“લવ એન્ડ ઈમોશન્સ્” – હેન્ડલ વિથ કેર – સંબંધની ગાડી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ અપેક્ષાના સ્ટેશન વધતા જ જાય છે….

નેધરલેન્ડના ડચ ચિત્રકાર રેમ્બ્રાં(૧૬૦૬-૧૬૬૯)એ કહેલું કે “સ્ત્રી ખુદ કળા અને સૌંદર્યનું જીવંત દૃષ્ટાન્ત છે. સ્ત્રીની હંમેશા કદર જ કરવી જોઈએ. ભલે એ કોઈ પણ સંબંધ અને કોઈ પણ સ્વરુપમાં હોય. સ્ત્રી મા, હોય, બહેન હોય, પ્રેયસી અને પત્ની હોય કે દીકરી હોય અથવા કોઈ પણ સંબંધ હોય. પૃથ્વી ઉપર ઈશ્વરનું જીવંત સ્વરુપ એટલે સ્ત્રી.”

ઋગ્વેદના સંસ્કૃત સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે “भोजनेसु माता, शयनेसु रंभा, सेवेसु दासी, कार्येसु मंत्री.” દરેક સ્ત્રી જુદા જુદા સમયે જુદી જુદી ભુમિકા નિભાવીને પોતાનું ધ્યાન રાખવાનું વિસરી જઈને પણ ઘર-પરિવારની પ્રાથમિકતાઓને જ પ્રાયોરિટી આપે છે. એકવીસમી સદીમાં છેક સને 2003માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ મનાવવામાં આવ્યું અને પ્રતિ વર્ષ વિશ્વ મહિલા દિવસ પણ મનાવાય છે. આજની નારી નોકરી-વ્યવસાય કરીને ઘરમાં પિતા-પતિ-પુત્ર-પુરુષવર્ગને આર્થિક સહયોગ પણ આપે છે. આવી દરેક નારીએ સ્વયંને એક સવાલ પુછવા જેવો છે કે “શું તે પોતે ઘર-પરિવાર માટે નાણાં કમાઈ આપીને મદદરુપ થવાનું મશીન તો નથી ને?”

સ્ત્રીના જન્મથી લઈને જીવનના સરેરાશ વીસ-વીસ વર્ષના ત્રણ તબક્કા ગણીએ તો પહેલા તબક્કામાં પિતા, બીજા તબક્કામાં પતિ અને ત્રીજા તબક્કામાં પુત્ર (જો હોય તો) પ્રેમ, લાગણી અને સંભાળના આવરણ નીચે મોટા ભાગના કિસ્સાઓમાં માલિકથી કમ વર્તાવ કરતા નથી. મેરેજ એન્ડ લવમેરેજ ફંડા વિશે આપણે કેટલા ખબરદાર અને કેટલા બેખબર છીએ? ફિલિંગ્સની સુગંધના બેક-સ્ટેજમાં ઓનરશિપની દુનિયા સમય જતા કેવી બદબૂદાર બની જાય છે, એની સેન્સિટીવ વાત પણ કરીએ.

આપણે સરેરાશ આયુ 60 વર્ષ ગણીએ તો સામાન્ય રીતે દરેક સ્ત્રીના જીવનમાં વીસ-વીસ વર્ષની સરેરાશના ત્રણ તબક્કા જોવા મળે. પહેલો તબક્કો જન્મથી લઈને યુવાવય અને લગ્ન પૂર્વનો ગાળો. બીજો તબક્કો લગ્નથી શરુ કરીને સરેરાશ વીસ વર્ષ તથા ત્રીજો તબક્કો ચાળીસ અથવા એ પછીથી લઈને મૃત્યુ સુધીનો ગાળો. પહેલા તબક્કામાં પિતાની છત્રછાયા, બીજા તબક્કામાં પતિની છત્રછાયા અને ત્રીજા તબક્કામાં દીકરાની છત્રછાયા. મોટા ભાગના કિસ્સામાં છત્રછાયાના બદલે પુરુષનું માલિકીપણું કહીએ તો યોગ્ય જ ગણાશે. વાત ફિલિંગ્સના બેક-સ્ટેજમાં ઓનરશીપની છે.

સમાજની આપણી સરેરાશ અને સામાન્ય વ્યવસ્થા એવી છે કે દીકરી જન્મથી લઈને 20 વર્ષની થાય ત્યાં સુધી તેના ઉપર પિતા અને ક્યાંક ભાઈની છત્રછાયા હોય. એક અર્થમાં તો પુરુષનું આ માલિકીપણું જન્મથી શરુ થાય. પિતા માલિકના અર્થમાં નથી છતા પિતાના પ્રેમ આગળ દીકરી પરવશ બનીને કહ્યાગરી થઈને વર્તન કરે.

એકવીસ વર્ષની ઉંમરે અથવા સ્ત્રી લગ્ન કરે તે ઉંમરથી લઈને જિંદગીના બીજા વીસ વર્ષના તબક્કા માટે સ્ત્રી ઉપર ચાળીસ અથવા પિસ્તાળીસ કે પચાસ વર્ષ સુધી તેના પતિનું માલિકીપણું જાણે-અજાણે પણ હાવી થઈ જાય છે. નોકરીયાત પત્નીને પતિ મોબાઈલ કરે “ક્યાં છું? મોબાઈલ કેમ એન્ગેજ આવતો હતો? કોનો ફોન હતો? ઓફિસથી નીકળી કે નહીં? કેટલા વાગે આવીશ? આજે મોડું કેમ થયું? હું લેવા આવું? હું મૂકવા આવું?” વગેરે ઉપાયો પહેલી નજરમાં તો સ્ત્રીને એમ જ લાગે કે પતિનો પ્રેમ છે. પરંતુ સુક્ષ્મ અવલોકન કરો ત્યારે આવી કેર-ટેકિંગમાં જાસુસી જ હોય છે.

ત્રીજા તબક્કાની વાત કરીએ. સ્ત્રીના જીવનના ચાળીસ-પિસ્તાળીસ-પચાસ વર્ષ પછી જો તેને સંતાનમાં દીકરો હોય તો તે દીકરો પોતાની મા ઉપર માલિકીહક્ક ભોગવવાનું શરુ કરી દે. વર્ષોની સરેરાશ સ્થિતિ બદલાતી પણ રહે. દીકરો સમજણો થાય અથવા વીસેક વર્ષનો થાય ત્યારથી પોતાની મા ઉપર માલિક તરીકે આધિપત્ય અને હુકમ ચલાવતો થઈ જાય. કેટલાક કિસ્સામાં સ્ત્રી ચાળીસ-પિસ્તાળીસ-પચાસ વર્ષની થાય ત્યાં સુધીમાં પતિ અને પુત્ર એમ બે માલિક થઈ જાય એવું પણ બનતું જોવા મળે છે. બાહ્ય દેખાવમાં તો એમ જ લાગે કે પતિ અને પુત્ર કેરિંગ નેચરના છે. સ્ત્રીની કેટલી બધી કાળજી રાખે છે, એવું લાગે. પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી.

વાત શ્વેતાની કરીએ. ચાર સંતાનોમાં શ્વેતાને મા-બાપના ઘરે હંમેશા ઓછું આવે. છતા સગા મા-બાપનો સુક્ષ્મ ભેદભાવ જતો કરીને ભણી-ગણીને આગળ વધી. સરકારી અધિકારી તરીકે નોકરી કરતી શ્વેતાના લગ્ન અમદાવાદના કોટ વિસ્તારમાં છાપરાવાળા ઘરમાં રહેતા પરિવારના સામાન્ય યુવક યોગેશ સાથે કરવામાં આવ્યા. યોગેશ કોઈ નોકરી કરતો નહોતો. માત્ર છુટક અને પરચુરણ કામ કરતો. આમ છતા શ્વેતાએ પોતાની જિંદગી સારી રીતે પસાર થાય એવા આશયથી સામાન્ય ઘર-પરિવાર અને સાવ સામાન્ય યુવાન પતિ તરીકે પસંદ કર્યો. શ્વેતાને એમ હતું કે સામાન્ય સાસરિયાં હોય અને સાધારણ યુવક હોય તો કોઈ માથાકૂટ વિના જીવન શાંતિથી પસાર થઈ શકે.

હવે આ તરફ લગ્નના પહેલા જ દિવસથી પતિ યોગેશની નજર પત્ની શ્વેતાની સરકારી નોકરી અને સરકારી સ્કેલ પ્રમાણેના તગડા પગારના આંકડા ઉપર જ રહેલી. આજે લગ્નના વીસ વર્ષ પૂરા થયા હોવા છતા અને નોકરીઓ મળતી હોવા છતા યોગેશે કોઈને કોઈ બહાનાઓ કાઢી કાઢીને નોકરી કરવાનું ટાળ્યું. તે છુટક અને પરચુરણ કામ કરે. કોઈ કોલ કરે કે બોલાવે તો કામ કરવા જાય. એવા છુટક કામોમાંથી તેને જે રકમ આવક તરીકે મળે એ રકમ તે ઘરમાં ઘરખર્ચ તરીકે આપવાના બદલે પોતાના પોકેટમની તરીકે જ ઊડાવી દે.

શ્વેતાએ સમજ કેળવવી પડી કે ઘરનો ખર્ચ તેણે જ ઊપાડવાનો છે. (1) ઘર ખરીદ્યું તેનો હાઉસિંગ લોનનો હપતો, (2) અનાજ-કરિયાણું, (3) લાઈટબિલ, (4) કાર-લોનના હપતા, (5) દીકરો અને દીકરીની સ્ટડી ફી તથા ટ્યુશન ફી સહિત બધો જ ખર્ચો શ્વેતાના પગારની રકમમાંથી કરવાનો રહે. હદ તો ત્યારે થાય કે યોગેશ બાળકોના માનસને એમ કહીને મા વિરુદ્ધ બહેકાવે કે જુઓ, તમારી માને તમારી સારસંભાળ માટે સમય જ મળતો નથી. શ્વેતા એકવીસમી સદીની નારી છે. પરંતુ તે આજે જિંદગીના પિસ્તાળીસમા કે પચાસમા વર્ષે કોને ફરિયાદ કરવા જાય કે પોતાનો પતિ આવો નમાલો છે.

એંગ્લો-આઈરિશ લેખક-કવિ અને “ગુલિવર ટ્રાવેલ્સ”ના સર્જક જોનાથન સ્વિફ્ટ (1667-1745)એ 78 વર્ષની આયુમાં ઘણી બધી નોંધપાત્ર કૃતિઓ આપી છે. તેઓએ કહ્યું છે કે “માનવજીવનમાં સંબંધોની સુવાસ ખુબ મહત્વ ધરાવે છે. સંબંધોમાં વિશાળતા અને વ્યાપકતા હોવી જોઈએ, સંકૂલતા નહીં. સંબંધમાં વૈચારિક અવસ્થા ઉદાર જોઈએ, સંકીર્ણ નહીં. અન્યથા સંબંધ કાચના વાસણની માફક તૂટી જશે અને કદાચ કાચને ફરી સાંધી શકાય, તૂટેલા સંબંધને ક્યારેય નહીં.”

જોનાથન સ્વિફ્ટની વાત ખરેખર સાચી છે. સંબંધ એક વાર તૂટી જાય તો પછી એને ફરીથી પૂર્વવત્ બનાવી શકાતો નથી. સંબંધમાં સાંધો મારો કે રેણ કરાવો તો પણ જોઈ શકાય એમ તે ડોકાતું રહે છે. સંબંધને કાચના વાસણની જેમ સાચવવો જોઈએ. અલબત્ત કાચનું વાસણ તૂટી જાય તો સાંધી ન જ શકાય. અથવા કદાચ સાંધી પણ શકાય. જ્યારે સંબંધમાં એવું શક્ય બનતું નથી.

જ્યારે દામ્પત્યજીવનમાં પણ ચકમક ઝરે અને વીજળી પડે પછીનો વરસાદ કદાચ એસિડ વર્ષા જેવો દાહક હોય છે. એક હિન્દી ગીતની પંક્તિ છે કે “વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમલિક, ઉસે ઈક ખુબસૂરત મોડ દે કર છોડ દેના અચ્છા.” ઈલાસ્ટિક અથવા રબ્બર બની જતા સંબંધોને તાણી-તુસીને જકડી રાખવા અથવા પકડી રાખવાનો કશો અર્થ નથી. એ વારંવાર ખેંચાતા રહે છે અને રબ્બર-ઈલાસ્ટિક સમાન સંબંધના બેઉ તરફના છેડાને પકડી રાખનારને હાનિ પહોંચાડતા રહે છે.

સંબંધનું સાયુજ્ય રચાયું હોય ત્યારે એમાં પરસ્પર સ્નેહ અને આદર પણ જરુરી છે. સમર્પણભાવ પણ એમાં આપોઆપ આવી જાય. બેઉ પક્ષે જો સપ્રમાણ આદર ન હોય અને એકબીજા તરફ સંભાળ અને લાગણી ન હોય ત્યારે સંબંધની ઉષ્મા પણ ઊડી જતી હોય છે. માત્ર એકતરફી આદર અથવા સન્માન કોઈ પણ સંબંધમાં હોઈ શકે નહીં. સન્માન આપવાથી મળે છે અને આદર પણ આપવાથી મળે છે. સંબંધ એટલે કાચનું વાસણ અથવા સંબંધ એટલે મર્ક્યુરી – પારો. પારો તમારા હાથમાં મુલાયમ માવજતથી જળવાય તો સારું, નહિ તો એક વાર તમારા હાથમાંથી પારો સરી પડે તો પછી જમીન પરથી પારો ફરી વાર ભેગો કરી શકાતો નથી.
દરેક સંબંધ પ્રેમ નામના શબ્દથી શરુ થાય તો મજાની વાત છે. પરંતુ સંબંધની ગાડી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ અપેક્ષાના સ્ટેશન વધતા જ જાય છે. અપેક્ષાના દરેક સ્ટેશન ઉપર પ્રેમની કે સંબંધની ગાડી રોકાઈ જતી હોય છે. રોકાયેલા સંબંધમાં અપેક્ષા એ રેડ સિગ્નલ છે. રેડ સિગ્નલ જોયા પછી ચેતી જવાનું હોય છે. સંબંધમાં એકમેકને સ્પેસ આપવી એટલે કે સ્વતંત્રતા આપવી એને ગ્રીન સિગ્નલ કહી શકાય. જ્યારે અપેક્ષાના સ્ટેશન ઉપર સંબંધની ગાડી રોકાઈ જાય ત્યારે આપણે એકમેકને સ્પેસ નામનું ગ્રીન સિગ્નલ આપીને ગાડીને ફરી પાછી આગળ વધારવી જોઈએ.

ઘણી વાર સાવ નાની નાની વાતોમાં એકબીજાને પોતાના ઈગો હર્ટ થયાની અનુભૂતિ થતી હોય છે. જો એકબીજા વચ્ચે સમજણ હોય અને પ્રેમ હોય તો બે વ્યક્તિ પછી બે રહેતી નથી પરંતુ એક બની જતી હોય છે. એકાત્મપણું હોય તો પછી ઈગોની વાત ક્યાંથી આવે? જો તમને હર્ટ થયાની ભ્રાન્તિ થતી હોય તો સંબંધની નાવમાં કાણું પડી જાય છે એટલે કે સંબંધમાં તિરાડ પડી જતી હોય છે. નાની નાની તિરાડ કે તકરાર સમય જતા સંબંધ વચ્ચે દીવાલ બનીને ઉભી થઈ જાય છે. આવા વિવાદ કે વિખવાદથી બચતા રહેવાની કળા પણ દરેક વ્યક્તિએ સમજવાની હોય છે. ઈગો હર્ટ ન થાય એ માટે લેટ ગો – જતું કરવાની ભાવના વ્યક્ત કરવી જોઈએ. પ્રિયજનને ગમતું કરીએ તો વિવાદ કે વિખવાદ થશે જ નહિ. બે વ્યક્તિ વચ્ચે આવી અન્ડરસ્ટેન્ડિંગ હોવી એ જ પ્રેમની પૂર્વશરત છે. જો બે જણા વચ્ચે સમજણનો સેતુ મજબુત નહિ હોય તો સંબંધની ગાડી આગળ કેવી રીતે વધશે?

એક યુગલની વાત કરીએ. પતિને હંમેશા ફરિયાદ રહે કે તેની પત્ની તેની કાળજી લેતી નથી અથવા તેની બરાબર સંભાળ રાખતી નથી. સામે પક્ષે તેની પત્નીને પણ કાયમ એમ જ લાગ્યા કરે કે તેનો પતિ તેના તરફ ધ્યાન આપતો નથી, પોતાની કાળજી લેતો નથી કે પોતાની સંભાળ રાખતો નથી.

પત્નીનું કહેવું એમ હતું કે તેના પતિ કાયમ પોતાના નોકરીના કામકાજમાં જ રચ્યા-પચ્યા રહે છે. ઘરની કે પરિવારની કોઈ ચિંતા કરતા નથી અને તેની (પત્નીની) કે બે સંતાનની પણ કોઈ ખાસ કાળજી રાખતા નથી. જાણે ઘર-પરિવાર પ્રત્યે પોતાની કોઈ ફરજ જ ના હોય એવી રીતે વર્તે છે. માત્ર ઘરખર્ચ અથવા આખો પગાર ઘરે આપી દેવાથી પુરુષ તરીકે તેની ફરજ પુરી થઈ ગઈ છે, એમ માનવું પલાયનવાદ નથી તો શું છે. જ્યારે સામે પક્ષે પતિનું પણ વળી એવું વલણ હોય કે તેની પત્ની તેના તરફ ધ્યાન આપતી નથી અને ઘર-પરિવારની તથા સંતાનોની કામગીરીમાં જ રચી-પચી રહે છે. આમ અન્યોન્ય આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલ્યા કરે પરંતુ એથી સંબંધોમાં મીઠાશ નહીં, કડવાશ જ ભળતી રહે છે.

જસ્ટ ટ્વીટઃ

“જીવનકાળમાં દરેક વ્યક્તિ પોતપોતાની ગરજ પ્રમાણે એકમેક સાથે વ્યવહાર કરે છે. ગરજ વિનાનો અને મતલબ વિનાનો યા કોઈ પણ લાલચ વિનાનો વ્યવહાર એટલે માત્ર અને માત્ર પ્રેમ. જેમાં કોઈ સ્વાર્થ ન હોય એ સંબંધનું નામ પ્રેમ.”
– નિત્સે

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ અવનવી અલગ અલગ વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી