ઈનર બ્યુટી – ભીતરની સુંદરતા – વાંચો જાણીતા લેખક દિનેશ દેસાઈની કલમે, દિલથી મળવું કે દિલ વિના મળવું?

બે પ્રિયજનની વાત છે. બેઉને એક હૉબી કૉમન હતી. છોકરાને અને છોકરીને દેશ-વિદેશના જૂના ચલણી સિક્કાઓ સંગ્રહ કરવાનો શોખ હતો. બંનેની મુલાકાત પણ ઍન્ટિક કૉઈન કલેક્શનના એક એકઝિબિશનમાં જ થઈ હતી. એ પછી તો બેઉએ એકબીજાને પોતપોતાના કૉઈન કલેક્શન પણ બતાવ્યા હતા. બેઉ પાસે પોતપોતાની ચૉઈસ અનુસાર રીચ કલેક્શન હતું. કૉઈનના રણકાર સાથે બેઉના હૃદયમાં પણ ગિટાર વાગી ઊઠી હતી.

એક સરખા શોખ અને એક સમાન વિચારોને લઈને બેઉ વચ્ચે વાતો પણ થતી રહેતી અને મળવાનું પણ વધતું રહ્યું. એક દિવસ છોકરાએ કહ્યું કે “મને એવો વિચાર આવે છે કે તારી પાસે જે કૉઈન કલેક્શન છે એ તું મને આપી દે, અને મારી પાસેનું કૉઈન કલેક્શન હું તને આપી દઉં. આપણે આપણી પાસેના કૉઈન્સની અદલાબદલી કરીએ.”

છોકરીએ કહ્યું કે “વેલ, નૉ પ્રૉબ્લેમ. મને તો કોઈ વાંધો નથી. પણ મને એક સવાલ થાય છે કે શું આપણી વચ્ચે તારું-મારું એવું હોઈ શકે? શું મારું કલેક્શન એ તારું નથી? અને તારા કલેક્શન ઉપર મારો હક્ક નથી?”
છોકરાએ જવાબ આપ્યો કે “ના, આમાં તારા-મારા જેવી કોઈ વાત નથી. બસ, મને એમ વિચાર આવ્યો કે આપણે આપણું કલેક્શન ઍક્સચેન્જ કરીએ. ધેટ્સ ઈટ.”

છોકરીએ તો તરત જ સંમતિ આપી દીધી અને કહ્યું કે “બોલ, અત્યારે હું મારા ઘરે જઈને કલેક્શન લઈ આવું?”

છોકરાએ કહ્યું કે “ના, એવી કોઈ ઉતાવળ પણ નથી. પરંતુ હવે પછી જ્યારે મળીએ ત્યારે આપણે એકબીજાને આપણું કલેક્શન આપીશું.”
થોડા દિવસ પછી જ્યારે બેઉ પ્રિયજનને મળવાનું થયું ત્યારે તેઓ યાદ રાખીને અને સાચવી, સંભાળીને પોતપોતાના કૉઈન કલેક્શન લાવ્યા હતા, જે એકમેકને આપી દીધા. છોકરીએ તો પોતાનું કલેક્શન જેવું હતું એવું જ આપી દીધું હતું પણ છોકરાએ પોતાના કૉઈન કલેક્શનમાંથી થોડા અલભ્ય – ઍન્ટિક કૉઈન્સ્ કાઢી લીધા હતા અને પોતાની પાસે રાખી લીધા હતા. તેણે છોકરીને પોતાનું કલેક્શન આપ્યું ત્યારે છોકરીને તો આ વાતની કોઈ ખબર જ નહોતી. છોકરીએ તો છોકરાનું કૉઈન કલેક્શન જોયા વિના કે ચકાસ્યા વિના જ પોતાની પાસે રાખી લીધું.

હવે આ તરફ મોડી સાંજ બાદ ઘરે પાછો ફરેલો છોકરો વિચારોમાં ગરકાવ હતો. તેને એક સાથે ઘણા બધા વિચારો આવતા હતા. શું છોકરીએ પણ પોતાની જેમ જ કલેક્શનમાંથી થોડા ઘણા કૉઈન્સ્ કાઢી લીધા હશે? શું છોકરીએ પોતાનું આખું જ કલેક્શન પોતાને આપી દીધું હશે? કે કશુંક પોતાની પાસે પણ રાખ્યું હશે? શું પોતે જે કૉઈન્સ્ કાઢી લીધા એ ઠીક કર્યું કહેવાય કે નહિ? શું પોતે આવી ચોરી-છુપીનું કૃત્ય કરવું જોઈતું હતું કે નહિ? શું પોતે જેને ચાહે છે એ છોકરીને દગો કર્યો કે અન્યાય કર્યો કહેવાય કે ન કહેવાય? શું પોતે અપ્રામાણિકતા અથવા છેતરપિંડી કરી ગણાય?
આવા તો સંખ્યાબંધ સવાલો તેની આંખોની આસપાસ ઘુમરાવા લાગ્યા. તે સૂવા માટે બેડરૂમમાં ગયો હોવા છતા તેને આખી રાત ઊંઘ જ ન આવી. તેને પોતે કરેલા કૃત્ય વિશે સતત વિચારો આવતા રહ્યા અને આ વિચારોએ જ તેની ઊંઘ ઉડાડી દીધી હતી. બીજા દિવસે સવારે ઊઠીને છોકરો તૈયાર થયો અને સૌથી પહેલું કામ કર્યું છોકરીને કૉલ કરવાનું.
છોકરાએ છોકરીને કૉલ કરીને પૂછી લીધું કે કૉઈન ઍક્સચેન્જ કર્યા પછી ઘરે જઈને શું તેને બરાબર ઊંઘ આવી હતી કે પોતાની જેમ જ તેને પણ રાતભર ઊંઘ નહોતી આવી?

છોકરીએ ખુબ સુંદર જવાબ આપ્યો કે “મારું કૉઈન કલેક્શન મેં તને આપ્યું એ વાસ્તવમાં મેં મને આપ્યા બરાબર જ છે. તું અને હું કંઈ જુદા થોડા જ છીએ? એ કલેક્શન જેટલું મારી પાસે સલામત રહ્યું હતું એવું જ તારી પાસે પણ સલામત જ રહેવાનું છે. મેં તને પ્રેમ કર્યો છે અને તને મેં મારો માન્યો છે ત્યારે તું અને હું એક જ થયા ને? અલગ કેવી રીતે માની શકું કે વિચારી પણ શકું? તારી સાથેથી છુટા પડ્યા પછી મને તો સારી જ ઊંઘ આવી હતી. જેવી ઊંઘ મને રોજબરોજ આવતી હોય છે. ન કોઈ થાક કે ન કોઈ ચિંતા.”

આટલું સાંભળીને પેલા છોકરાને પોતાની જાત પ્રત્યે જ ધૃણા થઈ આવી. પોતે અમુક કૉઈન કાઢી લીધા હતા એ કૃત્ય ઉપર પસ્તાવો થઈ રહ્યો હતો. છોકરી તો નિર્દોષપણે છોકરાના ચહેરાના બદલાયેલા ભાવ જોઈ રહી હતી. એને તો કશી ખબર જ નહોતી. છોકરીના ચહેરા ઉપર પ્રસન્નતા હતી. ગમતી વસ્તુનો ગુલાલ કરવાનો આનંદ હતો. પરંતુ બીજી તરફ છોકરો ભારોભાર ગ્લાનિ અનુભવી રહ્યો હતો. તેને પશ્ચાતાપ પણ થઈ રહ્યો હતો. છતા તે એવા સંજોગ ઉપર હતો કે તે પોતાના કૃત્ય વિશે છોકરીને કશું કહી શકે એમ પણ નહોતો અને મનનો ભાર હળવો પણ કરી શકતો નહોતો.

જો તમે પ્રેમ અથવા કોઈ પણ સંબંધમાં પારદર્શક રહો છો તો તમારું મન સદા પ્રફુલ્લિત, આનંદીત, જૉયફુલ રહે છે. તમારા મન ઉપર કશા જ દંભ, આડંબર, કે કશી હીન ભાવનાનો ભાર રહેતો નથી. તમે ખોટું કરો ત્યારે તમારે ઘણી બધી બાબતો યાદ પણ રાખવી પડે છે. પરંતુ જો તમે સાચા જ હો અને હંમેશા સાચા રસ્તે જ ચાલ્યા હો ત્યારે તમારે કશું યાદ રાખવાની જરુર રહેતી નથી. પ્રેમનો ફંડા આપણને જીવન જીવતા પણ શીખવે છે.

આજે સંબંધની મધુરતાની વાત કરીએ. ગઝલકાર ‘મરીઝ’નો એક શે’ર યાદ આવે, “બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.” જ્યારે બે વ્યક્તિ દિલથી મળે છે ત્યારે ભલે એ બે જ વ્યક્તિ હોય તેમ છતા એનું મહત્વ અનેકગણું વધી જાય છે. એથી ઉલટું જ્યારે દિલ વિના, સાવ ઉપરછલ્લા દેખાવ ખાતર એક-બે નહીં પણ લાખો લોકો મળે તો પણ એનું કોઈ મહત્વ રહેતું નથી.

આજનો સમય દેખાવનો છે. શો-બિઝ બધાને ગમે છે. ભીતરની સુંદરતા વિશે કોઈ ઝાઝી ચિંતા કરતું નથી. બહારનો દેખાવ હોવો જોઈએ. ઠાઠ અને ભપકાથી એક વ્યક્તિ બીજી વ્યક્તિને આંજી દેવા સતત પ્રયાસરત હોય એ આજના સમયની કઠોર સચ્ચાઈ છે. સંબંધમાં મીઠાશ, મધુરતા કઈ રીતે લાવી શકાય? સંબંધની મધુરતા એટલે સમજ અને સમજણ.
દરેક સંબંધમાં સમજણનો અવકાશ જરુરી છે. એકમેકને સમજી શકે એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. જો એકબીજાને સમજી શકે એવી વ્યક્તિ મળે તો બેડો પાર. દરેક વ્યક્તિને એમ જ લાગતું હોય કે પોતે તો ખોટા હોઈ શકે જ નહીં. પોતાની વાત જ સાચી છે અને પોતાની વાત સામી વ્યક્તિએ અને સૌ સમૂહે માનવાની રહે. આ પ્રકારનું માનવાનો વ્યક્તિનો વ્યક્તિગત અભિગમ કદાચ સાચો પણ હોઈ શકે. કારણ કે દરેક સિક્કાની જે બાજુ તરફ તમે ઉભા હો એ બાજુ ખરી જ હોવાની. પરંતુ એ જ સિક્કાની બીજી બાજુ પણ હોય છે, હોઈ શકે છે, એવું વિચારવાની પણ જરુર હોય છે.

જ્યારે આપણે આપણી તરફના સિક્કાની બીજી તરફ પણ જઈને નિહાળીએ તો બીજું સત્ય પણ સામે આવે. સિક્કાની બેઉ તરફનું સત્ય જોવાની ઉદારતા જરુરી છે. કોઈ વ્યક્તિ પોતાની વાત ઉપર અડગ હોય તો ત્યાં સુધી કશું ખોટું પણ નથી. દરેક વ્યક્તિને પોતાની વાત પ્રસ્તુત કરવાનો મોકો મળવો જ જોઈએ. પરંતુ દરેક વ્યક્તિ પોતાની તરફનો સિક્કો અથવા પોતાનો મુસદ્દો જ કહી શકે. ખરેખર સામી વ્યક્તિ પણ પોતાની તરફથી એટલે કે પોતાના તરફના સિક્કાની બાજુ પ્રમાણે સાચી જ હોવાની. આ સંજોગોમાં એક તરફનો મત ધરાવતી વ્યક્તિએ બીજી વ્યક્તિના સ્થાને હોય તેવી અનુભૂતિ સાથે પણ વિચારવું જોઈએ.

સંબંધમાં મધુરતા માટે સમજ અને સમજણ સાથે એકમેકના વિચારોને આદર આપવાનું પણ એટલું જ મહત્વ છે. આપણા વિચારો હંમેશા સામી વ્યક્તિ ઉપર લાદી શકાય નહીં. જો તમારો વિચાર ઉમદા છે તો સામી વ્યક્તિનો વિચાર પણ ઉમદા હોવાનો અભિગમ કેળવીએ. મતભેદ હોઈ શકે પરંતુ એવા મતભેદ જો મનભેદ કરાવનારા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. મતભેદ ઉભા થવાના કારણમાં પણ સમજ અને સમજણ અગત્યનું પરિબળ છે.

સંબંધમાં ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે સમજણનો પાયો દૃઢ હોય તો મુશ્કેલી પડતી નથી. એક દંપતીની વાત કરીએ. બેઉ વચ્ચે સાવ સામાન્ય વાતમાં મતભેદ અને અણબનાવ બનતા રહે. પરિસ્થિતિ એ હદે આગળ વધી કે એક જીવનસાથીની સાવ સાચી વાત પણ બીજા જીવનસાથીને ખોટી અને બદઈરાદાવાળી જ લાગે. ગુજરાતી કહેવત છે કે “જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ.” જો આપણે કોઈ પણ બાબતને હકારાત્મક રીતે જોવાનો અભિગમ કેળવ્યો હશે તો આપણને બધી જ બાબતો સારી જ લાગશે. પરંતુ જો આપણો અભિગમ કોઈ પણ બાબતને વાંકી નજરે, વક્ર દૃષ્ટિથી જોવાનો જ રહે તો એવી અવદશાનો તો કોઈ ઉપાય જ નથી.

દરેક સંબંધમાં આથી જ સમજણનો પાયો મજબુત બને એ દિશામાં ભાર આપવામાં આવે છે. દરેક સંબંધમાં ગેરસમજણના કારણે જ તિરાડ પડતી હોય છે. ગેરસમજણના સરવાળા થતા જાય એમ એમ આવી તિરાડ મોટી અને પહોળી પણ થતી જાય છે. જ્યારે દોરાને અથવા દોરડાને બેઉ તરફથી જોર કરી કરીને ખેંચવામાં આવે તો એક સમય એવો આવે છે કે દોરો અથવા દોરડું બેઉ તરફથી તૂટી જતું હોય છે. આમ બેઉ તરફથી ખેંચનારના હાથમાં થોડાક રેસાઓ કે ટુકડાઓ સિવાય કશું જ બચતું નથી.

હિન્દી ફિલ્મનું બમ્બૈયા ગીત યાદ આવે છેઃ “મતલબ નીકલ ગયા તો કોઈ જાનતે નહીં, ઈતના બદલ ગયે હૈ કિં પહચાનતે નહીં.” જીવનમાં આ ગીતના સંજોગો જેવી પરિસ્થિતિ આપણામાંથી સહુ કોઈએ અનુભવી જ હોય. દરેક વ્યક્તિના સંબંધના તાર બીજી વ્યક્તિ સાથે મોટા ભાગે કોઈને કોઈ સ્વાર્થ, ગરજ, મતલબ, અપેક્ષાને લઈને જ જોડાયા હોય છે. જ્યારે સંબંધમાં સ્વાર્થ, ગરજ, મતલબ કે અપેક્ષા યા કામ પુરું થઈ જાય પછી સંબંધના દરિયામાં ઓટ આવવા માંડે છે. સવાલ એ છે કે સ્વાર્થ, ગરજ, મતલબ, અપેક્ષા કે કામ પુરું થઈ જાય પછી?

એક જાણીતી ગુજરાતી કહેવત છે કે “સગાં સૌ સ્વાર્થનાં…” ગુજરાતી કહેવતો અને રુઢિપ્રયોગો એ આપણી ભાષાની સમૃદ્ધિ છે. એમાં આપણા વડીલો-પૂર્વજોનો અનુભવવારસો – અનુભવવાણી છે. સગપણ કોઈ પણ હોય, એમાં સ્વાર્થ હોવાનો. એથી ઉલટું કોઈ પણ નામ વિનાના સંબંધમાં સ્વાર્થ ન જ હોય. જ્યાં તમે કોઈ પાસે કશુંક મેળવવા માટે સંબંધ રાખ્યો જ ન હોય એટલે એમાં સ્વાર્થ નહીં જ આવે. “સગાં સૌ સ્વાર્થનાં” આ કહેવતને ટાઈટલ તરીકે લઈને ગુજરાતી ફિલ્મ અને નાટક પણ બન્યાં છે.
ચીની ભાષામાં પણ આવી જ એક કહેવત છે કે “વૃક્ષ પાસે બધા ફળની લાલચથી જ આવે છે અને થોરની નજીક જવાનું કોઈ પસંદ પણ કરતું નથી.” આપણી સામાજિક વ્યવસ્થામાં પણ આ વાત આપણને જોવા યા અનુભવવા મળતી હોય છે. ચીની ભાષામાં એમ પણ કહ્યું છે કે સાકર હોય ત્યાં જ બધા કીડા-મકોડા ઉભરાતા હોય છે. તમે જો ઢોળાયેલી સાકર સાફ કરી લો અથવા ભેગી કરી લો એટલે સ્વાર્થનાં બધાં જ સગાં વેરવિખેર થઈ જશે. ઘણી વાર સાકરને પણ ખબર હોય કે આ બધા ઠાઠમાઠ ગળપણ પડ્યું છે ત્યાં સુધી જ છે.

અમદાવાદના નરેશભાઈની વાત કરીએ. શહેરના સારા વિસ્તારમાં મોકળાશભર્યું ઘર અને નોકર-ચાકર. આથી શહેરના સ્વજનો અને મિત્રો અવારનવાર મહેમાન બને. બહારગામથી પણ સ્વજનો અને મિત્રો માટે નરેશભાઈનું ઘર જાણે ગેસ્ટહાઉસ-અતિથિગૃહ. તેઓ મનમાં રાજી થાય કે ઘર ભર્યું ભર્યું લાગે છે. ઢળતી ઉંમરે નરેશભાઈ એકલા પડ્યા. દીકરા અને દીકરીએ પરણીને પોતાની નવી દુનિયા વસાવી લીધી. ઘરખર્ચમાં કાપ મૂકવો પડ્યો. બસ હવે એ જ સ્વજનો અને મિત્રો તેમના ઘરે ફરકતાં પણ નથી.

જીવનમાં સંબંધના સરવાળા અને બાદબાકી વિશે પણ વાત કરીએ. આપણા સૌનાં જીવનમાં આવા પ્રસંગ આવ્યા જ હોય કે જ્યારે આપણને એ વાતનો ખ્યાલ આવી જાય કે કોઈ પણ સંબંધમાં સ્વાર્થ નામનું તત્વ સ્થુળ યા સુક્ષ્મ રુપે સમાયેલું જ છે. નરેશભાઈ જેવા જ અનુભવ સૌને જીવનના કોઈને કોઈ તબક્કે થયા જ હોય કે જ્યારે સંબંધમાં ગળપણ હોય ત્યારે સૌ સ્વજનો ઉભરાતા રહે. તમારી પાસે ભૌતિક સુખ-સગવડો અને પૈસો ઘટવા માંડે યા ખતમ થવા માંડે ત્યારે સાચા સ્વજનનો ખરો પરિચય થવા માંડે છે. જેમ ગળપણ ઘટતું જાય એ પછી બધાં સગાં-વહાલાં વેરવિખેર થવા માંડે છે. બધા વિખેરાઈ જાય તે પછી પણ સાથે રહીને સાથ આપે તે જ સાચા સ્વજન અને મિત્ર. મુશ્કેલીના સમયમાં જ સ્વજન-મિત્રને ઓખળી-પારખી શકાય છે.

જસ્ટ ટ્વીટઃ
“સંબધની સુવાસ એટલે બે વ્યક્તિ વચ્ચેના સમજણના સેતુમાંથી વ્યક્ત થતું માધુર્ય.”
– ઓશો

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ આવી અનેક વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી