સંબંધમાં ફિલિંગ્સ્ હોવી જોઈએ. શબ્દોની ગેરહાજરી ચાલશે, ફિલિંગ્સ્ ના હોય તો ચાલે?

મહાન જર્મન લેખક, ફિલસૂફ, સાયકોલોજીસ્ટ, સાયકોએનાલિસ્ટ, લોકશાહી સમાજવાદી ચળવળકર્તા એરિક ફ્રોમ (1900-1980) આમ તો “ધ આર્ટ ઓફ લવિંગ” પુસ્તકથી વધુ જાણીતા છે. તેઓ કહે છે કે “પ્રેમ જીવનનું રસાયણ છે. પ્રેમ જીવનની ઊર્જા અને ઉષ્મા-સુષ્મા છે. પ્રેમ માગવાનો ન હોય. આપીને પામવાનું નામ એટલે પ્રેમ. પ્રેમ કદી ક્યારેય કોઈને ઝુકાવે નહીં. પ્રેમ ઝુકી જાય છે, પણ કોઈને ઝુકાવવા કે નીચા દેખાડવાનું પસંદ કરતો નથી.”

દરેક સંબંધમાં જતું કરવાની ભાવના હોય એ જરુરી છે. બેસ્ટ એક્શન ઈન રિલેશનઃ લેટ ગો એન્ડ ફરગિવનેસ. સંબંધમાં ફિલિંગ્સ્ હોવી જોઈએ. શબ્દોની ગેરહાજરી ચાલશે, ફિલિંગ્સ્ ના હોય તો ચાલે? ના ચાલે. જો તમને કોઈ પ્રત્યે ફિલિંગ્સ્ હોય તો એ જરુરી નથી કે સામી વ્યક્તિને પણ તમારા માટે ફિલિંગ્સ્ હોય. જો કે તાળી બે હાથે જ પડે. બેઉ તરફ એક સમાન ફિલિંગ્સ્ હોય તો જ સંબંધ સોળે કળાએ ખીલી ઊઠે. નહિ તો સંબંધ પણ સુરજમુખીના ફૂલની જેમ સાંજ પડતાં જ કરમાઈ જાય.
સંબંધ કોઈ પણ હોય પરંતુ એમાં અહમનો ટકરાવ હોવો જોઈએ નહીં. લાગણી દિલથી હોવી જોઈએ, ફક્ત શબ્દોના સાથિયા પુરવાનો કોઈ અર્થ નથી. માત્ર દેખાડો અથવા બાહ્યાડંબર કરવાથી સંબંધમાં મધુરતા લાવી શકાતી નથી. દરેક સંબંધમાં ઝુકવાની અને નમતું જોખવાની કળા હોય એ વ્યક્તિ જ શ્રેષ્ઠ સાબિત થાય છે. જેને સંબંધ નિભાવતા આવડે છે તે હંમેશા જતું કરવાની ભાવના, લેટ ગો કરવાનો અભિગમ રાખે છે. જો કે જતું કરવાની ભાવના એટલે સંબંધ જાળવી રાખવા માટે એક જ પક્ષને ગરજ છે, એવો અર્થ કાઢવાની ભુલ કરવી જોઈએ નહીં.

જ્યાં સુધી આપણે આપણી જાતને બીજાની નજરથી તોલવા-જોખવાનો પ્રયાસ કરીશું ત્યાં સુધી આપણે પાછળ અને પછાત જ રહીશું. એ જ રીતે જ્યાં સુધી આપણે અન્ય કોઈથી આગળ રહેવાનો પ્રયાસ કરતા રહીશું ત્યાં સુધી આપણે આપણી જાતને પાછળ જ હોવાનું અનુભવીશું. જેણે આગળ રહેવા પ્રયાસ કર્યો તે હંમેશા અનુભવી શકે છે કે તે કાયમ પાછળ જ છે. જે વ્યક્તિ સ્પર્ધા કરે છે તેના ભાગે હારવાનું જ આવે છે.

મહાન વિચારક લાઓત્સે કહે છે કે “જે વ્યક્તિ આગળ જવાની જીદ ન કરે અને આગળ જવાની સ્પર્ધામાં ભાગ જ ન લે તે પોતાની જાતને આપોઆપ શ્રેષ્ઠતાની યાદીમાં સ્થાન મેળવી લે છે.” જે લોકો દોડમાં સામેલ થઈ જાય છે તે આપોઆપ જ હીન બની જાય છે અને જે લોકો દોડની સ્પર્ધામાંથી બહાર નીકળી જઈને પાછળ ઉભા રહી જાય છે, તેની શ્રેષ્ઠતા આપોઆપ પુરવાર થતી જાય છે. કારણ કે તમે જો પાછળ હશો તો તમારી અને અન્યની કોઈ તુલના પણ નહીં કરે. હવે જ્યારે કોઈ સાથે તમારી તુલના જ થવાની ન હોય તો તમે હીન કઈ રીતે હોઈ શકો. એટલે કે તમે પાછળ રહો છો ત્યારે તમે આપોઆપ જ હીનના વિકલ્પે શ્રેષ્ઠ સાબિત થઈ જાવ છો.

જ્યારે વ્યક્તિ ઝુકવાનું જાણવા લાગે છે ત્યારે એનામાં હીનતા કે લઘુતા પ્રવેશી શકતી નથી. શ્રેષ્ઠ વ્યક્તિ કેવળ એ જ છે કે જે વ્યક્તિ શ્રેષ્ઠતા સાબિત કરવા માટે કોઈ પ્રકારની દોડ કે સ્પર્ધામાં સામેલ થતી નથી, બલકે પોતાનું કર્મ અને કર્તૃત્વ કર્યે જ જાય છે. ઝુકવું એટલે હારી જવું એવું નથી. પ્રેમમાં ઝુકવું એટલે તમે પ્રેમને મહત્વ આપી રહ્યા છો. તમે ઝુકો અથવા લેટ ગો કરો એટલે તમે કમજોર છો, એવું હરગિઝ નથી. પરંતુ લેટ ગો અથવા માફ કરવાની ભાવના તમારી ચાહતની શ્રેષ્ઠતા પુરવાર કરે છે. તમે સામી વ્યક્તિને કેટલું માન અથવા આદર આપો છો, એ પણ તમારી ફરગિવનેસથી સમજી શકાય છે.

દરેક સંબંધનું આયુષ્ય એ બાબત ઉપર આધાર રાખે છે કે વ્યક્તિમાં ધીરજ, સહનશક્તિ અને સંબંધ સાચવવાની ખેલદિલી કેટલી છે. માનવીય વ્યવહારોમાં એવું પણ બનતું રહેવાનું કે કોઈ વ્યક્તિનો કોઈ એક વ્યવહાર આપણને ન પણ ગમે. પરંતુ એટલા કારણસર વ્યવહાર કરનાર વ્યક્તિ ખરાબ ન હોઈ શકે. ભુલ થાય તો સુધારી લેવાનો અભિગમ એટલે ઝુકવાની કળા અને ભુલી જવાની, જતું કરવાની કળા. ઓશોએ પણ કહ્યું છે કે કોઈ પણ જાતના ગરજ અથવા મતલબ વિનાનો પ્રેમ હોય તો એ માનો પ્રેમ હોય છે. એ પછીના બીજા ક્રમે બે વિજાતિય વ્યક્તિ વચ્ચેના સંબંધના પ્રેમની વાત આવી શકે.

પ્રેમમાં પણ કોઈ અપેક્ષા કે લેવડદેવડ યા ફરજ નિભાવવાનો ભાવ હોવો જોઈએ નહીં. પરસ્પર સમજણનો સેતુ ગાઢ-પ્રગાઢ હોવો જરુરી છે. એક વ્યક્તિ કશું પણ ન બોલે અને બીજી વ્યક્તિ બધું જ સમજી જાય એનું નામ પ્રેમ. આ પ્રેમ એકબીજાને નુકસાન ન પહોંચાડે, એકબીજાનું ખરાબ ન કરે અને ખરાબ ઈચ્છે પણ નહીં. પ્રેમમાં બદલાની કોઈ ભાવના ન હોય. પ્રેમમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિનું હંમેશા સારું અને બહેતર જ ઈચ્છે, એનું નામ પ્રેમ.

ફ્રાન્સના મહાન દાર્શનિક, વિચારક, નાટ્યકાર-લેખક વોલ્તેયર (1694-1778)એ લખ્યું છે કે “શબ્દનો ઉપયોગ આપણે આપણા વિચારોને છુપાવવા માટે કરતા હોઈએ છીએ. ખરેખર તો શબ્દોથી આપણે આપણા વિચારોને વ્યક્ત કરવાના હોય છે. એ જ રીતે આંસુ આપણી લાગણીઓને વ્યક્ત કરતા હોય છે. આંસુ આપણા મનની પરિસ્થિતિની શાંત પરિભાષા છે.” 83 વર્ષની આયુમાં તેમણે ઘણી બધી અમર કૃતિઓ આપી છે. તેમના સાહિત્યમાંથી ઘણાં બધાં વિધાનો અમરવાક્ય તરીકે જાણીતાં બન્યાં છે.
સંબંધોની આરપાર જોવામાં આવે તો લાગણી વ્યક્ત કરવા માટે એકલા શબ્દો જ જરુરી નથી. શબ્દો વિના પણ ઘણું બધું કહી શકાતું હોય છે. મૌનની ભાષા ઘણી બધી અવ્યક્ત વાતને વ્યક્ત કરી દેતી હોય છે.

બોલાયેલા શબ્દનું મહત્વ અનેકગણું છે. કેમ કે નહીં બોલાયેલા શબ્દોનો માણસ માલિક હોઈ શકે પરંતુ બોલાયેલા શબ્દોનો માણસ ગુલામ બની જતો હોય છે. પોતાના શબ્દો અન્ય વ્યક્તિ માટે કાંટાની શૂળ સમાન પણ બની રહે છે અથવા પોતાના શબ્દો ગુલાબ જેવી મુલાયમી પણ બતાવી શકે છે. બધો આધાર આ વ્યક્ત માધ્યમ ઉપર રહેલો હોય છે.
વોલ્તેયર કહે છે કે પ્રેમ તો એક કેનવાસ જેવો છે. એમાં આપણે આપણી કલ્પનાના રંગો ભરીએ છીએ. આપણી કલાસમજ પ્રમાણે જેમ ચિત્ર દોરીએ, એ જ રીતે આપણી પ્રેમસમજ પ્રમાણે આપણે આપણા પ્રેમનું કેનવાસ સજાવતા હોઈએ છીએ. પ્રેમનું આકાશ અનંત છે અને પ્રેમની ભવ્ય છબી યા ચિત્ર માટે તો આકાશ જેવડું કે ઘરતી જેવડું કેનવાસ પણ કદાચ નાનું પડે.

જે વાત તમે બોલીને વ્યક્ત ન કરી શકો એ વાત તમારું મૌન કહી જતું હોય છે. આ સમજણ વિકસે એનું નામ પણ પ્રેમ. પ્રેમ અથવાદ દરેક સંબંધમાં અન્ડરસ્ટેન્ડિંગ હોય એ જરુરી છે. જો તમારી પ્રિય વ્યક્તિ તમને સમજી શકતી જ ન હોય તો તમને અવશ્ય દુઃખ થવાનું છે. આપણને સતત અપેક્ષા રહેતી હોય છે કે આપણને કોઈ સમજી શકે. આપણને સમજી શકે એવી વ્યક્તિ મળી જાય તેની તો જિંદગીભર તલાશ રહેતી હોય છે. ઘણી વાર આપણી તલાશ પુરી થઈ જતી હોય છે તો ક્યારેક આપણી તલાશ આજીવન અધુરી પણ રહી જતી હોય છે.

પ્રેમમાં એક વ્યક્તિ પોતાની સાથી વ્યક્તિના બોલાયેલા શબ્દ સિવાય પણ તેની હાર્ટ બીટ સમજી શકે, તેની લાગણી ઝિલી શકે અને પછી પડઘો પણ પાડી શકે. નિઃશબ્દ લાગણીનો આ જાદુ છે. લાગણીને વ્યક્ત કરવા માટે કદાચ આંખોના હાવભાવ અને આત્મીયતા ઉપરાંત હૃદયના ધબકાર પણ કામ લાગી શકે છે. છતા લાગણીને વ્યક્ત કરતા શબ્દ પણ અમૂલ્ય છે તો નહીં બોલાયેલા શબ્દોમાં સમાયેલી લાગણીની ભવ્યતા પણ સુંદર જ હોય છે.

આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધી લઈએ છીએ, એ પહેલા એ વ્યક્તિને મળવું જોઈએ અને તેની સાથે સંવાદ પણ સાધવો જોઈએ. વ્યક્તિને સાંભળવો જોઈએ. વાતચીતનો આધાર એ છે કે આપણે સવાલો સાંભળવા ટેવાયેલા નથી હોતા. ખરેખર તો સવાલ સમજવાની આવડત જરુરી છે. સવાલ સમજી શકાય તો જવાબ તો જડી જ રહેશે. પરંતુ સવાલ સાંભળ્યા વિના જવાબ આપવાનો કે સંવાદ સાધવાથી કોઈ અર્થ રહેશે નહીં. કેટલીક વ્યક્તિ હાજરજવાબી પણ હોઈ શકે. પરંતુ હાજરજવાબપણાથી કશું સિદ્ધ થઈ શકતું નથી.

સંબંધમાં હકારાત્મક દૃષ્ટિકોણ પણ અગત્યનું પરિબળ છે. જ્યારે આપણે કોઈના વખાણ કરીએ, પ્રશંસા કરીએ છીએ ત્યારે સામી વ્યક્તિની સારપ પણ આપોઆપ આપણામાં આવી જતી હોય છે. આ છે હકારાત્મક દૃષ્ટિકોણ. આપણે દર વખતે કોઈ પ્રત્યે આભારનો ભાવ પ્રગટ કરી શકતા નથી. પરંતુ આપણે આભાર વ્યક્ત કરનારી ભાષામાં, આભારના ભાવવાહી શબ્દોમાં વાત તો કરી જ શકીએ છીએ.

સંબંધ પતિ-પત્નીનો હોય કે મા-બાપ, ભાઈ-ભાઈ કે ભાઈ-બહેન અથવા બે મિત્રોનો હોય હંમેશા આવું સાંભળવા મળતું જ હોય છે કે “તમે મને સમજી શક્યા નથી.” અથવા “તમે મને સમજતા જ નથી.” સંબંધમાં સમજણનો સેતુ અસરકારક મહત્વ ધરાવે છે. એકમેકને સમજવું એ જ સંબંધનું સાર્થક્ય છે.

જ્યારે એકમેક વચ્ચે સમજદારી ખાઈ બની જાય છે ત્યારે ગેરસમજ આકાર લે છે અને કોઈ પણ સંબંધનું અકાળે અવસાન હંમેશા ગેરસમજના કારણે જ થતું હોય છે. દરેક વ્યક્તિ એમ જ માને કે પોતે સાચો છે અને સામી વ્યક્તિએ પોતાની વાત માનવી જોઈએ. હકીકતમાં સિક્કાની બેઉ તરફની બાજુઓ સાચી જ હોય છે. દૃષ્ટિકોણનો ફરક હોય છે. જો એક વ્યક્તિ સામી વ્યક્તિ તરફ ચાલીને જાય અને તેના તરફના સિક્કાની બાજુનું અવલોકન કરે તો તેની બાજુ અથવા તેનો પક્ષ પણ પોતાના પક્ષની જેમ સાચો જ હોવાનો. આપણે આપણી જાતને બીજાના સ્થાને મૂકીને પણ જોવી જોઈએ, એનું નામ સમજણ.

બાળક જેવી નિર્દોષતા વિશે આપણે ઘણી વાર ઉદાહરણ આપતા હોઈએ છીએ. કેમ કે બાળકો પાસે કોઈ છળ-કપટ હોતું નથી. બાળકો પાસે માત્ર અને માત્ર નિર્દોષ પ્રેમ જ હોય છે. એક સરસ મજાની વાત છે. સાત અને આઠ વર્ષના ભાઈ-બહેનની વાત છે. બેઉ સમી સાંજે ઘર પાસે છીપલાં રમતાં હતાં. બહેને કહ્યું કે ભાઈ, મારે ચોકલેટ ખાવી છે. હવે ભાઈ પાસે તો એ વખતે ખિસ્સામાં પૈસા નહોતા. પણ છીપલાંનો ઢગલો હતો. તેણે તો ખિસ્સામાંથી મુઠ્ઠી ભરીને છીપલાં કાઢ્યાં અને બીજા હાથે બહેનનો હાથ પકડીને કહ્યું કે, ચાલ મારી સાથે, હું તને ચોકલેટ અપાવું. ઘર નજીકની દુકાને પહોંચીને ભાઈએ દુકાનદારને મુઠ્ઠીમાં રાખેલાં છીપલાં આપતા કહ્યું કે આ છીપલાંનાં બદલામાં મને જેટલી આપી શકાય તેટલી ચોકલેટ આપો, મારી બહેનને મારે ચોકલેટ ખવડાવવી છે.

દુકાનદારને ભારે નવાઈ લાગી. કેમ કે છીપલાં એ કોઈ ચલણ નથી. આમ છતા દુકાનદાર દુકાનની નજીકમાં રહેતા આ ભાઈ-બહેનને અને પુરા પરિવારને ઓળખતો હતો. તેણે મનમાં વિચાર્યું કે નાનકડા છોકરાને પૈસા કે ચલણ વિશેની કોઈ સમજ નથી. તેના માટે તો આ છીપલાં જ તેનું ચલણ અને તેની બહેન પ્રત્યેનો પ્રેમ જ તેની દુનિયા લાગે છે. આથી બાળકોને જો ચોકલેટ નહિ આપું તો બાળકોનું દિલ તૂટી જશે. નાનકડા છોકરાને છીપલાંમાંથી અને સંબંધમાંથી પણ વિશ્વાસ ઊઠી જશે. આથી દુકાનદારે તરત મુઠ્ઠી ભરીને ચોકલેટો આપીને ભાઈ-બહેનને વિદાય કર્યાં. નિર્દોષ પ્રેમની આ તાકાત છે. ભાઈ અને બહેનના એકબીજા પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસની આ વાત છે.

જસ્ટ ટ્વીટઃ
“બોલાયેલા શબ્દો અને નહીં બોલાયેલા શબ્દો પણ સમજી શકે એનું નામ લાગણીનો સંબંધ.”
– નતાલિયા હેડન

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ સવારમાં આવી સુંદર વાત વાંચવા માંગો છો તો અત્યારેજ લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી