જન્નત – અચાનક એ નવપરણિત યુગલનો ખીલખીલાટ એ શોરબકોરમાં ખોવાઈ ગયો…

જન્નત

ક્યાં તો કોઈક નોકર-ચાકર વફાદાર નીકળે અથવા કૂતરા જેવું જાનવર વિશ્વાસુ સાબિત થાય. પરંતુ, મારી બાબતમાં ઊંધું! મારા માટે મારો યુવાન માલિક મારા સુખ-દુઃખનો સહભાગી હતો. વર્ષોના વહાણાં વીતવા છતાંય એણે મને રેઢો નહોતો મૂક્યો; અને તેમાં મારા પ્રેમાળ માલિકની અર્ધાંગિની પણ સાથ નિભાવતી હતી.

મારી હાલત તો આમેય જર્જરિત અને પાયમાલ હતી. ભેંકાર અને અવાવરું હું, હવે તો કશાયે કામનો નહોતો. એ ગોઝારી રાતે ભભૂકી ઊઠેલી અગનજ્વાળાઓ આજે પણ મને દઝાડે છે! અત્યારે જેવો છું એવો હું પહેલા બિલકુલ નહોતો. લોકો મને દૂરથી જોઈ બોલી ઊઠતાં, “અહ્હા, અદ્ભુત… ભાઈ બંગલો હોય તો આ ‘જન્નત’..! શું ઠાઠમાઠ છે, શું સૌંદર્ય છે.. આલીશાન..!”જો કે મારો માલિક મને માત્ર એક ‘બંગલો’ નથી સમજતો.. એના માટે તો હું એક ‘ઘર’, પોતાનું આશ્રયસ્થાન… ને હજુ પણ છું! એવું ઘર કે જેનું સ્વપ્ન સેવી, તનતોડ મહેનત કરી હતી. ભણ્યો-ગણ્યો; કમાયો; ને મારું સર્જન કર્યું. મારો માલિક મારો સર્જનહાર!

“તું મારા માટે માત્ર ચાર દીવાલો જ નહીં, મારું સ્વપ્ન છે… સર્વસ્વ!” એના વારંવાર બોલાતા શબ્દો હજુયે મને ગેલમાં લાવી દે છે. એના સંઘર્ષમાં એની પ્રેયસી પણ જોડે જ.. એ જયારે પણ આવતી, મારો માલિક મહોરી ઊઠતો. મારા દરેક કમરામાં પ્રેમી પંખીડાઓનો કલરવ ગુંજતો. મારા માલિકનો ચહેરો મલકાતો, પ્રેયસીની પાયલ રણકતી. મારો દરેક ખૂણો એમનાં વ્હાલના સ્પર્શથી સજીવન થઈ ઊઠતો. બગીચો મિલનથી મઘમઘી ઊઠતો. ક્યારેક એને અડીને આવેલા સ્વિમિંગ-પૂલમાં છબછબિયાં થતાં, તો કદી પાછળના ભાગે આવેલા ટેનિસ કૉર્ટ પર બંને હૈયાઓની એકબીજાને જીતાડવાની રમત જામતી… અને ખરી રંગત તો ત્યારે આવતી જયારે મારી વિશાળ છત પર મારો માલિક એની પ્રેયસીને બાહુપાશમાં લઈને શાયરાના અંદાજમાં ફિલ્મી ગીત ગણગણતો, “ચૌદવીં કા ચાંદ હો, યા આફતાબ હો… જો ભી હો તુમ ખુદા કી કસમ, લાજવાબ હો…” ત્યારે પૂનમનો ચાંદ અને ઝગમગતા સિતારાઓ પણ શરમાઈ ઊઠતા!પણ… પણ હવે એ ભૂતકાળ ભૂતાવળની જેમ ફાડી ખાવા ધસે છે. નફરતની આંધીમાં અંધ બનેલા હિંસક જનાવરોને પ્રેમ, માનવતા, જાતિ, ધર્મનો ક્યાં ખ્યાલ હોય? ભડભડ થતી આગ મને બાળી રહી હતી. લોકોની ચિચિયારીઓ મધરાતનાં વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. મારી અંદર તથા બહાર અગનજ્વાળાઓ ભભૂકી રહી હતી.
અને બસ ખતમ..! પળવારમાં નામશેષ, લગભગ બધું જ..! મારા વૈભવશાળી કમરાઓ, કિમતી રાચરચીલું, મોંઘી જાજમ, ભવ્ય ઝુમ્મરો – બધું ભસ્મીભૂત થઈ ચૂક્યું હતું! બગીચોયે ખેદાન-મેદાન કરી ચૂક્યા હતાં જલ્લાદો. મારી ભવ્યતાને એક જ રાતમાં ધૂળધાણી કરી માત્ર કાટમાળ, રાખ અને નિસ્તેજ થઈ રહેલા અંગારાઓ જ બાકી રાખ્યા હતા. જો કે મારે માટે ખુશીની વાત એ હતી કે આવી પરિસ્થિતિમાં પણ માલિક મારી સાથે જ રહ્યો. પોતાના ઘર ‘જન્નત’ સાથે! અને એની પ્રેયસી પણ ખરી જ. નોકર-ચાકર, ડ્રાઈવર, રસોઈયા, માળી પોતાનો જીવ બચાવવા મને સળગતો મૂકીને ભાગી છૂટ્યાં હતાં.નામશેષ થતા પહેલાં અગનજ્વાળાઓએ મને જે રોશની પ્રદાન કરી હતી એનાથી મને થોડા દિવસ પહેલાંનો ઝગમગતો અતીત સાંભરી આવ્યો હતો…

“રોશનીથી ઝળાંહળાં થઈ રહેલો આ બંગલો તો ખરેખર ‘જન્નત’ લાગે છે, નહીં?” મહેમાનો વાતો કરી રહ્યા હતા.

“રંગબેરંગી ફૂલોથી શણગારાયેલો આ આલિશાન બંગલો જોઈને એવું લાગે છે કે ધરતી પર જો કશે સ્વર્ગ હોય તો એ અહીં જ છે..!” અન્ય મહેમાને મારી કાશ્મીરી કાયાના વખાણ કર્યા.

સવારથી જ લોકોની અવરજવર શરૂ થઈ ચૂકી હતી. મારો માલિક એની પ્રેયસીને વિધિસર અર્ધાંગિની બનાવવા જઈ રહ્યો હતો. મધરાત સુધી હું મિત્રો-સ્નેહીઓથી ખીચોખીચ ભરાયેલો રહ્યો. લોકો નવદંપતીની સાથે મારી જાહોજલાલીનાં પણ ભરપેટ ગુણગાન ગાતાં થાકતાં નહોતા. બગીચાની લૉનમાં ગીત-સંગીત તથા ખાણીપીણીની મહેફિલ જામી હતી… પછી રાત વીતતા મહેમાનો વિખેરાઈ ગયાં.

થોડી વાર બાદ, નવપરિણીત યુગલ એકબીજામાં ખોવાઈ ચૂક્યું હતું. મેં લજ્જાથી આંખો મીચી દીધી હતી. પણ અચાનક.. શહેરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યું. કહેવાતા ધાર્મિકો એકબીજાને રહેંસી નાખવા ઝનૂને ચઢ્યા હતા. રોશનીથી ઝગમગતું મારું નામ- ‘જન્નત’ વાંચીને હિંસક ટોળું ખુન્નસે ચઢ્યું. તલવાર તથા ત્રિશૂલ પરની પકડ મજબૂત થઈ.

ખતમ કરો, સાલાને..” મારા એક ગેટ પર લીલા રંગે ચિતરાયેલું ‘૭૮૬’ તથા ‘ચાંદ’નું ચિત્ર જોતાં જ ટોળામાંનો એક બરાડ્યો… માતેલા સાંઢની જેમ ટોળું મારી તરફ ધસી ગેટ તોડીને તૂટી પડ્યું. મારી ચોતરફ કેરોસીન-પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેવાઈ. ભડભડ કરતી આગે મારા આખા શરીરે ભરડો લીધો. રતિક્રીડામાં ચૂર મારો માલિક તથા એની અર્ધાંગિની વાકેફ થાય એ પહેલાં મારા દરેક કમરાઓ, ફર્નિચર, જાજમ, પડદાઓ સળગી ઊઠ્યા. મેં હવે દમ તોડવા માંડ્યો હતો. મારા સળગતા શરીર નીચે નવપરિણીત યુગલ બેહોશ થઈને ભૂંજાઈ રહ્યું હતું!

બધાં પોતાનો જીવ બચાવવા મને, મારા માલિક અને એની અર્ધાંગિનીને સળગતા મૂકીને ભાગી રહ્યાં હતાં. મારી વિવશ નજરની સામે જ પ્રેમીયુગલ બળીને ભડથું થઈ ચૂક્યાં હતાં. ને હું જર્જરિત-કાટમાળ બની ચૂક્યો હતો!

કાશ… એ તોફાની ટોળાએ મારા બીજા ગેટ પર પણ એક નજર મારી લીધી હોત; તો ત્યાંના ‘ૐ’ તથા ‘સ્વસ્તિક’ના ચિન્હોએ તેમજ આંગણામાં રહેલા તુલસીક્યારાએ એમને આ નરાધમ કૃત્ય કરતા રોક્યા હોત… અને ‘સર્વધર્મસમભાવ’માં માનનારો મારો માલિક તથા એની અર્ધાંગિની પોતાના જ ધર્મના માણસોના હાથે હોમાઈ ચૂક્યા ન હોત!આ ઘટનાને વર્ષોના વહાણા વાઈ ગયા.. હું અવાવરૂ હોવા છતાંયે મારો માલિક અને એની અર્ધાંગિની મને રેઢો મૂકીને ગયા નથી. પહેલાંની જેમ જ તેઓ દરેક કમરામાં કિલ્લોલ કરે છે… માલિકનો ચહેરો મલકાય છે… પ્રેયસીની પાયલ રણકે છે… હજુયે મારો દરેક ખૂણો એમનાં સ્પર્શથી સજીવન થાય છે! શયનખંડમાં આજે પણ એમને એકબીજાના બાહુપાશમાં ખોવાયેલા હું લાચાર નજરે જોઈ રહું છું!

શાયદ એમનાં માટે આ જ ‘જન્નત’ છે!

***સમાપ્ત***
————————————

લેખક : ધર્મેશ ગાંધી (DG) – નવસારી

દરરોજ આવી અનેક સુંદર વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી