“પ્રેમ એટલે સ્વાર્થ નહીં, ફિલિંગ્સ્ શાવર્સ્પૈ” – સા ખાતર પ્રેમને તરછોડતી લવસ્ટૉરી, વાંચો જાણીતા લેખક દિનેશ દેસાઈની કલમે…

ભગવાન મહાવીરે કહ્યું છે કે “દુનિયામાં પ્રેમ, લાગણી, મમતા, કરુણા, દયા અને ભલાઈ માનવજાત માટે ઈશ્વરના આશીર્વાદ છે અને એનાથી વિશેષ મહાન કાર્ય બીજું કોઈ ન હોઈ શકે.”

એકવીસમી સદીમાં માણસજાત પાસે તાણ-તણાવનો જથ્થો અમર્યાદ રીતે વધી પડ્યો છે. માણસ એક બીજાને સ્વાર્થ, નફરત, દ્વેષ, ધૃણા અને ધિક્કારની નજરે જ જોવાનું અધિક પસંદ કરે છે. એમાં પ્રેમ નામનું ઝરણું જાણે સૂકાવા લાગ્યું છે. દરેક જગ્યાએ પ્રેમ, શાંતિ, એકતા, લાગણી, મમતા, કરુણા, દયા અને ભલાઈના સ્થાને નકારાત્મક આવેગ અને નકારાત્મક ભાવ જોવા મળે એવી સ્થિતિ વધુ છે.

પ્રેમ એટલે સ્વાર્થની રેલગાડી નહીં પરંતુ લાગણીનું જેટ પ્લેન. પ્રેમમાં સ્વાર્થ ન હોય પરંતુ લાગણીનો ફુવારો હોય – ફિલિંગ્સ્ ઑફ શાવર્સ્. પ્રેમ એક જાદુઈ વનસ્પતિનું કામ કરે છે. પરંતુ પ્રેમ જેવા દિવ્ય ભાવમાં સ્વાર્થની ભેળસેળ થવી જોઈએ નહીં. સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ટકી શકે નહીં. જ્યારે કોઈ પણ પ્રકારના હેતુ કે આશય કે સ્વાર્થ છુપાયેલો હોય ત્યાં પ્રેમનું ઝરણું ફૂટી શકે નહીં યા તો પ્રેમનું ઝરણું આવા નકારાત્મક ભાવો વ્યક્ત થયા પછી સૂકાતું જાય છે.

એક યુવાન અને એક યુવતીની છોટી સી પ્રેમ કહાની છે. એમાં જો કે પ્રેમ ઓછો છે અથવા નથી યા તો પ્રેમનું બાષ્પીભવન થતું જાય છે અને સંબંધ ઉપર સ્વાર્થ કબજો કરી લે છે. એક ગામના નગરશેઠના યુવાન દીકરાને ગામની જ સામાન્ય પરિવારની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. યુવતીના મા-બાપ ગરીબ અને ખેતમજૂર હતા. યુવતી અને યુવક ગામની નજીકના શહેરની કોલેજમાં ભણતા હતા.

બેઉ યુવક-યુવતી પોતાનો ડિગ્રી કોર્સ પૂરો કર્યા બાદ લગ્ન કરીને એક નવા જીવનની શરુઆત કરવા માગતા હતા. પ્રેમ અને આગને ઢાંકી શકાય નહીં. પ્રેમ અને આગને છુપાવી ન શકાય. એ તો છાપરે ચઢીને પણ પોકાર કરે. નગરશેઠના યુવાન દીકરા અને પેલી યુવતીના સંબંધ વિશે હવે આખા ગામને ધીમે ધીમે ખબર પડવા માંડી. તરેહ તરેહની ચર્ચાઓ પણ થતી રહેતી.

નગરશેઠે તો એક વાર દીકરાને પાસે બેસાડીને કહી પણ દીધું કે લગ્નસંબંધ સહિત કોઈ પણ સંબંધ હંમેશા બરાબરીવાળા લોકો સાથે જ કરવો જોઈએ. ત્રાજવાના બેઉ પલ્લા સમાન હોય તો જ સમતુલા – બેલેન્સ જળવાતું હોય છે. જો એક પલ્લુ નમતું હોય કે ઊંચે જતું હોય તો એવા સંબંધનો અંજામ જલદીથી વિચ્છેદ સિવાય બીજો કોઈ ન હોઈ શકે.

પિતાની વાત તો સાચી હતી, પરંતુ દીકરો પોતાના પ્રેમ પ્રત્યે મક્કમ અને વફાદાર પણ હતો. હવે આ તરફ એવું બન્યું કે કોલેજના ડિગ્રી કોર્સ પછી કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાયા. એમાં નગરશેઠના દીકરાને અને તેને ચાહનારી યુવતીને પણ એવરેજ પે-પેકેજની જોબ ઓફર મળી. આ જ વખતે તેમની સાથે જ ભણતા એક તેજસ્વી યુવાનને સૌથી મોટા પે-પેકેજની જોબ ઓફર મળી, જે તેણે સ્વીકારી લીધી.

ડિગ્રી કોર્સમાં કોલેજમાં જ નહીં, સમગ્ર યુનિવર્સિટીમાં એ યુવાન પ્રથમ આવ્યો હતો. જેને પેલી યુવતી પણ સારી રીતે ઓળખતી હતી અને તેના સંપર્કમાં પણ હતી. એમ કહી શકાય કે તેજસ્વી યુવાન નગરશેઠના દીકરાનો મિત્ર હતો એવી જ રીતે નગરશેઠના દીકરાને ચાહતી યુવતીને પણ એ તેજસ્વી યુવાન સાથે મિત્રસંબંધ હતો જ.

આ જ સમયગાળામાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. યુવાનની જિંદગીમાં બે ઘટના બની. જે ઘટનાઓએ તેને ભીતરથી હચમચાવી નાખ્યો અને તેને સાચા પ્રેમની પરિભાષાનો પણ ખ્યાલ આવી ગયો. પહેલી ઘટના તો નગરશેઠ ધંધામાં નુકસાન ભોગવીને અચાનક સાવ સાધારણ આર્થિક સ્થિતિમાં આવી ગયા. જેની ચર્ચા આખા ગામમાં થવા લાગી હતી. બીજી તરફ આર્થિક રીતે પાયમાલ થયેલા નગરશેઠના દીકરા-પ્રેમીનો સાથ છોડીને પેલી યુવતીએ પોતાની સાથે જ કોલેજમાં ભણી ચુકેલા પેલા તેજસ્વી યુવાન સમક્ષ પ્રેમલગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જે પેલા યુવાને તરત જ સ્વીકારી પણ લીધો.

પ્રેમમાં નિષ્ફળ રહેલા નગરશેઠના યુવાન દીકરાને પોતાના પિતાએ કહેલી વાતો યાદ આવી. તેને પ્રેમના નામે સ્વાર્થ અને દગો-ફટકો મળ્યો એ વાતની પ્રતીતિ તેને થઈ ગઈ. યુવતીનું અંતિમ લક્ષ્ય પ્રેમ નહીં, પરંતુ પોતાની ભાવિ જિંદગી સુખમય અથવા એશોઆરામવાળી કઈ રીતે બનાવી શકાય તે જ હતું. યુવતીએ પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે બદલાવવાનું પસંદ કર્યું અને પૈસા ખાતર પ્રેમને તરછોડી દીધો.

ઓશોએ એક વાર કહ્યું હતું કે “તમે કોઈને પ્રેમ આપો, આદર આપો, સન્માન આપો અને લાગણી આપો ત્યારે હંમેશા એવી અપેક્ષા રાખવી જોઈએ નહીં કે તમને પણ કોઈ એટલું જ પ્રેમ કરે, એટલી જ લાગણી પાછી મળે અને એટલો જ આદર તથા સન્માન મળે. આપવાનું કામ તમારું છે. પાછું મેળવવાનું કામ તમારું નથી.”

ખુબ સરસ વાત છે. પ્રકૃતિ આપણને આ જ શીખવે છે. ઝરણું અને નદી કહે છે કે વહેતાં રહો અને સૌ કોઈની તરસ છીપાવતાં રહો. જળનું કર્મ વહન છે અને આપવું તેનો જાણે ગુણધર્મ છે. પહાડ જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. આ સિવાય પણ પહાડ તો ઘણી બધી ખનીજ, વનસ્પતિ, જડીબુટ્ટી વગેરે પણ આપે જ છે. વૃક્ષ શીતળ છાયો અને ફળ, ફૂલ પણ આપે છે અને જ્યારે પોતે સૂકાઈને જીવનલીલા સંકેલી લે છે ત્યારે ઈમારતી લાકડું પણ આપે છે. પ્રકૃતિનાં દરેક તત્વો આપણને આપ્યાં પછી બદલામાં કશાયની અપેક્ષા રાખતા નથી.

આપીને ભુલી જવું એવો સ્વભાવ આપણને પ્રકૃતિ શીખવે છે. બદલો લેવો કે બદલો વાળવો, એવી બાબતોથી આપણે દૂર રહેવાનું છે. યાચક અથવા ભિક્ષામાં કશુંક માગવાનું કામ તમારું નથી. આપીને ભુલી જવું એ ઘણું અધરું છે. ઉપકારનો પણ અહંકાર ન રહે એ સાધુવાદની નિશાની છે. બધાયને આવી સાધુત્વની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ શકતી નથી. દરેક વ્યક્તિ આજના સમયમાં જાણે ગરજવાન બનતી ગઈ છે. દરેકને બીજા પાસેથી કશુંક મેળવવું છે અને પ્રાપ્ત કરવું છે. કોઈને પોતાના ખિસ્સામાં કે વોલેટ-પાકિટમાં હાથ નાખવો નથી.

જો તમે કોઈને કશું પણ આપો છો અને બદલામાં કશાયની અપેક્ષા રાખતા નથી ત્યારે એને શુદ્ધતમ પ્રેમ જ કહી શકાય. પરંતુ જો તમે કોઈને કશુંક આપો અને પછી કશાક બદલાની અપેક્ષા રાખો છો તો એ તો વેપાર અથવા વેપારમાં રોકાણ કર્યું કહેવાય. એવો વ્યવહાર પ્રેમ તો ન જ હોઈ શકે.

એક સરસ મજાનું દ્રષ્ટાન્ત છે. એક સામાન્ય વસાહતમાં એક પરિવારની પડોશમાં રહેવા માટે બીજો એક પરિવાર આવ્યો. નવા પરિવારમાં પતિ-પત્ની અને બે સંતાન હતા. એ લોકો પોતાના ઘરનો કચરો ભેગો કરીને ઘર બહાર જમા કરતા હતા. થોડોક પવન કે વંટોળ હોય ત્યારે આ કચરો જૂના પરિવારના ઘર તરફ અને ઘરના ચોગાનમાં પણ ઊડીને જમા થવા લાગ્યો. એટલું જ નહીં, જૂના પરિવારના લોકોને નવા રહેવા આવેલા પરિવારની ઉભી કરેલી ગંદકીના કારણે દુર્ગંધ પણ આવવા લાગી હતી.

જૂના પરિવારમાં પણ પતિ-પત્ની અને બે સંતાન હતાં. બેઉ બાળકોએ માતા-પિતાને કહ્યું કે તમે પડોશીને જઈને સમજાવો કે કચરો-ગંદકી ન કરે, આપણને તકલીફ પડી રહી છે. પરંતુ સહિષ્ણુ માતા-પિતાએ એમ ન કર્યું.
એક રવિવારે સવારના સમયે મા-બાપે પોતાનાં સંતાનોને કહ્યું કે “એક કામ કરો. આપણા ઘર બહારના ચોગાનમાં આપણે જે બગીચો તૈયાર કર્યો છે, એમાંના ફૂલછોડમાંથી સરસ મજાના ફૂલો ચૂંટી લાવો અને તેમાંથી આકર્ષક ગુલદસ્તો તૈયાર કરી આપો.”

બાળકોએ તો મા-બાપની સૂચના પ્રમાણે પોતના ઘર બહાર આવેલા નાનકડા બગીચામાં જઈને સોનેરી તકડામાં સ્મિત ફરકાવતાં જુદાં જુદાં ફૂલોને ચૂંટી લીધા. બસ થોડા જ સમયમાં બાળકોએ મા-બાપની મદદથી સરસ મજાનો સુગંધીદાર ગુલદસ્તો બનાવ્યો. સવારના સમયે જ મા-બાપ તેમનાં સંતાનોને સાથે લઈને પડોશમાં નવા રહેવા આવેલા પરિવારના ઘરે ગયાં અને ડોરબેલ વગાડ્યો.

નવા પડોશીએ ઘરનો દરવાજો ખોલતા આવકાર આપ્યોઃ “ઓહ, તમે તો અમારી બાજુમાં જ રહો છો ને… આવો, આવો. વેલકમ.”
બેઉ પરિવાર એકબીજાને ચહેરાથી તો ઓળખતા જ હતા. જૂના પડોશી યુગલે પોતાની સાથે લાવેલો સુગંધીદાર ગુલદસ્તો નવા પડોશી યુગલના હાથમાં આપ્યો. ગુલદસ્તાની સુગંધથી સમગ્ર ઓરડો ભરાઈ ગયો.
નવા પડોશીએ વિવેક ખાતર કહ્યું કે “ગુલદસ્તો લઈને આવવાની શી જરુર હતી. ખેર, સુગંધીદાર ભેટ આપવા બદલ આપનો ધન્યવાદ.”

જૂના પડોશી પ્રતિભાવમાં એટલું જ બોલ્યા કે “આ તો અમારી પાસે સરસ મજાનો બગીચો છે અને એમાં જુદાં જુદાં રંગબેરંગી સુગંધીદાર ફૂલો રોજ ખીલતાં રહે છે. એને ચૂંટીને જ અમે ગુલદસ્તો બનાવ્યો છે. અમારી પાસે ઘર બહારના ચોગાનમાં બગીચો છે, એટલે અમે તમને ફૂલો જ આપી શકીએ ને.”

આ વાત સાંભળીને નવા પડોશી પતિ-પત્ની શરમાઈ ગયાં. તેમને પોતાની ભુલનો અહેસાસ થઈ ગયો કે આ પડોશી પોતાની ગંદકી કરવાની વૃત્તિ અને કચરાના ઢગ ખડકવાની ટેવને લઈને કટાક્ષ કરી રહ્યા છે.
નવા પડોશી યુગલે માફી માગતા કહ્યું કે “અમે તમને એક પડોશી હોવાના નાતે રોજબરોજ ગંદકી અને કચરાની દુર્ગંધ આપી અને તમે અમને સુગંધીદાર ફૂલોનો ગુલદસ્તો બનાવીને આપ્યો. તમારો ખુબ ખુબ આભાર. હવે અમે પણ તમારી જેમ જ ઘર બહાર સરસ મજાનો બગીચો બનાવીશું અને ગંદકી કે કચરો જમા ન થાય તેનું ધ્યાન રાખીશું.”

સમગ્ર ઘટનાક્રમની મૂળ વાત એટલી જ કે કોઈ પણ વિવાદ કે સમસ્યાનો હલ-ઉકેલ જો સમજૂતીપૂર્વક અને શાંતિપૂર્વક આવી શકતો હોય ત્યારે એમ શા માટે ન કરવું જોઈએ. પ્રેમથી કોઈ પણ બાજી જીતી શકાય છે. પ્રેમ હોય ત્યાં નફરત, નકારાત્મકતા, ધૃણા, ધિક્કાર, કે બીજી કોઈ જ ખોટી બાબતોને સ્થાન ન હોઈ શકે. પ્રેમ આપીને પ્રેમ પામી શકાય. પ્રેમ વાવીને પ્રેમ લણી શકાય.

જસ્ટ ટ્વીટઃ
“मैं बोता रहा बंजर जमीं में ईश्क के बीज,
तेरा हर वादा सरकारी मुवाअजा नीकला.” – અજ્ઞાત

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ આવી માહિતી અને જાણવા જેવું વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી