ચહેરા ઉપર ચહેરાની દુનિયા એટલે છળ-કપટ ને લોભ-ઈર્ષા – વાંચો દિનેશ દેસાઈની કલમે..

Conceptual photo of a marital infidelity

જે. કૃષ્ણમૂર્તિ માનવીના સ્થુળ દેહ અને સુક્ષ્મ દેહને આ રીતે સમજાવતા કે “દરેક માણસ જે ભીતરથી છે, તેવો જ બહાર પણ હોય એવું હંમેશા બનતું નથી. માણસ જેવો દેખાય છે, એવો હોતો નથી. માણસ આત્મારુપ બની શકતો નથી. કારણ કે સ્વભાવ આડો આવે છે.”

હિન્દી ફિલ્મની ગીતપંક્તિની જેમ “એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હૈ લોગ…” સામાજિક પ્રસંગો અથવા સમુહ મિલન-મુલાકાતોમાં જ્યારે બે વ્યક્તિ મળે ત્યારે પોતે સુખી હોવાનો અવશ્ય દાવો કરે. પરંતુ તે વ્યક્તિ કદાચ પોતાની જાતને છેતરી રહી હોય છે. પોતે જ પોતાને સવાલ પુછવાની જરુર હોય છે કે તે ખરેખર સુખી છે?

સામાજિક પ્રસંગોએ તો લોકો એકમેકને એવા ઉમળકા અને પ્રેમથી મળતા હોય છે કે જાણે એકમેક સાથે કેટલો બધો પ્રેમ અને લાગણીનો નાતો છે. પરંતુ તેમના ચહેરાને વાંચતા જ ખ્યાલ આવી જાય કે આ તો પ્લાસ્ટિકનું સ્માઈલ છે. જાણે લોકો ખુશી, સ્મિત, આનંદનો ચહેરા ઉપર મેકઅપ કરીને જ ઘર બહાર નીકળતા હોય એવું જોવા મળે.
દરેક માણસ જ્યારે એકમેકને મળે ત્યારે એમ પુછે છે કે “ કેમ છો?” અને જવાબમાં સામી વ્યક્તિ કહે છે કે “મજામાં…” પરંતુ શું ખરેખર વ્યક્તિ મજામાં હોય છે ખરી? આ જવાબથી સામી વ્યક્તિને કોઈ ફેર ન પણ પડે. પરંતુ “મજામાં…” કહીને આપણે આપણી જાતને જ છેતરતા હોઈએ છીએ.

દરેક વ્યક્તિ પહેલી વાર જ્યારે એકબીજાને મળે છે તે ઉષ્મા અને સુષ્મા દરેક વખતની મુલાકાત વખતે કેમ અનુભવાતી નથી? આપણે જેમને ઓળખતા હોય તેમને ફરી મળવાનો ઉમળકો થાય એવું ઓછું બને છે. કારણ કે બે અજાણ્યા માણસ પહેલી વાર મળે ત્યારે એકમેકની કોઈ જ ખામી-ખુબી જાણતા ન હોવાથી એકસરખાપણું અને સંવાદીતા પણ જળવાઈ રહે છે. કોઈ પણ વ્યક્તિને ખોતરો તો ઘાવ જોવા મળે અથવા નવા ઘાવ પણ પડે. ઢંકાઈ રહેવાનું આ સુખ છે, જે સંબંધની ઉષ્મા અને સુષ્મા પણ જાળવી રાખે છે.

બે અજાણી વ્યક્તિ એકમેક વિશે કશું જાણતા ન હોય અથવા જણાવવા પણ ન માગતા હોય એ પણ એક અર્થમાં તો તંદુરસ્ત સંબંધ જાળવી રાખવા માટેની સારી નિશાની જ છે. ઘણા કિસ્સામાં અપરિચિત વ્યક્તિ એકમેકને આંજી નાખવા અને પોતાના પ્રભાવ હેઠળ લઈ લેવા જ પ્રયાસ કરતી હોય છે. અજાણ્યા હોવાનું આ સુખ છે. કોઈ જાતનો ભાર રહેતો નથી. કોઈ પદ, ધન, કીર્તિ કે મોભો વગેરેનો ભાર મૂકીને સંબંધનો સરવાળો કરવા જેવો છે. આમ કરવું સહેલું નથી તો અઘરું પણ નથી.

સંબંધ નિભાવવામાં આપણે જાણીએ છીએ કે પહેલી, બીજી કે ત્રીજી મુલાકાત સુધી અપરિચિતતા અથવા બાહ્ય મેકઅપ અથવા દંભ યા શિષ્ટાચાર ટકી જાય છે. બે વ્યક્તિ એકમેકની નજીક આવે તેમ એકમેકને ઓળખતી પણ થાય છે. આપણે જેનાથી પરિચિત હોઈએ છીએ તેને મળવામાં સુખ મળતું નથી, કારણ કે આપણને ખબર હોય છે કે દુઃખ, વિષાદ, વેદના, આંસુ, તિરસ્કાર અને દુશ્મની હંમેશા આપણા પોતાના જ આપણને આપતાં હોય છે. અજાણી વ્યક્તિ કે જે આપણને ઓળખતી જ ના હોય તે વ્યક્તિ ભલા આપણને દુઃખ દઈ જ શકે, કઈ રીતે? એવું શક્ય જ નથી. આથી આપણને દુઃખ દેવા માટે સામી વ્યક્તિએ આપણી સાથે પહેલા તો પરિચય-સંપર્ક કેળવવો પડે અને સંબંધ બાંધવો પડે.

દુઃખ તો આપણાં પોતાનાં જ આપણને આપતાં હોય છે. જાણીતી વ્યક્તિને જ આપણા વિશે ખબર હોય છે કે આપણને કઈ જગ્યાએ પ્રહાર કરવામાં આવે તો વાગે અને દુઃખ થશે. આપણને ન ઓળખતી અને સાવ અજાણી વ્યક્તિને તો શું ખબર હોય કે આપણા ઘાવ ક્યાં અને કયા કયા છે. વ્યક્તિ અંદરથી અને બહારથી જુદી હોય છે.

વ્યક્તિ બહાર ખુશી સજાવી રાખે છે અને પોતાનાં દુઃખ-દર્દ ભીતર છુપાવી રાખે છે. પરંતુ જ્યારે સંબંધમાં સામીપ્ય ને નિકટતા કેળવાતી જાય ત્યારે એક વ્યક્તિ સામી વ્યક્તિમાં વિશ્વાસ મૂકતો જાય અને ખુલ્લી થતી જાય છે. આવું ખુલ્લાપણું વિશ્વાસના પાયા ઉપર ટકેલું હોય છે. પરંતુ મોટા ભાગના સંબંધોમાં વિશ્વાસનો લોપ થઈ જતો હોય છે અને અહીં જ સંબંધમાં પૂર્ણવિરામ પણ મૂકાઈ જતું હોય છે.

પ્રેમની ભાષા એટલે મૌન. પ્રેમનો શબ્દ જો કોઈ હોય તો એ ઋતુ વસંત. પ્રેમ તમારી ભીતર ખીલવા માડે ત્યારે ચમત્કાર સર્જાતો હોય છે અને તમને મનની શાંતિ અનુભવાતી હોય છે. પ્રેમ તમારી બહાર પણ ખીલવા માંડે ત્યારે તમારું સમગ્ર વ્યક્તિત્વ મ્હોરી ઊઠતું હોય છે. તમે સુગંધિત બની જાઓ છો. તમારા મનના વિચારો અને તમારા વ્યક્તિત્વમાંથી હંમેશા પૉઝિટીવ ઍનર્જી છલક્યા કરતી હોય છે. આ જ તો પ્રેમનો જાદુ છે. ધ મેજીક ઑફ લવ.

અંગ્રેજી સાહિત્યકાર જોનાથન સ્વિફ્ટ લખે છે કે “પ્રેમ તમને જીવન જીવતા શીખવાડે છે. પ્રેમ તમને માનવ્યનું વરદાન આપે છે. પ્રેમ વિના જીવન માત્ર ખાલીપો છે.”

પ્રેમની ભાષા એટલે મૌન અને પ્રેમનો શબ્દ એટલે ઋતુકલ્પ વસંત. જ્યારે પ્રણયને પાંખ આવે અને હૃદય ગગનવિહાર કરવા લાગે છે ત્યારે એ સ્વૈરવિહારનો આનંદ અવર્ણનીય હોય છે. એક વ્યક્તિ કશું જ ન બોલે અને બીજી વ્યક્તિ બધું જ સમજી જાય એ પ્રેમ છે. પ્રેમ એટલે મૌનની પરિભાષા. મૌનનો દસ્તાવેજ એટલે જ પ્રેમ. જ્યાં શબ્દો ઓગળતા જાય અને મૌન શ્વાસોશ્વાસ બનીને ભીતરની આરપાર અવરજવર કરતું રહે એ પ્રેમ છે.

એક સરસ મજાની સંવેદન કથા છે. એક યુવતી દરરોજ સવારે નિયમિત સમયે બસમાં મુસાફરી કરે. તેની સાથે જ મુસાફરી કરતો યુવાન એને પસંદ કરવા લાગ્યો. યુવાન એ યુવતી સાથે કોઈને કોઈ રીતે વાત કરવાનો અવશ્ય પ્રયત્ન કરતો. ક્યારેક યુવતીની બાજુની સીટ ઉપર પણ યુવાનને બેસવા મળતું ત્યારે તે ખુશ થઈ જતો. યુવતીનું ઉતરવાનું સ્થળ આવે એટલે તે ઉતરી જાય. એ પછી યુવાનને એકલું એકલું પણ લાગે. યુવતી કાળા ગોગલ્સ પહેરે તે આ યુવાનને ન ગમે. કારણ કે ગોગલ્સના કારણે યુવતીની આંખોના હાવભાવ આ યુવાન પામી શકતો નહીં.
યુવાને એક વાર કહ્યું પણ ખરું કે “તમે ગોગલ્સ કેમ કાયમ પહેરી રાખો છો, ક્યારેક ગોગલ્સ કાઢી નાખો ને…”

પરંતુ યુવતી એમ કરતી નહીં અને સામો સવાલ કરતી કે “ગોગલ્સને અને તમારી સાથે વાતચીત કરવાને કોઈ સંબંધ નથી. તમારી સાથે વાતો કરવાનું ગમે છે. એમાં ગોગલ્સ વચ્ચે આવતા જ નથી.”
એક દિવસ યુવાને પોતાના મનની વાત યુવતીને કહી જ દીધી કે “હું તમને પસંદ કરું છું, તમને ચાહવા લાગ્યો છું. હું તમારી સાથે લગ્ન કરવા માગું છું.”

હવે આ યુવતીએ પોતાની આંખો પરથી ગોગલ્સ હટાવ્યા અને કહ્યું કે “ઓહ, એમ વાત છે. ચાલો, સરસ. હું પણ તમને પસંદ કરું છું.”
યુવતીએ ઈરાદાપૂર્વક જ ગોગલ્સ આંખો પરથી હટાવ્યા હતા અને તેને જોઈને યુવાન તો ઘડીભર માટે હેબતાઈ જ ગયો. તેની પોતાની આંખો વિશ્વાસ કરી શકતી નહોતી કે તે જે યુવતીને ચાહે છે અને લગ્ન કરવા માગે છે તે યુવતીની આંખોની રોશની તો ચાલી ગયેલી છે.

યુવતીએ સવાલ કર્યો કે “કેમ, શું થયું? આમાં અચંબો પામવા જેવું કશું નથી. તું મને ચાહે છે કે માત્ર મારી આંખોને? જો મને ચાહતો હોય તો મારી આંખોની કમી તરફ જોવાની તારે કોઈ જરુર નથી અને જો તને મારી આ કમી જ દેખાતી હોય તો મારે તને પસંદ કરવાની કોઈ જરુર નથી.”

આખરે પ્રેમનો વિજય થયો. યુવાને યુવતીની આંખોની બાબતને નજરઅંદાજ કરી અને એને પોતાની જીવનસંગિની બનાવી લીધી. પ્રેમની વિશેષતા જ આ છે કે એ તમારામાં ફક્ત સારી બાબતોને જ જુએ છે. તમારી ખોડખાંપણને પ્રેમ જરા પણ જુએ નહીં ઉલટાનું પ્રેમ તો આવી બાબતોને નજરઅંદાજ કરી દેતો હોય છે.

જ્યારે કોઈ યુવાન કોઈ યુવતી સમક્ષ પ્રેમનો એકરાર કરે છે, પછી બેઉને એકમેકની ખામીઓ પણ ખુબીઓ જ લાગવી જોઈએ. પ્રેમ તમને ખામીઓ જોવા દેતો નથી. પ્રેમ હંમેશા એકબીજાની સારપને જ જુએ છે. પ્રેમ તમારી ખામીઓ, ખરાબ બાજુઓને ઢાંકી આપે છે. આ જ તો પ્રેમ છે.

જો કોઈ વ્યક્તિ એકમેકને પ્રેમ કરવાનો દાવો કરતી હોય અને પછી એકમેકની ખામીઓ અને ટીકાઓની જ ચર્ચા કરતા હોય તો એ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ નથી પરંતુ પ્રેમનો ભ્રમ-આભાસ છે. સો ટચનો પ્રેમ સોના જેવો હોય. એમાં તાંબા કે બીજી ધાતુની ભેળસેળ ન ચાલે.

જસ્ટ ટ્વીટઃ
“सभी से दूर का या पास का रिश्ता निकल आया,
जिसे भी ग़ौर से देखा वह अपना निकल आया.”
– निदा फ़ाज़ली

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ અવનવી વાર્તા અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી