મળી શકે.”

“પ્રેક્ટિસ, ટેસ્ટ એન્ડ ડિસ્કસ”ને સફળતાની ચાવી માનનારા અભયાનંદે પરીક્ષાની વાસ્તવિક સ્થિતિનું વાતાવરણ બનાવી ટેસ્ટ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. પરિસ્થિતિનું વિશ્લેષણ કરી નબળાઈ શોધી તેના પર કામ કરી વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક અને વિષયાત્મક રીતે મજબૂત બનાવવામાં આવે છે. વિષયને જાણવો અને તેને જાણ્યા છતાં પણ ન કરી શકવું તેવી મનોદશાથી બહાર નીકળવા માટે તેમણે કેટલાએ પ્રયોગ કરી વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. કિમ હર્ટમેનના પુસ્તક “ટુ સેકેન્ડ એડવાન્ટેજ”નો દાખલો આપતા કહ્યું, “તે હોકી અને ક્રિકેટને રમતના મેદાનમાં રમવા જેવું છે. જ્યાં સેકેન્ડના કેટલાક ભાગમાં કેવો શોટ રમવાનો હોય છે તેનો નિર્ણય લેવાનો હોય છે. અને દરેક દિવસનો એકધારો અભ્યાસ જ તે સ્થિતિ માટે તમને પરિપક્વ બનાવી શકે છે. નેશનલ લેવલની આ પરીક્ષા માટે માત્ર જ્ઞાન હોવું તે જ જરૂરી નથી.”

તેમણે જણાવ્યું, “હું ઇચ્છતો હતો કે આ સામાજિક પ્રયોગ સમાજ વચ્ચે આવે. તેમાં સામાજિક અને ભૌગોલિક રીતે વ્યાપકતા આવવી જોઈતી હતી. તે માત્ર આઈઆઈટી કોચિંગ સુધી જ સિમિત ન રહીને દરેક ક્ષેત્રમાં ગરીબ બાળકોને લાભ આપી અને સમાજના લોકો મળીને કંઈક કરે અને તે સમગ્ર દેશમાં ફેલાય. આ કોઈ શહેર કે કુટુંબ સુધી સિમિત ન રહે, હું એ નહોતો ઇચ્છતો તેનો કોઈ આર્થિક લાભ ઉઠાવવાનું શરૂ કરી દે.”
આવા જ કેટલાક વૈચારિક મતભેદેના કારણે 2007માં અભયાનંદ, આનંદ કુમારથી અલગ થઈ ગયા અને તે જ વર્ષે આઈજી અંકલના ભણાવવાના જૂનૂનના કારણે અભાયાનંદ સુપર 30ની સ્થાપના થઈ.

“સુપર-30 એ ખુબ જ મોટો સામાજિક પ્રયોગ છે. જેમાં કેટલીએ સામાજિક સમસ્યાઓનું સમાધાન જાતે જ મળી જાય તેમ છે. તે માત્ર આઇઆઇટી કોચિંગ જ નથી પણ અનેક ક્ષેત્રમાં પ્રસરાવી શકાય તેવું છે. સમાજ પોતાની સમસ્યાઓનું નિદાન જાતે જ શોધી રહ્યો છે અને તે શક્ય પણ છે. સુપર-30નો તે જ ઉદ્દેશ છે.”

અભયાનંદનું એવું માનવું છે કે દરેક સમાજના લોકો એવો પ્રયાસ કરે છે કે બાળકો ભણે. તેમને એ સમજમાં આવી ગયું છે કે તે સરકારની ક્ષમતાની વાત નથી. સમાજની મદદથી જ આંકડો વધી રહ્યો છે. તેમણે જણાવ્યું, “નકસલ પ્રભાવિત વિસ્તારોના કેટલાએ વિદ્યાર્થીઓ આજે આઈઆઈટી એનઆઈટીમાં પહોંચી ગયા છે. તે વિસ્તારના બાળકોએ વિચારવાનું શરૂ કરી દીધું છે કે બંદૂકો ઉઠાવવાથી કોઈ લાભ થવાનો નથી. તે ભણીને પ્રગતિ કરવા માગે છે. આ રીતે સુપર-30 વિચારો બદલવાનો એક નવો પ્રયત્ન છે. જેણે સમાજે કર્યો છે.”

રિટાયરમેન્ટ બાદ તેમને રાજ્યના મોટા પક્ષો તેમજ મોટા નેતાઓ દ્વારા રાજનીતિમાં પ્રવેશવાના આમંત્રણો મળ્યા પણ તેમનું એવું માનવું છે કે હાલની રાજનીતીની મૌલિક પ્રક્રિયા દ્વારા સામાજિક પરિવર્તન શક્ય નથી. “એક તપસ્વી જ પરીવર્તન લાવી શકે છે. તપસ્વી જ સમાજને કંઈક આપવાની ક્ષમતા ધરાવે છે. મારે સમાજને નવો ખ્યાલ આપવો છે.”
બિહારના ભૂતપૂર્વ ડીજીપી અભયાનંદના જીવન પર ફિલ્મકાર સુજીત કે સિંહ “અભયાનંદ ઇઝ ધ કોપ વિથ ચોક” નામની ડોક્યૂમેન્ટ્રી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ભાગલપુરના અભિનેતા હિમાંશુ અભયાનંદનું ચરિત્ર્ય નિભાવી રહ્યા છે. સુજીતે જણાવ્યું કે અભયાનંદે ડીજીપી રહીને કેટલાએ મહત્ત્વના કામ કર્યા છે જેને ભુલાવી શકાય તેમ નથી. “સુપર થર્ટી”ના સંસ્થાપક અભયાનંદે ડોક્યુમેન્ટ્રી બનાવવા પર આનંદ વ્યક્ત કર્યો છે.

તેમનું કહેવું છે કે પોતાની શક્તિને ઓળખો, તે તમારી અંદર છે, તેને બહાર લાવો. બહાર તેને શોધવાથી કશું પ્રાપ્ત નહીં થાય. તમારી પોતાની શક્તિ જ તમારા માટે રસ્તો બનશે.

ભણાવવાની લગન હોય, કંઈક અલગ કરવાનું જૂનૂન હોય તો સમયની ખોટ તે તો માત્ર બહાનું જ છે. બિહાર માટે અભયાનંદ એક ગૌરવ છે જેનાથી બિહાર અને બિહારીઓનું નામ રોશન થયું છે. રિટાયરમેન્ટ બાદ આ રીતે સમાજ સેવા માટે જો લોકો આગળ આવશે તો તે તેમના પોતાના માટે અને દેશ માટે પણ આવનારી એક સોનેરી કાલનું નિર્માણ કરશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી