શું તમે કે તમારા પરિવાર કે મિત્ર વર્તુળમાં કોઈ છે જે હમેશા ઉદાસ લગતા હોય કે હમેશા કોઈને કોઈ ચિંતામાં દેખાતા હોય…

પાંચથી પચીસ ટકા લોકો આપણા સમાજમાં ડિપ્રેશનનો ભોગ બને છે છતાં કોઈ સામાજિક સ્તરે એ સ્વીકારવા તૈયાર નથી કે મને ડિપ્રેશન હતું કે છે. એવું શા માટે? ડિપ્રેશન પ્રત્યે આ પ્રકારનું વલણ આપણે ત્યાં જ નહીં, સમગ્ર દુનિયામાં છે. આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન એ પ્રયત્નમાં છે કે વધુ ને વધુ લોકો ડિપ્રેશન વિશે વાત કરે અને એના વિશેનો છોછ દૂર કરે

થોડા સમય પહેલાં દીપિકા પાદુકોણે જ્યારે એ સ્વીકાર્યું કે તેને ડિપ્રેશન હતું ત્યારે આ વાતને ખૂબ વધાવવામાં આવી હતી, પરંતુ દીપિકા જેવી હિંમત બધા લોકો દાખવી શકતા નથી. આજે વર્લ્ડ હેલ્થ ડે છે, જે દર વર્ષે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઊજવવામાં આવતો દિવસ છે. આ વર્ષે આ ઉજવણીની થીમ છે ડિપ્રેશન – લેટ્સ ટૉક. વર્ષોથી ડિપ્રેશન જેવા માનસિક રોગ વિશે સમાજ છોછ અનુભવતો રહ્યો છે. આ દિવસનો મૂળ હેતુ એ જ છે કે લોકો ડિપ્રેશન વિશે વાત કરતા થાય, એને સમજતા થાય અને એના વિશે જે છોછ છે એને દૂર કરે. નક્કી છેલ્લાં ૧૦ વર્ષમાં આ બાબતે પરિવર્તન આવ્યું છે, પરંતુ આજે પણ લોકો સામાજિક રીતે એ સ્વીકારતાં ડરે છે કે તેમને ડિપ્રેશન હતું કે છે. આ બાબતે ડિપ્રેશનના ઘણા દરદીઓ સાથે ‘મિડ-ડે’એ વાત કરી, દરેકની ડિપ્રેશનની સ્થિતિ અને હૃદયદ્રાવક હતી; પરંતુ દરેકની એક જ વિનંતી હતી કે અમારી ઓળખ છુપાવીને રાખો, સમાજમાં ખબર પડશે તો તકલીફ થશે. મેડિકલ સાયન્સ એ સાબિત કરી ચૂક્યું છે કે ડિપ્રેશન એક ફિઝિયોલૉજિકલ પ્રૉબ્લેમ છે. છતાં આપણો સમાજ ડિપ્રેશન માટે દરદીને જ કેમ જવાબદાર માને છે? આ પ્રશ્નના જવાબ માટે વાત માંડીએ આજે ડિપ્રેશનની.

કેસ-૧ કાંદિવલીમાં રહેતા એક સાધારણ પરિવારમાં પિતાના ગુજરી જવા પછી પાંચ લોકોનાં ભરણપોષણની જવાબદારી દીકરા પર આવી, પરંતુ પિતાના મૃત્યુનો સદમો એવો લાગેલો કે એ છોકરાનું ભણવાનું અડધેથી જ છૂટી ગયું. કામ કરવા મોકલે તો ત્યાંથી પાછો આવી જાય. ખાઈ-ખાઈને તેણે પોતાનું વજન વધારી લીધું. લોકો તેને નકામો કહેતા, બેજવાબદાર માનતા. ઘરમાં મા અને બહેનો પારકાં કામ કરીને જીવતી એટલે સમાજ તેને ધુત્કારતો. બધા તેને મોઢા પર કહેતા કે તારામાં કોઈ હિંમત નથી, તું પુરુષ જ નથી. દુ:ખની વાત એ છે કે તેના ભોળા ઘરવાળા સમજ્યા કે કોઈએ આ ભાઈ પર દોરાધાગા કરી મૂક્યા છે અને એટલે તેની હાલત આવી થઈ ગઈ છે. કંઈક ભૂવાઓને બતાવ્યું, પરંતુ કંઈ ખાસ વળ્યું નહીં. તેની હાલત દિવસે-દિવસે વધુ ને વધુ ખરાબ થતી ગઈ. આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયાં. એક સંસ્થાના સંપર્કમાં આવ્યા પછી તેમને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની ડિપ્રેશનની ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે.

કેસ-૨ ૩૭ વર્ષે અંધેરીમાં રહેતી ગુજરાતી સ્ત્રીને દીકરો આવ્યો. પરિવાર આખો અત્યંત ખુશ હતો; પરંતુ એ સ્ત્રીને ડિલિવરીનાં કૉમ્પ્લીકેશન્સ, C-સેક્શન સર્જરી અને ડિલિવરી પછીના ઉજાગરાઓ વગેરે સહન ન થયા. પુત્રજન્મનો ઉત્સવ ઘરમાં રાખ્યો ત્યારે તે સ્ત્રી તેની રૂમમાં બેઠી-બેઠી રોતી હતી અને જ્યારે પરિવારના લોકોએ તેને કારણ પૂછ્યું તો તેણે કહ્યું, મને ખબર નથી; બસ, રડવું આવે છે. સ્ત્રીનું આવું વિચિત્ર વર્તન કોઈને સમજાતું નહોતું. તેનું બાળક રોતું હોય તો તે તેને લેતી નહીં, સમયસર તેને ફીડિંગ ન કરાવતી. તેને ખુદને સમજાતું નહોતું કે બાળકના જન્મનો તેને કોઈ આનંદ કેમ નથી થઈ રહ્યો. બસ, રડવાની જ ઇચ્છા થયા કરતી. આમ ને આમ બે મહિના થઈ ગયા. રેગ્યુલર ચેકઅપમાં જ્યારે બાળકનું વજન વધતું નથી એવી સમસ્યા સામે આવી તો ઘરના લોકોએ ડૉક્ટરને કહ્યું કે બાળકની માને બાળક પ્રત્યે કોઈ મમતા જ નથી, માનાં કોઈ લક્ષણ તેનામાં નથી, તેને કોઈ જવાબદારી નિભાવવી નથી. ખરાબ માનું સર્ટિફિકેટ લઈને તે સ્ત્રી ૬ મહિના સુધી પીડાતી રહી અને છેલ્લે આપઘાતનો પ્રયાસ પણ કર્યો. ડૉક્ટરોએ સમજાવ્યું કે આ પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશનનો શિકાર છે, તેને ઇલાજની જરૂર છે. પરંતુ સાસુ-સસરા અને પતિ એક ‘ગાંડી’ સ્ત્રીને ઘરમાં રાખવા જ નહોતાં માગતાં એટલે પિયરવાળા આગળ આવ્યા અને આજે તેનો ઇલાજ ચાલે છે.

દરદી બને છે દોષી

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના મત મુજબ દર ૧૦૦માંથી પાંચ માણસો ડિપ્રેશનનો ભોગ બને છે, પરંતુ નિષ્ણાતોની વાત સમજીએ તો તેઓ કહે છે કે આ ટકાવારી ૨૫-૩૦ ટકા જેટલી વધુ છે. આંકડાઓ સાચી રીતે બહાર નથી આવતા, જેનું કારણ છે કે લોકો ડિપ્રેશનને બીમારી નથી સમજતા અને ડૉક્ટર પાસે નથી જતા. ઉપરના દરેક કેસમાં એ વસ્તુ પોકારી-પોકારીને કહી રહી છે કે સમાજ ડિપ્રેશનને વ્યક્તિની કમજોરી, બેદરકારી, બેજવાબદારી કે લાંછન તરીકે જુએ છે; જેને લીધે ડિપ્રેશનના દરદીઓએ ઘણું સહન કરવું પડી રહ્યું છે. આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કરતાં અનલિમિટેડ પોટેન્શિયલિટી, વિલે પાર્લેના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘ખૂબ જ દુ:ખની વાત એ છે કે કોઈ વ્યક્તિને વાઇરલ ઇન્ફેક્શનથી લઈને કૅન્સર જેવી શારીરિક બીમારી થઈ હોય તો તેને તાત્કાલિક ઇલાજ આપવામાં આવે છે અને તેની બીમારીમાં સમાજ તેની સાથે ઊભો રહે છે, પરંતુ ડિપ્રેશન માટે સમાજ દરદીને જવાબદાર ગણે છે. કહે છે કે તારી માનસિક ક્ષમતા નથી કે તું પ્રૉબ્લેમ્સ ખમી શકે. આમ કોઈ તેના પડખે ઊભું રહેતું નથી અને ઇલાજ વિશે ત્યાં સુધી નથી વિચારતું જ્યાં સુધી કોઈ મોટી આફત ન આવી પડે. આજે પણ ૫-૭ વર્ષ સુધી સહન કર્યા પછી ડિપ્રેશનના દરદી અમારી પાસે આવે છે, જે ખરેખર શરમજનક છે.’

 

જાગૃતિનો અભાવ

પોતાની જ આપવીતી જણાવતાં અંધેરી અને ઘાટકોપરમાં પ્રૅક્ટિસ કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘તરુણ વયે વ્યક્તિમાં જે હૉર્મોનલ ચેન્જિસ આવે એને કારણે ઘણું મોટું રિસ્ક રહે છે કે તે ડિપ્રેશનમાં સરી પડે અને મારી સાથે એવું જ થયું. દસમા ધોરણમાં હું ધાર્યું રિઝલ્ટ ન લાવી શકી. મારું વજન ખૂબ જ ઊતરી ગયું. હું એકદમ દિશાહીન બની ગઈ હતી. કોઈ પણ વસ્તુમાં મને રસ જ નહોતો રહ્યો. આ હું વાત કરી રહી છું આજથી વીસ વર્ષ પહેલાંની જ્યારે લોકોમાં ડિપ્રેશનને લઈને કોઈ જાગૃતિ જોવા મળતી નહોતી. મને ખુદ સમજ નહોતી પડતી કે મારી સાથે આ શું થયું છે. આ ડિપ્રેશનને લીધે મેં મારા જીવનમાં ૧૦ વર્ષ ખૂબ સહ્યું છે. ડિપ્રેશનને લીધે લેવાતા ખોટા નિર્ણયો, દિશાહીન જીવન, આત્મવિશ્વાસ વગરનું વ્યક્તિત્વ અને સામાજિક અને ઇમોશનલ સ્તરે ન સમજાતું પરિવર્તન બધું જ સહન કર્યે રાખ્યું. પેરન્ટ્સને પણ આ વિશે કશી સમજ નહોતી પડતી. મને છેક ત્યારે ખબર પડી કે મને ડિપ્રેશન હતું જ્યારે હું ખુદ સાઇકોલૉજી ભણી. ઇલાજ વગર મેં ખૂબ ભોગવ્યું છે.’

શરમ

ડિપ્રેશનને લઈને આજે પણ સમાજનો અભિગમ કેવો છે એ બાબતે પોતાનો અનુભવ જણાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘મારી પાસે જે પણ લોકો આવે તે પહેલી શરત એ જ મૂકે છે કે પ્લીઝ, તમે કોઈને પણ જણાવશો નહીં કે અમે તમારી પાસે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ. લોકોને એ ચોક્કસ ભય રહે છે કે બહાર કોઈને ખબર પડી ગઈ તો તે તેના વિશે શું વિચારશે? અમારા પ્રોફેશનમાં લોકો હસતા હોય છે કે અમને ક્યારેય અમારા દરદી રેકમન્ડ કરતા નથી, કારણ કે એના માટે તેમને એ જતાવવું પડે છે કે અમે ટ્રીટમેન્ટ લીધી છે; જે કોઈ કરતું નથી. લોકો માટે એ શરમની વાત છે કે તેમને કે તેમના ઘરના કોઈને પણ ડિપ્રેશન છે. હકીકત એ છે કે ડિપ્રેશન કોઈ પણને થઈ શકે છે અને મારા મતે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ડિપ્રેશનનો ભોગ ચોક્કસ બને છે.’

વિશ્વાસ-અંધવિશ્વાસ

એક વર્ગ ભારતમાં એવો પણ છે જે દોરાધાગામાં કે તંત્ર-મંત્રમાં ભયંકર વિશ્વાસ રાખે છે અને ડિપ્રેશન કે એના જેવી કોઈ પણ માનસિક બીમારીને આ તંત્ર-મંત્ર સાથે જોડીને દરદીનું જીવન વધુ કપરું બનાવે છે. આ વિશે વાત કરતાં બૉમ્બે સાઇકિયાટ્રી સોસાયટીના પાસ્ટ પ્રેસિડન્ટ અને પી. ડી. હિન્દુજા હૉસ્પિટલના કન્સલ્ટિંગ સાઇકિયાટ્રસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાં આ પ્રકારના કેસ ખૂબ જોવા મળતા, જ્યાં કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો તેને ડૉક્ટર પાસે નહીં અને ભૂવા કે બાબા પાસે લઈ જવાતી. જોકે એ સમયની સરખામણીએ આજે ઘણી જાગૃતિ જોવા મળે છે. લોકો હવે સમજે છે કે આ તંત્ર-મંત્ર નથી, એક બીમારી છે; જેને ડૉક્ટરની જરૂર છે. એવું ચોક્કસ છે કે આજે પણ ખુદને ડિપ્રેશન છે એ વાત બધા દરદીઓ સ્વીકારી નથી શકતા. પરંતુ અવિશ્વાસ સાથે પણ જો દરદી એક વાર ડૉક્ટર પાસે જાય તો એ ડૉક્ટરની ફરજ છે કે તેને દવાઓ અને ઇલાજ દ્વારા પરિણામ આપીને તેના વિશ્વાસને જીતે. આમ પરિવારજનો જો ખુદ સમજે અને દરદીને ડૉક્ટર પાસે લઈ જાય એ ખૂબ મહત્વનું સ્ટેપ છે.’

WHOની અરજ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની અરજ છે લોકો ડિપ્રેશનને સમજે અને એક રોગ તરીકે એને અપનાવીને એના દરદીઓની મદદ કરે.

૧. ડિપ્રેશન એક ફિઝિયોલૉજિકલ પ્રૉબ્લેમ છે. ડિપ્રેશન એક માનસિક નબળાઈ નથી, એ એક શારીરિક રોગ જ છે.

૨. શું એક વ્યક્તિને વાઇરલ ઇન્ફેક્શન થાય તો તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એટલે તેને આ રોગ થયો છે એમ કહીને તેને જવાબદાર ગણાવો છો તમે? નહીં. ડિપ્રેશનના દરદીને તેની માનસિક ક્ષમતા નબળી છે એમ કહીને તેની આવી હાલત માટે તેને ખુદને જવાબદાર ન ઠેરવી શકાય.

૩. ડિપ્રેશન ખુદના પ્રયત્નોથી ઠીક થવું મુશ્કેલ છે. આપણે ત્યાં ઘણા લોકો પોતાની રીતે પ્રયત્નો કરતા હોય છે, પરંતુ એમાં સફળતા મળતી નથી. એક ડૉક્ટર પાસે જવું જરૂરી છે.

૪. જરૂરી નથી કે તમને દવાઓની જરૂર પડે. જુદી-જુદી થેરપી, યોગ, પ્રાણાયામ વગેરેથી પણ પરિણામ સારાં આવી શકે છે; પણ તમને કઈ વસ્તુની જરૂર છે એનો નિર્ણય ડૉક્ટરને લેવા દો.

સૌજન્ય : મિડ ડે 

મિત્રો ડીપ્રેશનમાં ગભરાવાની જરૂરત નથી, શેર કરો આ માહિતી અને મદદગાર થાવ તમારા મિત્રોને.